|

લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 8 ~ પરિચય છે મંદિરમાં દેવોને મારો: શૂન્ય પાલનપુરી ~ રઈશ મનીઆર

લેખ 8
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી
શૂન્ય પાલનપુરી

પરિચય – શૂન્ય પાલનપુરી, Shunya Palanpuri. | અમીઝરણું...

આજે એવા શાયરની કાવ્યસૃષ્ટિનો પરિચય આપણે મેળવવાનો છે જે ખુદ કહે છે

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

40 વરસની ગઝલ સાધનામાં શૂન્યભાઈ જે ધરખમ કામ કરી ગયા છે, એના કારણે ગુજરાતી ગઝલના ઈતિહાસની વાત કોઈએ પણ કયારેય પણ માંડવી હોય તો એ વાત એમના સમુચિત અને સન્માનપૂર્ણ ઉલ્લેખ વગર એ શક્ય નથી.

વિદ્યાર્થીઓ તરીકે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં કદાચ આખી કવિતા તરીકે એમની ગઝલ નથી ભણ્યા. પરંતુ આ પંક્તિઓ યાદ કરો.

કદમ અસ્થિર હો જેના
કદી રસ્તો નથી જડતો
અડગ મનના મુસાફરને
હિમાલય પણ નથી નડતો.

કદમ અસ્થિર હો વિચારવિસ્તાર || Kadam asthir ho arth vistar || Discover Edu

આ સુભાષિતનો વિચાર વિસ્તાર ક્યારેક તો કરવાનો આવ્યો જ હશે અને હવે આ પંક્તિઓ જુઓ

ઝુલ્ફ કેરા વળ સમી છે
ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી
કાંસકી
ઓળી શકે

આ પંક્તિઓ પણ એ જ રીતે વિચારવિસ્તારમાં પૂછાતી. અને આ પણ..

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

શાળામાં વિદ્યાર્થી તરીકે આ વિચારને વિસ્તારતાં હતા ત્યારે આપણાં વિચારનો વિસ્તાર કદી એ વાત સુધી પહોંચતો જ નહીં કે આવી સુંદર પંક્તિઓના કવિ કોણ છે? શાયર કોણ છે?

આ કવિ શૂન્ય પાલનપુરી તરીકે ગુજરાત જેને ઓળખે છે, એમનું મૂળ નામ હતું અલીખાન ઉસ્માનખાન બલોચ. પાલનપુર એમનું મોસાળ હતું. જે પછી ગુજરાતી ગઝલનું પણ મોસાળ બન્યું.

એમનો જન્મ પાલનપુરમાં નહોતો થયો, અમદાવાદ અને સાબરમતીની વચ્ચે આવેલા લીલાપોર નામના ગામે થયો હતો. તારીખ હતી 19 ડિસેમ્બર 1922.

એમના પિતા ઉસ્માનખાન બલોચ ઘોડાના વેપારી હતા. પરંતુ કવિ ત્રણ વર્ષના હતા ત્યારે એમનું અવસાન થયું. માતા નનીબેનનું પિયર પાલનપુર હતું. એટલે કવિ પાલનપુર આવી વસ્યા.

એક વિધવા માતાના પુત્રનું જીવન સંઘર્ષ કેવું ભરેલું હોય! માતાએ કપડાં સીવીને, બીડીઓ વાળીને એમને ઉછેર્યા.

બાળપણમાં ગરીબીના દિવસોમાં શૂન્યભાઈ પોતે પણ કાચા પાનનો કરંડિયો ખભે મૂકી ઘરે ઘરે પાન વેચવા જતાં.

સહનની આવડત હો તો
મુસીબતમાંય રાહત છે

હૃદય જો ભોગવી જાણે
તો દુ:ખ પણ એક દોલત છે

ભંવરની મિત્રાચારી છે
તરંગોની મહોબ્બત છે

અહીં ઓ નાખુદા ડૂબી
જવામાં સૌ સલામત છે

ચમનના ન્યાયમાં
નિર્દોષતા પણ એક તહોમત છે

બચીને ક્યાં જશે ઓ પુષ્પ,
કાંટાની અદાલત છે?

