મિત્રતા (લેખ) ~ સાચો મિત્ર સૂર્ય સમાન છે ~ પિનાકીન ઠાકર
(શબ્દો: ૧૬૦૩)
મિત્ર! સાચો મિત્ર, ખરો મિત્ર, પરમ મિત્ર; જ્યારે સાચો મિત્ર હોઈ શકે ત્યારે ખોટો પણ હોઈ શકે જ, ખરુંને! સાચો મિત્ર સૂર્ય સમાન છે જે જીવનમાં પ્રકાશ પાથરી શકે છે જ્યારે ખોટો મિત્ર રાહુ કે કેતુ સમાન છે જે કેવળ અંધકાર પાથરી શકે છે.
સાધારણ મિત્ર પણ હોઈ શકે. જેમ કે ક્લાસ ફેલો (અંગ્રેજીમાં અર્થ સાધારણ છે વર્ગસાથી) પરંતુ એ તો વર્ગમિત્ર કહેવાય. તેમ છતાં અન્ય ઉપનામો જોઈએ તો શેરીમિત્ર (ગલીમિત્ર), તાળીમિત્ર, કૉલેજમિત્ર, નોકરીમિત્ર, સત્કર્મમિત્ર, કુકર્મમિત્ર, સ્ત્રીમિત્ર, પુરુષમિત્ર, facebook friend, kitty friend, social media friend, just friend, મિત્રનો મિત્ર મિત્ર, દુશ્મનનો દુશ્મન મિત્ર, આટલું બધું વૈવિધ્ય ભારત સિવાય બીજે ક્યાંય નહીં મળે એ વાત નક્કી જ છે!
શૂન્ય પાલનપુરી સાહેબે ઉમર ખૈયામની રુબાઈનો તરજુમો લાજવાબ કર્યો છે. એમાંની માત્ર બે પંક્તિ રજૂ કરું છું,
‘દોસ્ત જો લાયક મળે તો જાન પણ કુરબાન છે,
એના ચરણે શીશ ધરવામાંય સાચી શાન છે’
મિત્ર થવા માટે અને કરવા માટે; બન્ને માટે લાયકાતની જરૂર છે. મરી ફીટવાની ભાવના ના હોય તો મિત્ર ના બનાવવો કે મિત્ર ના બનવું.
મિત્રતા માટે એક રાજકુંવર અને પ્રધાનપુત્રની વાર્તા યાદ આવે છે.
બંને સાથે ફરવા નીકળ્યા હતા. રસ્તામાં જંગલમાં બંનેએ રોકાણ કર્યું. ત્યાં ઝાડમાંથી એક નાગ આવ્યો ત્યારે પ્રધાન પુત્રએ નાગને મારવા માટે તલવાર કાઢી. ત્યારે નાગે કહ્યું કે મારે તારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, આ તારો મિત્ર રાજકુંવર છે એ મારો પૂર્વજન્મનો વેરી છે માટે મારે એને મારી નાખવો છે અથવા તો મારે એના ગળાનું માત્ર લોહી પીવું છે.
ત્યારે પ્રધાનપુત્ર એ કહ્યું કે જો એટલી જ વાત હોય તો હું તને રાજકુંવરના ગળાનું લોહી આપી દઉં; એમ કહી પ્રધાનપુત્ર રાજકુંવરની છાતી પર ચડી બેઠો અને ગળામાંથી થોડું લોહી કાઢીને નાગને આપી દીધું અને ત્યારે જ રાજકુંવરની આંખ ખૂલી ગઈ.
એણે જોયું કે પ્રધાનપુત્ર ગળા પર છરી લઈને બેઠો છે અને મારું ગળું કાપે છે છતાં પણ એ શાંત રહ્યો; કારણ કે એ મિત્ર હતો! ત્યાર પછી બે-ચાર દિવસો ગયા છતાં પણ રાજકુંવરે પ્રધાનપુત્રને કંઈ પૂછ્યું નહીં. ત્યારે પ્રધાનપુત્રથી રહેવાયું નહીં અને કહ્યું કે આ તારા ગળામાં કાપો છે એ શેનો છે તને ખબર છે? ત્યારે રાજકુંવરે કહ્યું કે તું મારો મિત્ર છે અને તે જે કર્યું હશે એ મારા સારા માટે જ કર્યું હશે!!!
