| |

ફાધર્સ ડે નિમિત્તે ~ (અ) કટાર: અર્ઝ કિયા હૈ (બ) મુક્તક, શેર, ગઝલ : વિવિધ કવિઓ દ્વારા 

(ખાસ નોંધ: કટાર પતે પછી મુક્તક, શેર, ગઝલનું સંપાદન સામેલ છે, તે અચૂક વાંચવા અને વંચાવવા વિનંતી.)

સતસવીર પ્રસ્તુતિ 

(અ) કટાર: અર્ઝ કિયા હૈ

લેખ શીર્ષક:  સૌથી ઓછો ખર્ચો ઘરમાં પપ્પાને નામે છે

ઈશ્વરે પોતે પ્રત્યક્ષ રીતે ઘરે હાજર નથી રહી શકતો એટલે એણે માનું સર્જન કર્યું એ ઉક્તિ પ્રસિદ્ધ છે. એમાં ઉમેરી શકાય કે ઈશ્વર પ્રત્યક્ષ રીતે ઘરની બહાર રહી ઘર સંભાળી નથી શકતો એટલે એણે પિતાનું સર્જન કર્ય઼ું.

આજે એકવીસમી સદીમાં માતાપિતાની ભૂમિકા બદલાઈ ગઈ છે છતાં અર્થોપાર્જનની મૂળભૂત પરંપરા પિતાએ નિભાવવાની હોય છે.

100+ Single Father Quotes That Will Melt Your Heart

ફાધર્સ ડે નિમિત્તે પિતૃવંદના પણ કરીએ ને સાથે સંતાન તરીકે આપણી જ સામે થોડી ફરિયાદ પણ સાંભળીએ. ભારતી ગડા આશાયેશ પ્રસ્થાપિત કરે છે…

છે પિતાનો ખોળો ખાસ તો
સ્વર્ગનો જ્યાં થાય છે અહેસાસ તો
છે અમાસી રાત, ઘરમાં તે છતાં
ક્યાંકથી પણ લાવશે અજવાસ તો

ઘરમાં આર્થિક મુશ્કેલી આવે કે બાહ્ય જગત સાથે સંપર્ક કરી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય ત્યારે પિતાએ ઘરના મોભીની ભૂમિકા અદા કરવાની હોય છે.

Head of the family | The Home Connection

પિતા માટે અછત હૃદયમાં ચૂભનનું કારણ બની શકે. મનમાં રંજ થાય કે અનેક પ્રયાસો છતાં ઘર ચલાવવાની જવાબદારીમાં પનો ટૂંકો પડે છે. નિષ્ઠા ગમે એટલી હોય, સંજોગો કોઈની સાડેબારી રાખતા નથી. દેવું કરીને સાંધાઓ પૂરી શકાય પણ આખરે એ ચૂકવવું તો પડે. રશ્મિ અગ્નિહોત્રી આ વ્યથા શબ્દસ્થ કરે છે…

રશ્મિ અગ્નિહોત્રી પિતા સાથે

દેવા કરતાં માથે એનું મોટું ભારણ હોય છે
લેણદારોના કટાક્ષો દિલ વિદારણ હોય છે
બાપ છે, હસતા મુખે મજબૂત થઈ રહેતો સદા
એનું અંદરખાને તો ફાટેલું પહેરણ હોય છે

પિતા પોતાના ચહેરા પરની ચિંતા ફોરવર્ડ કરતા નથી. સંતાનો સામે મોઢું ફેરવી બધું છૂપાવી લે છે પણ જવાબદારી સામે મોઢું ફેરવી લેતા નથી.

Fi on X: "the sacrifice of a father ...

પોતાના સપનાઓ ભૂંસતા એને આવડે છે. ત્યાં સુધી કે એના કોઈ સગડ પણ રહેવા દેતા નથી. મોટી જવાબદારી હેઠળ નાની ઇચ્છાઓ સહર્ષ દફન થવા દે છે. અંકિતા મારુ `જિનલ’ લખે છે એ વાત સાર્વત્રિક અનુભવ હશે…

પરસેવો પાડીને કાયમ પૈસા લઈને આવે
સૌથી ઓછો ખર્ચો ઘરમાં પપ્પાને નામે છે

ભારતમાં ગરીબ વર્ગની પોતાની હાલાકી છે તો સામે મધ્યમવર્ગની પોતાની મજબૂરી છે. ટૂંકી આવકમાં ઝૂકી જવાની લાચારી ગમખ્વાર હોય છે. પ્રિયજનો આ સમજતા હોય પણ આયનો સમજવા રાજી નથી થતો. આયના સામે ઊભેલો બાપ પોતાના પ્રતિબિંબને હરાવી પણ નથી શકતો અને હસાવી નથી શકતો. ખાતર-પાણી ઓછા હોય છતાં વૃક્ષ થઈને ટકી રહેવાનું કર્તવ્ય પિતાએ નિભાવવાનું હોય છે. સંજયસિંહ જાડેજા પિતાનો પ્રેમ આલેખે છે…