દુ:ખની દોલતથી માલામાલ શૂન્યભાઈના જીવનમાં ગઝલકાર બનવા પોષક એવો આ સંઘર્ષ તો પહેલાંથી હતો, પરંતુ સાહિત્યનો લગાવ ક્યાંથી આવ્યો?

એમના માતા નનીબેન ઢોલક, હાર્મોનિયમ, બેંજો વગેરે વાજિંત્રો વગાડી જાણતા તેમ જ ભજનો પણ સુંદર હલકથી ગાતા. શૂન્ય પાલનપુરીના માતા અને એમના ત્રણ માસી અને તથા મામા હુસેનખાન આકાશવાણી પર પણ ભજનો ગાતાં.

શૂન્ય પાલનપુરીને સંગીત અને સાહિત્યની વિરાસત માતૃપક્ષેથી અને પાલનપુરના માહોલમાંથી મળી હતી.

કદાચ એમાં પિતૃપક્ષ તરફથી મળેલી ઘોડાની રવાની એમની ગઝલોમાં ઉમેરાઈ.

જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું ?
એ તો નથી કસૂર? કે હું બેકસૂર છું !
છું ‘શૂન્ય’, એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ !
તું તો હશે કે કેમ, પણ હું તો જરૂર છું.

ઈશ્વરને મળવું કદાચ મુશ્કેલ હશે પણ શૂન્યસાહેબને મળવાની શરત બહુ સીધી છે..

જેને ખબર નથી કે
સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની
સભાઓમાં કામ શું ?

મળશે તો ક્યાંક મળશે
ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને
વળી ઠામબામ શું ?

1892માં જન્મેલા શયદા, 1904માં જન્મેલા આસીમ, 1908માં જન્મેલા ગની, 1916માં જન્મેલા ઘાયલ, 1917માં જન્મેલા મરીઝ અને 1922માં જન્મેલા શૂન્ય, એમના પછી 1923માં જન્મેલા બરકત વીરાણી બેફામ અને એ જ વર્ષે જન્મેલા સૈફ પાલનપૂરી, પરંપરાની ગુજરાતી ગઝલનું આકાશ આ આઠ તારલાઓથી ચમકતું.

આ આઠેઆઠ શાયરોએ ગઝલને પૂરેપૂરી ગુજરાતી બનાવી એટલું જ નહીં, જે સલૂકાઈથી અને જે કાબેલિયતથી આ શાયરોએ ગઝલનો પ્રથમ લોકહૈયામાં અને ત્યારબાદ ગુજરાતી સાહિત્યની મુખ્યધારામાં પ્રવેશ કરાવ્યો એ ઘટના કાબિલેદાદ હતી. સાચા અર્થમાં આ શાયરોનો પ્રવેશ યુગપ્રવર્તક અને યુગ પરિવર્તક બની રહ્યો.

1931માં મહાગુજરાત ગઝલ મંડળના ઉપક્રમે રાંદેરમાં ગુજરાતીનો પહેલો નહીં, પરંતુ પહેલો, મોટો અને જાણીતો મુશાયરો થયો, ત્યારથી ગઝલ એના યૌવનકાળમાં આવી અને ગઝલની યુવાનીને, ગઝલના હુસ્નને નિખારનાર આશિકોમાં શૂન્યસાહેબનું નામ મોખરે છે.

શયદા, મરીઝ, બેફામ અને સૈફ, ઘણોખરો સમય મુંબઈ રહ્યા અને જીવનભર પ્રમાણમાં સરળ ગુજરાતી ભાષામાં લખતાં રહ્યા. જ્યારે ઘાયલ, ગની અને શૂન્યની ત્રિપુટી ઘણોખરો સમય ગુજરાતમાં રહી અને એમણે ગુજરાતી ભાષાની બધી જ તળપદી અને તત્સમ છટાઓને ગઝલમાં લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. આ મેં બહુ આછી ભેદરેખા અને એનું કારણ રજુ કર્યું, જેમાં અસહમતીને અવકાશ છે જ.

