કાળજાં કેરો કટકો (વાર્તા) ~ માયા દેસાઈ 

ડૉ. શ્રેયસ એમની કેબિનમાં મિત્ર સુધાંશુ સાથે બેઠા હતા. આમ તો બંને જૂના મિત્રો પણ આજે..! જૂની યાદો ઉખેળવાને બદલે બંને મીરાંની વાતો કરતાં બેઠા હતા. કોલેજ બાદ છૂટા પડેલા મિત્રોને સમયની બલિહારીએ પાછા મેળવી આપ્યા હતા.‌

ત્યારે ડૉ. શ્રેયસ હજુ ક્યાં પ્રેક્ટિસ કરવી એ વિચારી નહોતા શક્યા પણ સુધાંશુએ એનું લગભગ પૂનાકરણ કરી જ નાખ્યું અને બંને મિત્રો એક શહેરમાં વસ્યા. ડૉ. શ્રેયસની પત્ની સૂર્યા એનેસ્થેટીસ્ટ હતી અને પોતે માનસ તજજ્ઞ. સુધાંશુ ઘણીવાર એને છેડતો કે જેને પરીક્ષા આવતાં જ ઝાડા થઈ જતાં એ ડૉક્ટર બને જ કેવી રીતે! કાર્યક્ષેત્ર અલગ હોવા છતાં એમની નિખાલસ મૈત્રી ટકી રહી હતી.

ડૉ. શ્રેયસની જીવનશૈલી જોઈ મીરાંને થતું,’ એક વ્યવસાય તો હોવો જોઈએ. નોકરીનો પગાર તો હિસાબની ડાયરીનાં ત્રીસ દિવસમાં જ સમાઈ જાય, વધારાના ખર્ચનું શું?’ પોતાની લેબ આસિસ્ટન્ટની પદવી હતી જ અને એક શોખ ખાતર ન્યુટ્રિશિયનનો કોર્સ કર્યો હતો એને કામે લગાડી એણે જમાનાના વાયરા પ્રમાણે હેલ્થ સપ્લિમેન્ટ્સનો નાનો વ્યવસાય સુધાંશુની મદદથી શરૂ કર્યો.

સૌને સુંદર દેહયષ્ટિનું ઘેલું લાગ્યું હોવાથી મીરાંને ધંધો વધારવામાં બહુ મુશ્કેલી ન પડી. દીકરી રુહાની અને રુદ્ર હવે સ્વાવલંબી થઈ ગયાં હોવાથી મીરાંને ઘર તરફથી નિશ્ચિંતતા હતી. વાસંતીબહેન હતાં જેમણે સાસુ તરીકે કદી આચરણ કર્યું જ નહોતું.

મીરાંએ બાળકોને પાંપણ પર રાખી ઉછેર્યાં હતાં કારણકે નોકરીનાં કારણે સુધાંશુને વારંવાર બહારગામ કે વિદેશ જવાનું થતું, તેથી એણે જ બંનેનાં ભાગનો રોલ ભજવવો પડતો. રુહાની તો આમેય માની પાછળ પાછળ ફરતી રહેતી. ઉંમરમાં રુદ્ર કરતાં પાંચ વર્ષ નાની એટલે લાડુબા!

ધાર્યાં કરતાં ધંધો વહેલો ફૂલ્યો, ફાલ્યો એટલે મીરાંએ રસોડાંને બેમાંથી એક કરવાનું પ્રાથમિક કામ કર્યું. રસોઈમાં શોર્ટકટ! લગભગ બધું જ કામ જાતે કરનારી મીરાંએ ડસ્ટીન્ગ અને ઉપરનાં કામ માટે બાઈઓ રાખી લીધી. એ વ્યવસ્થા સ્વીકાર સાથે ઘરનું ગાડું ગબડી રહ્યું હતું.

વાહ વાહ કહેવાય એવી પ્રગતિ મીરાંને સાધી લીધી હતી, એનાં વર્તુળમાં સૌને મોઢે એનું નામ હતું. મોટું ઘર, મોટી ગાડીમાં આર્થિક પ્રગતિ ડોકિયાં કરતી હતી. શહેરની એક સંસ્થાએ ‘શ્રેષ્ઠ આન્ત્રુપ્રુનોહ’નો ખિતાબ આપી નવાજ્યા બાદ તો મીરાંને એનાં વ્યવસાયને શિરમોર બનાવવાની ગાંઠ વાળી.

રુદ્રને બીજે ગામ ડેન્ટલમાં એડમિશન મળી ગયું હતું, સુધાંશુ એની પ્રગતિમાં વ્યસ્ત હતો ત્યારે રુહાની મોટી થઈ રહી હતી એ વણનોંધાયેલું રહ્યું. સૌની લાડકી સૂની પડી ગઈ હતી, દાદી સાથે જ જરાતરા બોલવાની સંધિ મળતી પણ કેટલી વાત કરાય?

