તારાથી રડાય નહીં ~ વાર્તા ~ ગિરિમા ઘારેખાન

સવારે નવ વાગ્યા સુધીમાં તો ઘર આખું ભરાઈ ગયું હતું. હજુ નવા આવનારા માણસોનો ધસારો ચાલુ જ હતો. દરેક આવનારી વ્યક્તિ ગુલાબની પાંદડીઓ ભરેલી થાળી લઈને એક બાજુમાં ઊભેલી મમતા પાસે જતી, થાળીમાંથી થોડી પાંદડીઓ ઉપાડતી અને લતાબેનની પ્રદક્ષિણા કરીને છેલ્લે એમના પગ ઉપર મૂકી દેતી, પગે લાગતી અને ખસી જતી. હોંશીલા બૈરાઓએ લતાબેનને નવવધૂની જેમ શણગાર્યાં હતાં-કપાળમાં મોટો ચાંદલો, સેંથીમાં સિંદૂર, લાલચટક સાડી અને હાથમાં લાલ-લીલી બંગડીઓ. મૃત પત્નીના ચહેરા સામે એકીટસે જોઈ રહેલા સુમંતભાઈ સામે જ ઊભા હતા. રૂમમાં કોણ આવે છે અને કોણ જાય છે એનાથી એ બિલકુલ અજાણ હતા. એક તો આંખો આંસુને પકડી રાખીને ધૂંધળી થઇ ગઈ હતી અને પાછું સ્મરણોના ધાડાએ મન ઉપર એવું આક્રમણ કર્યું હતું કે દ્રષ્ટિ સામે પડદો પડી ગયો હતો. એ પડદાની અંદરની બાજુ રમી રહ્યાં હતાં એમના લતા સાથેના લગ્ન જીવનના ચાલીસ વર્ષો.

કેવો ખુ શ્બુભર્યો સંસાર હતો એમનો? દર્પણમાં પોતે જુએ અને જીવનસાથીનો ચહેરો દેખાય એવા એકરૂપ થઇ ગયા હતા બન્ને. એકના મનમાં વિચાર આવે અને બીજાની જીભ ઉપરથી એ શબ્દો બનીને ટપકે. મતભેદ જ ન થાય પછી મનભેદનો તો પ્રશ્ન જ ક્યાંથી ઉદ્ભવે? લતાએ આવીને એમની સહરા જેવી જિંદગીને લીલીછમ બનાવી દીધી હતી. એણે કાર્યેષુ મંત્રી —વાળી પત્નીની ચારેય ફરજો બરાબર નિભાવી હતી. સામે એમણે પણ લતાની દરેક ઈચ્છાને આદેશ માનીને પૂરી કરી હતી. દીકરી પરણીને સાસરે ગઈ પછી તો એમનું આખું વિશ્વ એકબીજામાં જ સમાઈ ગયું હતું. એવા મધુર દામ્પત્યનો આમ અચાનક અંત? રાત્રે સૂતી ત્યાં સુધી તો લતા બરાબર હતી. બે કલાક પછી એ અચાનક ઊઠી, છાતીમાં થોડું દુખે છે એવી ફરિયાદ કરી અને ડોકટરના આવ્યા પહેલા તો એ ચાલી ગઈ હતી. જળવિહીન આકાશમાંથી અચાનક વીજળી ત્રાટકી હતી અને સુમનભાઈના સંસારને ભસ્મીભૂત કરી નાખ્યો હતો.

મમતા અને જમાઈ રાત્રે જ ત્યાં આવવા માટે નીકળી ગયા હતાં. આખી રાત પડોશીઓ સુમંતભાઈની સાથે બેસી રહ્યાં હતાં. જમીન ઉપર સૂવડાવેલી લતા સામે જોઈજોઈને એમની આંખમાંથી આંસુ બહાર નીકળવા માટે બળવો કરતાં રહ્યાં હતાં પણ એમની આસપાસ રચાઈ ગયેલી સુંવાળા શબ્દોની સાંકળોએ એ આંસુને પાંપણની અંદર કેદ કરી લીધા હતાં. અંજનાબેને કહ્યું હતું, ‘ના સુમનભાઈ, તમારાથી રડાય નહીં. લતાબેનનો આત્મા હજુ અહીં જ છે. એ તમને જુએ જ છે. જીવતાં એમણે એકે દિવસ તમારું મોં  ઢીલું થવા નથી દીધું. હવે તમને રોતા જોઇને એમનો આત્મા દુભાય.’ અશોકભાઈ ખભો થાબડીને કહેતાં હતાં, ‘મરદ માણસ છો ભાઈ. તમે જ આમ ઢીલા થઇ જશો તો મમતાને કોણ સાચવશે? એણે તો એની મા ગુમાવી છે.’

