માખન મલીદાવાલી બોલી ~ કટારઃ નીલ ગગન કે તલે ~ મધુ રાય
જિન્દગીના જાણે સૈકાઓ પહેલાં ગગનવાલા “સુલેમાન રોશનઅલી” તખલ્લુસથી કલકત્તાના પારસી અઠવાડિક “નવરોઝ”માં કોલમ લખતા હતા, તેના એડિટર હુટા જાલુબેન કાંગા અને એવણના ઘરવાલા પટીડેવ નવલ કાંગા.

ઇઝરા સ્ટ્રીટ ઉપરના એ બેમાળી ઘરમાં જાલુબેનની દૂધે ધોયેલી ટીનએજ દીકરીઓ જાલુબેન સાથે પારસી બોલીમાં કોન્વેન્ટ ઇંગ્લિશ મિક્સિંગ વાટો કરટી. એમાંની એક બચી કાંગા લગન કરીને હવે બચી કરકરિયા બની છે ને બમ્બઈના ઇંગ્લિશ જર્નાલિઝમ જગટની ફોરમિડેબલ સામ્રાજ્ઞી છે.

બડો પ્યારો પરિવાર હતો આ કાંગા લોકોનો, જેમાં નવલભાઈ કાયમ તીખર કરિયા કરે ને જાલુબેન કંટારાના ડેખાવ સાઠે હસિયા કરે.
નવલભાઈ પાસેથી જાણેલું 7મી ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બાગાન સ્ક્વેર ખાતે, કે ઇન્દિયાનો ફર્સ્ત ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં ત્રણ પટ્ટાઓ હતા.
મધ્ય પીળા પટ્ટામાં वन्दे मातरम् લખાયેલું હતું. અને સૌથી નીચેના પીળા રંગના પટ્ટા પર અર્ધચંદ્રાકાર હતા. ત્યારબાદ ‘સપ્તર્ષિ ધ્વજ’ ફ્લેગ દિઝઇન કીધેલો ને જાતે સીવેલો ને મેડમ કામાએ.

આ ધ્વજ સૌપ્રથમ પેરિસમાં અને પછી 22 ઓગસ્ટ, 1907ના રોજ સ્ટુટગાર્ટ ખાતે ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસના ખેમામાં ફરકાવવામાં આવ્યો હતો. અને ગગનવાલા ઇસ્કૂલે જતા હતા ત્યારે કલકત્તાની એન્ગ્લો ગુજરાતી સ્કૂલની કન્યાશાળાનો એક હિસ્સો બી તે જ એક કામા નામના એક જાજરમાન મહિલાના નામે ચાલતો હતો.

તે પછી ગગનવાલાના જીવનમાં ઘન્ના પારસી અવ્યા, મુંબઈના નાટ્યપ્રેમી જર્નલિસ્ટ જિગર બરજોર અને રૂબી પટેલ જેની મૂવી એક્ટ્રેસ દોટર સરનાઝ બોલિવૂડમાં ફેમસ છે.

ભારતીય વિદ્યાભવનના મામાકાકા–વાલી ભડભાદર બોલીના જાડૂગર દસ્તૂર સાહેબ!

તે પછી અમેરિકામાં ભુટકાયેલા રાજકારણી પીલુ મોદી, જે ગગનવાલા ટેમ જ નીલેશ પટેલ સાથે સાન ફ્રાન્સિકોની ખિલખિલાટ વિનોદી મોટરયાત્રાએ આવેલા.

કાળક્રમે ગગનપત્નીની સહિયર બેહરુઝ નામની પારસી ફિલ્મ ડાયરેક્ટરે નારીઉત્થાનની એક બઢિયાં કિલિમ બતલાવેલી. ત્યારબાદ ન્યુ જર્સીમાં લાધેલા વિદ્વાન પારસી સાહિત્યકાર તથા સાર્થ જોડણી કોશના અક્ષત ઉપાસક વિરાફ કાપડિયા!

