વેનિસથી ઑસ્ટ્રિયા (યુરોપ યાત્રા ભાગ-૪) ~ સંધ્યા શાહ

(અગાઉનો / ભાગ-૩ વાંચવા આ લિંક ક્લિક કરો:)
https://aapnuaangnu.com/2025/04/24/venice-tour-sandhya-shah/

ઑસ્ટ્રિયા-ઈન્સબ્રુક- ઈન્ટરલેકન

વેનિસથી અમે ઑસ્ટ્રિયા તરફ જઈ રહ્યા છીએ. અહીં પરિવહન સુવિધા એટલી સરસ છે કે ક્યારે તમે બીજા દેશમાં આવી પહોંચો તેની ખબર જ ન પડે. વાતાવરણમાં ભીનાશ છે, ઠંડક છે, વાદળાઓ ઘેરાયેલા છે. પહાડોના ઢોળાવ પર છૂટાછવાયા મકાનો અને સમાંતર વૃક્ષોની હારમાળા છે.

આલ્પ્સની પર્વતમાળાની વચ્ચે ઈન્સબ્રુક્ની ખીણમાં તે વસેલું છે. બસ આગળ વધતી જાય છે તેમ પર્વતોની ટોચ પર ચાંદીની જેમ ચમકતો બરફ અમને જલ્દીથી ત્યાં પહોંચવા માટે ઉત્સુક કરી દે છે.

ઑસ્ટ્રિયા ખૂબ સુંદર છે. પ્રકૃતિએ થોકેથોકે વહાલ ઠાલવ્યું છે. 30 કિ.મિ.નો વિસ્તાર અને 2016ની વસ્તી ગણતરીને આધારે તો કેવળ 1 લાખ 40 હજારની વસ્તી ધરાવતું આ અદ્દભુત શહેર છે.

7 Reasons why you should visit Austria - Heritage Hotels of Europe

પહાડોની વચ્ચે જ્યાં પણ સમથળ જગ્યા છે, ત્યાં લોકોએ સુંદર આવાસ બાંધ્યા છે. પ્રત્યેક મકાનના ઝરૂખા રંગબેરંગી ફૂલોથી શોભે છે. પ્રકૃતિને જરા જેટલી હરકત પહોંચાડ્યા વિનાનું આ સહજીવન છે.

Housing in Austria: a guide for house-hunting expats | Expatica

સહુથી વધુ મન મોહી લે છે અહીંના વૃક્ષો, સંત્રીની જેમ ઊભા રહેલા વૃક્ષો, વાદળ સાથે વાતો કરતા વૃક્ષો, પહાડોની શોભામાં અભિવ્રુદ્ધિ કરતા વૃક્ષો… પ્રકૃતિના અભિરામ સૌન્દર્યે સહુને નિ:શબ્દ કરી દીધા છે.

હળવો પીળો, લીલો અને ઘેરો લીલો.. આવા રંગોમાં વિખેરાયેલા વૃક્ષો, ખીણની વચ્ચે દેખાતું ધુમ્મસ ને પર્વતમાળાના શિખર પર બરફની રંગોળી.. આ નિતાંત સૌંદર્યને મૌન રહીને માણવાની જ મજા છે.

અમે સ્ફટિક્ના એક ઝળાહળા જગત – સ્વોરોસ્કી ક્રિસ્ટલ મ્યુઝિયમમાં પહોંચ્યા. પરિસરમાં પ્રવેશતા જ દેખાઈ એક લીલા ઘાસમાંથી બનાવેલી રાક્ષસની મુખાકૃતિ જેના મુખમાંથી ધોધ વહેતો હતો.

Swarovski Crystal Worlds: Worth Your Time When in Austria? -

પરિકલ્પનાના આ રાક્ષસની કલાત્મક વસ્તુઓ, ઝગમગતા હીરાથી શોભતો અશ્વ, ગિનિઝ બુક ઑફ વર્લ્ડમાં સ્થાન પામેલો મોટો હીરો પ્રવાસીઓને મોહિત કરી રહ્યો હતો.

આગળ જતા તિમિરઘેરા ખંડમાં કાચની પેનલ વચ્ચે ચળકતા સ્ફટિકના વૃક્ષો, મહાન કલાકારોએ બનાવેલી કૃતિઓ, મેખમાળા, મુગટ અને અન્ય આભૂષણો- સ્ફટિક્નો જ આલોક. એક જગાએ તો આપણા પોતાના જ સહસ્ત્ર પ્રતિબિંબ અને હીરાજડિત માર્ગ… કેટલી સુખદ્દ અનુભૂતિ1

ડેનિયલ સ્વોરોસ્કીની આ શોધ 1895માં જગત સમક્ષ આવી ને તેના નામ પરથી જ સ્વોરોસ્કી નામ આપવામાં આવ્યું.

