ઉપાધિયોગ અને સમાધિયોગ (લેખ) ~ અનિલ ચાવડા
ડગલે ને પગલે સમસ્યાની અણીદાર સોય પડી છે. પગ મૂક્યો નથી કે ઘાયલ થયા નથી. છતાં ચાલવાનું છે, આ જ તો જીવન છે. આફતનો એરુ આભડે ત્યારે ભયભીત થઈને બેસી જઈએ તો ઝેર વધારે ફેલાઈ જાય. સમયસર ઉકેલ ના લાવીએ તો જોખમ વધતું જ રહે.
સમય જતાં મુશ્કેલીનો પહાડ એટલો મોટો થઈ જાય કે પછી ઊંચકવો જ અસંભવ લાગે. પેલી ખેડૂતવાળી વાત તો તમે સાંભળી જ હશેને?
એક ખેડૂતને ચાર દીકરા હતા. ચારેય વારંવાર ઝઘડ્યા કરતા હતા. ખેડૂત વૃદ્ધ થયો ત્યારે તેણે ચારેય દીકરાઓને બોલાવીને એક એક લાકડી આપી તેને તોડવા કહ્યું. બધાંથી એ લાકડી આસાનીથી તૂટી ગઈ.
હવે ખેડૂતે લાકડાનો ભારો બતાવી ચારેયને વારાફરતી એ ભારો તોડવા કહ્યું. ચારેય દીકરાઓએ વારાફરતી બહુ મહેનત કરી પણ ભારો કોઈથી તૂટ્યો નહીં. તેણે કહ્યું કે જો ચારેય સાથે રહેશો તો આ ભારાની જેમ તૂટશો નહીં, એકલા હશો તો ટકવું મુશ્કેલ બનશે.
સમસ્યાઓનું પણ એવું જ છે, એ ભારા જેટલી ભેગી થઈ જાય પછી તેને તોડવી મુશ્કેલ પડે છે.
અંતિમ સ્ટેજમાં આવેલા કેન્સરને ક્યોર કરવું શક્ય બનતુંં નથી. પણ શરૂઆતમાં જ ખ્યાલ આવી જાય તો તેનો યોગ્ય ઉપચાર કરીને મુક્ત થઈ શકાય છે.
આપણે આવાં અનેક કઠણાઈઓના કેન્સર સાચવીએ છીએ. આપણને ખબર છે કે આ સમસ્યાની ગાંઠ નીકળી છે, છતાં આંખ આડા કાન કરીએ છીએ. તેનો ઉપચાર કરતા નથી. સમય જતાં સમસ્યા વકરે છે.
જંગલમાં રચાયેલી કેડી પર લોકો ચાલવાનું બંધ કરી દે તો થોડા જ સમયમાં ત્યાં ઘાસ અને ઝાડી-ઝાંખરાં ઊગી નીકળે છે. સમય જતાં ઓળખવું પણ મુશ્કેલ થઈ જાય છે કે ત્યાં કોઈ રસ્તો હતો.
માથા પર નાનકડું તરણું પડે તો ખ્યાલ પણ નથી આવતો, પણ એકાએક કોઈ મહાકાય ઝાડ પડે તો શી વલે થાય તે કલ્પી શકાય તેમ છે.
આફતોને આમંત્રણ નથી હોતાં, એકાએક આવી ચડે છે. ગમે કે ના ગમે ઘરે આવેલા મહેમાન જેમ ટપકી પડે છે. અને કમને તેમની આગતાસ્વાગતા પણ કરવી પડે છે. ઘણી વખત તો આવી પડેલી મુશ્કેલી મસમોટા લેસન ભણાવી જતી હોય છે.
સ્કૂલ-કૉલેજ કે વિશ્વવિદ્યાલયોમાં ન શીખવા મળે તેવા ઘણાં જીવનના મૂલ્યવાન પાઠ મુશ્કેલીની મહાવિદ્યાલયોમાંથી શીખવા મળે છે. એટલા માટે જ તો આપણે અનુભવને શ્રેષ્ઠ શિક્ષક કહીએ છીએ. આવી પડેલી ઉપાધિને સમાધિમાં ફેરવી નાખીએ તો આપોઆપ સમસ્યા સુગંધ બની જાય.
ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ગાંઠે બાંધી રાખવા જેવી છે,
જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહ્યો તે જ સમાધિયોગ.
ઘણી મુશ્કેલીઓ આવેલી હોય છે અને ઘણી લાવેલી. પેલી કહેવત છે ને – પેટ ચોળીને શૂળ ઊભું કરવું. આપણે જાતે કરીને પોતાના જ પગ પર કુહાડી મારતા હોઈએ છીએ. જો કે તેનો ખ્યાલ આપણને ઘાવ વાગે અને બળતરા થાય ત્યારે જ આવે છે.
આપણે જીવનને જાતે કરીને અંધારભર્યું કરી નાખીએ છીએ! આપણે સમસ્યાના મૂળ સુધી જવાને બદલે શૂળ સુધી જઈએ છીએ અને ઘવાઈએ છીએ. પછી લોકોને પોતાના ઘાવ બતાવ્યા કરીએ છીએ. વ્યથાનો વાટકો લઈને સહાનુભૂતિની ઉઘરાણી કરતા ફરીએ છીએ. સમસ્યાને પડકારવાને બદલે તેની સાથે સંતાકૂકડી રમ્યા કરીએ છીએ. એ આવે એટલે ક્યાંક સંતાઈ જઈએ છીએ, પણ ગમે તેમ કરીને તે આપણને શોધીને આપણો થપ્પો કરી જ દે છે.
દુઃખ કે સુખ છેવટે તો મનમાંથી ઊભી થતી સંવદનગ્રંથિઓ છે. આપણે બાળપણથી અત્યાર સુધી આપણા મગજને ઘડતા આવ્યા છીએ કે કેવી સ્થિતિમાં સુખી થવું અને કેવી સ્થિતિમાં દુઃખી. જોકે આપણને ખબર નથી કે આપણે મગજને સુખ-દુઃખ અને સારા-નરસાની પરિભાષાથી ઘડી રહ્યા છીએ.
એક પ્રદેશમાં સારી ગણાતી બાબત બીજા પ્રદેશમાં ખરાબ પણ હોઈ શકે. આપણે મગજને આપણા સ્થળ, કાળ, પ્રદેશ, રીતરિવાજ, રૂઢી, પરંપરા, ધર્મ અને માન્યતા પ્રમાણે ઘડતા રહીએ છીએ. આને આધારે આપણા સુખ-દુઃખની પરિભાષા, સમસ્યાની સમજણ, જીવનની ફિલસૂફી રચાય છે. રાજ નવસારવીની ચાર પંક્તિઓ યાદ આવે છે.
ખોટા ન કર વિચાર
સમસ્યા કશી નથી.
ખુલ્લાં છે સઘળાં દ્વાર,
સમસ્યા કશી નથી
માનું છું જે દિવસથી કે
સૌથી સુખી છું હું,
દુ:ખ થઈ ગયાં ફરાર
સમસ્યા કશી નથી.
~ અનિલ ચાવડા
Very nice
કલા જીવનને ખાતર…
આધુનિક જીવનમાં ખૂબ જ જરૂરી સંદેશ…
Loved this posr