અને આહ, એક કોમન ફ્રેન્ડની મોટેલમાં ઊતરેલા તે કોમન ફ્રેન્ડના સ્કૂલ ફ્રેન્ડ ઝુબીન મહેતા! અમે મહેતા સર સાથે એમણે કન્ડક્ટ કરેલા રવૈલની બોલેરો મેલોડી બાબત બ્હીતાં બ્હીતાં બતિયાં કરેલી.
પછી ઘણા વખત પહેલાં પત્રકારિણી શિરોમણિ શીલા ભટ્ટે એક પારસી ઘરાણાંના ઇતિહાસનું પુસ્તક મોકલેલું, તેમાં શું છે તેનો સાર જાણવા, કેમકે એમની કોઈ મિત્ર પારસીઓની રિસર્ચ કરવા ચાહતી હતી.
તે ૪૦૦ પાનાનો ગુટકો પારસી ભાષામાં લખેલો હુતો ને ગગનવાલા બસ તેના શબ્દે શબ્દે ક્રેઝી ડાન્સ કરતા હતા હેયય માકારેના! તે પછી…… અઢઢઢઢ માય કપ રનેથ ઓવર.
પારસીઓની આ નામાવલીનું નિમિત્ત તે છે કે હાલ ગગનવાલા ભારતમાં વિહાર કરે છે અને મિત્રો સાથે પિયાર કરે છે, તે સબબ બમ્બઈમાં એક વાર્તાકારોનું મિત્રવૃન્દ મળવા આવેલું. ત્યારે ત્રિકાલજ્ઞાની ભાઈ પ્રયાગ ગ્યાની સૂંડલો ભરીને સમોસા ને ફિરની તો લાવેલા, પણ સાથે સાથે એક અણમોલ પુસ્તક બી લાવેલા, ગગનવાલાના વાસ્ટે! Parsi Bol2, પારસી બોલ નંબર ટુ.
એમાં પારસીઓની બોલીના મનચલા મુહાવરાઓનો વિનોદી સંગ્રહ છે. પહેલાં ગુજરાતી લિપિમાં મુહાવરો, પછી તેનું ઇંગ્લિશમાં લિપ્યંતર, પછી તેનો શબ્દાર્થ, અને છેલ્લે તેનો વ્યંજનાર્થ. જેમકે જીભમાં કાનું પરી ગયું,/Jeebh ma kanoo puree gayoo/ In the tongue a hole formed/ Became speechless.
તેમાંથી અમોને મોહી ગયેલાં કેટલાંક પ્યારાં રત્નો:
ખાસરા ખાઈને ખરખર હસે પછી (તદ્દન બેશરમ લુખ્ખો), મારો બરડો નાખવા જાઉંચ (લાંબો વાંસો કરવા જાઉં છું), બુઢવારના વાંઢા (બુદ્ધિવગરનો), ગાન ને દરદન એક થઈ ગઈ (કાળી મજૂરી કરી થાક્યો), નકટીને સરખમ (બિમારીનો ઢોંગ), સદંતર ઘેલ*ઓઇદો (તદ્દન મૂરખો), ઊંધા હાથનો ઠપ્પર મારસ (ડાબા હાથની પડશે ને એક) મમ્મોચચ્ચો વગર સીરપા નહીં (ભૂંડું ના બોલે તે પારસી નહીં), મરઘીને દાંટ આવે તેટલા (કદી ન બને તેવું), તહારું સાચું ને કૂતરાનું ડાચું (ખટાબોલી બાઈ), ટેની ગાને ગુંડર છે (ગુંદરિયા મહેમાન), નારાનો ઢીલો સાલો (બદચલન), ફટાકરી (સેક્સી લેડી), ગાન બતાવો પન દાંટ ના બતાવતા (ઓળખાણ રાખવી પણ દોસ્તી ન કરવી), કાંડો ખાઈને મોહનું કોને સુંઘારવા જાય? (મોટો ગુનો કરીને કયા મોઢે ઊભો રહે છે?) વગેરે.
આ પુસ્તકમાં પારસી જુબાનના લવરલી ઉચ્ચારની ફોરમ પણ મળે છે: “મોહનુ” મીન્સ “મોઢું,” “રરે છે” મીન્સ “રડે છે,” “ભાણું” બને છે “ભોનુ,” ને “કાંડો” એટલે “કાંદો!” વગેરે.
જાડા પૂઠાના આ ગ્રન્થની ટેગલાઇન છે: Insults, Endearments & Other Parsi Gujarati Phrases, યાને પારસી ગુજરાતીની ગાળો, વહાલનાં સંબોધનો ને ઇતર મુહાવરા. સંકલનકર્તા સૂની તારાપોરવાલા અને મહેર મારફતિયા.

આ કર્ણપ્રિય ઉચ્ચરણોનો સાચેસાચો સ્વાદ પામવા પુસ્તકની સાથે એક ઓડિયો સીડી બી જોડેલી છે! જેમને બોલીઓનું આકર્ષણ હોય તેમને કદાચ આ સીડી ગમે કેમકે આમાંના વધુ રસઝરતા ને રમણીય મુહાવરા છે જે છાપામાં અપાય તેવા નથી, ડાખલા ટરીકે ખોદાયજીએ એને માખન મલીદાથી બનાવી છ (કામણગારી જુવતી), નહીં અગાસી, નહીં ઓટલો (ન સ્તનની શોભા, ન નિતંબનો મોભો).
~ મધુ રાય
Madhu.thaker@gmail.com
Thursday, December 12, 2024