Ultimate Guide: Swarovski Crystals

સો વર્ષ પૂરા થયા ત્યારે 1995માં સ્વોરોસ્કીનું આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું. એન્ડ્રીહિલર નામના કલાકારે ચૌદ ચેમ્બર્સ બનાવી સૌંદર્ય અને કળાનો અભિનવ સંગમ રચ્યો.

ઈન્સબ્રુકથી 22 કિ.મી. દૂર આવેલા આ મ્યુઝિયમના પ્રાંગણમાં પણ હીરાજડિત મોટા અરીસા અને વાદળાઓ આકર્ષણનું કેન્દ્ર હતા. સ્વોરોસ્કીના આભૂષણો, પેન, પેન્સિલ, બોલપેન તથા ઘડિયાળો અત્યંત મનમોહક જોકે ખૂબ મોંઘા પણ હતા.

અને હવે આવ્યો નયનરમ્ય મુકામ હોટલ ઑબરહોફર (Oberhofer)નો. પહાડોની સંનિધિમાં મઢુલી જેવી આ હોટલ છે. હિમાચ્છાદિત શિખર, લીલી વનરાજીના અપૂર્વ રંગ અને પારાવાર શીતળતા.

વિચારતી હતી કે  આ રૂમની બાલ્કનીમાં બેસીને કલાકો સુધી આ સૌંદર્યનું રસપાન કરતી જ રહું અને સમય થંભી જાય તો કેવી મજા! હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો વિશે કેવળ વાંચ્યું જ છે, અહીં તો આ બર્ફીલા શિખરોની સન્મુખ બેઠી છું. આ ક્ષણો શાશ્વતપણે અંકિત થઈ જાય તેવી ઝંખના જાગી છે.

સાંજે શહેરના રસ્તાઓ પર ચાલતા જવાનું નક્કી કર્યું. ઈતિહાસની કેટલીક ક્ષણો અહીં પણ કાળજયી થઈને ઊભી છે. 1459થી 1519 સુધીનો કાર્યકાળ ધરાવતા મેક્સમિલન-1 રાજાએ પોતાની સામ્રાજ્ઞી બિયાંકા મારિયા માટે એક ગોલ્ડન રૂફ બનાવ્યું હતું.

ઈન્સબ્રુકના લેન્ડમાર્ક કહી શકાય તેવા આ ઝરૂખામાં ઊભા રહી રાજા-રાણી મેદાનમાં યોજાતા કોઈ પણ પ્રસંગને નિહાળતા. આ ઝરૂખાનું છાપરું સુવર્ણ અને તામ્રથી સંયોજિત 2738 જેટલી ઈંટોથી બનાવ્યું છે. પ્રિય પાત્રને કાજે કેટલી સુંદર વ્યવસ્થા!

Golden Delchની આ જગ્યાએ મિત્રો સાથે બહુ બધી તસવીરો કેમેરામાં ઝીલી લીધી. અહીં દુકાનો જલ્દી સમેટાઈ જાય. કૉફી શૉપ અને રસ્તા પરના રેસ્ટોરન્ટ ચાલુ હોય તોયે રસ્તાઓ જલ્દી સૂમસામ થઈ જાય.

અમે પાછા વળવાનું નક્કી કર્યું. અમારો ગાઈડ તરવરાટભર્યો યુવાન હતો. સામાન્ય રીતે અહીં યુરોપમાં ગાઈડ પોતાની સાથે એક લાકડી પર રંગબેરંગી નાની ધજા લઈને ફરે એટલે તેના પરથી આપણે તેને શોધી શકીએ, પણ અમારો આ યુવા મિત્ર એવું કાંઈ રાખતો નહીં; એટલે અમે તેના ટીશર્ટના રંગથી એને શોધી લેતા.

વળી તે એટલો ઝડપી ચાલે કે તેની સાથે રહેવા લગભગ દોડવું જ પડે. મને તો આમ પણ કોઈ પણ સ્થળની વિશેષતા જાણવાનો બહુ જ રસ એટલે તેની એક પણ વાત છૂટી ન જાય તેની હું બહુ જ કાળજી રાખું.

પાછા ફર્યા ત્યારે વાતો-વાતોમાં ત્રણ ગ્રુપ અલગ અલગ થઈ ગયા. અમારો ગાઈડ તો ક્યાંય દેખાય જ નહીં. રસ્તાઓ પરની અવરજવર ઓછી થઈ ગઈ. અમે ઝડપથી રેસ્ટોરન્ટ પર પહોંચ્યા.