પાર તો સંસાર કરતા નાવ લૈ
સ્નેહ આપી જાય પોતે ઘાવ લૈ
ઝાડ ઊભું તાપ વર્ષો ઝીલવા
બાપ મીઠાં જળની ઊભા વાવ લૈ

સંજયસિંહ જાડેજા – પિતા સાથે

મોટે ભાગે બાપની બાની મીઠી નથી હોતી. એને ખરાબ બનવું ગમતું નથી પણ ખરાબ બનવું પડે છે. પિતાની કડકાઈ સંતાનોને જોહુકમી લાગે છે. હિટલર નામની અર્થચ્છાયા સમજવા ઘરની બહાર જવાની જરૂર નથી. નાની ઉંમરને એ ખબર નથી હોતી કે એનું હિત શેમાં બ્રાઈટ છે અને શેમાં બ્લર છે. ડૉ. ભૂમા વશી આલેખે છે એ વાતનું ભાન, સાન ખૂલે પછી થાય છે…

ધરોહર છે ઘરની, ઘરની હાશ છે
છે પાયો, દીવાલો, અહીં અજવાસ છે
લાડ કરતા, વ્હાલ કરતા, આંખને પણ લાલ કરશે
છે પિતા શ્રીફળ સમા પણ ભીતરે કુમાશ છે

Over Controlling Parents

મમ્મીનું કામ વ્હાલ કરવાનું અને પિતાનું આંખ લાલ કરવાનું હોય એવી સામાન્ય સમજણ છે. બંને જરૂરી છે. જિંદગીમાં મીઠાઈ પણ જોઈએ અને આરોગ્ય સાચવવા કડું કડિયાતું પણ જોઈએ. ડાયાબિટિસ થાય પછી કડવાશની મહત્તા સમજાય. આપણે પપ્પા બનીએ પછી આપણા પપ્પાની વ્યથા પલ્લે પડે. મિતુલ કોઠારી એકરાર કરે છે…

બૂટ પપ્પાનાં શું માપનાં થઈ ગયા
ખર્ચા મારા બધા `કાપનાં થઈ ગયા
એક દીજે હતા સખ્ત વિરોધમાં
મારા વિચાર પણ `બાપનાં થઈ ગયા

મિતુલ કોઠારી – માતાપિતા સાથે

શેરબજારની ભાષામાં કહીએ તો પિતા લાઁગ ટર્મ કેપિટલ ગેઈન છે. પિતાની ખરી મહત્તા કદાચ એમના ગયા પછી જ થતી હોય છે.

લાસ્ટ લાઈન

હવે વાતાવરણ છે ગેરહાજર
અને જીવંત ક્ષણ છે ગેરહાજર
પિતા સાથે ગયું ક્યાં કોણ જાણે?
અમારું બાળપણ છે ગેરહાજર
~ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

આંખ ભીની છે, રૂંધાયેલો સાદ છે
કોને જઇને કહીશું કે ફરિયાદ છે
બાપની સંમતિનો હતો ક્યાં સવાલ?
બાપની સંપતિનો જ વિખવાદ છે
~ ડૉ. પ્રણય વાઘેલા

(બ) મુક્તક, શેર, ગઝલ : વિવિધ કવિઓ દ્વારા 

સૂર્યનાં તાપને ઢાંકતો બાપ છે
ભયની સામે ઊભો ભાયડો બાપ છે
થોડું અંદર જુઓ તો થશે સ્ફુરણા
રક્ત નસનું બની દોડતો બાપ છે
પ્રણવ જોષી “બેખુદ”
~~~

Son Takes His Elderly Father to A Restaurant — H-Squared Leadership Institute

આંગળી પકડી’તી એની લાકડી બનજો તમે
એમના પાવન ચરણની ચાખડી બનજો તમે
વૃદ્ધતાને કારણે જો આંખમાં હો મોતિયો
એ પિતાજી માટે સાચી આંખડી બનજો તમે
અંકિતા મારુ ‘જિનલ’
~~~

દીકરી વિદાય – mukesh vanarka

એક કટકો કાળજાનો સાસરે ચાલ્યો પછી તો
બાપ ખમતીધર હતો પણ તે છતાં ભાંગી પડ્યો’તો
અતુલ દવે
~~~

પિતાની યાદ કાયમ દિલમાં મેં એમ રાખી છે
સમયસર કામ કરવાની હમેશા નેમ રાખી છે
‘તમે  સાથે  રહો  ઘરમાં’  રહી એ  કામના મારી
નજર સામે જ તેથી  તો  મેં  ફોટો  ફ્રેમ રાખી છે
કમલેશ શુક્લ
~~~