ક્યારેક મિત્રતામાં ભ્રમણાનો આભાસ જણાય છે. પોતાનો સ્વાર્થ સાધી લેવા ખાતર અન્યને ઓશિયાળા કરીને નીજસ્વાર્થ કે હેતુ સિદ્ધ કરવાનું નામ કે પછી વિશેષણ કે પછી આલંકારિક માલફંક્શન? કસોટીની એરણ પર મિત્રતા ચડે ત્યારે તેની સાચી પરખ થાય.
મિત્રતાની કિંમત નથી હોતી પરંતુ મિત્રતા કીમતી છે, અમૂલ્ય છે, એમાં કોઈ બે મત નથી!
કૃષ્ણસુદામાની મિત્રતાનો મહિમા બહુ જ ગવાય છે ચોરે ને ચૌટે.
જેની ગોઠડી તોડાય નહીં તોડી એવી કૃષ્ણ સુદામાની જોડી પરંતુ કૃષ્ણ ભગવાન છે એટલે ખેર બીજું કંઈ ના કહીએ પરંતુ આટલા વર્ષો સુધી મિત્રની ભાળ કેમ ના કાઢી? ચિંતા કેમ ના થઈ? એ શું કરતો હશે? કેવી સ્થિતિમાં હશે? એનો વિચાર જરામાત્ર પણ ના આવ્યો તો મિત્રતા શાની? અને જરૂરિયાતના સમયે કામ ના આવે એવી મિત્રતાનો શો અર્થ?
મિત્રતા તો સુદામાની છે જેણે કોઈ દિવસ ચૂં કે ચા નથી કરી. કેવળ પત્નીના કહેવા પર કૃષ્ણને મળવા ગયા! કર્મ, ઋણાનુબંધની વાતને મૂકો નેવે કે પછી મૂકો તડકે! આશ્રયસ્થાન કેવળ માત્ર તૃણની ઝૂંપડી, અંગ પર ઢાંકવા માત્ર બે વસ્ત્ર, દારૂણ ગરીબી, ખાવાના સાંસા, બે-ચાર સંતાનો છતાં પણ મિત્રને કષ્ટ આપવાનો વિચાર માત્ર ના આવ્યો?

આ આખી વાતમાં તો સુદામા જ મિત્ર તરીકે સર્વશ્રેષ્ઠ જ જણાય છે, એમાં કોઈ અપવાદ કે વિકલ્પ જણાતો નથી!
મિત્ર એટલે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ એવું કહેવાય છે પરંતુ સુખદુઃખ બંનેમાં સાથે કેમ નહીં???
મિત્ર શબ્દનો અર્થ સંકુચિત ના કરવો જોઈએ. મિત્ર શબ્દ અર્થઘટન કે વ્યાખ્યા કે પરિભાષાથી પર છે, જ્યાં ને ત્યાં મિત્ર અલંકારને બળજબરીપૂર્વક લગાડવાની કુપ્રથા બંધ થવી જોઈએ. અમથેઅમથા મિત્રતાના નામે ગગલાવવાનું બંધ થાય તો સારું!
જેમ આકર્ષણ અને પ્રેમ વચ્ચે પાતળી નહીં પરંતુ ખૂબ જ જાડી ભેદરેખા છે તેમ ઓળખાણ અને મિત્રતા વચ્ચે પણ અતિશય જાડી ભેદરેખા છે. માન ના માન મૈં તેરા મહેમાન! ઓળખાણને મિત્રતાને નામે ખપાવી દેવાનો કુરિવાજ બંધ જ થવો જોઈએ એવું તમને નથી લાગતું?!
