“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૮ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસ હોય અને એમાં પણ પરિવાર સાથે હોય એટલે આનંદ જ આનંદ હોય. આ પ્રવાસ આપણને નવી નવી વ્યક્તિઓને જોડવાની સાથે વિવિધ સંસ્કૃતિઓથી ઉજાગર કરે છે. આપણા જીવનમાં તે મેઘધનુષી રંગો ભરી દે છે. જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવા માટે શાંત મગજ, ખુશહાલ હૃદય અને પરિપૂર્ણ આત્માની આપણી જરૂરિયાત છે તે પ્રવાસ દ્વારા પૂર્ણ થતી હોય એવું લાગે છે નહીં સખી? તેં લખ્યું છે તેમ પ્રવાસથી શરીરની ઉર્જા વધે છે. ખરેખર સખી આપણે વિચારીએ તો પ્રવાસમાં કોઈ ઉદ્દેશ્ય હોવો જરૂરી નથી. નિરૂદ્દેશ ફરવાની વાત વણી લેતું મને ગમતું ગીત જે શાળામાં હું ભણતી એ અહીં મને યાદ આવ્યું.
“ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનું વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
– નિરંજન ભગત
આ વિશાળ દુનિયામાં આપણને જ્યારે પણ ફરવાની તક મળે ત્યારે એ ઝડપી એનો આનંદ માણવાનો લહાવો લેવા જેવો છે. અમી તે પ્રવાસ દરમિયાન મળતા જ્ઞાનની વાત લખી છે તો તને કહું જે રીતે વિશાળ વાંચન અને ઊંડું મનન આપણા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે આ પ્રવાસ પણ આપણું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. તેથી જ કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, “જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે.”
પ્રવાસ દ્વારા જ પ્રકૃતિ અને માનવીની ઉત્તમ રચનાઓનાં દર્શન આપણે કરી શકીએ છીએ. પ્રકૃતિ, શિલ્પ અને સ્થાપત્ય દ્વારા આપણને અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન મળી શકે છે. પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકથી મળતા જ્ઞાન જેવું શુષ્ક નથી હોતું પરંતુ અનુભવથી રસસભર હોવાથી એ જ્ઞાન જીવનમાં ખૂબ સરસ રીતે અંકિત થઈ જતું હોય છે. હા, અહીં મારા કહેવાનો મતલબ એવો બિલકુલ નથી કે પુસ્તક દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય તે સાવ નિરસ હોય છે. એ આપણા વાંચનના શોખ પર આધારિત છે.
અમી, ટૂંકમાં તને કહું તો આપણને પુસ્તક અને પ્રવાસ થકી જ્ઞાન મળવાની સાથે વિશાળ દ્રષ્ટિકોણ, વૈચારિક શક્તિ અને સદગુણોની પ્રાપ્તિ થાય છે. એના થકી આપણા બાળકોને સંસ્કારી વાતાવરણ મળી રહે છે. પરિવાર સાથે પ્રવાસ કરવાથી પરસ્પર સ્નેહ અને લાગણીથી બાળકોમાં સંસ્કારની સુવાસ ખીલી ઉઠે છે.
પત્રમાં તેં ધ્યેય અંગે મારું શું કહેવું છે એ લખ્યું છે. તને કહું આપણું ધ્યેય જેટલું મોટું હોય તેને સિદ્ધ કરવાનો માર્ગ એટલો જ કઠિન હોય છે. આપણે એકએક ડગલું સતત ભરતા રહી જીવન પથ પર આગળ વધતા હોઈએ છીએ. સખી, આપણી પાસે અર્જુનની જેમ એક લક્ષ્ય હોય તો આપણું તીર નિશાન પર લાગવાનું જ છે. તને સાચું કહું તો લક્ષ્ય વિનાનું જીવન દોરી વિનાની પતંગ જેવું હોય છે. વહેતાં પવન સાથે પરિસ્થિતિની થપાટો તેને ગમે તે દિશામાં ઉડાડીને લઈ જઈ શકે છે. તને ખબર છે એટલે જ અથર્વવેદમાં કહ્યું છે કે “ઉન્નત થવું અને આગળ વધવું એ પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય છે.” લક્ષ્ય માટે એક ચિનગારી ની જરૂર હોય છે, એવું હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે મેં શીખેલું.
શ્રી હરિહર ભટ્ટ દ્વારા લખાયેલી પ્રાર્થના મને ગુજરાતી વિષય શીખવાડતા હતાં એ મારા શિક્ષિકા શ્રી શારદાબહેન બાપોદરા એ અર્થ સાથે સમજાવેલી તે આજે પણ મને યાદ છે. સખી તેં પણ શાળાના અભ્યાસ દરમિયાન આ પ્રાર્થના સાંભળી જ હશે. ચાલ અહીં તને યાદ કરાવી જ દઉં.
