પહેરશો નૂતન વિચારો, તો દિવાળી લાગશે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
દિવાળી કાવ્યો (ભાગ: ૨)
~ વિવિધ કવિઓ દ્વારા
~ (વિનંતી: વાંચો, વંચાવો, શૅર કરો)
(નોંધ: ‘અર્ઝ કિયા હૈ’ કટારમાં સામાન્ય રીતે ચાર પંક્તિનું અવતરણ લેવામાં આવે છે, પણ અહી બ્લોગમાં આખી ગઝલ મુકવામાં આવી છે.)
***
ગુજરાતી મિડ-ડેના માતબર વાચકોને દિવાળી પર્વ નિમિત્તે સાકર વગરની મીઠાઈથી ભરચક બૉક્સ ભરેલી સ્વાસ્થ્યવર્ધક શુભેચ્છાઓ. દિવાળીનું પર્વ આપણા માટે ગર્વનો વિષય પણ છે અને ગૌરવનો વિષય પણ છે. અમેરિકામાં પેન્સિલવેનિયા અને કનેક્ટિકટ પછી તાજેતરમાં કેલિફોર્નિયા ત્રીજું રાજ્ય બન્યું છે જેમાં દિવાળીની જાહેર રજા માન્ય થઈ છે.
આ ઉપરાંત નેપાળ, શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર, ફિજી, મોરેશિયસ, ગુયાના, ટ્રિનિડાડ અને ટોબાગો દેશોમાં દિવાળીને રાજકીય માન્યતા પ્રાપ્ત થયેલી છે. તનુ પટેલ આપણી પરંપરાને પોંખે છે…
આપણું આગવું પર્વ દીપાવીએ
કોડિયાંના ઉજાસે તમસ ટાળીએ
લઈને ઓવારણાં ‘શ્રી’ને સત્કારીએ
સ્નેહ રંગોળીએ ગણપતિ સ્થાપીએ
સ્વસ્થ હો તન ને મન જંગ જીતાય સહુ
દેવ ધન્વંતરિ હરખે આરાધીએ
દૈવી ને આસુરી બેય તત્વો ભીતર
પોતીકા તેજથી દુષ્ટતા ડામીએ
ફેરિયાના મુખે સ્મિત ઝળકે જરી
મોલના ઠાઠ દેખી ના અંજાઈએ
છે પ્રણાલી જૂની તોય છે ભવ્યતમ
નવ્ય પેઢી સુધી વારસો વાળીએ