પ્રિયજન વિખૂટા પડી ગયા. અમને થયું કે તેઓ અમારાથી વહેલા પહોંચી ગયા હશે, પણ એ તો આવ્યા જ ન હતા. મારા તો હોશ ઊડી ગયા. મન આશંકાઓથી ભરાઈ ગયું. ત્રણેય મિત્રો ફરીથી અંધારામાં શોધવા નીકળ્યા તે દરમિયાન ભૂલા પડી ગયેલા ‘એ’ કોઈની મદદ મેળવી ‘બોલિવુડ તાંદુરી’ પહોંચી ગયા.

મારી આંખોમાં ઝળઝળિયા આવી ગયા. આ કપરા સમયે મળેલી મિત્રોની હૂંફ અને પ્રિયજનનું આગમન હંમેશ માટે યાદ રહી જશે.

વહેલી સવારે પ્રકૃતિના અખિલાઈભર્યા દર્શનને કાજે આ અત્યંત સુંદર સ્થળને નજરમાં ભરી આગળ વધ્યા. ઈન્સ્બ્રુકથી વડુઝ તરફ જતી બસની બારીમાંથી બન્ને બાજુએ મનોહર દ્રશ્યો દેખાતા હતા. પૂર્વમાંથી પશ્ચિમના પહાડ તરફ જતા જીવનનું કેવું ગહન સત્ય સમજાય છે! ખીણમાંથી શિખર તરફ જતી જીવનની યાત્રા કેટલી ઊર્ધ્વમૂલક!

યુરોપના સમગ્ર નિસર્ગ દર્શને વિશ્વ માનવી બનવાનો અહેસાસ કરાવ્યો છે. પહાડ, વૃક્ષ, ફૂલ, સૂર્ય, ચંદ્ર, તારા, દિવસ અને રાત્રિ. બધાય એટલા જ સુંદર, એટલા જ મનોહર. પ્રકૃતિએ તો કોઈ ભેદભાવ રાખ્યો જ નથી. આ જીવનદર્શન મનની સંકીર્ણતાને દૂર કરે તેટલું પ્રભાવક છે.

પર્વતોની ટોચ પર દેખાતો બરફ હવે મધ્યમાં દેખાવા લાગ્યો છે. ધીરે, ધીરે આગળ વધતો, પોતાનું વર્ચસ્વ જમાવતો તે મકાનોના છાપરાં પર, અરે, હવે તો નીચે જમીન સુધી ફેલાઇ ગયો છે. ઓહ! કેટલું અદ્દ્ભુત!

અમે બસમાંથી નીચે ઉતરી ગયા. બરફની ટેકરી ઉપર ચડવાનો, બરફને સ્પર્શવાનો અને તેનાથી જ મિત્રોને ભીંજવવાનો દોર ચાલ્યો. ખુશનુમા વાતાવરણ ને પ્રકૃતિની શીતળ સંનિધિમાં પારાવાર મસ્તી છલકાતી હતી.

ઈન્ટરલેકનમાં એક અપૂર્વ શાંતિનો માહોલ છે. લોકો શાંતિથી બધો જ વ્યવહાર કરે, વાતો કરે, ફરતા રહે. આપણે તો ધમાલિયા, જગતના ઉંબરે માયાળુ બેશક, ઘોંઘાટિયા તો ખરાં જ. અહીંના લોકોની સ્વયંશિસ્ત તો પ્રશંસનીય.

Interlaken, Switzerland added a... - Interlaken, Switzerland

કોઈ શોરબકોર નહીં, ધાંધલધમાલ નહીં, બધું જ નિયમ અનુસાર. અરે! ટોયલેટમાં પણ લોકો લાઈનમાં ઊભા રહે અને તેની સ્વચ્છતાને તો દાદ દેવી પડે.

ઈન્ટરલેકન વિશ્વના દરેક પ્રવાસીઓનું પ્રિય, મનગમતું સ્થળ છે. આલ્પ્સના બર્ફીલા શિખરોને ખૂંદવાની શરૂઆત અહીંથી થાય છે. પૂર્વમાં બ્રિન્જ (Brienz) અને પશ્ચિમમાં (Thun) સરોવરની વચ્ચે વસેલા ને સમુદ્રની સપાટીથી 1857 ફૂટની ઊંચાઈ પર આવેલા આ શહેરને તેની ભૌગોલિક પરિસ્થિતિ પરથી જ ઈન્ટરલેકન નામ આપવામાં આવ્યું છે.

Interlaken Switzerland Pictures | Download Free Images on Unsplash

ઢળતી સાંજે ફરીથી આ હિમાચ્છાદિત પહાડોની તળેટીમાં બેઠી છું. આ ભવ્યતાને આલેખવા શબ્દો ટૂંકા પડે છે. ઘણું બધું લખવું છે પણ આ ધવલ આલોકની નિરવતા મને નિ:શબ્દ બનાવી દે છે.

~ સંધ્યા શાહ
sandhyashah25@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.