તો એક અલીખાન નામનો બલોચ જ્ઞાતિનો ગરીબ પુત્ર આપબળે ‘શૂન્ય પાલનપુરી’ બને છે ત્યારે કેવી ભાષા એને હસ્તગત થાય છે તે જુઓ

કાંટાના ડંખ સાથે છે
ફૂલોનું ઝેર પણ
વાળે છે શું વસંત,
ગયા ભવનું વેર પણ?

તણખા છે સંસ્કૃતિના,
કળિયુગનો વાયરો
જંગલની જેમ ભડકે
બળે છે શહેર પણ

આવ્યા, તમાશો જોયો
અને લીન થઈ ગયા
ભૂલી ગયા કે પાછા
જવાનું છે ઘેર પણ

શંકર બધું જ પી ન શક્યા,
‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં
અમારે આ ઝેર પણ

ગુજરાતી ગઝલની આ પ્રાણવાન ભાષા શૂન્યસાહેબની દેન છે.

શૂન્ય પાલનપુરી જ્યારે જુગારમાં બધું જ હારી ગયા અને શર્ટ કાઢી છેલ્લી બાજી રમ્યા - BBC News ગુજરાતી

શૂન્યની શાયરીમાં ઉર્દૂની ઝાંય વગરની શિષ્ટ ગુજરાતી ભાષાનો પ્રયોગ છે. એનું ઉદાહરણ જુઓ

સાત સમંદર તરવા ચાલી,
જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’!
હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ, ઊતારુ.. હો કે માલમ,
સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા,
મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધૂરા,
વાતોમાં જે શૂરા પૂરા,
શિર દેવામાં આનાકાની,
દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો,
‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ,
કિસ્મત પાછળ માત્ર હથેલી!

વીસમી સદીના પહેલા અર્ધમાં એક તરફ ગુજરાતીમાં ફારસીની ભરમારવાળી ગઝલો લખનાર શાયરો હતા અને બીજી તરફ કાવ્ય ગુજરાતીમાં હોવા છતાં એનો ગુજરાતી અનુવાદ કરવો પડે એવા અટપટાં કાવ્યો લખનાર પંડિત યુગના અમુક કવિઓ સામે શૂન્યસાહેબે શિષ્ટ અને પ્રાસાદિક ગુજરાતી લોકબોલી કેવી હોય, એનું ઉદાહરણ મૂકી આપ્યું.

ગઝલ રૂપે જીવનની
દર્દબાની લઈને આવ્યો છું,
બધા સમજી શકે એવી
કહાની લઈને આવ્યો છું.

કવન રૂપે જડીબુટ્ટી
અમરતાની યે રાખું છું,
નથી પાછી જવાની એ
જવાની લઈને આવ્યો છું.

ગઝલમાં સરળ સોંસરા શેરોની સાથે આવું સુંદર નકશીકામ કરનાર કવિ શૂન્ય પાલનપુરી, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પ્રારંભમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા.

સ્કોટ ટેનિસન એમના પ્રિય કવિ, અઢારમી સદીના કવિ થોમસ ગ્રેની જાણીતી ‘એલિજી’ કવિતા વાંચીને એ અંગ્રેજી કવિતા લખવા પ્રેરાયા.

બીજા એવા જ તેજસ્વી પાલનપુરનિવાસી ચંદ્રકાત બક્ષીના તો એ અંગ્રેજીના શિક્ષક હતા! બક્ષીએ પોતે બક્ષીનામામાં આવું લખ્યું છે. અને બક્ષી ભાગ્યે જ કોઈને બક્ષે, પણ એ શૂન્યના અને ઉર્દૂના ચાહક હતા.

