“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૧ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા

લેખિકા પરિચયઃ

“હું અમિતા શુક્લ છું. બધાં અમી થી ઓળખે છે. હું ચાર વર્ષથી લખું છું.  હું ગદ્ય વધારે લખું છું. મેં એક નોવેલ નિઃશબ્દ લખી છે જે save organ and donate પર છે.”

“હું દિના છેલાવડા એક ગૃહિણી અને બે દિકરીઓની માતા છું. મારું વતન પોરબંદર પણ છેલ્લા ૨૬ વરસથી મુંબઈમાં રહું છું. વાંચનનો ખુબ શોખ ધરાવું છું. નિજાનંદની સાથે સમાજને ઉપયોગી થાય તેવું લેખન કરતી રહું છું. હું કવિતા અને લેખ લખું છું. એ સાથે જ ગીત અને ગઝલ શીખી રહી છું.”

(પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. “આપણું આંગણું”માં દેવિકાબહેન ધ્રુવ અને નયનાબહેન પટેલે એકમેકને લખેલા પત્રો વાંચીને, એ શ્રેણીથી પ્રેરણા લઈને, અમીતાબહેન શુક્લ અને  દિનાબહેન  છેલાવડાએ એકમેકને આ પત્રો લખ્યાં છે. આ પત્રોમાં એકબીજા સાથેના સખ્યનો ઉત્સવ તો ઉજવાયો છે જ, પણ સાંપ્રત કે ભૂતકાળની બીનાઓ, કળા-સાહિત્ય, શૈશવકાળ, એકબીજાનાં ગમા-અણગમા અને કુદરત સાથેનું તાદાત્મ્ય- આ બધાં જ વિષયોને પોતપોતાની રીતે,  પરોક્ષ રીતે મૂલવ્યાં પણ છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી ભાગતી જિંદગીમાં “કેમ છો?” પૂછ્યા પછી ઉત્તર માટે થોભવાની પ્રથા કે રિવાજ રહ્યો નથી. આવી પરિસ્થિતિમાં બે સખીઓ પોતપોતાનાં મન અને હૃદયની વાતો આશાએશથી કરે, એ વિચાર જ સૂરજની ગરમીમાં તપી ગયેલા રસ્તા પર પહેલો વરસાદ પડતાં,  જે માટીની ભીની સોડમમાં તરબતર થઈ જવાય, એવી જ મીઠી સુગંધથી હયાતી ભરી જાય છે. આશા રાખીએ છીએ, આપ સહુ સુજ્ઞ વાચકો પણ આ પત્રો વાંચીને એમની આ નિરાંતની બાદશાહતમાં શામિલ થઈને સ્વયં પણ હાશકારો અનુભવીને નિરાંત માણશો. અમિતાબહેન અને દિનાબહેન, “આપણું આંગણું”માં આપનું સ્વાગત છે.)

પ્રિય અમી,

સખી, નવું નવું શીખતાં રહેવાની તારી વાતો ખરેખર મને ખૂબ ગમે છે. એ વાતોથી મને સતત પ્રોત્સાહન મળતું રહે છે. સાહિત્ય સાગરની સફરમાં એક એપ પરની આપણી નાનકડી મુલાકાત દોસ્તીમાં પરિણમી. તું અમદાવાદ રહે અને હું મુંબઈ બંને જુદા જુદા સ્થળે વસતા હોવા છતાં આપણે અંતરંગ સખી બની ગયા. અહીં સાહિત્યમાં તો રોજ કંઈ ને કંઈ નવું શીખતાં જ રહેવાનું છે. આ ઉંમરે પણ વિદ્યાર્થીની બની રહેવાની મજા અલગ જ છે સખી ખરુંને?

આપણું આંગણું બ્લોગ પર આવતી પત્ર શ્રેણી વાંચીને તેં મને કહેલું કે ચાલને આપણે પણ આવી એક પત્ર શ્રેણી શરુ કરીએ? તેઓ પરદેશમાં રહીને પણ આપણી ભાષા સાથે જોડાયેલા રહી કેટલું સુંદર કાર્ય કરી રહ્યાં છે? કેટલી સાચી વાત કહી તેં સખી? આપણી આવનારી પેઢી આપણી સંસ્કૃતિ અને ભાષા સાથે જોડાયેલી રહે એ જોવાની જવાબદારી આપણી જ છે. આમ પણ આજે આપણે સૌ આ પત્રલેખન સાવ ભૂલી જ ગયા છીએ.

