શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય સત્તરમો ~ “હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ અને હિરણ્યાક્ષનો દિગ્વિજય” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
(ત્રીજા સ્કંધના અધ્યાય સોળમો – “જયવિજયનું વૈકુંઠમાંથી પતન ” માં આપે વાંચ્યું કે; સનકાદિ કુમારોના અભિશાપને કારણે પ્રભુના ધામના દ્વારપાળો જય અને વિજયનું કઈ રીતે વૈંકુઠમાંથી પતન થાય છે અને શ્રી હરિના કહેવા પ્રમાણે જયવિજયના શાપનું નિવારણ કરવાના પ્રસ્તાવને પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારી લે છે. હવે અહીંથી વાંચો સ્કંધ ત્રીજાનો અધ્યાય સત્તરમો, “હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ અને હિરણ્યાક્ષનો દિગ્વિજય ”)
આ અધ્યાયમાં કુલ ૩૧ શ્લોકો છે.
શ્રી સૂતજી આગળની કથા કહે છે; – મૈત્રેયજી વિદુરજીને આ પછી જય–વિજયના અસુરો બનીને જન્મવાની કથા નીચે પ્રમાણે કહે છે.
શ્રી મૈત્રેયજીએ કહ્યું – હે વિદુરજી, બ્રહ્માજીના કહેવાથી દેવતાઓને આ અંધકારનું રહસ્ય સમજાયું અને એમની શંકાનું નિવારણ થતાં તેઓ એ પણ સમજ્યા કે કાળચક્રને ભગવાનના આદેશ પ્રમાણે કામ કરવા દેવા સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી.
આ બાજુ દિતિને પોતાના પતિદેવના કથન અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવ વગેરેની આશંકા થતી રહેતી હતી; આથી જ્યારે પૂરાં સો વર્ષ વીતી ગયાં પછી તે સાધ્વીએ બે યમજ – જોડકા પુત્રોને જન્મ આપ્યો. તેમના જન્મ સાથે જ સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષના અનેક બ્રહ્માંડોમાં ઉત્પાત અને ઊથલપાથલ થવા માંડી. પૃથ્વીના લોકો કાંપવા માંડ્યા. બધી દિશાઓ સળગવા માંડી. ઠેર ઠેર ઉલ્કાપાત થવા લાગ્યા, વીજળીઓ પડવા લાગી અને આકાશમાં અનિષ્ટ સૂચક ધૂમકેતુ (પૂંછડિયો તારો) દેખાવા માંડ્યો. સૂસવાટા મારતો અસહ્ય પવન વિકરાળ સ્વરૂપ ધારીને વન-ઉપવનનાં છોડવા,, વૃક્ષો અને અન્ય વનસ્પતિઓનો નાશ કરવા માંડ્યો.
સૂર્ય અને ચંદ્રનો વારંવાર ગ્રાસ થવા લાગ્યો. વસતીઓમાં ગીધો, ઘુવડો અને શિયાળવાંના અમંગળ અવાજો સંભળાવા લાગ્યા. કૂતરાંઓ અને ગધેડાંઓ ગાંડાં થઈને અહીંતહીં દોડવા માંડ્યાં અને ભોંકવા લાગ્યાં. ગાયોની આંખોમાંથી આંસુ અને દોહવાથી દૂધ સાથે લોહી નીકળવા માંડ્યું. શનિ, રાહુ વગેરે ક્રૂર ગ્રહો પ્રબળ થઈને ચંદ્ર, બૃહસ્પતિ તથા અન્ય શુભગ્રહોને અતિક્રમીને પોતાની નિયમિત ચાલ છોડીને વક્રગતિથી ચાલવા માંડ્યાં. સમસ્ત બ્રહ્માંડોમાં અફડાતફડી મચી રહી હતી.
