નનૈયો (હાસ્યલેખ) ~ માના વ્યાસ ‘સ્પંદના’
હમણાં મુંબઈ શહેરનાં રસ્તા એવા ખોદાયાં છે જાણે સરકારને દાટેલા ચરૂ મળવા વિષે માહિતી મળી હોય.
અહીં પાર્કિંગ શોધવું એટલે મેળામાં ખોવાયેલા બાળકને શોધવાં જેવું કપરું કામ.
આ બધાં કારણોસર ઓટો રિક્ષા પર પસંદગી ઉતારવી પડે. રિક્ષાવાળા મોટેભાગે મનોવિજ્ઞાનીની જેમ આપણે રોકવા માટે હલાવેલો હાથ જોતા આપણી ઉતાવળનું માપ કાઢી લેતા હોય છે. પછી સરકારી બાબુની ઠંડકથી “નહીં જાના” કહી દે. એમ આપણાં ધૈર્યની કસોટી કરતા રહે.
એક રિક્ષાવાળાને મેં પૂછ્યું, “ભૈયા સાંતાક્રુઝ જાયેંગે? એ જવાબ આપ્યા વગર ફક્ત માથું એકતરફ હલાવી ચાલ્યો ગયો. મને મારો એક્સ બોયફ્રેન્ડ યાદ આવી ગયો. એ બીચારાએ ના પાડી ત્યારે કેટલાં કારણો આપેલાં.
બીજા રિક્ષાવાળાને જ્યારે મલાડ જવા વિશે પૂછ્યું તો એ એવો ડઘાઇ ગયો જાણે મેં એને કુંભમેળામાં જવાનું કહ્યું હોય અને ડોક પણ હલાવ્યા વિના ઝટપટ હંકારી ગયો.
સાંજનાં સમયે એક તો વળી મને સમજાવવા બેસી ગયો કે ફલાણી જગ્યાએ અત્યારે ખૂબ ટ્રાફિક જામ હોય એટલે એ નહીં લઇ જાય અને સલાહ આપી કે મારે પણ જવાનું માંડી વાળી ઘરભેગા થઇ જવું જોઈએ.
ધોમ તડકામાં એક પાષાણ હ્રદયી રિક્ષવાળાએ મને નનૈયો ભણ્યો પણ મારી પાછળ આવતી ખૂબસૂરત, મીની ડ્રેસ પહેરેલી લલનાને ઝટ હા પાડી દીધી. બોલો હવે રિક્ષા મેળવવા મારે કપડાં પહેરવાની સ્ટાઈલ બદલવાની?
તુચ્છકારદર્શી ડચકારાનો અવાજ કરવો, બેરુખી ભરી નજરે જોવું, અત્યંત અણગમો દર્શાવતા હાવભાવ, મોં ફેરવી ચાલ્યા જવું, નારાજ સાસુજીની જેમ હં, જેવો ઉદ્ગાર કાઢવો વગેરે રિક્ષાવાળાઓની ના ભણવાની રીતો સામાન્ય છે. આડકતરી રીતે તેઓ ક્રોધ પર સંયમ રાખવાનું આપણું મનોબળ વધારવાનું કામ કરતા હોય છે.
એકવાર ગંતવ્ય સ્થાને જવાની ના પાડી પછી મારા પતિદેવે રિક્ષાવાળાને કટાક્ષ કરતા પૂછ્યું,” દુબઈ જાયેગા? સાવ રાંક બિચારાં લોકોને જોતો હોય એવી ફિટકારભરી નજર નાખી એ ચાલ્યો ગયો.
એકવાર હું અને મારી મિત્ર લગભગ પંદર રિક્ષાવાળાએ ના પાડી પછી એટલાં કંટાળી ગયાં કે આખરે અમે હતાશાથી કહ્યું, ‘ભૈયા તુમકો કહાં જાના હૈ? ઉધર હી લે ચલો, પર કહીં તો લે ચલો.’
એક રિક્ષાવાળાએ ના પાડી ક્હ્યું, ‘પાર્લા નહીં જાના હૈ અંધેરી જાના હૈ.’
અમે કહ્યું, ‘સોરી ભૈયા ગલતીસે ઘર પાર્લામેં લે લિયા હૈ.’