ચંદ્રકાન્ત બક્ષી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Chandrakant Bakshi, Gujarati Sahitya Parishad

પાલનપુરમાં એ કાળે ઉર્દૂ શાયરીનું વાતાવરણ હતું. જે આ બન્ને યુવાનોએ, બક્ષીએ અને શૂન્યએ, પોતાની રીતે ઝીલ્યું.

સોળ વરસની ઉંમરે એક મુશાયરામાં એમણે ઉર્દૂ ગઝલ સંભળાવી, તે કંઈ આવી હતી.

હમ સે જબ ઈંતેકામ લેતે હૈં
હમ ભી દિલ થામ થામ લેતે હૈં

ખેલને કી જો દિલ મેં આતી હૈ
મેરે દિલ સે વો કામ લેતે હૈં

સોળ વરસના લબરમૂછિયાને મોઢે આ ગઝલ સાંભળીને વાંચીને ઘણાંને ઉઠાંતરીની ગંધ આવી. વડીલોએ મોમીન અને દાગના દીવાન ઉથલાવી માર્યા. કંઈ સબૂત ન મળ્યું તો વડીલોએ વકીલ બનીને અલીખાનની ઉલટ તપાસ લીધી.

તપાસમાં એ પાસ થયા અને ‘રૂમાની’ ઉપનામ સાથે એમનો ગઝલની દુનિયામાં સ્થાનિક સ્તરે પ્રવેશ થયો. એમણે નાની નાની મેહફિલોમાં ભાગ લેવાનું શરૂ કર્યું,

આમ કોઈના પણ પ્રત્યક્ષ માર્ગદર્શન વગર શૂન્ય પાલનપુરી ઉર્દૂ શાયરી લખતાં થયા. રાતે શાયરીની મહેફિલ જમાવનાર શૂન્યસાહેબ દિવસે ક્રિકેટ પણ રમતા. શૂન્યસાહેબ પાલનપુર નવાબની ટીમના વિકેટ કીપર હતા.

લગભગ 1940ની આસપાસ પાલનપુર ક્રિકેટ રમવા આવેલા પાજોદ દરબાર રુસ્વા મઝલૂમી અને એમના પી. એ. અમૃતલાલ ભટ્ટ ‘ઘાયલ’ સાથે એમની મુલાકાત થઈ અને ક્રિકેટ મેચે પછી સાંજે શાયરીની મહેફિલ જામી.

રુસવા મઝલુમી ~ મોહતાજ ના કશાનો - Kavyavishva.com
રુસ્વા મઝલૂમી

પછી તો કવિએ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં એડમિશન લીધું, ત્યારે એક રાતે રુસ્વાસાહેબ એમને જૂનાગઢના વઝીરના પુત્ર મહેર ઉસ્માનીના નિવાસે યોજાયેલા એક મુશાયરામાં લઈ ગયા. ત્યાં એમણે એક ઉર્દૂ ગઝલ સંભળાવી એ ગઝલ આ હતી,

ક્યા સુનાઉં? ક્યા સુનોગે!
દાસ્તાને જિંદગી
ગમઝદોં કા તલ્ખ હોતા હૈ
બયાને જિંદગી

જીના મરના એક કરકે
અબ કહાં જાતી હૈ યાસ!

આ હતાશા, અમારા જીવનને મરણ જેવું બનાવીને ક્યાં ચાલી?

જીના મરના એક કરકે
અબ કહાં જાતી હૈ યાસ!

ઉસસે કેહ દો ઔર છીને
ઔર છિને ઇત્મિનાને જિંદગી!

આમ રુસ્વાસાહેબ અને ઘાયલ સાથે દોસ્તી થઈ એક ત્રિપુટી જે બની એ મેષ રાશિના ત્રણ તારલાઓની હતી. અ અમૃતલાલનો અ, ઈ ઈમામુદ્દીન બાબી રુસ્વાનો ઈ અને અ અલીખાનનો અ.

