વાચનનો શોખ વર્તમાન સમયમાં…~ સંધ્યા શાહ
ઋગ્વેદની એક સૂક્તિ છે: ‘આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:।’ અર્થાત્ ‘”દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ” આ પ્રાર્થના ચરિતાર્થ શી રીતે થાય? અલબત્ત, ગ્રંથોના વાચન થકી.. સાહિત્યના વાચન થકી આપણે ઋગ્વેદની આ ઋષિવાણીને આત્મસાત્ કરી શકીએ.
તો સાહિત્ય આપણે કોને કહીશું?
‘બધા શબ્દો એની મૂળ વિભાવના સાથે, તમામ અર્થછાયાઓ સાથે એક બિંદુ પર મળી જાય તે પરમ બિંદુનું નામ સાહિત્ય છે.’
સાહિત્યની કોઈ અલગ ભાષા નથી હોતી, અલગ સંસ્કૃતિ નથી હોતી, સાહિત્ય એટલે એક એવું તત્વ કે જે માનવીના આદિથી અંત સુધીનો અર્ક હોય. આવા આ ઈશ્વરીય અર્કનું એક ટીપુંય જો ચિત્તના સરોવરમાં ટપકે તો સુગંધનો સાગર મહેકી ઊઠે.
મનુષ્યને અગાધ હ્રદય મળ્યું છે. સાહિત્ય આ હ્રદયની વાત કરે છે, તેના ઊંડાણની, તોફાનોની, વમળોની અને શુદ્ધતાની. સાહિત્ય પદાર્થમાં મનુષ્યને સમજવાની, મનુષ્ય પ્રત્યે અપાર સહાનુભૂતિ કેળવવાની શક્તિ હોય છે. પ્રજાની મૂર્છિત ચેતનાને જગાડવાની શક્તિ હોય છે. સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત આપણા ઋષિ-પૂર્વજોને આત્મસાત્ કરવાની, શબ્દસાત્ કરવાની શક્તિ હોય છે.
સાહિત્ય તો સાગરવેલ, જીવનના વિશાળ ક્ષેત્રને અણુએ અણુ પ્લાવિત કરી મૂકે. પુસ્તકો માનવીને જીવનનો અર્થ આપે છે. કેટલાયે એવાં પુસ્તકો છે જેમણે આપણાં જીવનને અનેક તબક્કે અપ્રતીમ આનંદ આપ્યો છે તો કેટલીક કૃતિઓ એવી છે જેણે જીવન પ્રત્યેનો આપણો અભિગમ સર્વથા બદલી નાખ્યો હોય.
કોઈ એક પુસ્તક વાંચ્યા પછી આપણે એનાં એ રહેતા નથી; આપણામાં કશુંક ઉમેરાય છે, નકામું કાંઇ હોય તેની બાદબાકી થાય છે. પુસ્તક આપણાં લોહીમાં ભળી જાય છે. આ વિશાળ વિશ્વમાં, સદાનો કોઈ સાથી હોય તો તે પુસ્તક છે.
મારા એક પ્રાધ્યાપક હંમેશા કહેતા કે કોઈ મિત્ર તમને છોડી જઈ શકે, પુસ્તક ક્યારેય નહીં. એ તો આપણાં ખરાં સંગાથી છે. સમગ્ર વિશ્વ સાથે જોડતી એ એક નાનકડી બારી છે.
પોતીકી નિરાશા કે વિફળતા આપણને નિરાશાની ગર્તામાં ધકેલી દે ત્યારે અન્યોની વેદના, તેમણે વેઠેલો વલોપાત અને સંઘર્ષ વાંચીએ ત્યારે સમસંવેદનાની અનુભૂતિ આપણને જીવનસંગ્રામમાં ઝૂઝવાની તાકાત આપે છે.
પુસ્તક અંધકારમાં દીવો લઈને ઊભું હોય છે, અજવાળુ પાથરવા. જ્યારે શ્રદ્ધા ડગી જાય, મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે પુસ્તકો તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તકો સ્થળ, કાળના અંતર મિટાવી વર્તમાન જગત સાથે આપણું અનુસંધાન રચી આપે છે. વાચનને કારણે આપણી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે.
આજે ચારેકોર સત્તાની સાઠમારી, હિંસા, અહંકાર અને એષણાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે, વૈશ્વિક કે સામાજિક સ્તરે સારીનરસી ઘટનાઓ બની રહી છે ત્યારે આપણે આપણાં વિચારોને પરિશુદ્ધ કરીને આપણો માર્ગ નિયત કરવાનો છે. જીવનદાયી પુસ્તકોનું અધ્યયન કરવાનું છે.