આમ નમ્રતાનો ગુણ વિકસાવવામાં રિક્ષાવાળાનો ફાળો હોય છે.
અમારાં એક ઓળખીતા બહેનને કાયમ રિક્ષા મળી જાય. મેં કારણ પૂછ્યું તો કહે, ’થોડું નાટક કરવાનું. ભાઇ દેખોના ચલ નહીં સકતી હું. પૈરમેં લગા હૈ વગેરે. કોઈ વળી પીગળી જાય.’
ભયંકર ટ્રાફિકમાં અકળાયા વગર આનંદથી ગીત ગાતો એક રિક્ષાવાળો મને ભગવદ્ગીતાનો અભ્યાસુ લાગ્યો.
‘મેડમ જો પરિસ્થિતિ હૈ ઉસમેં ખુશ રહેનેકા. ઔર કામ કરતે રહનેકા.’
અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી એમ આસપાસનાં હોર્ન વગાડતાં, ઓવરટેક કરતાં વાહનોની ધરાર ઉપેક્ષા કરી પોતાનું આગલું પૈડું જાય બસ એટલી જગ્યામાંથી નીકળી જવાનું જ લક્ષ હોય છે.
અમારો એક મિત્ર પીક અવર્સમાં નિરાંતે દાંત ખોતરતો રિક્ષાવાળો ના પાડે તો પણ રિક્ષામાં બેસી જાય અને ખોટેખોટો ફોન જોડે, ‘હેલો જોગલેકર સાહેબ, યે રિક્ષાવાલા ના બોલ રહા હૈ ક્યા કરને કા?’ અને રિક્ષા સ્ટાર્ટ થઈ જાય.
ઘણાં રિક્ષાવાળા ભાડું આપ્યાં પછી વધતાં રુપિયો બે રૂપિયા છુટા માગીએ તો જાણે કીડની માગી લીધી હોય એમ ડઘાઇને આપણી સામે જુએ અને પામર જંતુ જાણી પોબારા ગણી જાય.
એકવાર મારાં હાથમાં પૂજાની થાળી જોઇ રિક્ષાવાળો તરત મંદિરે આવવા તૈયાર થઈ ગયો ત્યાં થોડીવાર રોકાયો અને પરત લઇ જવા પણ તૈયાર થઈ ગયો. ભાડું લીધા પછી કહે, “બહેનજી કુછ દાનધરમ સમજકે દે દો.’
એક રિક્ષાવાળાને ઇસ્ટથી વેસ્ટમાં આવવાનો કંટાળો આવતો હતો. અમે મનમાં કહ્યું, ‘દુનિયા આખી ઇસ્ટના દેશો છોડી વેસ્ટર્ન કંટ્રીસમાં વસી જવા વલખાં મારે છે.’
કોઈ વાર રિક્ષાવાળો પહેલા જ પ્રયત્ને હા પાડી દે તો એવા હક્કાબક્કા થઈ જવાય કે રિક્ષામાં બેસવાનું ભૂલી જઇએ ને એ બબડતો હંકારી જાય.
હકારમાં બંધન છે. હકારમાં જવાબદારી છે. હકારમાં પ્રતિબધ્ધતા છે. એક હકારાત્મક ઉર્જા છે. હકારમાં અલ્પવિરામ છે અને આગળ કોઈ ઘટનાની સંભાવના છે.
નકારમાં પૂર્ણવિરામ છે. નકારમાં નકારાત્મક ઉર્જા છે. ના પાડી દીધાં પછી કંઈ સંભાવના રહેતી નથી. જેમ સ્વીચ ઓફ કર્યા પછીનો અંધકાર બાકી રહે છે.
આ રોજેરોજની રામાયણ પછી મારે પણ એક રિક્ષા લઇ લેવી છે. જેની આગળ અને પાછળ લખ્યું હોય, ‘હા ચલો.’
અફલાતૂન અભિવ્યક્તિ
મજા આવી ગઈ વાંચીને.
સુંદર અભિવ્યક્તિ રીક્ષાવાળાઓની ..👌હાસ્ય રૂપે મનોભાવ પણ સુંદર👌
વાસ્તવિક સમસ્યાનો જોરદાર હાસ્યલેખ