બાપુજીની જગ્યા કોઈ ન લઈ શકે (નિબંધ) ~ આરતી આંત્રોલિયા

“ઈલા સ્મરે છે અહીં એક વેળા,
આ ચોતરે આપણ બે રમેલા.
દાદાજી વાતો કરતા નિરાંતે,
વહેલા જમીને અહીં રોજ રાતે.”

ચં. ચી. મહેતાનું આ ઈલા કાવ્ય જ્યારે પણ વાંચું ને સાંભરું છું ત્યારે અચૂક મને મારું બાળપણ અને મારા બાપુજી સાંભરી આવે છે.

બાપુજી એટલે મારા પપ્પાના મોટા ભાઈ જેઓ અમારા દાદાની જગ્યાએ હતા. દાદાજીને તો બહુ નાનપણમાં ગુમાવી દીધેલ આથી એમના સ્મરણો તો નથી. પણ બાપુજી સાથેના સ્મરણો તો ઘડુલો ભરીને છે.

અમે એમને “ભાઈ” કહેતા. એ સમયમાં કદાચ માબાપને મમ્મી-પપ્પાને બદલે ભાઈ-ભાભી કહેવાનું ચલણ હતું એટલે અમે બધાં ભાઈભાંડરડાં પણ એમને ભાઈ જ કહેતાં. એમનું નામ શાંતિલાલ અને નામ પ્રમાણે જ ખરેખર ખૂબ શાંત અને શાંતિપ્રિય.

મધ્યમ કદ અને મધ્યમ બાંધો. હંમેશા સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરતા. માથે કાળી ટોપી અને કપાળે કંકુનું તિલક કરતા. રોજ નિયમિત શંકરના મંદિરે બીલીપત્ર અને જળ ચડાવવા જતા. જ્યૂટ માર્કેટમાં દલાલી કરતા શાંતિબાબુની શાખ પણ ખૂબ સારી.

એમનું ભણતર પણ અંગ્રેજના જમાનાનું. કલકતાની એ સમયની ખૂબ પ્રખ્યાત કોન્વેન્ટ શાળા વેલનગોલ્ડમાં એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ભણવામાં પણ ખૂબ હોંશિયાર એ વાતનું સમર્થન આપતી એક નિશાની એટલે એમને ઈનામમાં મળેલી એક ડિક્શનરી જેમાં એમના પ્રિન્સિપાલની સહી છે, જે આજે પણ મારા ભાઈએ સાચવીને રાખી છે.

પરિવારના મોટા સંતાન હોવાની જવાબદારીને કારણે તેઓ આગળ વધુ ન ભણી શક્યા અને કામે લાગી ગયા. એમની યુવાનીના દિવસોમાં કામથી ઘરે આવ્યા પછી તેઓ ગુજરાત ક્લબમાં કેરમ રમવા જતા અને ત્યાંની લાઈબ્રેરીમાંથી પુસ્તકો પણ લઈ આવતા.

બકોર પટેલ, મિયાં ફૂસકી, જગ્ગા ડાકુ અને પછી હરકિશન મહેતાની નવલકથાઓ સાથેનો અમારો પરિચય પણ એમને કારણે જ કેળવાયો હશે એમ કહી શકાય.

એ વર્ષોમાં કલકતામાં લોડ્શેડિંગ ખૂબ થતું. સાંજે પાવરકટ થાય અને મોડે સુધી લાઇટ ન આવે ત્યારે રાત્રે ફાનસના અજવાળે જમવા અને ભણવા અમે ટેવાઈ ગયેલા. આજે યાદ કરું છું તો થાય છે, ઓહોહો અમે એ દિવસોમાં પણ કેન્ડલ લાઇટ ડિનરની જાહોજલાલી માણી હતી!

