બે કાવ્ય ~ પ્રિયંકા સોની ~ ૧. આભ ૨. ભોંયમાં

૧. આભ

અડધી રાત્રે
અનિંદ્રાના ભોગ બનેલા તારા,
જાણે
જાગતા રહે છે મારી ભીતર.

ત્યારે, હું હોઉં છું આભ
અને
અગણિત તારાઓ
ટમટમતા રહે છે
છે… ક..
મળસ્કા સુધી મારામાં…

આભ હોવાનું ખંખેરી,
પછી હું કેવી રીતે
પોઢી શકું નિરાંતે,
પરોઢ થતાં સુધી…?
(બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૨૦૨૪)   

૨. ભોંયમાં

બાળપણમાં હું કઈં પણ પૂછતી
ત્યારે ‘મા’ કહેતી-
‘હજી, તો તું ભોંયમાં છે’
બીજાઓ પણ કહેતા-
‘હજી તો એ ભોંયમાં…
એમ કહેતાં-કહેતાં
કો…ણે..
ક્યા…રે..
ને
કે.. મ….?
હવે,
સોંપી દીધું હશે
મને આખુંય આકાશ..!?
(વિશ્વા, સપ્ટેમ્બર ૨૦૨૪)  

~ પ્રિયંકા સોની

આપનો પ્રતિભાવ આપો..

2 Comments