|

‘કેમ જીવાશે?’ ~ પારુલ ખખ્ખર ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

કેમ જીવાશે?’ ~ પારુલ ખખ્ખર

થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય… આનાથી કેમ જીવાશે?
પાંચમે ઘરે ઠાંમડાં ધોતી, જીવલી ડોશી જોઈને થ્યુ કે હાશ… એનાથી આમ જીવાશે.

થોરની માથે પાંદડું બેઠું એમ કે જાણે હોય પોતે બે ગામનો સૂબો
જીવલી ડોશી હડિયાપાટી કરતી મૂકે પગ રે ત્યાં તો મલકે કૂબો
પાંદડું-ડોશી, પાંદડું-ડોશી, પાંદડું-ડોશી એકમેકને હાકલા દેતા જાય કે… મારી જેમ જીવાશે
થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય… આનાથી કેમ જીવાશે?

પાંદડાને જોઈ ડોશલી કે’તી ‘સાંભળ વીરા, સુખદુઃખ તો રેલના પાટા’
ડોશલીને જોઈ પાંદડું કે’તું ‘વાહ રે જીવીબાઈ તમારા સીનસપાટા!’
વાંકલી ડોશી, પાંદડું પીળું રેલના પાટે મોજથી હાલ્યા જાય ને કે’તા જાય કે… ‘જોવો, આમ જીવાશે’
થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય… આનાથી કેમ જીવાશે?

એક ‘દી જાહલ પાંદડું આભે ઊડિયું અંતરિયાળ રે કાળા કાળની ફૂંકે
ડોશલી હાડોહાડ અવાચક થાય ને પાછી કળ વળે ત્યાં ઠૂઠવો મૂકે
‘થોભજે વીરા, આંધળીના આધાર’ બોલીને પટ ધુમાડો થાય ને કે’તી જાય કે… હારોહાર જીવાશે
થોરની માથે ખરતા પીળા પાંદડાને જોઈ ફાળ પડી કે હાય… આનાથી કેમ જીવાશે?

  • પારુલ ખખ્ખર

(જે ફોટો જોઈને કવિતા અવતરી તે ફોટોઃ ફોટોગ્રાફર નરેન્દ્ર ચૌહાણ)

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

આ જગતમાં રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવોથી માંડીને કૌટુંબિક, વિદ્યાપ્રાપ્તિ, સામાજીક, વ્યાવસાયિક, સફળતા મેળવવા માટે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાની, આધેડ વય અને વૃદ્ધાવસ્થામાં કેમ જીવવું, શાંતિ અને પરમ તત્ત્વને કેમ પામવું, આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું, અને વિવિધ સાંસારિક ફરજો, જવાબદારીઓ સાથે મનની શાંતિ કેવી રીતે દરેક અવસ્થામાં પ્રાપ્ત કરવી, – વગેરેનાં કેટકેટલાં મેન્યુઅલ, પુસ્તક-પુસ્તિકાઓ અને એની તલસ્પર્શી વિગતવાર ચર્ચા, સંવાદ વગેરે માહિતીનો એક હિમાલય ખડો કરી દેવાયો છે.

પણ આ બધી મગજની કસરતોમાં જીવન જીવવામાં જે સહજતાનું એક Raw –  પ્રાકૃતિક અને Nascent – તાજું, અવિકસિત  Element – મૂળતત્ત્વ છે એ તો ક્યાંય દટાઈ જાય છે. સમસ્ત જીવન પળેપળ કેમ જીવવું એનું કોઈ મેન્યુઅલ જન્મ સાથે મળતું નથી હોતું. જીવનમાં આવ્યા કરતી અનેક સમ-વિષમ પરિસ્થિતિઓની તો “ઐસી કે તૈસી” કરીને પ્રકૃતિમાંથી જ આનંદથી  હામ મેળવીને જીવી જવાની વાત કવયિત્રી સાવ સરળતાથી આ કવિતામાં કરી જાય છે.

કુદરતમાંથી જ જીવવાની રીત, જિજીવિષા (an Instinct of the Self Preservation)  અને ઊડી જવાની, ભૂંસાઈ જવાની શીખ અને રીત – બધું મળી રહે છે.

નિદા ફાજલી કહે છે કે,
“સપના, ઝરના નીંદ કા, જાગી આંખે પ્યાસ
પાના, ખોના, ખોજના, સાંસોં કા ઈતિહાસ!”
આ શેરના સાની મિસરામાં “પાના, ખોના, ખોજના”માં જીવનની સચ્ચાઈ શ્વસે છે. પારૂલબહેનની આ કવિતા સૂક્ષ્મ રીતે  આ જ સચ્ચાઈના તળમૂળ સુધી પહોંચે છે.