અચાનક આજે એ વાત યાદ આવતા તને આ પ્રથમ પત્ર લખી રહી છું. મને ખબર છે કે તું તો આ વાંચીને ખુશીની મારી ઉછળી જ પડીશ.

હાલમાં જ નવરાત્રીનો તહેવાર ઉજવ્યો. ખુબ મજા કરી. આજે શરદપૂનમ એટલે મને ગમતી રાત. તને ખબર છે કે મને ચાંદ સાથે કેટલો લગાવ છે. અત્યારે પૂનમના ચાંદને જોતાં જોતાં તે કહેલી પૂર્ણતાની વાત યાદ આવી એ સાથે જ આ શ્લોક પણ મનમાં બોલી ઊઠી.

ૐ પૂર્ણમદ : પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે !
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે!

ખરેખર પૂર્ણ એટલે પુરેપુરું. જરા પણ અધુરું કે ઓછું નહીં તેવું. પૂર્ણતા આમ પણ એકલી ક્યાં રહે! પૂર્ણતાનો પ્રભાવ સામે છેડે પણ અનુભવાય જ હો..! આવો પૂર્ણ ખીલેલો ચંદ્ર એટલે આ રાતનું આકર્ષણ..! રોમાન્સની પરાકાષ્ઠા. બહારનું ઝાકમઝોળ અજવાળું કોઈની ભીતરમાં પણ પ્રકાશનું નિમિત્ત બને. જો મારી ભીતર પણ એક અજવાળું છવાયું. તે કહેલી આ પત્ર શ્રેણી લખવાની વાત યાદ અપાવતા આજે એ શુભ શરૂઆત કરાવી ગયું.

સખી તને ખબર છે અત્યારે આ ચાંદને જોતા જ મારા હૃદયમાં સંગીતના સૂર વહેવા લાગ્યા છે. એના સૌંદર્યને માણવું.. એને ચાહવું.. મને ખૂબ ગમે છે. એ અનુપમ સૌંદર્યને નિહાળીને એના નિર્મળ પ્રેમને હું મહેસુસ કરી શકું છું. આમ તો હું નાનપણથી જ એની દિવાની છું. ખાલી પૂર્ણ ચંદ્ર જ નહીં હો, મને તો રોજ રાત્રે આકાશમાં ખીલતા તારાઓને માણવાનો બચપણથી જ લગાવ છે. ટીમટીમ કરતા તારલાઓ વચ્ચે શોભતા ચંદ્રનું આકર્ષણ કોને ન થાય ભલા!

અમી હું નાની હતી ત્યારે તો એનું આકાશમાં આગમન થતા જ એને નિહાળવા અગાશીએ દોડી જતી. ઉંમરની સાથે એ સૌંદર્યને પીવાનો મારો પ્રેમ વધતો જ ગયો. સાંજ પડતાં જ આ મનને ચકોરની જેમ એની પ્રતીક્ષા હોય. એ મારા રોમરોમમાં સ્પંદન જગાવી દે છે.

“એ રાતમાં ખીલતા ચાંદને ચાહતી રહું હું,
સંગાથમાં વરસતી ચાંદનીને માણતી રહું હું..”

મને એવું થાય કે જિંદગીભર આ અનુપમ સૌંદર્યમાં ખોવાતી બસ એને ચાહતી રહું. તું જ કહે પૂર્ણતાને પામતાં આ ધવલ સ્વરૂપને હું કુદરતનો શણગાર કહું કે મારા મનનો માણીગર કહું?

સખી, કવિવર રવિન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલી” મહાકાવ્યમાં લખેલી વાત મને બહુ ગમે કે, “પ્રકૃતિના વિવિધ રંગરૂપ આપણને પ્રેમ શીખવે છે. પ્રકૃતિને ચાહ્યા વિના આપણે નિતાંત પ્રેમની અનુભૂતિ કરી શકીએ નહીં.” કેટલી સાચી વાત કરી છે. આ નિર્મળ પ્રેમની વાત જ અનેરી છે.

