“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૪ નો પ્રત્યુત્તર ~ દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ

પ્રિય દિના,

તારા મનના વિચારોનો ચિતાર તેં પત્રમાં ખૂબ સુંદર રીતે કર્યો છે. હું પત્ર વાંચીને ખરેખર ભાવવિભોર બની ગઈ હતી. જેમ વાંચનથી  દિલને અઢળક સુખ મળે છે. મન નિજાનંદ માણે છે, તેવી રીતે તારો પત્ર વાંચીને મારી લાગણીઓ જાગૃત થઈ ગઈ હતી. તેં લખ્યું છે તેમ સાચે જ સારું વાંચન ખૂબ જરૂરી છે.

વિશ્વના પ્રથમ સ્થાને આપણું નાલંદા વિશ્વ વિદ્યાલય આવે છે. તેની વાર્તાની એકવાર આપણે ચર્ચા થઈ હતી. કેવી રીતે તેની હસ્તપ્રતોને બાળવામાં આવી હતી. આપણા પુસ્તકોના મહત્ત્વની તેમને જાણ હશે કે પુસ્તક ક્રાંતિ લાવી શકે છે. તેથી આ અધમ કૃત્ય કરીને હસ્તપ્રતોને બાળી નાંખવામાં આવી. પુસ્તકના વિચારો થકી જીવનને નવો આયામ મળે છે. હું તો કહીશ કે દરેક ઘરમાં એક નાનું પુસ્તકાલય હોવું જોઈએ. જેમાં આપણે સૌ આપણી પસંદગીના લેખકોના પુસ્તકો વસાવી શકીએ. તેઓની વિચારસરણીને અનુસરી શકીએ. દરેક વ્યક્તિએ થોડો સમય વાંચન માટે ફાળવવો જોઈએ. વાંચન દિનચર્યાના ભાગરૂપે પરોવાયેલું હોવું જોઈએ. આપણે પુસ્તક ઘરમાં વસાવી લઈએ અને માળીયે ઉધઈ ખાતું પડ્યું રહે એને આપણાં અમૂલ્ય વિદ્યાધનનું અપમાન ગણી શકાય. આપણને પણ આ વાંચનના શોખ થકી જ તો આ પત્રો લખવાની પ્રેરણા મળી.

આપણી ગુજરાતી ભાષા કેટલી મીઠી લાગે છે! મા જ બાળકને બોલતાં શીખવાડે છે તેથી જ તો એ માતૃભાષા છે અને એટલે મા જેવી મીઠી લાગે છે! ગુજરાતીમાં લખવું એટલે આપણે બધાને મન જાણે શબ્દોને મીઠી ચાસણીમાં બોળીને લખ્યા બરાબર છે. જે વાંચતા અને બોલતાં આપણા મોંમા મીઠાશ ભરી દે છે. તારા મોંમા પણ મીઠાશ આવી જ હશે ખરુંને?

સખી, તું અમદાવાદ આવી હતી ત્યારે હું અહીંના સૌથી મોટા પુસ્તકાલય એમ.જે.લાયબ્રેરીમાં તને લઈ ગઈ હતી. જે જોઈને તેં મને કહ્યું હતું કે બધાં સ્થળો એક બાજુ અને આ જ્ઞાનની પરબ એક બાજુ. તારું એ વાક્ય મને ખૂબ યાદ રહી ગયું છે. અત્યારે પણ તારું પુસ્તક વાંચન તો ચાલુ જ હશે. નવું કોઈ પુસ્તક વાંચવા જેવું હોય તો મને જરૂર જણાવજે.

