ગાંધીજી અને સરદાર પટેલ (લેખ) ~ મેધા ત્રિવેદી
ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આમ તો આ બંને નેતાઓની સરખામણી થઈ શકે નહીં. કારણ ગાંધીજીના જમણા હાથ જેવા સરદાર પટેલનો તેમની સાથેનો સંબંધ ગુરુ – શિષ્યનો રહ્યો હતો.

સરદાર પટેલને મન ગાંધીજી સંત મહાત્મા હતા, એમની પાસે સ્વતંત્રતાનો વિસ્તૃત અર્થ હતો. તેમના માટે આઝાદી આખા દેશની, એટલે કે પરદેશીઓએ સત્તા છોડી દેવી અને દેશનો વહીવટ રાજકારણ નાગરિકોને સોંપી દેવો – આટલું પૂરતું નહોતું.
ગાંધીજીના માનવા પ્રમાણે કોઈપણ સત્તા પાસેથી સ્વતંત્રતા મેળવવી, પોતાના હક માટે લડવાની જરુરિયાત ઊભી થાય, ત્યારે સૌ પ્રથમ તો આત્મશુદ્ધિ ખૂબ જરૂરી બની રહે છે.

આત્મશુદ્ધિની વ્યાખ્યા કરવી હોય તો નિજી દોષોથી જાતને મુક્ત કરવી, માનવો અને ફક્ત માનવો પાસેથી અપેક્ષિત ઉચ્ચતમ મૂલ્યો પર ચાલવાનો ભેખ લેવો, અને એની પ્રથમ શરત સત્ય બની રહે.
સ્વનું સત્ય, હકીકતનું સત્ય અને ધ્યેયનું સત્ય! એના દ્રારા અહિંસક હ્રદય પરિવર્તન, કશાય જોર કે જુલમ વગર, વેરની ભાવનાના બીજ રોપ્યા સિવાયનું, જેના મૂળ એ પછી ક્યારેય કોઈ ઉખાડી શકે નહીં.
રસ્તો લાંબો અને પથરાળ હોઈ શકે પણ અંતે સચોટ પૂરવાર થાય. આ બની શકે તો જ વ્યક્તિગત કે સામાજિક કે રાજકીય સ્વતંત્રતા હકથી મેળવી શકાય. દેશના દરેકે દરેક એકમની સૂક્ષ્મ કે સ્થૂળ સ્વતંત્રતા, સતત પારદર્શક સત્યના એરણ પર ચઢી ખરી ઉતરે, ત્યારે સાચી સ્વતંત્રતા આવી કહેવાય.
ગાંધીજીના મત પ્રમાણે સત્ય એ જ જીવન, રોજના નાનામાં નાના કાર્યમાં પણ સાતત્ય જળવાતું હોય, ત્યારે તે તેનું ધર્મનું આચરણ કહો તો તે અથવા રાજકારણ કહો તો તે, તેનું સૌથી મોટું મૂલ્ય બની રહેવું જોઈએ. પરંતુ ગાંધીજીમાં સત્યના માર્ગે જવાના વિચારો અને એના પ્રયોગો કરવાનું આત્મબળ આવ્યું ક્યાંથી? એ સમજવું હોય તો તેમના બાળપણ પર એક નજર નાખવી જરૂરી બને છે.
બાળપણમાં એવા ઘણાં પ્રસંગો બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ, જેમાં તેમણે મૂલ્યોનો ધ્વંસ કર્યો હતો. સ્વજનોને છેતરવાનો અને ત્યારબાદ એ કાર્યો કરવા બદલ દારુણ માનસિક યાતનાઓ તેમણે ભોગવી હતી.
આવા અનુભવમાંથી પસાર થયા પછી તેમને એક જ ઉપાય જો જડ્યો હતો તે એ કે આ યાતનામાંથી સત્ય જ છૂટકારો આપી શકે, અને સત્યથી નિડરતા મેળવી શકાય.
ગાંધીજીનો બીજો વિચાર અને જેને તેઓ છેક સુધી વળગી રહ્યા હતા તે અહિંસા. આફ્રિકામાં રેસિઝમના તેઓ ભોગ બન્યા અને તેનો સામનો એક પરદેશથી આવેલો તદ્દન અજાણ્યો માણસ કઈ રીતે કરે, એ પ્રશ્ન બનેલા બનાવ સમયે તેમને થયો. ત્યારે તેઓ અહિંસાના સાક્ષાત્કારમાંથી પસાર થયા અને તેમણે એનો જ આશરો લીધો.