જીવનની આ સચ્ચાઈ સ્વીકારે છે, એક ખરી પડેલું પીળું પાંદડું – જે કદીક લીલુંછમ હતું અને યૌવનની ઊર્જાથી તરબતર હતું. વસંત ઋતુ વીતી જતાં પાનખર આવે છે. ત્યારે જે પાંદડું વૃક્ષની શોભા વધારતાં, પોતાની તાજીતાજી લીલી કુમાશની રંગીલી  મહેકથી હવામાં પ્રાણવાયુનો સંચાર કરતું રહે છે, એ પાંદડાની હણહણતી લીલાશનું ચિમળાયેલી પીળાશમાં રૂપાંતર થાય છે. એ જ હવાની એક હળવી લહેરખી, પાનખરમાં પીળા પાંદડાને ખેરવી નાખે છે. ત્યારે અસહાય વૃક્ષ પણ એક પ્રકારની સ્થિતપ્રજ્ઞતાથી જોયા કરે છે, જીવનનાં આ ક્રમને બધાંયે મનકમને અનુસરવાનું છે એમાં લિપ્ત થયા વિના. હવાનું કામ છે સતત વહેવાનું અને કુદરતના આ “પાના, ખોના, ખોજના”ના ક્રમને ત્યારે હવા, પાંદડું, વૃક્ષ, બધાં જ સ્વીકારી લે છે, સરળતાથી, સહજતાથી. અને, ત્યારે, અહીં “એન્ટ્રી” થાય છે, એક વિસ્મય સ્વરૂપે,  પાંચમે ઘરે ઠાંમડાં ધોતી, જીવલી ડોશીની…!

પહેલા બંધમાં જ,  એક Trend Set – વિશિષ્ટ દિશા કે દિશાનું રૂખ નક્કી થઈ જાય છે. આ કવિતાનો લય સ્વયં સાવ સરળતાથી, સહજ રીતે શ્રીમદ્ ભાગવત પુરાણની ઊંડી ફિલસુફીને ભાવક સુધી હસતાં-રમતાં પહોંચાડે છે અને આ જ તો આ ગીતની USP – (Universal Selling Proposition- સાર્વત્રિક અપીલ છે.

શુષક્તાને કાંટાઓમાં  સમટીને બેઠેલા થોરના ઝાડ પર પીળાં પાંદડાને ખરતું  જીવલી ડોશી જુએ છે.


ક્ષણ માટે એને ફાળ પડે છે કે એક સમયે ફળફૂલોથી લચેલા ઝાડ પર જીવતું એ પાંદડું આ થોર પર કઈ રીતે શેષ રહેલું જીવન વીતાવી શકશે? પણ એનો જવાબમાં સવાલ અધ્યાહાર રાખીને કવયિત્રી જીવલી પાસે કહેવડાવે છે કે, “મારી જેમ જ શેષ પળો જીવતરની આ પાંદડું જીવી જશે, જે પણ સંજોગો મળ્યાં છે એને સ્વીકારીને..! તો શું થયું કે એને આ ઉંમરે આયુષ્ય પૂરું થવાની રાહ જોતાં, લોકોનાં કપડા-વાસણ ધોવા પડે છે..!” જીવીબાઈને તો મનોમન શાંતિ છે કે એનામાં આમ હજુ કામ કરીને જીવી જવાની હામ રહી છે તો આ પાંદડું પણ આ તાપ અને શુષ્કતા જીરવીને અંતિમ સફર સુધી ટકી જશે જ!

સુખ અને દુઃખ તો મનની સ્થિતિ છે. ખરેલું પાંદડું, એક સમયે વૃક્ષ પર લીલુંછમ સામ્રાજ્ય ભોગવીને આવેલું છે. એ પાંદડાનો રૂઆબ તો જુઓ..! “ભાંગ્યું તોયે ભરૂચ” જેમ એ..યને થોરને માથે ગામના સૂબાની જેમ એ છટાથી બિરાજે છે. જીવલી ડોશી પણ કામ કરવા ઘેરથી નીકળે છે  તો એનું ઘાસપાલાનું ઘૂમટવાળું ઝૂંપડું પણ મલકી ઊઠે છે કે, “હાશ, આજેય ડોશી કામે જશે તો અહીં ચૂલો સળગશે અને મોજથી અન્ન રાંધીને ઉત્સવ મનાવાશે…!”


બસ, આમ જ, “પાંદડું-ડોશી, પાંદડું-ડોશી, પાંદડું-ડોશી એકમેકને હાકલા દેતા જાય”
અને પાછા એકમેકને કે’તા જાય કે… મારી જેમ જીવાશે..!”
અહીં જીવલી ડોશી એની એકલતામાં જરાયે મોળી પડ્યા વિના સધિયારો અને સાથ, કુદરતમાંથી જ, આ પાંદડાને જોઈને મેળવે છે ત્યારે ભાવકનું અંતર છાનાં આંસુ સારી લે છે અને કદાચ મનોમન કહી પણ લે છે કે “ફટ્ રે ભૂંડા.. કોઈ અસહાય વૃદ્ધાને બે મીઠા બોલ પણ તારાથી નથી બોલાતાં..?”
અહીં કવિતા મૂઠી ઊંચેરી બને છે. આવો કસબ કવિતાને રોમરોમ પીધી હોય, એને જ હસ્તગત થાય છે.