એકલતા લાગતી હોય ત્યારે પુસ્તકને સાથી બનાવી લઈએ તો ચોવીસ કલાક પણ ઓછા પડે. આ તને મારો જાત અનુભવ કહું છું. આજે તને મારા જીવનમાં બનેલી એક ઘટના જણાવું છું. મેં પુસ્તક વાંચવાનું એટલે ચાલુ કર્યું કે હું જીવનમાં નિરાશાની ગર્તામાં ડૂબી ગઈ હતી. એ સમયે મને મારી આસપાસ અંધકાર સિવાય કંઈ દેખાતું નહોતું. મારું મન હંમેશા તેમાં ડૂબેલું રહેતું. સબંધો અને વ્યવહારોથી હું ખૂબ દૂર જઈ રહી હતી.

દિના, હું એક હરતી ફરતી લાશ બનીને રહી ગઈ હતી. મારી બુધ્ધિ અને વિચારો કુંઠિત બની ગયા હતાં. મને જીવનનો મોહ રહ્યો નહોતો. રાત દિવસ મનમાં સતત એક જ વિચાર ચાલતો રહેતો કે હું પણ મારા દીકરા પાસે ચાલી જાઉં. બસ ઇશ્વર પાસે રોજ એક મૌન ફરિયાદ કર્યા કરતી હતી. મારાં દીકરાને જ કેમ આટલી નાની ઉંમરમાં તે તારી પાસે બોલાવી લીધો….! જો તારે પાછો જ લઈ લેવો હતો તો આપ્યો જ શું કામ? મારા કયા ભવની મને આવી સજા મળી રહી છે. આંખોમાં ભીનાશ છવાયેલી રહેતી, વારેવારે આંસુઓના પૂર ઉમડતા રહેતાં હતાં. અમ્મા .. અમ્મા.. કહેનાર મારા દીકરાને કુમળી વયે અચાનક ઇશ્વરે તેના દરબારમાં બોલાવી દીધો.

સખી, જેની સાથે મારે નાળનો સબંધ, મારામાંથી જ છૂટો પડેલો એ અંશ તેનો વિરહ મેં કેવી રીતે ઝીરવ્યો છે એ ફક્ત મારું મન જાણે છે. એ વાતને આજે સતાવીશ વર્ષ થયા પણ એક ક્ષણ એવી નથી જે એની યાદ વગર પસાર થઇ હોય. મારો દીકરો મારાં હૃદયમાંથી એક પળ માટે પણ વિસરાઈ ગયો હોય. મારી વેદના મારા આંસુ દ્વારા વહેતી રહેતી.

એ સમયે મારાં વલોપાતથી મારા મોટા દીકરાની સ્થિતિ દયનીય બનતી જઈ રહી હતી. તેને મારો પ્રેમ મળતો બંધ થઈ ગયો. તેનાં કૂણાં માનસનો મને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે એણે મને નિર્દોષતાપૂર્વક કહ્યું, અમ્મા, તારી પાસે હું છું ને. તને ભાઈની ખોટ નહીં સાલવા દઉ. બાર વર્ષનો મારો દીકરો એકદમ મેચ્યોર્ડ બની ગયો હતો. તેનાં એક માસૂમ વાક્યથી મારી જીવનનો રાહ બદલી ગયો. મને થયું કે ગયેલા આત્માને હું યાદ કરતી આમ આંસુ સાર્યા કરીશ, પરંતુ જે મારી પાસે છે એનો શું વાંક? સખી, મારો આત્મા મને જાણે ધિક્કારવા લાગ્યો કે મારો દીકરો જે મારી પાસે છે તેને મા થઈને હું કેમ ભૂલી ગઈ?