“એક જ દે ચિનગારી,
મહાનલ! એક જ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક જ દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક જ દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક જ દે ચિનગારી…”
– શ્રી હરિહર ભટ્ટ
અમી, ઈશ્વર પાસે આપણને એક ચિનગારીની અપેક્ષા એટલા માટે હોય છે કે આપણું ધ્યેય હોવા ઉપરાંત આપણે મહેનત કરવા છતાં ઘણી વખત કાર્યમાં આપણી ધારણા મુજબની સફળતા મળતી નથી હોતી. આ પ્રાર્થના દ્વારા હતાશા અને નિરાશા પછી એક સમજણરૂપી ચિનગારીની આશા જગાવવાની વાત છે, જેના દ્વારા સફળતા મેળવી શકાય એમ છે, એનું કવિએ કેટલું સુંદર નિરૂપણ કર્યું છે. તને ગમી ને પ્રાર્થના?
જીવનનું વાસ્તવિક ધ્યેય શું છે? હું કોણ છું? ક્યાંથી આવું છું? મારે શું કરવાનું છે? હું શું કરી રહી છું? સખી, આ તમામ વાતો વિચારીએ ત્યાં સુધીમાં તો આ જિંદગી આપણા હાથમાંથી સરકી જતી હોય છે. આપણે સુખની શોધ બહાર કરીએ છીએ પણ આત્મામાં જ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ જીવનનું પરમ લક્ષ્ય છે એવું શ્રી રવીન્દ્રનાથ ટાગોર પણ માનતા હતા.
અમી, આ વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય આપણે પોતાના માટે કાઢીને મૌન બેસીએ ત્યારે આપણા મન અને તનનું સંતુલન વધે છે. એનાથી આપણી ઈચ્છાશક્તિ દ્રઢ બને છે. આ વાત પણ આજના અતિવ્યસ્ત જીવનમાં એટલી જ આવશ્યક બની ગઈ છે. જો આપણે ફક્ત વ્યસ્તતામાં જ ગૂંચવાયેલા રહીએ તો આપણા પોતાના માટે, આપણી જિંદગી માટે આપણી પાસે સમય જ નહીં રહે. કુટુંબ, મિત્રો અને સમાજ માટે સમય ફાળવવો પણ એટલો જ જરૂરી છે. જો સતત કામમાં જ ડૂબેલા રહીએ તો પછી આપણા વ્યક્તિગત વિકાસ અને આધ્યાત્મિક વિકાસ માટે આપણે સમય જ નથી મળતો એવું બહાનું ધરી દેતાં હોઈએ છીએ. તેથી જ આપણા કામ અને નવરાશના સમયની વચ્ચે બેલેન્સ ઊભું કરવું ખૂબ જરૂરી છે.
અત્યારના સમયમાં તો ટેક્નોલોજીની મદદથી ઘણા કામો સરળ રીતે થઈ રહ્યા છે. આપણી જગ્યા અત્યારે મશીનો એ લઈ લીધી છે. તેમાં પણ દરેક કામ ચપટીમાં કરી આપતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે દરેક ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે. હાલમાં તો એ સૌને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
આપણી જેમ વિચારવાની, સમજવાની અને વર્તવાની ક્ષમતા પણ તેની પાસે છે. સખી, જ્યારે બાળક ખૂબ નાનું હોય છે, ત્યારે તે આસપાસની વસ્તુઓ જુએ છે, અનુભવે છે, તેમાંથી નવું શીખે છે અને પછી જુદીજુદી પરિસ્થિતિમાં જુદાજુદા નિર્ણયો લે છે. તેવી જ રીતે આ શક્તિશાળી AI પણ તેના અનુભવોમાંથી શીખવાનું ચાલુ રાખશે. એક દિવસ આ AI એટલું શક્તિશાળી બની જશે કે આપણા માટે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જશે. સખી, આ બાબતે તારું શું કહેવું છે તે જણાવજે.
આપણે થોડા દિવસ પહેલાં જ મિત્રતા દિવસ ઉજવ્યો. આપણા બંને માટે તો રોજ મૈત્રી દિવસ જ હોય છે બરાબરને સખી? હું જેને મારા પરમ સખા માનું છું એ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પણ થોડા દિવસ પછી આપણે ઉજવશું. તને એક વાત કહું મારી બંને દીકરીઓ તો બળેવ પર રાખડી પણ કાનુડાને જ બાંધે. આમ શ્રાવણ એટલે મારે મન તો આનંદ અને ઉલ્લાસના વરસાદી ઝરમરનો મહિનો. ચાલ હવે અહીં મૈત્રી માટે બે શબ્દો લખી વિરમું છું.
“મૈત્રી એટલે
સુંદર પ્રભાતના પુષ્પોનો પમરાટ
મૈત્રી એટલે
સમી સાંજની સંધ્યાનો રંગ
મૈત્રી એટલે
અંધારી રાતમાં ચાંદનીનો ઉજાસ
મૈત્રી એટલે આપણી દુનિયા, આપણું સર્વસ્વ
એવી મૈત્રીની શું વ્યાખ્યા આપું?”
લિ. તારી સખી,
દિનાની સ્નેહભીની યાદ