દરેક પેઢીની જવાબદારી વારસાનું જતન અને સંવર્ધન કરવાની છે. મૂળથી કપાઈએ પછી ધરતી સાથેની માયા ઓછી થતી જાય. માટીની મમત માતૃત્વથી ઓછી નથી. છેલ્લા ચાલીસ-પચાસ વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલી પેઢીના સંતાનો ત્યાં જ જન્મ્યા છે. એટલે એમને ભારત સાથે એટલો લગાવ નથી હોતો જેટલો એમના વડીલોનો હોય છે. વતનમાં ઉછરીને જે વિદેશ ગયા છે એમને હિતેન્દ્ર પુરોહિતની પંક્તિઓ વધારે સમજાશે…
ગમો અણગમો સૌ ભુલાવી મળે છે
દિવાળીમાં ચાહતનું ઝરણું વહે છે
હૃદયમાં અનેરા, ઉમંગો ભરે છે
દિવાળી જો આવે, બધાને ગમે છે
પૂછે કોઈ જ્યારે ક્યાં મામા રહે છે
કહે ભાણિયાઓ જ્યાં દીવો બળે છે
હજી પણ એ યાદો ભૂલાવી શક્યા નઈ
જવા ઘેર મામાના દિવસો ગણે છે
દિવાળી ફક્ત કોઈ તહેવાર ન્હોતો
પ્રસંગો ઘણાં મનમાં યાદો વસે છે
નવા દિન, નવી રાત, વર્ષો નવા પણ
હજી મનમાં સંભારણા એ રમે છે
સ્મરણો એક એવી મૂડી છે જે કારોબારના નફામાં નથી મળતી કે નોકરીના પગારમાં નથી મળતી. સમય આ મૂડી સંચિત કરે છે. આંખો ભીની કરે એવા સ્મરણોનું સર્જન સંબંધ પર નિર્ભર હોય છે. સ્મરણોના એટીએમમાંથી કડકડતી નોટ બહાર નથી પડતી, પણ હૈયાને ટાઢક આપે એવી હૂંફ બહાર સરતી હોય છે. ડૉ. ધીરજ એસ. બલદાણિયા `નિઃસ્વાર્થ’ અતીતની કુંજગલીમાં લટાર મારે છે…
પાંચ પૈસામાં દિવાળી થઈ જતી’તી
આબરૂ અકબંધ સૌની રહી જતી’તી
ચાર રસ્તા પર વડા મૂકવા જતાં સૌ
કઈ દિશા કકળાટ ત્યાંથી લઈ જતી’તી?
દંભ નહોતો ફાવતો સહેજેય ત્યારે
પાંપણો દિલની હકીકત કહી જતી’તી
મોળું મોં મોસાળમાં રહેતું જ નહોતું
મામીઓ મીઠાઈ થોડીક દઈ જતી’તી
કેમ ત્યાં પેંડા મળે નહિ બાળકોને?
-દૂધની નદીઓ ઘરો-ઘર વહી જતી’તી
સ્ત્રીના ભાગે આવતો કેવળ ઢસરડો
મોટું મન રાખી, છતાં એ સહી જતી’તી
સૌ હતાં ‘નિઃસ્વાર્થ’ ત્યાં આર્થિક વિષયમાં
વાપરણની પણ વ્યવસ્થા થઈ જતી’તી

મોસાળે રોકાવા જવાનું સામાન્ય ચલણ ગઈ સદીમાં હતું. `ગઈ સદી’ એવું બોલીએ છીએ બાકી વાત તો માત્ર ત્રણેક દાયકા પહેલાની જ છે. એક તરફ રૂપિયો નાનો થતો જાય છે, ઘર મોટા થતા જાય છે, સંપર્કો બહોળા થતા જાય છે, પણ સંબંધો ટૂંકા પડતા જાય છે.

હૉસ્પિટલમાં ઍડમિટ થવાનું આવે ત્યારે રાતે કોણ રોકાશે પ્રશ્નનો જવાબ શોધતાં જો એકાદ કલાક થાય તો સમજવું કે આ સમસ્યા હવે એકાદ પેઢીની નથી રહી. નીરજા પારેખ ચિંતન કરવાનું કહે છે…
દીન-દુઃખીનો હાથ પસવારો, દિવાળી લાગશે
કોક મરતાંને ઉગારો તો, દિવાળી લાગશે
સાથિયા – સ્વસ્તિકને શા માટે કરો છો બારણે?
‘ દીકરી લક્ષ્મી છે’ , સ્વીકારો, દિવાળી લાગશે
છો નવા કપડાંઓ પહેરો, ઘર સજાવો ને જરા
પહેરશો નૂતન વિચારો, તો દિવાળી લાગશે
માળિયે મૂકેલ સંસ્કારો ઉપરથી ધૂળને
ઝાટકી જીવનમાં ઊતારો, દિવાળી લાગશે
તો પ્રગટશે રોજ દીવા જીવના અંધારમાં
પોતે ખુશ રહી, સૌને ખુશ રાખો, દિવાળી લાગશે

સંબંધોમાં વ્યાપક્તા કરતાં ગહનતાનો મુદ્દો વધારે અગત્યનો બને છે. આપણે પાસબુકના આંકડાને કમાણી ગણીએ છીએ, પારસ્પરિક સંવેદનાને નહીં. દિવાળી જેવા પર્વનો હેતુ જ જોડવાનો છે.