આમ જોઉં તો એ મારી એકલતાની સ્થિતિમાં સૌ સાથે હતાં, પણ એ એક દીકરાની ખોટને લીધે જે એકલતા મારા મનને કઠતી હતી. મારી સાથે જ આવું કેમ થયું એ સવાલ મનમાંથી કાઢી મેં જ્યારે એ વિચાર્યું કે મને શું શીખવવા મારી સાથે આવું બન્યું હશે? મેં મારી વિચારસરણી બદલતા જ મારા મનનો ભાર થોડો હળવો થયો. હું મારા પ્રેમ વગર હિજરાતા દીકરા તરફ પાછી વળી. હવે અહીં મને તારો પણ સાથ મળ્યો છે. આપણી વાતોમાં મને તારી પ્રોત્સાહિત કરતી વાતો હંમેશા નવો મોડ આપે છે. એ પછી તો પુસ્તકનાં સાથમાં મારી એ એકલતા એવી ઓગળી ગઈ કે જાણે મને નવજીવન મળ્યું હોય સખી.
“જગત જ્યારે જ્યારે, કનડતું રહે છે,
મને કંઈક, મારામાં જડતું રહે છે..”
          — વિવેક ટેલર

મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવનમાં અનેરો પ્રભાવ પડે છે. ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો તે આપણને માર્ગ ચીંધે છે. સહનશીલતા અને ધીરજ જેવા ગુણ શીખવીને જીવન ટકાવી રાખવાનો સહારો બને છે. સખી, ઉત્તમ પુસ્તકોની મૈત્રી રાખનાર ક્યારેય ગમે તેવી મુસીબતમાં પણ મૂંઝાતો નથી કે દુઃખી થતો નથી એ મને શીખવા મળ્યું. સારા પુસ્તકોથી ઘડાયેલું મહાપુરુષોનું જીવનદર્શન દુઃખના સમયે ધીરજ અને શાંતિ રાખતાં શીખવે છે. તે આપણી વેદનાને હળવી બનાવી નાખે છે.

રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘ની કવિતાના આ શબ્દો મને સ્પર્શી ગયા..
“પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓતમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.”

દિના હવે મને ભીડમાં ખોવાઈ જવાનું ગમવા લાગ્યું છે. જીવનમાં મેં અનુભવેલો મારો કિસ્સો તને જણાવ્યો. અહીં મેં ક્યાંક વાંચેલો એક કિસ્સો તને કહેવાનું મન થાય છે. જેમાં પુસ્તક માણસની જિંદગી કેવી રીતે બદલી નાંખે એની જ એક વાત છે. જ્યારે અમેરિકામાં ગુલામપ્રથા ચાલતી હતી, ત્યારે એક લેખિકાએ તે વખતે ગુલામની જીવનકથા વર્ણવતું પુસ્તક ‘અંકલ ટોમ’સ કેબિન’ લખ્યું હતું. એ સમયે જે જુવાળ આવ્યો તેનાં પગલે એ અમાનવીય પ્રથા નાબૂદ થઈ ગઈ. આમ પુસ્તકો જિંદગીને સમજવાની અને અનુભવવાની શક્તિ આપે છે. જિંદગી બદલી શકે છે અને સમાજસુધારણા પણ કરી શકે છે.

આપણી માતૃભાષામાં પુસ્તકો વાંચવાની મજા અનેરી છે. ખરુંને સખી! અત્યારે માતૃભાષાથી બધાં દૂર થઈ રહ્યાં છે. બીજી ભાષા શીખવી જરૂરી છે પણ પોતાની ભાષાના ભોગે તો ના જ શીખવાની હોય. અત્યારે જાણે અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધી ગયું છે. બાળકોને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ હોવું જોઈએ. મેં મારા દીકરાને ગુજરાતીમાં ભણાવ્યો છે તેમ છતાં આજે તે અંગ્રેજી કડકડાટ બોલે છે. તારી દીકરીઓ પણ  મારી સાથે ગુજરાતીમાં કેટલી સરસ વાતો કરે છે. આપણને બંનેને આજે કેટલો આનંદ છે કે આપણા બાળકોને આપણી માતૃભાષા વ્હાલી છે.

સખી, આ અંગે તારું શું મંતવ્ય છે તે મને પત્રમાં જણાવજે. ચાલ આજે અહીં રિવરફ્રન્ટ પર પુસ્તકમેળો ભરાયો છે તો જરા તેની મુલાકાત લઈ આવું.

તારી સખી અમી.

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.