“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૧ નો પ્રત્યુત્તર ~ દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ

પ્રિય દિના,

તારી સાથેનો નાતો અતૂટ બંધાયો છે. આપણી મુલાકાત નસીબમાં લખી હશે. આપણે બંને સાહિત્યની રસિક. જેમ પ્રકૃતિ સહચરી છે તેનાથી  માનસિક શાંતિ અને આત્મિક આનંદ મળે છે તેમ તું પણ પ્રકૃતિની દિવાની, ચાંદ અને તારાઓનું આભામંડળ તારા સાથી, એમ હું પણ તારી સહચરી.

તારો પત્ર મળ્યો ત્યારે હું હરદ્વાર જવાની તૈયારીમાં હતી એટલે આજે હરદ્વારથી આ પત્ર લખું છું. ખરેખર તારી અભિવ્યક્તિ વાંચી મને ખૂબ જ આનંદ થયો સખી. હું પણ મારી લાગણીઓ તારી સાથે અહીં વહેંચું છું.

અહીં મા ગંગાનાં પવિત્ર નીરને વહેતાં જોવાનો લ્હાવો, તેની લહેરોમાંથી મળતી શીતળતા માણવાનું ગમે છે. પાવની ગંગામાં મારું મન મોહી ગયું છે. કાલે મેં હર કી પૌડી પર ગંગા આરતી કરી. વાતાવરણ દિવ્ય બન્યું હતું. દરેકનાં દિલમાં મા ગંગા પ્રત્યેનો પ્રેમ છલકતો હતો. ‘હર હર ગંગે’નાં નાદ સાથેનો ઘંટારવ, આરતીમાં વાગતી ઝાલરો, સૂર્ય અસ્ત થતાં ટીમટીમ દિવડાની સાથે શોભતી ગંગાનું મનોહર દૃશ્ય સર્જાયું હતું. મારાં અંતરની અભિવ્યક્તિ વ્યક્ત કરવા જાણે શબ્દો ખૂટી ગયા છે. હું નિઃશબ્દ બની ગઈ છું.

‘અયમાત્મ બ્રહ્મ’ ( હું બ્રહ્મ છું)  જ્ઞાન આધ્યાત્મિક વાતાવરણ હોય ત્યારે થઈ જાય છે. હરિના દ્વાર ખખડાવીને જાણે કહીએ છીએ કે માયાના આવરણમાંથી મુક્તિ અપાવી દે. ગંગાના પાવન સાંનિધ્યમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ સ્પર્શતી રહે છે.

સખી, સાચી વાત કરું તો તમને શ્રદ્ધા હોય તો જ આવા તીર્થસ્થાનોમાં ઈશ્વરનું સામીપ્ય અનુભવી શકાય છે બાકી તો લોકોની ભીડ જોઈને મનમાં અચાનક સવાલ ઊઠી જાય છે કે ભીડ અને આસ્થાનું સમીકરણ માંડી શકાય ખરું?

આજે પૂનમનો ચાંદ ખીલ્યો છે, તેની ચાંદની પાથરી રહ્યો છે. તેની શીતળતા બક્ષી રહ્યો છે. ખીલેલો ચાંદ તને કેટલો પ્યારો છે, એ હું જાણું છું. અત્યારે જ હું ચાંદ સાથે અનુસંધાન સાંધીને, એને જોઈને કહી રહી છું કે ‘મારી સખી એ તને ખૂબ જ ચાહે છે!’

સખી, આજે દેવદિવાળી છે. અહીંયા સ્નાનનો ખૂબ મહિમા છે. કારતકનાં છેલ્લા સ્નાન માટે મોટો મેળો ભરાયો છે. માનવ મહેરામણ કીડિયારાની જેમ ઉભરાયું છે.

હરદ્વાર એટલે હરીનું દ્વાર છે. ત્યાંથી ચારધામની જાત્રા કરી શકાય છે. અહીંયા અસંખ્ય મંદિરો આવેલાં છે. બધાની પાછળ કંઇક ને કંઇક મહિમા હોય છે. હરદ્વાર એવી સુંદર જગ્યા છે અને સમય મળતાં આ આખા પ્રવાસનું વર્ણન વિગતવાર લેખમાં કરીશ અને સૌ પ્રથમ તને જ વાંચવા આપીશ. અત્યારના તો બસ, પત્રોમાં એકમેક સાથે વાતો કરીને નિતાંત નિરાંતનો આનંદ માણી લઈએ.

જોકે, હું એક ખાસ સ્થળની વાત કરું. અમે દક્ષ પ્રજાપતિ મંદિર ગયા હતાં. ત્યાં જોયું તો શિવલિંગ ધડનું હતું, ત્યાં સ્પર્શ કરવા દેતાં નથી. આ જગ્યા એટલે જ્યાં સતીમાતાએ પોતાનાં પિતાજી દ્વારા પોતાનાં પતિનું અપમાન સહન ના થતાં અગ્નિસ્નાન કર્યું હતું, તે. એ કુંડ પણ અહીંયા છે. શિવજીએ આવીને સસરાનું માથું ધડથી અલગ કર્યું હતું. શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે એ પ્રસંગ આ જગ્યાએ બન્યો હતો.

ભારતની વાત કરું તો ભારત દેશ એવો છે કે જ્યાં આપણી સંસ્કૃતિની આમાન્યા રાખતાં ભારત દેશની ભૂમિને ભારતમાતા તરીકે ઓળખીએ છીએ. હરદ્વારમાં ભારતમાતાનું મંદિર છે. લાખો લોકો શીશ નમાવવા આવે છે. આપણે ભારતનાં સંતાનો છીએ. નારા લગાડીને એક સૂરમાં બોલીએ છીએ ભારત માતા કી જય. અહીં ભારતમાતાની સૌમ્ય મૂર્તિ સ્થાપિત છે.

સ્વામી સત્યમિત્રાનન્દ ગિરિ જેમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં, તેમણે આ મંદિર બંધાવ્યું છે. સાત માળનું મંદિર છે. સાત માળ પર ભગવાન, માતાજી, ગુરૂજીઓ, સતીઓ, વીરાંગનાઓ અને જેમણે દેશ કાજે શહીદી વહોરી છે અને ભારતનાં ઘડવૈયાઓ જેમણે દેશને આઝાદ કરવામાં વીરતા દાખવી હતી. તે બધાની મૂર્તિઓ મંદિરમાં મૌજુદ છે. મને ગર્વ થાય છે કે હું ભારતની નાગરિક છું. ભારતમાં જ લોકો દેશને મા માને છે અને ‘ભારતમાતા કી જય’ બોલીને ગર્વ અનુભવે છે.
સખી, ચાલ બીજા પત્રમાં તને બીજી ઘણી વાતો જણાવીશ. મારે માટે પ્રકૃતિની રઝળપાટ એટલે આનંદમંગળ. બીજા સ્થળની મુલાકાત લઈને એ વિશે પત્રમાં જણાવીશ.

લિ. તારી સખી અમી

Leave a Reply to KrishnaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ખરેખર પત્ર વાંચીને હરદ્વારનું પવિત્ર વાતાવરણની અનુભૂતિ અહીં જ થઈ