અમૃતલાલ ભટ્ટ ‘ઘાયલ’ રુસ્વા મઝલૂમીના અંગત મંત્રી હતા. એક બાબી, એક બલોચ અને એક બ્રાહ્મણ. સાથે ક્રિકેટ રમતા, સાથે શાયરી કરતાં અને સાથે શિકાર પણ કરતાં.

એ સમય સુધી શૂન્ય ઉર્દૂમાં જ લખતાં. એકવાર પૂના-મહાબલેશ્વર ફરવા ગયા હતા ત્યારે ઘાયલસાહેબ શૂન્યની ડાયરી જોઈ ગયા, જે ગુજરાતીમાં હતી.

એમાં શાયરી નહોતી પણ ગુજરાતી ગદ્ય સ્વરૂપે રોજનીશી અને વિચારો હતા. ઘાયલસાહેબે એમણે આગ્રહ કર્યો કે તમારી શાયરીનો જે રંગ છે એ ઉર્દૂમાં તો ક્યાંય ખોવાઈ જશે, જ્યારે ગુજરાતીમાં આવી દબદબાવાળી, શાનવાળી ભાષાની તાતી જરૂર છે. એમણે આ પ્રવાસ દરમ્યાન જ ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.

શૂન્યસાહેબ ગુજરાતીમાં ડાયરીથી શાયરી લખવા સુધી ગયા અને ગુજરાતી શાયરીમાં શૂન્યસાહેબનો બાઅદબ પ્રવેશ થયો.

શૂન્ય પાલનપુરી - ગઝલ શિરોમણી - Jalso

1938માં ઉર્દૂ શાયર ‘રૂમાની’ બનેલા અલીખાન 5 વરસ પછી 1943માં ગુજરાતી શાયર ‘શૂન્ય’ બન્યા.

તો એક ગુજરાતી બ્રાહ્મણે એવો સોદો કર્યો જેને કારણે ગુજરાતી ભાષા સમૃદ્ધ થઈ અને કદાચ.. ઉર્દૂએ એક પ્રતિભાશાળી શાયર ગુમાવ્યો.

હવે નવાઈની વાત એ છે કે શૂન્યસાહેબે ઉર્દૂ લખવાનું છોડ્યું પછી જે ગુજરાતી ગઝલો લખી, તે સો ટચ સોનાની ગુર્જરીનો ઉપયોગ કરીને તેમણે એ ગઝલો લખી છે.

શૂન્ય પાલનપુરીનો પહેલો મોટો ગુજરાતી મુશાયરો 1947ની સાલમાં યોજાયો. એ સુરતના નગીનચંદ હોલ ખાતે થયો, જે ત્યારે સેંટ એંડ્રુઝ હોલ તરીકે ઓળખાતો હતો. નવાઈની વાત એ છે કે મુ. ભગવતીકુમાર શર્મા પણ 15 વર્ષની ઉંમરે એ મુશાયરામાં શ્રોતા તરીકે હાજર હતા.

એ મુશાયરામાં 24 વરસના શૂન્ય સાહેબે આ ગઝલ સંભળાવેલી..

દુનિયાની વ્યથાઓ ક્યાં કમ છે ?
ઇચ્છાનો વધારો શા માટે ?
મન હાય ! ન જાણે વહોરે છે
એ સાપનો ભારો શા માટે ?

મજધારમાં ડૂબી તરવાનો
વિધિનો ઈશારો છે નહિતર,
એક નાવને માટે સાગરમાં
તોફાન હજારો શા માટે?

જીવનને ઓ બંધન ગણનારા!
પિંજરને ઓ ભુવન કહેનારા !
માનસ તો પરાધીન છે તારું,
મુક્તિના વિચારો શા માટે?

કૈં શૂન્ય શિથિલતા આવી છે
જીવનના ઇરાદામાં આજે,
તોફાન મહીં રમનારો હું,
શોધું છું કિનારો શા માટે ?

શૂન્યસાહેબ નોંધે છે, “એ જમાનો રાગ-આલાપનો હતો, જુદા જુદા તરન્નુમોમાં ગઝલ રજૂ થતી. મુશાયરાને બદલે સંગીતની હરિફાઈ જેવું વાતાવરણ રહેતું, મેં પણ ગઝલ ગાઈને રજૂ કરી, પણ નગારા વચ્ચે પીપૂડીનું શું ગજું?”