જેમ અન્ન વિના દેહ ટકી ન શકે તેમ ઉત્તમ ગ્રંથોના વાચન વિના આત્માને બળ મળતું નથી. એવું કહેવાય છે કે જ્ઞાન સાથે વિતાવેલી એક પળ સો વર્ષની બંદગી કરતા અધિક છે.
ઉત્તમ સાહિત્યનું વાચન આપણી લાગણીઓનું ઉર્ધ્વીકરણ કરે છે, આપણી ધર્મબુદ્ધિને જાગૃત કરે છે ને જીવમાત્ર પરત્વે સમભાવ કેળવે છે.
ચિરકાળના મિત્રો સમા પુસ્તકો એકલતાને દૂર કરી આપણા એકાંતને સમૃદ્ધ કરે છે. તે આપણને વહાલ કરે છે, તેની સાથેનો સંબંધ કદી વણસતો નથી.
દીવાને અજવાળે એકલા બેઠાં હોઈએ અને સામે એક પુસ્તક ખુલ્લું પડ્યું હોય તેના આનંદની તોલે બીજુ કાંઈ ન આવે. પુસ્તકોથી વીંટળાયેલી વ્યક્તિ આખી જિંદગી બગીચામાં જ બેઠેલી હોય છે. એની સુવાસ અંતરને મહેકતું રાખે છે. પુસ્તકો આપણને શ્ર્દ્ધાવાન બનાવે છે.
પુસ્તકોની મહત્તાની વાત કરતા સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘પુસ્તકો પ્રત્યેનો પ્રેમ એ ઈશ્વરી રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે. જે સુખ તમને અનંત સમૃદ્ધિ અને મહેલોમાં નહીં મળે તે સુખ તમને ઉત્તમ પુસ્તકોમાંથી મળશે.’
એક સારું પુસ્તક જીવનની દિશા બદલી નાખે છે. ચિંતક ગુણવંત શાહ કહે છે, ‘યોગ્ય શબ્દો એ પરિવર્તન માટેનું જગતે જોયેલું સહુથી મહાન સાધન છે, દુનિયાની કોઈ પણ ક્રાંતિ આવા પુસ્તકોને આભારી છે, ભારતના સ્વાતંત્ર્યવીરોને આઝાદીની પ્રેરણા ‘આનંદમઠ’ જેવી કૃતિઓએ આપી છે.’
વર્તમાન સમયમાં જે રીતે ઈલેક્ટ્રોનિક માધ્યમોનું પ્રભુત્વ વધ્યું છે તે જોતાં એવું લાગે છે કે સાહિત્ય ટકશે કે કેમ? પ્રજામાં વાચનની રુચિ રહેશે કે નહીં? ટેલિવિઝન, મોબાઈલ અને કોમ્પ્યુટર પર કલાકો સુધી વ્યસ્ત રહેતી આ પેઢી પાસે વાંચવાનો સમય જ ક્યાં છે? આ માધ્યમોથી આપણી વૈચારિક પ્રક્રિયા પણ કુંઠિત થતી જાય છે.
ઈલેક્ટ્રોનિક માધ્યમોની માઠી અસરની ચિંતા આજકાલની નથી. રેડિયો પ્રસારણ શરું થયું અને બી. બી. સી. પરથી દર કલાકે વિશ્વ સમાચારનું પ્રસારણ થવા લાગ્યુ ત્યારે બર્ટ્રાન્ડ રસેલ જેવા વિચારક કહી ઉઠેલા કે હવે અખબારોનો અસ્ત થશે. પરંતુ વર્તમાનપત્રોએ વાચકોને જકડી રાખ્યા છે.
આવું જ પુનરાવર્તન સિનેમા અને ચોવીસ કલાક ચાલતી ટેલિવિઝનની ધારાવાહિકોમાં થયું. સિનેમા તો ટકી જ રહ્યું. એટલે વિજાણુ માધ્યમોની અસર હેઠળ વાચનનો શોખ ટકી રહેશે કે કેમ એ બાબતમાં સાવ નિરાશાવાદી થવાની જરૂર નથી.
