બે ગઝલ ~ ભાવિન ગોપાણી
૧. ભૂતકાળ છે
કોણે લખ્યું છે આ અને કોનું કપાળ છે
દર્પણમાં જોઉ છું અને વંચાય ગાળ છે
ના કોઈ કાળજી ના કોઈ દેખભાળ છે
મારા બધા વિચાર હવે રેઢિયાળ છે
તારી તરફ એ રીતથી જોયા કરું છું હું
બાળકની આંખ સામે પ્રસાદીનો થાળ છે
ઉંબર વટાવતા જ હું હાંફી ગયો છું સાવ
તારા મકાનમાં તો હજી સાત માળ છે
ભેગા મળીને એક ઈમારત ચણી હતી
છુટ્ટા પડ્યા તો માત્ર હવે કાટમાળ છે
આવીને કેવો જિંદગીમાં રંગ તેં ભર્યો ?
ચારે તરફનાં દ્રશ્ય હવે લોહિયાળ છે
નબળો છે વર્તમાન આ પુરવાર થઈ ગયું
વાતોમાં એની માત્ર હવે ભૂતકાળ છે
૨. રડી લેવું જોઈએ
કિસ્સો થયો તમામ, રડી લેવું જોઈએ
ખંખેરી દોડધામ, રડી લેવું જોઈએ
ક્યારેક એવુ લાગે કે પામી ગયો શિખર,
બહુ યોગ્ય છે મુકામ, રડી લેવું જોઈએ
રાણીની ઝંખના ફરી રાજા તરફ વળી,
તારે હવે ગુલામ, રડી લેવું જોઈએ
વાંચીને એક નામ, દુ:ખી રોજ શું થવું?
છેકીને એક નામ, રડી લેવું જોઈએ.
આનાથી સારો છે જ નહી કોઈ આશરો,
જો હાથમાં છે જામ, રડી લેવું જોઈએ
પાગલને હસતો જોઉં તો કાયમ વિચારું છું
આને કરી પ્રણામ, રડી લેવું જોઈંએ
પ્હેલાં ઈનામના તમે હકદાર હો ભલે,
પ્હેલું મળે ઈનામ! રડી લેવું જોઈએ
કાલે સવારે યુદ્ધ છે આ વાતને ભૂલી,
ઊંઘી જો જાય ગામ, રડી લેવું જોઈએ
~ ભાવિન ગોપાણી