સારાં કપડાંની સાથે જ સમગ્રતયા નિખરતું વિનયી વ્યક્તિત્વ જ વિનર બનાવે છે ~ યોગેશ શાહ
અમારી કૉલેજના એક પ્રોફેસર હંમેશા એકસરખાં જ કપડાં પહેરીને આવતાં. રોજ ઝભ્ભો-પેન્ટ અને ચંપલ. એન્યુઅલ-ડે હોય કે ટીચર્સ-ડે કે ફન-એન્ડ-ફેર. એમના લુકમાં કોઈ ફેરફાર નહીં. આપણને સવાલ થાય કે એમને ક્યારેય સૂટબૂટમાં આવવાનું મન નહીં થતું હોય?
ઘણાં પોતાના લુક બાબતે કોન્શ્યસ હોતાં નથી. સુધા મૂર્તિનો ઍરપોર્ટ પરનો પેલો પ્રસંગ જાણીતો છે. એમનાં મોંઘા ન દેખાતા એવા ડ્રેસમાં જોઈ યુરોપિયન લેડીએ કોમેન્ટ તરીકે “ધીઝ ક્યૂ ઈઝ ફોર બિઝનેસ ક્લાસ”. સુધાજીએ કોઈ દલીલ ન કરી.
પણ પહોંચ્યા પછી ઑડિટોરીયમમાં જ્યારે એમનો ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યો ત્યારે પ્રેક્ષકમાં બેઠેલી પેલી લેડીનું મોં જોવા જેવું થઈ ગયું. તમારું વ્યક્તિત્વ તમારા ગુણોથી પરખાય છે. લોકો તમારી કાબેલિયતથી તમને યાદ રાખે છે, તમારા દેખાવથી નહીં. તમારા વિચારો અને વર્તન વચ્ચેની સમાનતા લોકોને આકર્ષે છે.
અબ્રાહમ લિંકન કે ગાંધીજી ક્યાં દેખાવે ફોટોગ્રાફિક ફેસ ધરાવતા હતા? સામાન્યજન એમના વિચારોને અનુસરતો હતો. કારણ એમની વાતો કથાકારના પોથીમાંના રીંગણાં જેવી ન હતી. વાણી અને વર્તનમાં એકરૂપતા હતી.
તમારું સમગ્ર વ્યક્તિત્વ લોકોને આકર્ષે છે, કપડાં નહીં. એક ધોતિયા-ઉપરણામાં ભાગવતકથા કરતા ડોંગરે મહારાજની વાણીથી લોકોનું જીવન નીતિમય થઈ જતું.
બાહ્ય દેખાવ સાવ જરૂરી નથી એવું નથી. જાતને પ્રેઝન્ટેબલ રાખવી આપણા જ હાથમાં છે. પણ એ પ્રથમ જરૂરિયાત નથી.
કૉલેજમાં હતો ત્યારે સ્વદેશી માર્કેટની દુકાને પિતા ધંધાનો પહેલો પાઠ ભણાવતાં કે “એક નૂર આદમી, હજાર નૂર કપડાં”.. પણ પાછી ટકોરે ય કરતાં “આ તાકાની જેમ મગજમાં ય વ્યવસ્થિત ઘડીઓ વળેલી હોવી જોઈએ. આખરે તો એ જ માન અપાવશે.” (વૈજ્ઞાનિક ભાષામાં જે ગ્રે મેટર તે જ દેશી ભાષામાં મગજમાં વળતી ઘડીઓ)
યે સૂટ મેરા દેખો, યે બૂટ મેરા દેખો કહી દિલીપકુમાર ‘એટેન્શન’ બોલે ત્યારે પ્રેક્ષકો સૂટબૂટ પર નહીં, એમની અદા પર આફરીન પોકારી જતાં. અંતે તો કલાકારની અદા અને ફિલ્મની સ્ટોરી જ હૃદયને સ્પર્શે છે, કલરફૂલ કપડાં નહીં.
સાદા કપડાંમાં રહેતો અમોલ પાલેકર હંમેશાં બોય-નેક્સ્ટ-ડોર જ લાગ્યો છે. એ જ રીતે જયા ભાદુરી હંમેશાં ગર્લ-નેક્સ્ટ-ડોર જ લાગી છે. છતાં પ્રેક્ષકોના દિલ પર બંને રાજ કરી ગયાં.
ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાઈલ અને ડિઝાઇનનું ખૂબ મહત્વ હોય છે. છતાં બ્યુટી કોન્ટેસ્ટના છેલ્લા રાઉન્ડમાં બૌદ્ધિક અને માનસિક એટીટ્યુડને લગતાં પ્રશ્નો પૂછવામાં આવે જ છે. કારણ સમાજને ફક્ત બ્યુટીફૂલ કે હેન્ડસમ પર્સન નહીં પણ એક લાગણીશીલ સામાજિક વ્યક્તિની જરૂર છે. અન્ય વ્યક્તિ સાથેની વાતચીતમાં દેખાતો આપણો અભિગમ, વર્તન, વ્યવહાર, આદર- સન્માન આપણી બોડી લેંગ્વેજમાં પરખાઈ જાય છે.
સારાં કપડાંની સાથે જ સમગ્રતયા નિખરતું ‘વિનયી’ વ્યક્તિત્વ જ આપણને ‘વિનર’ બનાવે છે.
~ યોગેશ શાહ
(મિડ ડે: તા:૧૬/૦૧/૨૦૨૫)