પ્રેમ વૃદ્ધાવસ્થામાં સમજાય એટલો ક્યારેય નથી સમજાતો ~ લેખ ~ અનિલ ચાવડા
પ્રેમની સૌથી વધારે વાત યુવાનીમાં થાય છે, પણ ખરેખર આત્મસાત થાય છે વૃદ્ધાવસ્થામાં.
શિશુ અવસ્થામાં વ્યક્ત થતો પ્રેમ ખૂબ માસૂમ હોય છે. તેમાં સાક્ષાત ઈશ્વરનો વાસ હોય છે. નવજાત શિશુ વહાલભરી આંખે જે જુએ છે તેના મતે તે જ સત્ય છે.
તેને સાપ પાસે મૂકો કે સસલા પાસે, પાણી આપો કે આગ, બધા સાથે રમવાની કોશિશ કરશે. તેને બધા સાથે પ્રેમ વહેંચવો છે. હસવું – રમવું છે. તે માત્ર ભાવનાનો ભૂખ્યો છે.
ભાવ એ જ તેની ભાષા છે. અક્ષરની આંટીઘૂંટીમાં તે હજી નથી પડ્યો. નામની માયાજાળમાં તે લપેટાયો નથી. તેને તો એ પણ ખબર નથી કે તેનું નામ શું છે.
ધીમે ધીમે મોટો થાય તેમ તે સમજે છે કે આ મારું નામ છે, મારા માતાપિતા, ભાઈબહેન, સગાંસંબંધીઓનાં આ-આ નામ છે. સમજણનો છોડ પાંગરવાની શરૂઆત થાય છે તેમ વિસ્મયનું જગત સંકોચાતું જાય છે.
સમજણ તો મોટી થાય છે, પણ પ્રેમ નાનો થતો જાય છે. સહજતા ગાયબ થતી જાય છે, મુગ્ધતા મહોરવાનું બંધ કરી દે છે. પછી એ મહાકાય ઝાડ થઈ જાય તોયે તેની પર બાળપણની પેલી માસુમિયયતનાં ફૂલ નથી ખીલતાં.
ફૂલ ખીલી પણ જાય તોય તેમાં સહજતાની સુગંધ નહીં આવતી, એ સુગંધમાં સતત સમજણની વાસ આવ્યા કરે છે. બાળક જગતને સમજતું નથી એ જ તો એની વિશેષતા છે. આપણી સમજણ જ આપણા માર્ગમાં અવરોધરૂપ બનતી હોય છે.
સમજણ વિકસ્યા પછી આપણે જગતને બે ભાગમાં વહેંચતા શીખી જઈએ છીએ. સારું અને ખરાબ, આ પાપ આ પુણ્ય, આ સુખ આ દુઃખ.
આ વિભાજન આપણને વામણા બનાવે છે. મોટા થતા જઈએ તેમ સહજદૃષ્ટિ ગુમાવતા જઈએ છીએ. દરેક વસ્તુ કે વ્યક્તિને એક ચોક્કસ માપપટ્ટીથી માપીને આપણી આંખ જુએ છે.
યુવાની પક્વતા અને અપક્વતાની વચ્ચે હોય છે. માટલુંં ચાકડા પર ચડી ગયુંં હોય છે. સમય નામનો કુંભાર તેને ઘાટ આપી રહ્યો હોય છે. યુવાની પ્રેમભૂખી થઈને પોતાની માટે કોઈ પાત્ર શોધતી હોય છે.
તે સમયે એવું સમજાય છે કે પોતાના જેવું જ, પોતાને ચાહતું કોઈ અન્ય પાત્ર મળી જાય તો બેડો પાર થઈ જાય. આ અન્ય પાત્ર તે પોતાનાથી વિરુદ્ધ જાતિનું શોધે છે, એ પુરુષ હોય તો સ્ત્રી શોધે અને સ્ત્રી હોય તો પુરુષ.
આ પસંદગીમાં જાતિયતા પણ છુપાયેલી છે. એ હૃદયના પ્રેમમાં શરીરનો પ્રેમ પણ છુપાયેલો હોય છે. ભાવનાની ભૂખ ક્યારેક વાસનાથી સંતોષાતી હોય છે.