તે બંને દૈત્યો જન્મતાં જ વજ્ર જેવા કઠોર શરીરે વધીને મહાકાય પર્વત સમા લાગતા હતા. તેમની ભુજાઓ પર સુવર્ણના બાજુબંધ ચમકી રહ્યા હતા. તેમની ઝગમગતી કટિમેખલા સૂર્યના પ્રકાશને પરાસ્ત કરી શકવા સક્ષમ હતી. પ્રજાપતિ કશ્યપજીએ એમનું નામકરણ કર્યું. જે પહેલો તેમના વીર્યથી દિતિના ગર્ભમાં પ્રસ્થાપિત થયો હતો તેનું નામ હિરણ્યકશિપુ રાખ્યું અને દિતિના ગર્ભમાંથી જે પહેલો નીકળ્યો તેનું નામ હિરણ્યાક્ષ રાખ્યું.
હિરણ્યકશિપુ તેના નાના ભાઈ હિરણ્યાક્ષને બહુ પ્રેમ કરતો હતો. હિરણ્યાક્ષ પણ મોટા ભાઈને પ્રિય હોય એ જ કરતો હતો. એક દિવસ, હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને યુદ્ધની તક શોધતો શોધતો સ્વર્ગલોકમાં ગયો. તેના શારીરિક શક્તિ અને મનોબળે એને અજેય બનાવી દીધો હતો. દેવતાઓ પણ તેની સાથે લડવા તૈયાર નહોતા. પછી તે વારંવાર વિજય ગર્જના કરતો કરતો સમુદ્રમાં પેસે છે. તેણે સમુદ્રમાં પગ મૂક્યો તેની સાથે જ વરુણદેવના સૈનિકો પણ સંતાઈ ગયા.
મહાબલી હિરણ્યાક્ષ અનેક વર્ષો સુધી સમુદ્રમાં મદમસ્ત બનેલા હાથીની જેમ ઘૂમતો રહ્યો અને સમુદ્રમાં ઊઠતાં પ્રચંડ મોજાંઓ પર જ પોતાની લોખંડી ગદાઓનો પ્રહાર કરતો રહ્યો. આમ ફરતો ફરતો તે વરૂણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ પહોંચ્યો. ત્યાં પાતાળલોકના સ્વામી અને જળચરોના અધિપતિ વરુણદેવને ઉપહાસ કરતાં, પ્રણામ કરીને વ્યંગપૂર્વક કહ્યું કે, ‘મહારાજ, મને યુદ્ધની ભિક્ષા આપો. તમે તો સંસારના સમસ્ત દેવો અને દૈત્યોને જીતીને રાજસૂય યજ્ઞ કર્યો છે એવું મેં સાંભળ્યું છે.’
વરુણદેવને ક્રોધ તો ઘણો આવ્યો પણ સમય સમજીને પોતાના ક્રોધને પી ગયા અને એને શાંતિથી કહ્યું; “ભાઈ, અમને હવે કોઈ સાથે યુદ્ધ કરવામાં રસ નથી. તું ભગવાન પાસે જા. પરમાત્મા તારી યુદ્ધની કામના પૂરી કરશે. કૂતરાંથી વીંટાયેલો તું રણશય્યામાં સૂઇશ. તારા જેવા દુષ્ટ દૈત્યરાજને હણવા તેઓ અનેક પ્રકારના રૂપ ધારણ કરતા રહે છે.” એવું તેમનું વચન ન ગણકારી આમ મદમાં છકેલો હિરણ્યાક્ષ એને પોતાનો વિજય સમજીને ત્યાંથી પાછો ફરે .
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ અને હિરણ્યાક્ષનો દિગ્વિજય ” નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
II શ્રી હરિ ૐ તત્સત II
વિચાર બીજઃ
૧. સો વર્ષો સુધી કેવી રીતે દિતિએ ગર્ભ સાચવી રાખ્યો? શું એ ગર્ભને ધારણ કરતાં જ Artificial Insemination જેવી કોઈ ટેકનીક વાપરીને -80 Degree Deep Nitrogen Freezer ના સ્ટોરેજમાં સાચવી રાખ્યો હતો? શું ત્યારે વિજ્ઞાન એટલું વિકસિત હતું?