મિત્ર તો જોઈએ છે દરેકને પરંતુ મિત્ર બનવું નથી, કારણ કે એમાં બલિદાનની ભાવના છે. મિત્રએ તમારા માટે શું કર્યું એ અગત્યનું નથી પરંતુ તમે મિત્રના માટે શું કર્યું કે કરવાની ભાવના રાખો છો એ મહત્ત્વપૂર્ણ છે. ‘IT IS NOT IMPORTANT THAT WHAT NATION DOES FOR YOU BUT IT IS VERY IMPORTANT THAT WHAT YOU DO FOR THE NATION’!
ફરીથી એક વાર્તા યાદ આવે છે.
બે મિત્રો હતા. બંને નક્કી કર્યું હતું કે આપણે 20 વર્ષ પછી આપણે જૂના શિવમંદિર પાસે રાતના સમયે મળીશું, જેમ અત્યારે મળીએ છીએ તેમ.
બંને જણા પોતાના જીવનમાં આગળ વધ્યા, એક ચોર બન્યો અને એક પોલીસ. જ્યારે 20 વર્ષ પછી જે ચોર હતો એ જૂના શિવમંદિર પાસે મિત્રને મળવા આવ્યો ત્યારે બીજો જે મિત્ર હતો એ પોલીસ બની ગયો હતો એ, બાતમીના આધારે આ ચોર આવવાનો છે એમ કરીને ત્યાં આવ્યો.
ત્યારે જે મિત્ર ચોર બન્યો હતો એ એને ગળે મળ્યો અને કહ્યું કે તે મિત્રતા નિભાવી અને તું મળવા આવ્યો, ખરેખર તું મારો મિત્ર સાચો! પરંતુ જે મિત્ર પોલીસ બન્યો હતો એણે એના મિત્રને ચોર કહીને હાથકડી પહેરાવી દીધી; ત્યારે સાથે આવેલી ચોરમિત્રની પત્નીએ એટલું જ કહ્યું,‘ મિત્રતા તો તમે નિભાવી છે, તમારા કહેવાતા મિત્રએ તો માત્ર ફરજ નિભાવી છે’!!!
મિત્રતા વિષેનું મારું એક અછાંદસ કાવ્ય
મિત્ર એટલે મિત્ર,
ઋણાનુબંધ વિનાની સગાઈ એટલે મિત્ર!
હળવેથી પાછળથી મારે કોઈ ટપલી,
જાણે છોકરી કોઈ અડપલી;
ટપરી પર તંબીને ચા કહો એક,
પાછળથી કોઈ ધબ્બો મારી;
બે કહી આનંદ વધારે અનેક.
પહેલાં જેને આપીને ખુશ થવાય,
એ મિત્ર!
મોટાભાઈ, અંકલ, સર, બૉસ;
કે પછી સાહેબ!
નામ સાથેના માનવાચક વિશેષણોના
હૃદયના ભારને,
તું, તને, તારેના
મીઠા આત્મીય સ્વરમાં
સહજતાથી ઓગાળી નાખે એ મિત્ર!
મિત્ર એટલે મિત્ર!
જેના વિષે વિચારીએ
અત્ર, તત્ર, સર્વત્ર!
એના વિષે કેટલું કહીએ,
કઈ વ્યાખ્યામાં એને ગોઠવીએ?
આ છે એક સંબંધ પવિત્ર,
મિત્ર એટલે મિત્ર!!!
પ્રેક્ટિકલ કે વહેવારુ બનાવવામાં મિત્રતા ઓગળી ગઈ છે અને મિત્રતા એનું અસ્તિત્વ ગુમાવી બેઠી છે. મિત્ર શબ્દનું ગૌરવ હણાઈ ગયું છે. મરજીવા જેવો માનેલો મિત્ર માટીપગો નીકળે તો?
શોલેનું ગીત યાદ છે?