સાંસારિક અને આર્થિક જવાબદારીઓના બોજામાં અંતરને ઉન્નત કરતી સંભાવના આડે હાથે મુકાઈ જાય છે. સ્નેહમિલનમાં સ્નેહ બાકાત હોય અને ઈવેન્ટ જેવું લાગ્યા કરે. દેવેન્દ્ર રાવલ સોય ઝાટકીને વાત કરે છે…
દિવાળી પર્વને દિલના ઉમળકાથી વધાવીએ
ભૂલીને વેર, દુશ્મનને ગળે દિલથી લગાવીએ
ભલે પ્રગટાવો લાખો દીપ બહારે વ્યર્થ છે સઘળું
જરા એક જ્યોત નાની હોશની ભીતર જલાવીએ
ખબર ક્યાં છે કે ઈશ્વર આવશે ક્યા રૂપમાં દ્વારે
પરખવા એને ભીતર સ્વરછ ને નિર્મળ બનાવીએ
જરૂરત ના છે છપ્પનભોગની ઈશ્વરને મંદિરમાં
બને તો જાત આખી એના ચરણોમાં ધરાવીએ
ગરીબીએ ખુશીઓ છીનવી જે કોઈ ચહેરેથી
એ સૌ ચહેરાને પણ થોડી ખુશીઓથી સજાવીએ

નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે અધૂરા રહેલા સંકલ્પો હિસાબ માગશે. નવા સંકલ્પો આપણી સજ્જતાને ચકાસશે, આપણી નિયત ઢંઢોળશે અને એમાં જો ખામી દેખાશે તો ફિક્કું સાલ મુબારક ફેંકી આગળ ચાલતી પકડશે. આવું કશું ન થાય એવી આશા સાથે ભારતી ગડાની પંક્તિઓ મુબારક…
નવા સવાલના જવાબ આપશે નવું વરસ
જતાજતાંય હાસ્ય કિલકારશે નવું વરસ
નવો વખત, નવો ઉછાળ લાવશે નવું વરસ
ને સ્મિત સાથ આંખ મિચકારશે નવું વરસ
નવી સવાર આજ બાગમાં બહાર લાવશે
નવીન આશના લઈ પધારશે નવું વરસ
નવા વિચાર સંગ બસ નવી સફર શરુ કરું
વિકાસની નવી દિશા બતાવશે નવું વરસ
કઠિન પંથ છે અહીં, કદમ ઉઠાવજે જરા
તો શક્યતાના બારણાં ઉઘાડશે નવું વરસ

લાસ્ટ લાઈન
દીવડાંથી રોશની પ્રસરાવજો શુભ પર્વ આવ્યું
આ તમસની રાતને અજવાળજો શુભ પર્વ આવ્યું
તેરસે ચાંદીને સોનાથી કરાશે ‘મા’નું પૂજન
ઘરની લક્ષ્મી થોડી તો શણગારજો શુભ પર્વ આવ્યું
ચૌદશે બજરંગબલી ને કાળભૈરવ યાદ કરતાં
દ્વેષના કકળાટને સૌ કાઢજો શુભ પર્વ આવ્યું
દીવડાંના તેજથી ઝળહળ દિવાળી, શોભશે ઘર
ઝૂંપડી બસ એકની શોભાવજો શુભ પર્વ આવ્યું
લો નવાં વર્ષે હવે, સંકલ્પ નૂતન, સૌ મળીને
કોઈની આંતરડી નક્કી ઠારજો શુભ પર્વ આવ્યું
ભાઈબીજે ભાઈઓ સંકલ્પ લેજો આપ સર્વે
હાથ ભ્રાતાનો ‘સ્વસા’ પર રાખજો શુભ પર્વ આવ્યું
~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’
આભાર હિતેનભાઈ, સરસ સંકલન બદલ.
દિવાળી પર્વની શુભેચ્છાઓ.
Vaaah.. ખૂબ સરસ… હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર મારી ગઝલ લેવા માટે 🙏🙏🙏