સુમંતભાઈને કહેવાનું મન થયું હતું, ‘પણ મેં મારો શ્વાસ ગુમાવ્યો છે એનું શું? પણ એ શબ્દોને એમણે રૂંધાઇ ગયેલા શ્વાસની સાથે અંદર જ પકડી રાખ્યાં હતાં અને થીજી ગયેલા આંસુ જેવો ચહેરો લઈને આખી રાત પસાર કરી નાખી હતી. મમતા આવે ત્યારે એને જોઇને તો આંખ આડે રેતીથી બાંધેલો બંધ તૂટવાનો જ હતો. બહાર મમતાની ગાડી ઊભા રહેવાનો અવાજ આવ્યો. સુમંતભાઈના આંસુઓ પાંપણની પાળની અંદર એકઠા થઇ ગયા. સુરેશભાઈની આંખો બારણા સામે મીટ માંડી રહી. ત્યાં તો દોડીને સહેજ આગળ આવી ગયેલા જમાઈએ એમને કાનમાં કહી દીધું, ‘મમતા તો આ સમાચાર સાંભળીને ચક્કર ખાઈને નીચે પટકાઈ હતી. લો બી.પી. થઇ ગયું હતું. માંડ માંડ ગોળીઓ આપીને અહીં લવાય એટલી સ્વસ્થ કરી. આખા રસ્તે રડીરડીને આંસુ પણ ખૂટાડી નાખ્યાં છે. હવે તમે એને જોઇને ઢીલા ન થઇ જશો પપ્પા, નહીં તો એની તબીયત ઉપર અસર થશે.’

પપ્પા એમને વળગીને રોતી રહેલી દીકરીની પીઠ ઉપર હાથ ફેરવતા રહ્યાં હતા- કોરી આંખે.

સુમંતભાઈનો મોટો ભાઈ રૂમમાં દાખલ થયો અને પ્રદક્ષિણાની વિધિ પતાવીને એમની બાજુમાં આવીને ઊભો રહી ગયો. હૈયામાંથી ન નીકળી શકતાં ડૂસકાં સુમંતભાઈના અંગ અંગમાંથી નીકળ્યાં અને આખું શરીર ધ્રૂજવા માંડ્યું. ભાઈએ એમનો હાથ પકડીને દબાવ્યો. એમને યાદ આવ્યું- પપ્પાનું અવસાન થયું ત્યારે આઠ અને બાર વર્ષના એ બે ભાઈઓ એકબીજાને વળગીને રોયા કરતાં હતાં. છેલ્લે જયારે સ્મશાન લઇ જવા માટે બધાએ પપ્પાને ‘રામ બોલો ભાઈ રામ’ બોલીને ઉપાડયા ત્યારે તો એમનું રૂદન આક્રન્દમાં બદલાઈ ગયું હતું. એ વખતે દૂરના એક મામાએ આવીને એ લોકોને કહ્યું હતું, ‘છોકરાઓ થઈને આમ ભેંકડા તાણીને રોવાતું હશે? બૈરાં રુવે આવી રીતે તો! જોતા નથી તમારી માની હાલત? જાઓ, એની પાસે જઈને બેસો નહીં તો એને પણ ગુમાવી દેશો.’ મમ્મીની હાલત જોઇને એ બંને ભાઈઓએ એમની છલકાઈ જતી મટકીઓ ઉપર ઢાંકણા ઢાંકી દીધા હતાં અને મમ્મીનો હાથ પકડીને બેસી ગયા હતાં.

એ પછી તો પપ્પા વિનાના બાળપણમાં એવા ઢાંકણા ઢાંકવાના ઘણા પ્રસંગો આવ્યાં હતાં પણ લતા નામની ફૂલોથી લદાયેલી લતા એમની જીવનવૃક્ષને વીંટળાઈ ત્યારથી જીવન મહેકી ઊઠયું હતું.  કળીઓની જેમ દિવસ ઊગતા અને ફૂલની જેમ આથમતાં. એકમેકના સાનિધ્યમાં રાત્રિનો અંધકાર સૌરભભર્યો બની રહેતો.

સુમંતભાઈનો એક પિત્રાઈ એમની પાસે આવ્યો, ‘સુમંત, મમતા પણ સ્મશાન આવવા માંગે છે. અગ્નિદાહ તો તું—’.

અગ્નિદાહ! લતાને! એ તો સહેજ દાઝે તો એના ગળામાંથી ચીસ નીકળી જતી. સુમંતભાઈ તરત જ એની આંગળી ઉપર મલમ લગાવી આપતા. લતા કહેતી, ‘હું બીજા કશાથી ડરતી નથી. પણ દાઝી જવાનો બહુ ડર લાગે છે.’

એ લતાનું શરીર આજે બાળી નાખવાનું? સુમંતભાઈની આંખો છલકાઈ ઊઠી.

‘શું સુમંત તું પણ! મમતા સ્મશાન આવવાની વાતો કરે છે અને તું રોવા બેઠો છે? તારા કરતાં તો એ છોકરી બહાદુર કહેવાય.’

સુમંતભાઈએ એમના દરિયાને ટીપામાં બાંધી દીધો.

મોટાભાઈએ એમના ખભા ઉપર હાથ મૂકી દીધો અને બોલ્યાં, ‘આટલો ઢીલો તો તું રાહુલ ગયો ત્યારે પણ ન’તો થયો. આજે કેમ આવું કરે છે? જો સુમંત, પહેલાં ભીંત પડે કે કરો પડે, બેમાંથી એકે તો પહેલું પડવાનું જ છે. જગતનો નિયમ છે.’