એક તો કલકતાના આકરા ઉનાળાની ગરમી અને તેમાંય પાવરકટથી કંટાળેલા અમને સૌને ‘બફા સો નફા અને વા એટલા ઘા.’ એવી કહેવત દ્વારા બાપુજી, ગરમી અને પરસેવાનો મહિમા સમજાવતા. જીવનને સકારાત્મક અભિગમે જોવાની એમની દ્રષ્ટિ ગજબ હતી.

ટેલિવિઝન પણ એ સમયે બહુ ઓછાના ઘરે, અમારા ઘરે પણ બહુ મોડુંમોડું આવેલું. શનિ-રવિવારની રાતે દૂરદર્શનમાં પિક્ચર જોવા અમે સૌ વહેલા પરવારીને ટીવી સામે ગોઠવાઈ જતાં.

ત્યારે જો લાઇટ ગુલ થાય તો અમારા સૌના મોઢા પડી જતાં અને બાપુજી હસતા હસતા કહેતા, ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.’ અને પછી ફાનસના અજવાળે અમારા સૌનો મેળાવડો જામતો, અલકમલકની વાતો થતી. અને ગરમી ને પાવરકટ થતાં પિક્ચર ન જોઈ શકાયાનું દુ:ખ ઘડીમાં ભુલાઈ જતું.

અમારા અભ્યાસની અને અભ્યાસ બહારની પણ અનેક કવિતાઓ બાપુજીના મોઢેથી સાંભળવા મળતી. ‘ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે.’, ‘રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર, મારા વતનના એ મોંઘા રતન.’, ‘નળદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી.’ આ કવિતા તો અમારા પરિવારમાં હાલરડાં તરીકે ગવાતી.

‘જાગ મુજ વહાલા બાળ પંખી વન બોલે, કૂકૂ કરે કૂકડાં, મેના-પોપટ ફૂટડા, મોર મધુર બોલે..’ આ તો મારા હૈયે એટલી વસી ગયેલી કે મારા બાળકોને ઉઠાડવા હું પણ લગભગ આ કવિતા ગાઈને એમને જગાડતી.

મેઘાણીની ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવર્ણી સમરસેવિકા કોમળ સેજ બિછાવે..’ આ કવિતા ગાતા અને તેનો અર્થ સમજાવતા બાપુજી બહુ ભાવવિભોર થઈ જાતા અને એમની સાથે સાંભળનાર અમે સૌ પણ.

‘ઈલા સ્મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણ બે મળેલા.’ આ અને આના જેવી અનેક કવિતાઓના  અમૂલ્ય ખજાના સમો રસથાળ અમને બાપુજીની પાસેથી વારસામાં મળ્યો છે. કોઈ પણ પરિસ્થિતિને સહજપણે સ્વીકારી લેવાના સંસ્કાર પણ એમના મોઢેથી સાંભળવા મળેલી વિધવિધ કહેવતોને આભારી છે.

વીસેક જણના અમારા સંયુક્ત પરિવારમાં નાના-મોટા સૌને એકસૂત્રે જોડી રાખનાર એમણે જીવનમાં અનેક  સંઘર્ષોનો સામનો શાંતિથી અને હસતાં મોઢે કર્યો. માળામાંના મણકાઓને એકસાથે મજબૂત રીતે બાંધી રાખનાર તાર કે દોરો દેખાતો નથી પણ તેનું મહત્વ જરાય ઓછું ન આંકી શકાય તેમ બાપુજીનું સ્થાન અમારા સૌના જીવનમાં સદાય અગ્રસર રહ્યું છે. એમની જગ્યા કોઈ ન લઈ શકે.

છેલ્લે કવિ શ્રી પૂજાલાલ દલવાડીની પંક્તિઓ સાથે વિરમીશ કે,

‘અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા,
વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા.

હતું એ હૈયું તો ગહનરસ ગંભીર દરિયો,
અને નૈનો ઊંડા અમરતતણા કૂપ સરખાં.’

~ આરતી આંત્રોલિયા
[email protected] 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.