પાંદડું પોતાની બિરાદરીથી અલગ થઈ ચૂક્યું છે અને જીવલી ડોશી પણ કડાકેભેર અને ભડાકેભેર જીવનનાં અંતિમ વર્ષો એકલાં જ પૂરા કરી રહી છે. પીળું પાંદડુંમાં જીવલી પોતાપણું આરોપે છે અને બસ, એમાંથી જ સાંત્વના પામી લે છે કે જીવતરમાં સુખ અને દુઃખ, બેઉ હારોહાર ચાલતાં રહે છે. લીલી-સુકી એનાં ક્રમ પ્રમાણે આવતી રહે છે અને ત્યારે જીવલીને પણ નિશ્વયપૂર્વક વિધાન – Affirmation – જાણે પાંદડા પાસેથી મળતું હોય એવું લાગે છેઃ
“ડોશલીને જોઈ પાંદડું કે’તું ‘વાહ રે જીવીબાઈ તમારા સીનસપાટા!’
વાંકલી ડોશી, પાંદડું પીળું રેલના પાટે મોજથી હાલ્યા જાય ને કે’તા જાય કે… ‘જોવો, આમ જીવાશે’

ઘડપણ આવ્યું છે અને બે ઘડી કોઈ વાત કહેવા કે કરવા ઊભું ન રહેતું હોય, એવી એકલતામાં જીવવા માટે પાનો ચઢાવવા કોણ આવવાનું હતું? પણ પાંદડું જીવલીને આ કારમી એકલતા અને અવહેલનાને પણ મોજથી જીવી જવાનું બળ પૂરૂં પાડે છે. આ કારમી અને ભીષણ એકલતા અને સમાજથી દૂર ધકેલાઈ જવાની વિડંબણાને સહેવી કેટલી અઘરી છે?
અહીં યાદ આવે છે કૈફ ભોપાલીની ગઝલના શેરઃ
“કૌન આયેગા યહાં, કોઈ ન આયા હોગા
મેરા દરવાજા હવાઓં ને હિલાયા હોગા

દિલે નાદાં ન ધડક, ઐ દિલે નાદાં ન ધડક
કોઈ ખત લે કે પડોશી કે ઘર આયા હોગા !”

પણ, એકાંતવાસનો અંત આવે છે, એક દિવસ! એક દિવસ, અચાનક જ, ‘થોરના ઘરડાઘર’માંયે હસતી રહેતી, કમજોર પડેલા એ ખરેલાં પાંદડાની પીળાશ અનંત આભમાં વિલીન થઈ જાય છે, ઊડીને ક્યાંક લુપ્ત થઈ જાય છે.


જીવલી ડોશીનું અંતર હવે ઠૂઠવો મૂકે છે કે, એની એકલતાનો એકનો એક આધાર આમ છીનવાઈ ગયો તો એનાં જીવવાનો કોઈ અર્થ છે ખરો? અને, જીવલી ડોશીની ચિતાનો ધુમાડો ઊઠે છે. જીવલી પણ કાળની ગર્તામાં રાખ થઈને રહી જાય છે. અંતિમ બંધ આવતાં અને વાંચતા, ભાવકના હ્રદયનો બંધ ન તૂટી જાય તો જ નવાઈ…!
“એક ‘દી જાહલ પાંદડું આભે ઊડિયું અંતરિયાળ રે કાળા કાળની ફૂંકે
ડોશલી હાડોહાડ અવાચક થાય ને પાછી કળ વળે ત્યાં ઠૂઠવો મૂકે
‘થોભજે વીરા, આંધળીના આધાર’ બોલીને પટ ધુમાડો થાય ને કે’તી જાય કે… હારોહાર જીવાશે..”

કવયિત્રી અંતમાં પણ વાત તો હારોહાર જીવવાની મજા હોય છે એની જ કરે છે ત્યારે, અંતરમાં ટીસ અનાયસે ઊગી જાય છે અને યક્ષપ્રશ્ન થાય છે કે,  હારોહાર જીવવા અને જીવાડવા માટે માણસજાત સક્ષમ છે ખરી? આનો ઉત્તર શોધવા માટે અંતરાત્માને આ ગીત ઝંઝોડી જાય છે. સાદા, તળપદા શબ્દોમાં જીવલી અને પાંદડાના પ્રતીકમાં કેટલી મોટી વાત કહીને કવયિત્રી પોતે સિફતથી ખસી જાય છે? અને આ જ તો એક સિદ્ધહસ્ત કવિની કલમનો કમાલ છે.  બહેન પારૂલની આ ધરખમ, માતબર અને મબલખ લખતી કલમને સો સો સલામ.!

                                                                                                    (પારૂલ ખખ્ખર)

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. બહુજ સુંદર કાવ્ય અને એનાથીયે ઉંચો આસ્વાદ જયશ્રી બેન 🙏

  2. સૌને જીવન ઊર્જા આપતાં આ ગીત, ગીતકાર અને આપણું આંગણું ટીમને ઘણી ખમ્મા