અહિંસાથી માણસમાં સહનશીલતાનો ગુણ કેળવાય છે, પરંતુ ગાંધીજીની સહનશીલતા કોઈ કાયરની સહનશીલતા નહોતી. સહન કરવું એટલે સામનો કરવો, એ ત્યાં સુધી કે સામેનાનો આત્મા ડંખવા ના લાગે ત્યાં સુધી, એનામાં સત્યની સમજ આવે ત્યાં સુધી!
સામે જ્યારે મહાન સત્તાનું બળ ઊભું હોય ત્યારે તો શારીરિક બળ કરતાં આત્મબળ હંમેશા વિજયી બને છે, આ મૂલ્ય તેઓ આફ્રિકામાં બનેલા પ્રસંગ પરથી શીખ્યા. શોષણ કરનાર અને શોષણનો ભોગ બનનાર બંને વચ્ચે સતત સંઘર્ષ રહ્યા કરતો હોય છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો શોષિત વર્ગ એક એવો વર્ગ છે, જેની પાસે હંમેશા ટાંચા સાધનો હોવાને કારણે તેઓમાં ગરીબાઈ અને શિક્ષણનો અભાવ પ્રવર્તતો જણાય છે, જે તેમને ખૂબ નીચેના સ્તર પર ખેંચી જાય છે, જેને આપણે ગ્રાસ રુટ લેવલ કહીયે છીએ.
આર્થિક રીતે પછાત અને નબળો વર્ગ છેવટે તેમને પરાવલંબી જીવન અને હંમેશ માટે ગુલામીમાં સબડતા કરી મૂકે છે અને તેમનો મુખ્ય આધાર સત્તાધીશો બની બેસે છે.
આમાંથી જો નીચલા વર્ગે આઝાદ થવું હોય, અન્યાય સામે લડત આપવી હોય, તો આર્થિક સદ્ધરતા અને તેના ઉપાયોનું સૌ પ્રથમ પગલું ભરાવું જોઈએ, ત્યારબાદ એકત્ર થઈને લડત આપવી અને લડત સત્ય આધારિત, ન્યાયી અને વિનયી હોવી ઘટે, જેથી શોષિત વર્ગને ઓછામાં ઓછું નુકસાન સહન કરવાનું આવે.
માનસિક કે શારીરિક નુકસાન પહોંચાડ્યા વિના પરિણામ સુધી લઈ જનારો એક માત્ર હકારત્મક અભિગમ હોય તો તે અહિંસા અને મજબૂત મનની શક્તિ, જેને કોઈ મહાન શક્તિ હરાવી શકે નહીં.
આમ ગાંધીજીની દીર્ઘદ્રષ્ટિએ નકકી કર્યુ કે શોષિતોના હથિયાર જો બની શકે તો તે સત્ય અને અહિંસા. તે ઉપરાંત આર્થિક સદ્ધરતા અને સ્વાવલંબી જીવન જો તેઓ અપનાવી શકે તો એ ક્ષેત્રમાં તેઓ આપોઆપ સ્વતંત્રતા મેળવી શકે છે. એનો સૌથી સહેલો ઉપાય તે સૂતર કાંતી, ખાદીનું કાપડ તૈયાર કરવું.
![]()
ગાંધીજી ખરેખર મહાત્મા હતા કે નહીં એ વિશેષ ચર્ચાનો વિષય છે, પરંતુ તેઓએ મહાત્માના પંથે ચાલી રાજકીય સત્તાને હંફાવી જરૂર નાખી. તેમનામાં રહેલ કર્મોનું સાતત્ય અને પારદર્શકતાએ શોષિત આમજનતાના હ્રદયને તરત જીતી લીધા.
પ્રજામાં એક અકળ જાગૃતિ તે એ કે આપણે ગુલામ છીએ અને હવે આપણને આઝાદી જોઈએ છે, આવો સંદેશ દેશભરની પ્રજામાં ફેલાયો અને વિશ્વે કદી ના જોયેલી કે જાણેલી એવી મહાસત્તા પાસેથી, આઝાદી મૂલ્યોના આધારે ગાંધીજીએ અંકે કરી.
સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગાંધીજી હંમેશા એક શ્રદ્ધાનો વિષય રહ્યા હતા, જેમાં કોઈ સવાલ કે તાર્કિકતાને સ્થાન નહોતું. એક સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મેલા સરદાર ખેડા જીલ્લાના શ્રમજીવી પટેલના બહોળા કુટુંબમાં ઉછરેલા હોવાથી બાંધછોડ કરવી કે જતું કરવું એ સ્વભાવ થઈ પડ્યો હતો.

સ્વામિનારાયણ ધર્મ પાળતા આ કુટુંબમાં ગુરુ હંમેશા મોટો રહે છે, તેમની આજ્ઞા ઉથાપવી એટલે દ્રોહ કર્યા બરાબર લેખાય. કારકિર્દીની શરુઆતમાં અંગ્રેજોની અસર તળે આવેલા વલ્લભભાઈને જ્યારે ગાંધીજીના વિચારો, તેમનામાં રહેલું આત્મબળ અને દેશની આઝાદી માટે કરી છૂટવાની ધગશનો અનુભવ થયો, ત્યારે તેઓ તેમના અનુયાયી બની બેઠા.
સમાજ વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા એકબીજાના અભિન્ન અંગ ગણાય છે. ગાંધીજીએ આ બંને મોરચે અહિંસક લડાઈ આદરી હતી. પરંતુ આ લડાઈનું આયોજન સુવ્યવસ્થિત ના હોય તો તે નિષ્ફળ બની શકે છે.
સરદારમાં બાળપણથી જ એક સફળ આયોજકના ગુણ પ્રબળ જણાઈ આવતા હતા. ગાંધીજીના વિચારોનું ઠોસ આયોજન અને કોઈપણ ભોગે તેને સફળ બનાવવું તે એમનું મિશન બની રહ્યું હતું.