જે મીરાં સવારના ગરમ નાસ્તા સિવાય બપોરે જમાડવામાં અન્નપૂર્ણા બની વિવિધ વાનગીઓ પીરસતી, એણે હવે સવારે વહેલી, ઉતાવળે બનાવેલ ઠંડા ભાણા તરફ રુહાનીને અણગમો થવા લાગ્યો. એનો ખોરાક ઘટવા લાગ્યો.

એણે બે-ત્રણવાર મા પાસે વાત માંડી જોઈ પણ પૂરી થાય એ પહેલાં જ એને હાથમાં પૈસા મળી જતાં અને જે જોઈએ તે મંગાવી લેવાનું ફરમાન થતું. રુહાનીને તો ગરમ રસોઈ કરતાં માની હૂંફાળી ગોદ જોઈતી હતી.

એની જમવા પ્રત્યે ઉદાસીનતા જોઈ દાદી વાસંતીબહેન સમજાવતાં, “બેટા, આ તારી મા તમારાં માટે જ બધું કરે છેને. કાલે સવારે રુદ્રને ડેન્ટિસ્ટ જોઈ આપણને સૌને ગર્વ થશે તેવી રીતે તું પણ મોટી પદવી લઈશ તોયે બધાં રાજી થશે. આ બધાં માટે કેટલાં પૈસા જોઈએ એ તો તું જાણે જ  છે. ચાલ, હમણાં થોડું ખાઈ લે, કાલે આપણે ડૉક્ટરને બતાવી આવીશું.”

બીજી સાંજે ડૉક્ટરે લોહી તપાસવા કહ્યું અને કમળાની બીક સાચી નીકળી એટલું જ પણ હૉસ્પિટલમાં દાખલ થવાની તાકીદ થઈ. મીરાં અને સુધાંશુએ વારાફરતી હોસ્પિટલમાં સાથે રહી સારવાર કરાવી.

ઘરેથી બનાવી આણેલ ભોજન કે‌ નાસ્તો રુહાનીને મોમાં મૂકતાં મીરાંને કાને બેમાંથી એક મોબાઈલ તો રહેતો જ. આ જોઈ રુહાનીને શોક્ય જેવી ભાવના થતી. ઘરે આવ્યાં બાદ તો ફિક્કી પડી ગયેલી રુહાની, મનથી પણ ભાવનાહીન બની ગઈ. મોટેભાગે પોતાનાં રૂમમાં પુરાઈ રહેતી અને ભૂખ લાગે ત્યારે ઘરનું કે બહારનું ચૂપચાપ ખાઈ લેતી. ગીતો સાંભળવા એને ગમતાં.. “એ મેરે દિલ કહીં ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા..”

હવે દસમા ધોરણમાં આવેલી રુહાની પર અભ્યાસનું દબાણ આહત મન સહન ન કરી શકતું. વારંવાર માંદી પડવા લાગતી રુહાની ખુદ જ ડૉક્ટર બની ક્રોસીન, ઈનો વગેરે લઈ જાતને સ્વસ્થ રાખવા કોશિશ કરતી. બેએક વાર ડેડીને પણ એ કહી ચૂકી તો રજામાં આવેલ રુદ્રને પણ રુહાનીનાં મન પરની ઈજા દેખાતી નહીં. વાસંતીબહેન પણ વ્યથિત મને આથમતાં સૂર્યને તાકી રહેતાં.

કમળા બાદ રુહાનીનું શરીર ખાસ વળ્યું જ નહીં, પણ મન? એ તો રોજ જ એક બખોલ તરફ ધસી રહ્યું હતું. ખાંસી છેડો નહોતી મૂકતી, એ બેનાડ્રીલ અને પેઈન કીલરથી શરીરને સાબદું કરતી રહેતી.

શરીરે બળવો પોકારતાં તે એક દિવસ સ્કૂલેથી આવતાં ગેટ પર જ ઢળી પડી. પડોશીઓ પણ એની કૃશ કાયા જોઈ ચોંકી ઊઠ્યાં. હૉસ્પિટલમાં એને હોશમાં આવતાં વાર લાગી તેથી સ્પેશિયલ આઈસીયુમાં રાખવામાં આવી. દોડતી આવતી મીરાંને જોઈ એનાં મ્લાન મુખ પર એક સ્મિતની રેખા ફરકી.

સાવ મંદ સ્વરે બોલી, “મા, મુઝે અપને આંચલ મેં છુપા લે, ગલે સે લગા લે..” આંખમાં આંસુ સાથે મીરાં એનાં ગાલે ટપલી મારતાં બોલી, “ચૂપ નૌટંકી! ગભરાવી મારી.”