મિત્રતા પર લખાયેલાં ગીતોની યાદી લાંબી છે. ડાયલોગમાં કે સંવાદોમાં મિત્રતા શબ્દો સારો લાગે. મિત્રને મૂછનો દોરો ફૂટે એ કળાઈ આવે, અથવા એની ઝીણામાં ઝીણી ખાનગી બાબતની જાણ થઈ જાય; એવી બધી વાતો અજુગતી છે.
કાળઝાળ ગરમીમાં વરસાદની જેમ અડીખમ ઊભો રહે એ મિત્ર. કેવળ ‘પત્ર નવ્હે મિત્ર’ એવી ફિલસુફીથી કોનો ઉદ્ધાર થયો છે ભલા! અરે ભાઈ, મિત્રતા નથી તો નથી, વાંધો નહીં, તમને કોઈ શૂળી પર નથી ચઢાવવાનું; પરંતુ એનું મિથ્યારોપણ અને મહિમામંડન શા માટે?!?
આપણે એકબીજાને ઓળખીએ છીએ કે વ્યાવહારિક હેતુસર જોડાયેલા છીએ એટલું પૂરતું નથી? શા માટે સામી વ્યકિતને હીનભાવનાનો અનુભવ કરાવવો કે પછી શા માટે એના અસ્તિત્વ પર તમારી મિત્રતાની જોહુકમી ઠોકી બેસાડવી?
મિત્રની વ્યુત્પત્તિ કયાંથી થઈ? સરખા એટલે સ(ર)ખા, સરખી એટલે સ(ર)ખી? સખાભાવ કે સખીભાવ અર્થાત બન્નેના ભાવ કે લાગણી એકબીજા માટે સમાન હોય એટલે મિત્રતા?
ભક્તિ માર્ગમાં સખાભાવ (મિત્રભાવ) અને સખીભાવ (ગોપીભાવ) શ્રેષ્ઠ ગણાય છે. આ ભાવ કે લાગણી એટલે શું?
નરસિંહ મહેતાએ કહ્યું છે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’, એ સંદર્ભમાં દરેક જણ મિત્ર છે!
વળી જૈન મુનિશ્રી ચિત્રભાનુએ પણ કહ્યું છે, ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે’!
અહોહો, કેવી અલૌકિક ભાવના!!! આવી ભાવના મિત્રતામાં હોય તો જ એ મિત્રતા, આ સર્વનું ભલું કરવાની વિચારધારા છે; આ વિચારધારાની પાછળ ‘વસુધૈવ કુટુંબકમ્’ ભાવના છુપાયેલી હોય એવું લાગે છે.
કેવળ મિત્રનું જ સર્વપ્રકારે શુભ થાઓ એ જ ભાવના ઉચિત? મિત્ર અમીર અને હું ફકીર? મિત્ર સુખી અને હું દુ:ખી? માન, મત્સર, ઈર્ષ્યાથી પરની ભાવના હોય એ જ મિત્રતા. માન્યામાં ના આવે એવી વાત છેને!!! અંત નથી આવી ભાવનાઓનો.
ટૂંકમાં મિત્ર માટે મરી ફીટવું એ જ મિત્રતા છે. મિત્ર મારા માટે મરી ફીટે એવી ભાવનાને દૂર દૂર સુધી ક્યાંય સ્થાન જ નથી.

કહેવાય છે કે મૂરખ મિત્ર ન કીજીએ. કદાચ મિત્ર મૂરખ હોય તો? છોડી કે તરછોડી દેવાનો? આ શું ગાઠવેલાં લગ્ન છે? Arranged Marriage છે? દોકડા ગણીને કે ગુણ મેળવીને, કુંડળી સરખાવીને કે પછી લાકડે માંકડું વળગાડીને મિત્રતા થાય ખરી!
મિત્રતામાં પ્રિવિલેજ (વિશેષાધિકાર) છે પરંતુ કઈ હદ સુધી ભલા! મિત્ર મુસીબતમાં ભલેને હોય તો! It’s ok? પણ પહેલાં હું મારી દાઢી ઓલવું. ના કોઈપણ પ્રકારનો પ્રતિસાદ, ના ચિંતા, ના ફોન, ના મેસેજ; પછી મિત્રતા શાની?