ઘણી વાર જીવનમરણના સાથની વાત કરતો પ્રેમ દેહની ભૂખ સંતોષાઈ ગયા પછી સુકાઈ જતો જોવા મળે છે. ઘનઘોર ઘેરાયેલાં વાદળો ઝાપટાં જેમ વરસીને જતાં રહેતાં હોય છે.
ઘણી સોનાનો વરખ ચડાવેલા તાંબાને આપણે તેને ચોવીસ કેરેટનું સોનું ગણી લઈએ છીએ. પણ જેવો વરખ ઊખડે દરત દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું હોય છે.
ઘણા પ્રેમ આવા વરખ ચડાવેલા સોના જેવા હોય છે. સમયનો ઘસરકો ન લાગે ત્યાં સુધી તે સંબંધ આપણને ચોવીસ કેરેટનો જ લાગતો હોય છે. તેનું સત્ય બહાર આવવા માટે માત્ર એકાદ ઘાવની જરૂર હોય છે.
વૃદ્ધાવસ્થામાં કાયાનું કામણ ઓછું થતું જાય છે. ભૌતિક જગતમાં દેખાતું સત્ય આધ્યાત્મિકતામાંથી પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. બહારની દોડધામથી થાકેલુંં મન અંદર ડોકિયું કરે છે.
કોઈ વ્યક્તિ પ્રત્યેના આકર્ષણમાં પણ શારીરિક મોહ કરતા આત્મિક આકર્ષણની સંભાવના વધારે હોય છે. યુવાનીમાં એકલપંડે ચપટી વગાડતા જે થઈ જતું હતું તે કરવામાં હવે દિવસો લાગી જતા હોય છે. આવી સ્થિતિમાં કોઈકના સથવારાની ઝંખના ન થાય તો જ નવાઈ.
તે સથવારામાં પોતાના પ્રત્યેનો પ્રેમ અને કાળજીની ખેવના તો હોય જ છે, પણ અંદરથી એક મોટું આશ્વાસન પણ રહે છે કે કોઈક મારી સાથે છે. પથારીમાંથી ઊભા થવાની સાથે મોંમાં કોળિયા આપવા સુધીનો કોકનો સાથ હોય તો ઘડપણ જીરવવું સહેલું બની જાય છે.
પોતાનાં પૌત્રો-પ્રપૌત્રો તરફથી વહાલભરી હૂંફ મળી રહે તો લથડી પડેલી કાયા કંકાસના કૂવામાં ગરકાવ થતી નથી. સ્વજનોની અમીનજર જો આ ઉંમરે મળે તો વૃદ્ધાવસ્થાનો ભાર ઉપાડી શકાય છે.
યુવાનીમાં કોઈકનો પ્રેમ ન પણ મળે તો તૂટેલા હૈયે ઘોડા ચડી સાહસ કરી શકાય છે. વૃદ્ધાવસ્થાનું તૂટેલુંં હૃદય નર્કાગારનો અનુભવ કરાવે છે. યુવાવસ્થામાં પ્રેમ પ્રાપ્ત થાય એ સદભાગ્ય, પણ વૃદ્ધાવસ્થામાં તો પ્રેમ જોઈએ જ જોઈએ.
કાળજી લેનાર તો પૈસા આપવાથી મળી જશે, પણ એ કાળજીમાં સંબંધની હૂંફ હોય, આત્માનું ઓજસ હોય, હૈયાનો ખરો લગાવ હોય તો ઘડપણની કરચલીઓ પણ રંગોળી બની રહે છે.
બાળપણ પ્રેમ કે હૂંફ વિનાનું હશે તો બાળક મોટું બનીને વજ્ર સમાન કઠ્ઠણ થશે, યુવાનીમાં પ્રેમ ન પામે તો વ્યક્તિ વિદ્રોહી થઈ શકે, પણ વૃદ્ધાવસ્થામાં પ્રેમ ન મળે તો માત્ર ને માત્ર વસવસો રહે છે, ત્યારે વિદ્રોહ કરવાની શક્તિ નથી હોતી અને શરીરે અસહકારનું આંદોલન શરૂ કર્યું હોય છે, ત્યારે વજ્ર જેવી મજબૂતાઈ ક્યાંથી લાવવી? વૃદ્ધાવસ્થામાં લાકડી કરતા વધારે જરૂર પ્રેમના ટેકાની છે.
~ અનિલ ચાવડા