સુમંતભાઈને ઘર આંગણે રમતા રાહુલનો એક્સીડેન્ટ યાદ આવી ગયો. એનું લોહીલુહાણ શરીર જોઇને પોતે દિગ્મૂઢ થઇ ગયા હતા. રોવા જેટલી સભાનતા જ ક્યાં રહી હતી? લતા તો બેભાન જ થઇ ગઈ હતી. ચાર દિવસ પછી એને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે ડોકટરે સુમંતભાઈને ખાસ કહ્યું હતું, ‘તમારા પત્નીને ઊંડો આઘાત લાગ્યો છે. એમને બને એટલું આનંદમાં રાખવાનો અને આ ઘટના ભૂલાવવાનો પ્રયત્ન કરજો.’ એ વખતે તો સુમંતભાઈએ જ પોતાની જાતને કહી દીધું હતું, ‘તારાથી રડાય નહીં.’ પોતાના દુઃખને અંતરના ઊંડા કૂવામાં નાખીને એમણે લતા માટે ખુશી ઊલેચી હતી. મમતાનો જન્મ થયો પછી ધીરે ધીરે બધું થાળે પડી ગયું હતું. હૃદયના ઘા ઉપર સમયના મલમે પોપડી વાળી દીધી હતી.

પિત્રાઈ કહેવા આવ્યો, ‘વાન આવી ગઈ છે.’ સ્થિર થઇ ગયેલો રૂમ સળવળીને બેઠો થયો. અગ્નિદાહ આપતી વખતે સુમંતભાઈએ બર્રાબર યાદ રાખ્યું હતું –એમણે રોવાનું ન હતું. મમતાને લો. બી.પી. ન થવું જોઈએ. એની તબિયત સાચવવાની હતી.

વીસ દિવસ પછી જમાઈ મમતાને લેવા આવ્યા અને બંને જણાએ સુમંતભાઈને એમની સાથે આવવાનો બહુ આગ્રહ કર્યો પણ એમણે ના પાડી, ‘ના બેટા, એમ ઘર છોડીને થોડું નીકળી જવાય? હવે જિંદગીભર એકલા રહેવાનું જ છે તો જેટલો જલ્દી ટેવાઈ જાઉં એટલું સારું. તમે નિરાંતજીવે જાઓ.’

મમતાને અને સુનીલકુમારને લાગ્યું કે હવે પપ્પા સ્વસ્થ થવા માંડ્યા છે. આખરે તો પુરુષ છે.

એ લોકો ઘરની બહાર નીકળ્યાં અને તરત જ ઘરનું એકાંત લતાની યાદોથી છલકાઈ ગયું. લતા સાથે વિતાવેલા ચાલીસ વર્ષોની પળેપળ જીવંત થઈને સુમંતભાઈની આજુબાજુ ચકરાવા માંડી-એની વાતો, એનું રણકતું હાસ્ય, એનો અનરાધાર પ્રેમ, એની પળેપળની દરકાર, બધું જ. એના વિના કેવી રીતે જીવાશે? પછી તો હૃદયમાં બંધાઈ રહેલું રૂદન બધી જ સાંકળો તોડીને બહાર નીકળ્યું. અત્યારે “તારાથી ન રડાય” એવું કહેવાવાળું કોઈ ન હતું. આખું આકાશ એમની આંખોમાંથી વરસતું રહ્યું. ગાલ ઉપરથી દરિયો દદડતો રહ્યો. સુમંતભાઈ જાણે કોઈ તંદ્રામાં જતા રહ્યા.

આ કોણ બોલ્યું? મનની એકલતામાં આ કોના અવાજના રણઝણતા પગલાં પડ્યા? એમણે લતાના ફોટા સામે જોયું. પોતાનું મારકણું સ્મિત રેલાવતી લતા કંઇક કહેતી હતી. એનો અવાજ સીધો એમના હૃદયને સંભળાતો હતો, ‘આમ રડાતું હશે? હું ક્યાંય નથી ગઈ. ઘરમાં ચારે બાજુ નજર નાખો-બધે હું જ હું છું-આ સોફા ઉપર, અંદર રસોડામાં, ઓસરીના હિંચકા ઉપર, પેલા તુલસી ક્યારા પાસે, નજર નાખો ત્યાં બધે જ, તમારી સાથે ને સાથે. હૃદયના ધબકારા સાંભળો-એમાં હું છું ને? તમે છો ત્યાં સુધી હું છું જ. ઘરમાં હવા થઈને રહેવાની છું.’

બારીમાંથી આવતો પવન સુમંતભાઈના અણુઅણુને પંપાળી રહ્યો. એ હવા જેવા હળવાફૂલ થઇ ગયા. આંસુ લૂછીને એમણે જાતને કહી દીધું, ‘લતા તો તારી સાથે જ છે અને તારા શ્વાસ ચાલે ત્યાં સુધી રહેવાની છે. ના, તારાથી રડાય નહીં.’

**************                               .         

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.