મગફળી અને સ્ત્રી ~ અછાંદસ કાવ્ય ~કવિશ્રી અનિલ ચાવડા
એક સાંજે
ઝરૂખામાં ઊભેલી એક સ્ત્રી
પોતાના ભાગ્ય જેવી જ ગૂંચવાયેલી વાળની લટ
ઉકેલી રહી હતી;
ત્યાં એની નજર
રસ્તાની કોરે પડેલા મગફળીના દાણાઓ પર ગઈ
કેટલાક ભાંગી ગયેલા,
કેટલાક ખોરા,
કેટલાક પિસાયેલા
તો કેટલાક આખા,
પરંતુ ફોતરાં વિનાના નગ્ન!
તેને લાગ્યુું કે એ બધા અંદરોઅંદર વાતો કરી રહ્યા છે!
એક હૃષ્ટપુષ્ટ મગફળી બોલી,
“પહેલાં મારાં ફોતરાં ઉતાર્યાં, વસ્ત્રની જેમ!
પછી ધગધગતા તાપમાં શેકી,
જ્યાં સુધી મારી ચામડીનો રંગ
તેમની ભૂખને ગમતો ન થાય
પછી મારા દાઝેલા દેહ પર મીઠું ભભરાવ્યું,
મારા ઘા સ્વાદિષ્ટ બને એટલા માટે!
પછી પીરસી દીધી
અજાણ્યાં મોઢાંઓની સામે;
ને સૌ મારા પર તૂટી પડ્યા
ભૂખ્યા વરૂની જેમ!
બીજીએ ઊંડો નિસાસો નાખ્યો,
“મારા ગર્ભમાં એક્કેય દાણો બંધાયો નહીં.
મારી જીવનભરની લીલોતરીને
તેમના એક જ શબ્દે બાળીને ખાખ કરી નાખી,
‘વાંઝણી!’
મારા ગર્ભમાં દાણો નહીં,
અપમાન ઉગાડવામાં આવ્યું;
મારું ખાલી પેટ ગામ માટે ગાળ બની ગયું,
મને તોડી, તપાસી, ચાખી,
ચવાય એટલું ચાવી,
ને ફેંકી દીધી કચરામાં;
ત્રીજી મગફળી
સાવ અલગ પડી હતી,
તેનો અવાજ એવો હતો
જાણે કોઈ મંદિરની બહાર
તરછોડાયેલી પ્રાર્થના…
“હું તો સાવ ખોરી,
મને ચાખતાની સાથે
કાન ફાટે એવી ગાળ નીકળી તેમના મુખેથી
ક્યાંથી આવી ગઈ મોઢામાં એની માને….
જાણે એમની લાળ અભડાઈ ગઈ મારા સ્વાદથી.
થૂં થૂં કરી મૂકી મારા પર…
એમને માત્ર સ્વાદથી મતલબ હતો,
ભોગથી મતલબ હતો!
એક ખૂણામાં
છુંદો થઈ ગયેલી મગફળી થોડું કણસી,
પણ તે બોલી નહીં,
પહેલાં તેના ઘાએ અવાજ કર્યો,
“મારી વાત પૂછો છો?
સાંભળો,
પહેલાં મને ખાંડણિયામાં બરોબરની ખાંડી,
પછી ઘાણીમાં પીલી,
મારી નસેનસમાંથી છેલ્લું ટીપું નીકળી ન જાય ત્યાં સુધી પીલી.
મારું તેલ તેમના ઘરમાં દીવો બન્યું,
રસોઈમાં સુગંધ બન્યું,
ને ઉત્સવમાં સ્વાદ!
પછી જ્યારે મારામાં કશો કસ બાકી ન રહ્યો ત્યારે
મને વાળીઝૂડીને ફેંકી દીધી ગંધાતા ઉકરડામાં!
જેમ આખી રાત અજવાળું કરનાર દીવાની વાટને
પરોઢ થતાં જ કાળી કહીને ફેંકી દેવામાં આવે છે તેમ!
મારું સર્વસ્વ નિચોવી લેનાર હાથોએ જ
મને નકામી કહી;
ઝરૂખામાં ઊભેલી સ્ત્રીના હાથમાંથી
કાંસકો પડી ગયો.
તેના વાળની ગૂંચ, તેની એકલીની નહોતી!
તેણે અરીસામાં જોયું,
પણ પોતાનો ચહેરો ન દેખાયો,
મગફળી દેખાઈ!
ફોલાયેલી,
શેકાયેલી,
મીઠું ભભરાવાયેલી,
ખાંડણિયામાં ખંડાયેલી,
ઘાણીમાં પીલાયેલી
અને
ઉપયોગ પછી ફેંકાયેલી મગફળી!
– અનિલ ચાવડા