મીરાંને તે દિવસે રુહાનીની આંખો કંઈ ગહન સંદેશ આપતી લાગી. જાતજાતના રિપોર્ટ્સ, ટેસ્ટ્સ અને નિદાનની હારમાળા ચાલી. કેન્સર માટેની ટેસ્ટ પણ કરી. કશું જ વાંધાજનક ન આવ્યું! જાતે જ આડેધડ દવા લઈ શરીર ખોખલું થઈ ગયું હતું. એક નિષ્ણાત ડૉક્ટર તો બોલતાં બોલી ગયા, ” શારીરિક નહીં, માનસિક ઈજા છે, શોધો ઝટ. “

રુહાનીનો ગીત સાંભળવાનો શોખ કદાચ એને ઉગારે એમ સમજી મ્યુઝિક થેરાપીનો આશરો લેવાયો પણ ખાસ ઉપજ્યું નહીં. મીરાં સતત એની સાથે રહેવા લાગી, એને ધૈર્ય આપવા લાગી.

તે દિવસે વાસંતીબહેન હૉસ્પિટલમાં આવ્યાં તો રુહાનીની આંખો ચમકી. એમને નજીક બેસાડી પોતે હાથ ફેરવતાં બોલી, “જોયું દાદી, મમ્મી હવે મારી પાસે જ રહે છે.” વાસંતીબહેનને થયું, ‘આ જ એનાં રોગનું મારણ છે, હવે મીરાંને એની સાથે રહેવા ફોર્સ કરીશ.’

એ જ રાત્રે રુહ છોડી રુહાનીનું શરીર રહી ગયું અને  હીબકે ચડેલાં વાસંતીબહેને મીરાંને દીકરીનાં છેલ્લા શબ્દો કહ્યા ત્યારે એ સાવ અબુધ થઈ ગઈ. રુહાનીની અંતિમ વિધિ કે ત્યાર પછીની કોઈ વિધિમાં એ ફક્ત પૂતળું બની બેસી રહી. સુધાંશુ ઘણીવાર કહે પછી નાહી લેતી, એ જમાડે તો બે કોળિયા યંત્રવત્ ખાઈ લેતી. ન રુદ્ર સાથે વાત કે ન પોતાનાં માતાપિતા સાથે.

તે દિવસે “અમેરિકાથી માસીનો ફોન છે” કહી રુદ્ર ફોન આપવા આવ્યો તો મોબાઈલ ફેંકી દીધો. આજે પંદર દિવસ બાદ મીરાંનો અવાજ સંભળાયો, ત્રાડ જ કહો,  “ફેંકી દે એ ફોન, મારે કોઈ સાથે વાત નથી કરવી. મારી રુહુને પાછી લાવો કોઈ..” કહી એ લગભગ એક કલાક સુધી મોટે અવાજે રડી.

સૌને એમ કે આમ કરવાથી એનું મન હલકું થઈ જશે અને એ નોર્મલ થઈ જશે. ખેર, એવું ન થયું. હવે એ ફક્ત અવકાશમાં તાકતી રહેતી અને રુહાનીને સંબોધી અસ્પષ્ટ બોલતી રહેતી. સૌથી આઘી, સૌથી અલિપ્ત બસ, ખુદને સજા આપતી રહી. “હવે મમ્મા તારી જ છે, કશું નથી થયું તને, કશે નહીં જાઉં હું.”

આસપાસ કોઈ મોબાઈલ લઈને આવે તો એ જ ત્રાડ, “ફેંકી દે એ મોબાઈલ, મારી રુહુને લઈ આવો.”

આજે.. સુધાંશુ સાવ ગળગળો થઈ ડૉ. શ્રેયસને વીનવી રહ્યો હતો, “યાર, મારી મીરાંને સાજી કરી દે, રુહાની તો રમત રમી ગઈ. મીરાં નોર્મલ થાય એવું કંઈ કરી દે. એને એકલી મૂકતાં ડર લાગે છે.. મમ્મીને પણ આ ઉંમરે..” ખૂબ સંયમ છતાં એ રડી જ પડ્યો ત્યારે ક્યાંક ગીત વાગી રહ્યું હતું..

‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..’

~ © માયા દેસાઈ
મુંબઈ, ભારત
mnd1953@gmail.com

Leave a Reply to Harish DasaniCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. આર્થિક વિકાસનો મોહ તથા દીકરીની ઉપેક્ષાના કરુણ પરિણામની સંવેદનશીલ વાર્તા

    1. આપના અમૂલ્ય પ્રતિભાવ માટે ખૂબ આભાર 🙏🏻