એવા લડાવે લાડ, જીવનમાં અનોખી રીતથી
થાક્યા પછી જે પામતો, એ હૂંફ એની બાથ છે
બોલે નહીં જીભે શબદ, પણ  પ્રેમ અપરંપાર છે
દેખાય ના એવી ગહન, આ ભાવ ભીની વાત છે
દિલીપ ધોળકિયા “શ્યામ”
~~~

છે નામ એમના જ થકી જગમાં આપણું
કોઈ કરે ન યાદ વતનમાં પિતા વિના
રડવા ન દેતા જીવતેજીવ એ કદી મને
છે કેટલાય આંસુ, નયનમાં પિતા વિના
જીગ્નેશ ક્રિસ્ટી “સંગત”
~~~

ખાલી પડ્યું છે સાવ ઘર પપ્પા વગર
લાગી ગઈ એને નજર પપ્પા વગર
દેખાય છે રસ્તા બધાએ ધૂંધળા
મળતી નથી કોઈ ડગર પપ્પા વગર
ભારતી વોરા ‘સ્વરા’
~~~

શું કહું ને એમને શું હું કરું અર્પણ હવે
એમનું જીવન હતું ઘર કાજ લોકાર્પણ હવે
લાગતો જાણે પિતાની હૂબહૂ કોઈ નકલ
બસ નિસાસા આજ નાખું જોઈને દર્પણ હવે
નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’
~~~

પથ્થર પર પાંગરેલી કૂંપળ છે બાપ
આંખોનું પાવન ગંગાજળ છે બાપ

ફળિયું છોડ્યું જે’દીથી તે દીકરી
અનરાધાર વરસતું વાદળ છે બાપ

દીકરીનાં હૈયે હેતે કંડાર્યો
ઈશ્વરનાં વ્હાલ તણો કાગળ છે બાપ

દુઃખોની જન્મોત્રી વચ્ચે ફળતું
સુખનું કેવળ સુખનું અંજળ છે બાપ

ઈચ્છાઓનાં મંદિરની ચોકટ પર
રોજે ય વધેરાતું શ્રીફળ છે બાપ
 શૈલેષ પંડ્યા ‘નિશેષ’
~~~

A Father Like No Other – Gospel Of ...

 

 

 

 

જો કદી જોયા નથી ઈશ્વર – પિતાને જોઈ લો
સ્નેહનો છે એ મહાસાગર – પિતાને જોઈ લો

હોઠની મુસ્કાન પાછળ આંખમાં આંસું હશે
ઝેર પીશે એ બની શંકર – પિતાને જોઈ લો

જ્યાં કડક થાવું ઘટે ત્યાં એ બને પથ્થર સમાં
છે છતાં કોમળ હૃદય ભીતર – પિતાને જોઈ લો

વાર સંતાનો ઉપર જે થાય એ ઝીલી જશે
છે સુરક્ષા આપતું બખ્તર – પિતાને જોઈ લો

બે ભુજાઓમાં જનકની છે વસ્યું આખું જગત
એ જ છે ધરતી અને અંબર – પિતાને જોઈ લો
ડો. અપૂર્વ શાહ, નવાપુર
~~~

Healthy Community Curry Kitchen - Bowing to Our Parents By Kasun, Grade 8 In Sri Lanka, children greet their parents by bowing to show respect. | Facebook

તવ ચરણે પરણામ પિતાજી
મારા ચારે ધામ પિતાજી

જીવનનો દમામ પિતાજી
સમજણનો આયામ પિતાજી

મમ જીવન ગાથાએ લખ્યું
પાને-પાને નામ પિતાજી

સંકટ ટાણે સૌથી પહેલા
આપે શીતળ હામ પિતાજી

થામી બાજુ, મારગ ચીંધ્યો
કરવા સાચા કામ પિતાજી

સૈનિક સરહદ પરનો જાણે!
પામે ના આરામ પિતાજી

તન, મન, ધનથી મીઠી છાયા
ના માંગે અકરામ પિતાજી
આરતી રાજપોપટ
~~~

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 Comments

  1. વાહ.. ખૂબ સુંદર સંકલન સાથે ભાવવાહી આલેખન અને તસવીરો.. ખૂબ આભાર હિતેનભાઇ 🙏💖

  2. વાહ સુંદર ભાવવાહી ચિત્ર… સાથે ઉત્તમ કૃતિઓ 🙏🙏🙏🙏

  3. વાહ
    ખૂબ સરસ સંગ્રહ…સંકલન બદલ કવિ શ્રી હિતેનભાઇ ને અભિનંદન..
    બધી જ રચનાઓ અને તસવીરો માટે પણ સંબંધિત કવિઓ કવયિત્રીઓ ને શુભેચ્છા સહ અભિનંદન

  4. આભારી હિતેનભાઈ… સરસ.. સંકલન