૨. શું દૈત્યો કે જય-વિજય જેવા શાપિતો આજની વિભાવના – concept પ્રમાણે અન્ય ગ્રહ પર રહેતા અને બધા જ ગ્રહો પર વિચરી શકતા? તેઓ ખૂબ જ શક્તિશાળી અને વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ પ્રગતિ પામેલા પરગ્રહવાસીઓ – Aliens હોઈ શકે ખરા?
(હિરણ્યકશિપુ: કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું.
હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર બેઠેલી હતી. આથી એનું નામ હિરણ્યકશિપુ પડ્યું. એણે બ્રહ્માની ઉગ્ર તપશ્ચર્યા કરી. બ્રહ્માએ પ્રસન્ન થઈને એને કોઈ ઘરમાં કે બહાર, દિવસે કે રાત્રે, મનુષ્ય કે પશુ, અસ્ત્ર કે શસ્ત્રથી મારી શકશે નહિ એવું વરદાન મળ્યું.
એક વખત જ્યારે હરિણ્યકશિપુ તપ કરી રહ્યો હતો ત્યારે એની ગર્ભવતી સ્ત્રીને નારદે વિષ્ણુ-ભક્તિનો ઉપદેશ આપ્યો. એથી ગર્ભમાં રહેલ શિશુ પ્રહલાદ પણ વિષ્ણુભક્ત થઈ ગયો. હિરણ્યકશિપુએ પ્રહલાદને વિષ્ણુભક્તિથી છોડાવવા અનેક પ્રયત્ન કર્યા પરંતુ પ્રહલાદ ચલિત થયો નહિ. અંતે પ્રહલાદ પર થતા અત્યાચારોને કારણે એક સ્તંભમાંથી વિષ્ણુ નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા અને સાંજના વખતે, ઉંબરા ઉપર, પોતાના ખોળામાં દૈત્યને રાખીને પોતાના નખ વડે હિરણ્યકશિપુનો વધ કર્યો. હિરણ્યકશિપુનો વધ થયો હતો એ સ્થાન હાલના બિહારના પૂર્ણિયા જિલ્લામાં બતાવવામાં આવ્યું છે.
એ પણ સમજવું જોઈએ કે હિરણ્યકશિપુએ જે માંગ્યું તે અમરત્વ હતું પણ બ્રહ્માજીએ ના પાડી, છતાં તેણે ખૂબ વિચારીને ફરીથી જે માંગ્યું એને બ્રહ્માજીએ તથાસ્તુ કહેવું પડ્યું. હિરણ્યકશિપુને થયું કે તેણે જે વરદાન માંગ્યું તે અમરત્વથી જરા પણ ઓછું નહોતું. એને હવે કોઈ મારી શકે તેમ ન હતું પણ તે કોઈને પણ મારી શકે.
હિરણ્યકશિપુનો નાશ કરવા માટે કંઈક ‘આઉટ ઓફ બોક્સ’ વિચારવાની જરૂર પડી. સમજો કે તેને હથિયારથી મારી શકાય નહીં. આનો અર્થ એ છે કે તેની સાથે લડનારાઓ માટે ઉપલબ્ધ હથિયારોનો ઉપયોગ પ્રતિબંધિત હતો. તેથી, જ્યારે નર સિંહને તેના નખને હથિયારમાં ફેરવવા પડે છે.
જેમ કે,
પ્રભુને નર + સિંહ બનવું પડ્યું, જે ન તો માણસ હતો કે ન તો પ્રાણી.
સાંજે માર્યો – ન તો દિવસ ન રાત.
નખ વડે માર્યો – ન તો શસ્ત્ર કે ન અસ્ત્ર.
હિરણ્યકશ્યપને ઘૂંટણ પર ટેકવીને તેનું પેટ ફાડી નાખ્યું – ન ઘર, ન બહાર, ન જમીન, ન આકાશ.
લોઢાના તપેલા થાંભલામાંથી પ્રગટ થઈને, ભક્ત પ્રહલાદને બચાવીને પ્રભુએ સર્વવ્યાપકતાનો પરિચય આપ્યો.
(ક્રમશ:)