200 વર્ષ પાર કરી ચૂકેલા ‘મુંબઈ સમાચાર’ અને પ્રતિદિન પ્રગટ થતાં લાખો વર્તમાનપત્રો આ શ્રદ્ધા જગાડે છે. હકીકત તો એવી પણ છે કે વિશ્વની સરહદો ઓગળી રહી છે અને જેમ જેમ પ્રજા શિક્ષિત બનતી જાય છે તેમ તેમ વાંચવાની ભૂખ વધવી જોઈએ.
સમૂહ માધ્યમોના સારાનરસા પાસાઓ વાચનના શોખના પરિપ્રેક્ષ્યમાં મૂલવીને નિષ્કર્ષ પર આવીએ તો એટલું તો ચોક્કસ કહી શકાય કે પ્રજાની પુસ્તક વાચનની ટેવ ઘટી છે. સાત્વિક અને ચિરંજીવ સાહિત્યના વાચનની ભૂખ ઓછી થતી જાય છે.
આ સંજોગોમાં જીવન સંતોષમય બને, આશામય અને સંસ્કારમય બને તેવા વાચન થકી જેમ આપણાં માતાપિતાએ આપણો પિંડ ઘડ્યો છે તે જ વારસો બાળકોને આપવાની આપણી જવાબદારી છે.
અમેરિકાના ડૉ. બેન કાર્સન પોતાના અનુભવો વર્ણવતા લખે છે કે,
‘બાળપણથી પિતાના મૃત્યુ પછી અભાવોમાં જીવતા અમે બન્ને ભાઈઓ ટેલિવિઝન જોવામાં જ કલાકો પસાર કરતા. ત્રણ ઘરના કામવાળી એવી અમારી મા બે છેડા માંડ ભેગા કરતી, પણ પારકા દરેક ઘરોમાં મારી માએ એક વસ્તુની નોંધ લીધી હતી, તે હતી પુસ્તકોની…. એક વખત ઘરે આવ્યા પછી માએ ટી.વી. ફટાક કરતું બંધ કરી દીધું. અમને સમજાવ્યું કે કાંઇ બની બતાવવાનું છે. દર અઠવાડિયે બે પુસ્તકો વાંચવાના છે ને જે વાંચ્યું છે તેને વિશે નોંધ લખવાની છે.
અમને થયું કે ઘરમાં પુસ્તકો જ ક્યાં છે? માએ કહ્યું, હું તમને લાઈબ્રેરીમાં લઈ જઈશ. કચવાતે મને બાળવિભાગમાં ફરતા ફરતા હું પ્રાણીઓ વિશેના પુસ્તકો વાંચવા લાગ્યો. જિંદગીમાં પહેલી જ વાર હું એક નવી દુનિયામાં ખોવાઈ ગયો. આ શબ્દપ્રવાસ મને શીતળ ઝરણાં ને પ્રાણીઓની દૂરસુદૂરની દુનિયામાં લઈ ગયો. મને વાંચવાની મઝા આવવા લાગી.’
નવી પેઢીમાં પુસ્તક વાચનની આવી ટેવ બાળપણથી જ માતાપિતા અને શિક્ષકોએ પાડવી જોઈએ. બાળકોના રસ, રુચિ વાચન પ્રત્યે કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. પુસ્તકાલયો ભંડાર ન થઈ જવા જોઈએ. આબાલવૃદ્ધ સહુ માટે જીવંત વાતાવરણ સર્જાવું જોઈએ.
આપણી ભીતર થીજી ગયેલી સંવેદનાના હિમશિખરને ઓગાળી શકે, હ્રદયને આરપાર વીંધી શકે તેવા પુસ્તકોનું વાચન કરવું જોઈએ જે આપણને શાશ્વત સુખ અર્પે અને વિચારશૂન્યતામાંથી બહાર આણે. વર્તમાન સમયમાં આ શોખ કેળવાય અને જીવંત રહે તે જોવાની જવાબદારી આપણા સહુની.
~ સંધ્યા શાહ, મુંબઈ
+91 93246 80809
સાવ સાચી વાત લખી છે.. સંકલન પણ ઉત્કૃષ્ટ છે.. એ વાત સાચી છે કે આજકાલ વાંચન નો વ્યાપ નથી.. તે પ્રત્યે સમાજ ને વાળવા ની આવશ્યકતા છે.. સુંદર આલેખન બદલ અભિનંદન..
SP
વાચન બાબતે યથાર્થ ચિંતા અને આશાવાદ સાથે ખૂબ સરસ સંદર્ભોને સાંકળીને આલેખન કર્યું છે. અભિનંદન.