ગેટવે-ઑફ-ઈન્ડિયાની બાંધણી ગુજરાતની દરવાજા સંસ્કૃતિ પરથી લેવામાં આવી હતી ~ યોગેશ શાહ
મુંબઈગરાઓ ગેટવે-ઑફ-ઈન્ડિયા જોવા કદાચ આખા વર્ષમાં ૩૧ ડિસેમ્બરની રાતે જ જતાં હશે. અને એ પણ મોટેભાગે સાઉથ બોમ્બેવાળા જ.
બાકી મુંબઈની આઈડેન્ટિટી સમા આ સ્થાપત્યને જોવા સામાન્ય રીતે તો બહારગામથી આવનારાઓ અને વિદેશીઓ જ હોય છે.
ક્રિસમસની ઉજવણીમાં આપણે સામેલ થવું કે નહીં એની મસમોટી ચર્ચાઓ દરવર્ષે છાપાંઓ અને ચેનલોમાં થતી રહેતી હોય છે અને છતાંય લોકો ઊજવણીમાં સામેલ થાય છે જ. કારણ આકર્ષણ કોઈ ધર્મનું નથી પણ આનંદનું છે, ઉલ્લાસનું છે.
“ઉત્સવપ્રિય: ખલુ: જના:” એવી સંસ્કૃતની ઉક્તિ જગતભરનાં માણસો માટે લાગુ પડે છે. સંગીત, નૃત્ય, પ્રકાશ અને મિત્રો મનુષ્યને આકર્ષે છે.
મનુષ્ય માત્ર સામાજિક પ્રાણી છે એવું આપણે સ્કુલમાં હતાં ત્યારથી શીખતા આવ્યાં છીએ. મનુષ્ય એકલો નથી રહી શકતો. વાત કરવાથી, હસવા-રડવા અને સુખ-દુ:ખ વહેંચવાથી જ જીવન જીવવા જેવું લાગે છે. એટલે જ તો સમાજના ગુનેગારોને સમાજથી દૂર જેલમાં એકલતાની સજા આપવામાં આવે છે.
જૂના જમાનામાં જ્યારે માણસને ‘નાતબહાર’ મૂકવામાં આવતો હતો ત્યારે એવી સજા તે જીરવી નહોતો શકતો. એને પોતાનું કોઈક છે એવો અહેસાસ જોઈએ. દૂરસુદૂર પણ મારી દીકરી છે, એટલો સધિયારો જ “પોસ્ટઑફિસ” વાર્તાવાળા પેલા કોચમેન અલી ડોસાને જીવવા માટે પૂરતો હતો.
ઈતિહાસની અટારીએથી જોઈએ તો રાજા પંચમ જ્યોર્જ અને રાણી મૅરીના ઈન્ડિયાના આગમનને વધાવવા આ ગેટવે ઊભો કરવામાં આવ્યો હતો તે તો સૌ જાણે છે, પણ એની ડિઝાઇન ગુજરાતની ‘દરવાજા સંસ્કૃતિ’ પરથી લેવામાં આવી હતી એ કદાચ બધાંને ખબર નહીં હોય.
લાલ દરવાજા, તીન દરવાજા વગેરેની બાંધણીએ મુંબઈને “ભારતનો દરવાજો” આપ્યો છે.
હકીકતમાં તો રાજારાણી જેની હેઠળથી આવ્યા હતા એ ગેટવે આ નથી અને આ જગ્યા પણ નથી. કાર્ડબોર્ડ અને એવી કાચી વસ્તુઓથી બનાવેલા એક ટેમ્પરરી દરવાજા હેઠળથી, પહેલવહેલી વાર જ બ્રિટનનો કોઈ રાજા ભારત આવ્યો હતો.
અત્યારનો ગેટવે રેક્લેમેશન કરેલી જમીન પર ઊભો છે. તે તારીખ હતી ૨ ડિસેમ્બર, ૧૯૧૧.
પણ અત્યારે જે છે તે દરવાજામાંથી જ છેલ્લી બટાલિયન ૨૮ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ રવાના થઈ અને એની સાથે બ્રિટીશયુગનો સત્તાવાર રીતે ભારતની ધરતી પરથી અંત આવ્યો.
આ સ્થાપત્યની સામે અત્યારે જ્યાં શિવાજી મહારાજનું પૂતળું છે ત્યાં પંચમ જ્યોર્જનું પૂતળું હતું. ૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ સામાન્યજન માટે ખુલ્લા મુકાયેલા મુંબઈની ઓળખ સમા આ ગેટવેની સો વર્ષની ઉજવણી નિમિત્તે ‘ઝમાને સે દૂર’ જઈ થોડો સમય ત્યાં બેસવું જ જોઈએ, કારણ કે “ગેટવે-ઓફ-ઈન્ડિયા” નામનાં જ એક મુવીમાં લતા-રફીનું ડ્યુએટ છે કે “દો ઘડી વો જો પાસ આ બે, ઠે હમ ઝમાને સે…”
મૅરી ક્રિસમસ.
~ યોગેશ શાહ, મુંબઈ