પણ સુરત પછી કોસંબાના બીજા જ મુશાયરાથી શૂન્યસાહેબ હીટ થવા લાગ્યા. પરંતુ એ તત્કાલીન સફળતા એ જુદી વાત છે અને સર્વકાલીન શાયર તરીકે ઈતિહાસમાં નામ બનાવવું એ જુદી વાત છે

શૂન્ય સાહેબે કેવી કેવી ગઝલો એ અરસામાં આપી?

આવે છે અશ્રુ આંખે તો,
પી જાઉં છું સંયમ રાખું છું;
જે વાત છે મારા અંતરની,
એ વાત હું મોઘમ રાખું છું.

ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ,
નિ:શ્વાસ, નિરાશા, લાચારી,
એક જીવને માટે જીવનમાં
મૃત્યુના ઘણાં યમ રાખું છું.

ઠારીને ઠરું એ દીપ નથી,
બાળીને બળું એ જ્યોત નથી,
એક પુષ્પ છું જીવન-ઉપવનમાં,
હું રંગ ને ફોરમ રાખું છું.

વાવ્યું છે ગઝલનું ઉપવન જે
મેં શૂન્ય હૃદયની ધરતીમાં,
સીંચીને ઊર્મિ-રક્ત વડે એ
બાગ લીલોછમ રાખું છું.

આપણે જોઈ શકીએ છીએ કે શૂન્યસાહેબની ગઝલોમાં એક શાલીન ભાષા, ગઝલના મૂળ રંગને વફાદાર રહીને ગુજરાતી ભાષાની શક્ય એટલી છટાઓ એમાં પ્રગટાવવાનો પ્રયાસ દેખાઈ આવે છે.

મુકદ્દરની કનડગત છે,
સમયની બેવફાઈ છે
જીવનની લાજ ખુદ એનાં જ
ઘરનાથી લૂંટાઈ છે

અમર પંખી, પરમ સદભાગ્ય
કે પિંજર મળ્યું નશ્વર
ખુશીથી દર્દ માણી લે
ઘડીભરની જુદાઈ છે

જીવન અર્પણ કરી દીધું,
કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું
‘મિલકત પરાઈ છે’!

એક તરફ એ એમની ગઝલોમાં જીવનના ફિલસૂફીનો છેડો પકડી રાખે છે તો બીજી તરફ આ વાતોમાં શુષ્કતા ન આવી જાય, બહુ બોધ ના આવી જાય એ માટે શાયર અંદાઝે બયાં અને ચોટનો સુંદર ઉપયોગ કરે છે.

એમની આ કોઈ પણ ગઝલ લ્યો નીચે એમનું નામ ન લખ્યું હોય તોય આપણે કહી ઉઠીએ કે આ ધીરગંભીર અર્થગહન મિજાજ શૂન્યસાહેબ સિવાય કોઈની પાસે ન મળે.

કોણ માનશે રદીફ પર એ સમયના લગભગ બધા જ શાયરોએ લખ્યું હશે, પણ શૂન્ય સાહેબના શેરો જુઓ.

દુ:ખમાં જીવનની લ્હાણ હતી,
કોણ માનશે?
ધીરજ રતનની  ખાણ હતી,
કોણ માનશે?

ઉપચારકો ગયા અને
આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ  હતી,
કોણ  માનશે?

શૂન્યસાહેબની શબ્દયાત્રાના વિવિધ પડાવોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, વિવિધ ભાવોથી આપણે ભીંજાઈ રહ્યા છીએ. એમની શાયરી અને એના વિશેની વાતો એક નાનકડા લેખમાં ક્યાંથી પૂરી થાય? આગામી સપ્તાહે આપણા આ જ આંગણાંમાં આ સફરનો તંતુ ફરી જોડીશું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment