બીજાના ગમા-અણગમા પર ટકેલું આપણું સુખ ~ લેખ ~ અનિલ ચાવડા
આપણે કોઈ પણ પગલુંં ભરીએ એટલે હંમેશાં બીજાનું પહેલાં વિચારીએ છીએ. ફલાણાને કેવું લાગશે, ઢીકણો મારા વિશે શું વિચારશે. આ કરીશ તો બધાને સારું તો લાગશેને? ક્યાંય આપણે પ્રાયોરિટીમાં નથી હોતા. જો પ્રાયોરટીમાં હોય છે તો માત્ર લોકોના મતો-અભિપ્રાયો-દૃષ્ટિકોણો.
આપણે દુનિયાને સતત બીજાની આંખથી જોવાની કોશિશ કરીએ છીએ. જિગ્નેશભાઈએ તેમના છોકરાને કેવી કાર લાવી આપી. જયેશને તો તેના પપ્પાએ બર્થડે પર સરપ્રાઇઝ આપી.
બીજાની પરિસ્થિતિમાં આપણે આપણી સ્થિતિનું મેચિંગ કરવામાં સમય વિતાવીએ છીએ. એ ભૂલી જઈએ છીએ કે દરેકના શરીરની, વિચારની, આચાર-વિચારની અને અભિવ્યક્તિની અલગ સાઇઝ હોય છે. ફલાણાની ગોળ પરિસ્થિતિમાં આપણી ચોરસ ફિટ ન થાય. આપણી ચોરસ પરિસ્થિતિમાં બીજા કોકની લંબચોરસ બંધ બેસે નહીં.
કપડાં કેવા પહેરવા, કેવી રીતે ચાલવુંં, માથું કેમ ઓળવુંં, વાત કઈ રીતે કરવી, બધુંં જ સામેની વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરાય છે. આપણો સાચો વ્યવહાર આપણો પોતાનો નથી હોતો, આપણે ધારી લીધેલો બીજાના અભિપ્રાય મુજબનો હોય છે.
આપણે કાયમ અભિપ્રાયની આંગળી પકડીને ચાલીએ છીએ. કંઈ પણ થાય તો મનમાં વિચાર આવે, લોકોને કેવું લાગશે? આપણે એવા લોકો વિશે પણ વિચારીએ છીએ કે જેમને આપણે ક્યારેય મળ્યા નથી, ક્યારેય જોયા નથી, ક્યારેય વાત સુદ્ધાં કરી નથી.
ટ્રેનમાં પ્રવાસ કરતો માણસ ગાડીના ડબ્બામાં પોતે સારો દેખાય તેની માટે મહેનત કરતો હોય છે. ભૂલથી કોઈકે કોમેન્ટ કરી હોય તો આખો પ્રવાસ તે કોમેન્ટ વિશે વિચારવામાં કાઢી નાખે છે અને બારી બહારનાં સુદર દૃષ્યો તેને આનંદ આપવા માટે ઝૂર્યા કરે છે.
તમે કંઈ પણ કરો, પણ લોકો તો કહેવાના જ છે.
https://www.youtube.com/watch?v=56I2rxRPRLY
એક બાપદીકરો નવો ગધેડો ખરીદીને ઘરે જતા હતા. રસ્તામાં કોક બોલ્યું, જુઓ તો ખરા, કેવા મૂર્ખના સરદારો છે, ગધેડો છે છતાં ચાલીને જાય છે.
આ સાંભળીને બાપે કહ્યું, દીકરા તું ગધેડા પર બેસી જા. આગળ ગયા ત્યાં બીજાં કોકે ટોણો માર્યો, જુઓને કેવો દીકરો છે, બિચારા બાપને ખરા તડકામાં ચલાવે છેને પોતે મજાથી ગધેડાની સવારી કરે છે.
દીકરાએ કહ્યું, બાપા, તમે બેસી જાવ. આગળ જતા વળી કોક બબડ્યું, બાપ જેવો બાપ ગધેડા પર ને દીકરો ઉઘાડા પગે ચાલે છે. કંટાળીને બાપદીકરો બેય ગધેડા પર બેસી ગયા.
વળી કોક બોલ્યું, જુઓને લોકોમાં જીવદયા જેવું જ નથી. બેબે પઠ્ઠા જેવા માણસો એક ગધેડા પર બેસી ગયા છે. વળી પાછા બંને ઊતરી ગયા. તો આગળ પાછું કોક બોલ્યું, આટલો સરસ ગધેડો છે ને બેય ચાલીને જાય છે. કંટાળીને બાપદીકરાએ ગધેડાને જ ખભે ઉપાડી લીધો.
તો ફરી લોકો હસીને બોલ્યા, જુઓ જુઓ, બે ગધેડા એક ગધેડાને ઉપાડીને જાય છે. ટૂંકમાં લોકોને તમે કોઈ રીતે સંતોષ આપી નહીં શકો.
આપણે પોતાને સુખી કે દુઃખી કરવાનો અધિકારી પહેલેથી જ બીજાને આપી રાખ્યો છે. બજારમાં નીકળ્યા હોઈએ અને કોઈક આપણી સામે જોઈને મોઢું બગાડે એટલે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હોય તેટલા બોજમાં રહીએ છીએ. જેને મોઢું બગાડ્યું હોય એ બિચારો પોતાના કોઈ અંગત કારણોસર દુઃખી હોય અને આપણે તેને આપણા દેખાવ પ્રત્યેનો અણગમો સમજી લઈએ છીએ.
ગાડીની આડે બિલાડી ઊતરે તો આખો દિવસ એ જ વિચારમાંં વીતે છે કે આજે કંઈ ખરાબ તો નહીં થાયને?
પોતાના દૃષ્ટિકોણનો ઉપયોગ આપણે ભાગ્યે જ કરીએ છીએ. એક રીતે જોવા જઈએ તો માણસ પાસે પોતાના દૃષ્ટિકોણ સિવાય બીજું છે ય શું?
લે દે કે અપને પાસ
એક નજર હી તો હૈ,
ક્યૂં દેખે જિંદગી કો
કિસી કી નજર સે હમ.
– સાહિર લુધિયાનવી
Very nice and true