આ ચાંદની રાતે આકાશમાંથી અમૃતબુંદો વરસાવી એ અભિષેક કરતો હોય..અહાહા ! એને માણતાં આનંદ અને ઉલ્લાસનો નશો ન ચડે તો નવાઈ! સખી, શરત બસ એટલી જ કે આ સૌંદર્યને મારી જેમ ઓળઘોળ થઈને માણતાં આવડવું જોઈએ..! સૌંદર્યને પામતાં આવડવું જોઈએ. પણ હા, એ માટેનો સમય જોઈએ સખી. આશ્ચર્યની વાત એ છે કે આજે માણસ પાસે આવા કુદરતી સૌંદર્યને માણવાનો સમય જ નથી હોતો..!

આકાશ સામે મીટ માંડીને ક્યારેક આ રાતના સૌંદર્યને કોઈ માણવાનું શરૂ કરી દે તો મારી જેમ એના ચાહક થઈ જાય એની સો ટકા ગેરંટી આપું છું. એમાં પણ શરદપૂનમની રાત એવી રાત છે કે.. ઈશ્વરની પ્રેમમય સૃષ્ટિમાં તલ્લીન થઈ પૂર્ણ ચંદ્રમાંની ધવલ ચાંદનીમાં દૂધપૌંઆ ખાઈ સૌંદર્યનું પાન કરવાની સાથે પ્રકૃતિની લીલાને માણતાં તેના ઝીણાં સ્પંદનોમાં ઝુમી જ ઉઠાય.

સખી, આ ચાંદનીની શીતળતા મનને મહેકાવે. આ ક્ષણોને માણવી, એટલે જ સુખ. ખરેખર, સુખ શોધતા માણસે એ સમજવાનું છે કે સુખ શોધવાનું નથી, માણવાનું છે. સુખની સુરાવલી વહેતી હોય, ત્યારે તું ધ્યાન દઈને સાંભળીશ તો તને પણ મારી જેમ કદાચ કૃષ્ણની વાંસળી અને રાધાના ઝાંઝરનો મીઠો રણકાર સંભળાશે ખરા. કારણકે પૂનમની આ રાત એટલે મહારાસની રાત. આ રાત એટલે વૃંદાવનમાં વાગતી મધુર વાંસળી અને રણઝણતા ઝાંઝરનો સંગમ. એ મહારાસના દૃશ્યની મધુર કલ્પનાના સ્પર્શે મારું મન અત્યારે રંગીન પતંગિયુ બની વૃંદાવનની કુંજ ગલીઓમાં વિહરવા લાગ્યું છે. આ ક્ષણને માણવી એટલે સુખ જ સુખ. તારું શું કહેવું છે? મને જણાવજે જરૂર.

મનને પ્રફુલ્લિત કરતી આ રાતે ચંદ્રના કિરણો જ્યારે વૃક્ષો અને ધરતીના એક એક કણ પર પડે છે, ત્યારે તેમાં શુભ્રતા અને શુભતા, બેઉનો સંચાર થઈ જાય છે. બસ, આવી શુભતાને પામવા.. અમૃતબુંદોને ઝીલવા અંતરને ઝંઝોડીને જાગૃત રહેવું પડે સખી. અત્યારે ચાંદને માણવા સાથે મારા દિલમાં એના પ્રત્યેના જે ભાવ છે એ આ પત્રમાં અભિવ્યક્ત કરવાની મને ખૂબ જ મજા આવી. આશા રાખું છું કે તને પણ વાંચીને ખૂબ જ આનંદ થશે.

યે રાત ભીગી ભીગી યે મસ્ત ફિજાએ
ઉઠા ધીરે ધીરે વો ચાંદ પ્યારા પ્યારા…

ચાલ ત્યારે આ ગીત સાથે અત્યારે આકાશમાં છવાયેલા આ ચાંદના પ્રેમરંગમાં ડૂબી એને માણવા માટે હવે અહીં જ વિરમું છું. તારા પત્રની રાહમાં..

લિ.
વ્હાલી સખી દિનાની સ્નેહભીની યાદ.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. દિના ,
    ઊર્મિ અને હૃદયમાં ઊઠતી લાગણીઓની અદ્ભુત રજૂઆત.. આ પત્રમાં પ્રેમથી વહેતા નિર્મળ ઝરણા જેવી પારદર્શકતા છે જે દરેક શબ્દોમાં છલકે છે.