કોઈ સામાજિક કે વ્યાવહારિક પ્રસંગે ઉપસ્થિતિ રહેવાની ઔપચારિકતાને મિત્રતાના નામે ખપાવવાની મનોદશા મનોરોગીની અવસ્થા છે. મિત્રતા પ્રોવોક્ડ (ઉશ્કેરણી) નથી. આ એક ઉન્માદ છે, લાગણીસભર ઉન્નત અવસ્થા છે; ઓળઘોળ થવાની ભાવના છે!
મિત્રતામાં ઉપાલંભ (મીઠો ઠપકો) હોય ખરો. મિત્રને ટપારવાનો હક મિત્રને ના હોય તો કોને હોય ભલા! મતભેદ ચોક્કસ હોય, પરંતુ મનભેદ તો જરાય ના હોય એ જ સાચી મિત્રતા!
મિત્રતાનો આધાર કયો? મિત્રતાના મૂળમાં કે પછી પાયામાં એવું તે શું છે કે એક અજાણી વ્યક્તિ મિત્ર બની જાય? હૃદયમાં ઘર કરી જાય!
મિત્રતાનો વ્યાપ અમાપ છે. કૃષ્ણ અને સુદામાથી લઈને કર્ણ અને દુર્યોધન સુધીની વાત કરી શકાય એમ છે પરંતુ આપણા ત્રાજવે એમની મિત્રતા તોળાય ખરી!

આ તો કેવી વાત છે કે કોઈકે મજનુને કહ્યું કે લૈલા તો કાળી, કૂબડી, કદરૂપી છે; શું જોઈને તું એના પ્રેમમાં પડ્યો? ત્યારે મજનુએ કહ્યું કે ગર લૈલા કો દેખના હૈં તો મજનુ કી આંખો સે દેખો!
બીજા કોઈની મિત્રતાની મથામણમાં પડ્યા વિના આપણી મિત્રતા સાચી છે કે નહીં, આપણે સાચા મિત્ર છીએ કે નહીં એનું મનોમંથન કરવું વધુ મહત્ત્વપૂર્ણ છે!
સંકુચિત માનસ ધરાવતો સ્વાર્થી માણસ ના તો સાચો મિત્ર બની શકે ના તો એ મિત્રતાનું ગૌરવ પણ અનુભવી શકે. મિત્રતા એટલે સ્વચ્છંદતા, પદ, પ્રતિષ્ઠા, મનમાની, પૈસો બધું જ કોરાણે મૂકો ત્યારે જ મિત્રો પમાય, મિત્ર બનાય. અન્યના નામે મિત્રતાના દૃષ્ટાંતો આપવાં સહેલાં છે પરંતુ ‘યા હોમ કરીને પડો’ એવી હિંમત છે ખરી?
મિત્રતામાં ઉપકારવશ, સારાનરસાના ભાન વિનાની ગુલામી, દ્રૌપદીના ચીરહરણ સમયે ક્ષત્રિયતાને નેવે મૂકવાની કર્ણની દુર્યોધન પ્રત્યેની મિત્રતા? આ બધું કયા માપદંડથી મૂલવશો?!?
અંતમાં, ના પ્રારંભ કે ના અંત, જે હૈયામાં ખીલવે વસંત; એ જ મિત્ર કે જેનો ના આદિ ના અંત!!!
~ પિનાકીન ઠાકર
છે સુખ ને આનંદ સદા જ્યાં સ્વર્ગ છે!
પણ પ્રશ્ન તો સામો હતો ક્યાં સ્વર્ગ છે?
ના તર્કથી, સ્વાનુભવથી મેં કહ્યું,
મિત્રો બધા ભેગા મળે ત્યાં સ્વર્ગ છે
~ પિનાકીન ઠાકર
ppinakin1@gmail.com