એમાં પત્રિકાઓ વહેંચવી, સરકારને કાગળો લખવા, કોર્ટ કેસ લડવા, સભાઓ ભરવી, વગેરેનો સમાવેશ તેઓ બખૂબી નિભાવી જાણતા.
આ ઉપરાંત તેમનામાં સૌથી ઉપર તરી આવતો અને અહિંસક લડતમાં ઘણો જ ઉપયોગી એવો ગુણ હતો તે એ કે તેઓ સારા વક્તા હતા. સરળ, સ્પષ્ટ અને સચોટ લોકબોલીમાં કરાયેલું તેમનું ભાષણ લોકોને ઝટ ગળે ઉતરી જતું, અને જનતા તેઓ કહે તેમ કરવા તૈયાર થઈ જતી.

ગાંધીજીની દીર્ઘદ્રષ્ટિ અને સરદારના આયોજનના સુમેળે દેશને મહાસત્તાની ચુંગલમાંથી છોડાવવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો.
પરંતુ એ યાદ રહે કે ગાંધીજી માટે આઝાદી એ જ એક ધ્યેય નહોતું, તેમની નેમ દરેક જીવનને સર્વોતમ માર્ગે લઈ જવાની હતી જ્યારે સરદાર પટેલ માટે પ્રથમ દેશની આઝાદી, પ્રજાના સુખ-સગવડ, એ માટે ન્યાયી અને વ્યાજબી કાનૂન, સબળ વહીવટી તંત્ર અને એકતા મહત્વના રહ્યા હતા. પછી તે અહિંસક રીતે, સમજાવટથી આવે તો તેમ, પરંતુ જ્યારે તે એકતરફી થઈને રહી જાય અને પ્રજાને જ્યારે ખૂબ સહન કરવાનું આવે ત્યારે તેઓ સખત પગલાં લેતાં અચકાયા નથી.
પોતાના આત્મવલોપાતના ભોગે, ગાંધીજીની આજ્ઞા ઉથાપવાના નિજી પાપ કર્યાના સતત ડંખે પણ, તેમણે દેશના અને તેની પ્રજાના ભલા માટે આવા નિર્ણયો લીધા છે તે આપણે વિભાજન સમયે અને દેશના સંગઠન સમયે જોયું છે.

તેઓ દેશની આડે આવતા કોઈ પણ પ્રશ્નને પોતાની જાતની કે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના, એ ખૂંચતા કાંટાને, કાઢીને ફેંકી દેતા અચકાયા નથી, એની જાણ આપણને છે!
તેઓ કદાચ ગાંધીજીના શુદ્ધ અંતિમ સુધી પહોંચી શક્યા ન હતા. એનો સંતાપ પણ તેમણે અનુભવ્યો છે. ગાંધીજીના દેવલોક પામ્યા પછી આ વસ્તુ આપણે સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ.
ગાંધીજીની પ્રાર્થનાસભાની સુરક્ષાનું આયોજન બરાબર થઈ શક્યું નહોતું આવું તેમના પર લાગેલું લાંછન અને ગુરુના આવા મૃત્યુમાં પોતે આડકતરી રીતે જવાબદાર બન્યા, એ ગુનાહિત લાગણીથી તેઓ સતત પીડાતા રહ્યા હશે, ભલે તે વ્યક્ત થયું નહીં પરંતુ તેમનું કથળેલું સ્વાસ્થ્ય આ બાબતનો જવાબ આપી બેઠું.
1949ની 15મી ઓગષ્ટના ભાષણમાં આવો રંજ તેમણે પ્રદર્શિત કરતાં કહ્યું હતું કે– only one thought comes to my mind – BAPU, You should have been living at this hour, India has need of you.
જોકે સરદાર દેશની ફરજોમાંથી ક્યારેય ચૂક્યા ના હોવા છતાં ગાંધીજીના મૃત્યુના બે જ વર્ષમાં તેઓ દુનિયા છોડી ગયા.
https://youtu.be/heucnZm7G34?si=ghZhoxfvAc_tbZAQ
અહીં આપણે એક તારણ એવું કાઢી શકીએ કે ગાંધીજી પૂર્ણપણે સંતના માર્ગે દોરી જનાર મહાન આત્મા હતા, તો સરદાર લોખંડી ઈરાદા ધરાવનાર એક સફળ આયોજક હતા. બંને નેતાઓનો સુમેળ દેશ માટે એક મોટું સૌભાગ્ય બની રહ્યું. એ વિના દેશની આઝાદી શક્ય બની શકી ન હોત. દેશના આ મહાન નેતાઓને સાદર પ્રણામ.
~ મેધા ત્રિવેદી, મુંબઈ
mugdha1221@gmail.com