સ્પર્શ ~ વસુધા ઈનામદાર (બોસ્ટન, અમેરિકા)

અમેરિકાથી ભારત જવાનું દર વર્ષે થાય. કેલિફોર્નિયાનો નિવાસ છોડ્યા પછી, બોસ્ટનનો શિયાળો ખૂબ આકરો લાગતો. તેથી સ્વદેશ જવામાટેનું મજબૂત બહાનું મળી જતું. પોતાના દેશમાં જવા માટે તેમાય ખાસ કરીને ગુજરાતી ભાષા બોલનારી મારા જેવી પેઢીને તીવ્ર ઈચ્છા હોય છે.

નોકરી-ધંધામાંથી નિવૃત્ત થયા પછી તેઓ વિચારે છે કે ચાલો બહુ કામ કર્યું, દેશમાં જઈ થોડા ફરી આવીએ અને જૂના મિત્રોને મળતા આવીએ. અમે પણ એવા જ મનસુબાથી સ્વદેશ જવા નીકળ્યાં.

ઘેરથી નીકળતાં પહેલાં ભારતના લોહપુરુષ તરીકે જાણીતા સરદાર પટેલની (સ્ટેચ્યું ઓફ યુનિટી) વિશાળ તેમ જ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવાનું નક્કી કર્યું હતું .

ભારત પહોંચ્યાના દસેક દિવસ પછી વહેલી સવારે અમે મીની વૅનમાં સહુ સહેલીઓ સાથે નીકળી પડ્યાં. ગુલાબી ઠંડીવાળી તાજગીભરી સવાર હતી. રસ્તા પરથી પસાર થતા દર્શન દેતી નાની મોટી પર્વતની હારમાળાની સાક્ષીએ ચાલતો અમારી વાતોનો દોર થંભવાનું નામ નહોતો લેતો. ત્યાં જ અચાનક એક સહેલી બોલી ઊઠ, “ભાઈ પેલા પૂજા રેસ્ટોરન્ટ આગળ ગાડી ઊભી રાખજોને?”

ડ્રાઈવર બોલ્યો, “હા, બહેન , ગરમ ગરમ ગોટા ને આદુવાળી ચા…“ ને તે હસીને બોલ્યો, “બહેન, તમે ના કહયું હોત, તો પણ હું ગાડી ત્યાં ઊભી રાખત! અહીં આવનારા બધાં આ જગ્યા પર વિસામો લે છે. અહીંની કડક મીઠી ચા ને મેથીના ગરમ ગોટા બહુ ફેમસ છે હં કે! “

થોડા સમય પછી અમે એક નાનકડી પણ સુંદર વ્યૂ વાળી પૂજા રેસ્ટોરન્ટ આગળ આવીને ઊભા. ગુલાબી ઠંડી પછીનો સરસ મજાનો તડકો હતો. બધાં અંદર જવાં લાગ્યાં. મેં કહ્યું ,’બહાર કેટલું સરસ વાતાવરણ છે? મજાની લોન છે. ટેબલ ખુરસી પણ છે. તો ચાલો ને બહાર જ બેસીએ. ‘

અમારાં સહુના ગામ ગપાટાં તો ચાલુ જ હતાં. થોડીકવાર થઈ હશે ને ત્યાં જ એક સિત્તર- પંચોતેર વર્ષના કૃશકાય માજી મારી નજીક આવી ચૂપચાપ ઊભા રહયાં. એમને જોઈને એવું લાગ્યું કે એક સમયે તંદુરસ્ત શરીર ધરાવતાં હશે. પણ હવે ઊંડે ઉતરી ગયેલું પેટ  અને તે પરની લટકતી ચામડી ભૂખમરાની ચાડી ખાતી હતી.

કઈંક આપવાના ઈરાદે મેં મારી પર્સ મારી નજીક ખેંચી પણ પછી તેને ખોલ્યાં વગર બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ માજી આગળ સરકાવ્યો. એમણે પાણી પીધું.

મેં એમને પૂછયું, ‘માજી ગરમગરમ ચા ને ભજીયા ખાશો?’ મારી સહેલીઓએ આશ્ચર્યથી ને થોડા અણગમાથી મારી સામે જોયું. મેં એમની દ્રષ્ટિની જાણેઅજાણે ઉપેક્ષા જ કરી.

મારી વાત સાંભળીને માજીની આંખો ચમકી ઊઠી. એમણે પહેરેલી જીર્ણ અને ક્યાંક ક્યાંક ફાટેલી સાડીના છેડા પર મારેલી ગાંઠમાંથી થોડાક રૂપિયા ટેબલ પર મુક્યા ને તે બોલ્યાં, ”મારી પાસે તો આટલા જ છે.  ખૂટતા ઉમેરી દઈશ?“

મને એમના પ્રત્યે માન અને કરુણા બને એકીસાથે ઉપજ્યાં. મેં કંઇ પણ કહ્યા વિના હસીને એમના પૈસા એમને પાછાં આપ્યા. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. એટલામાં ગરમ ગરમ ગોટા ને ચા આવી. માજી એમની ડીશ લઈને નીચે બેસી ગયાં. મને તે ન ગમ્યું , પણ સાથીદારોના ચેહરા પરનો અણગમો વાંચી શકાતો હતો. આથી હું માજી ને ખુરસી પર બેસવાનું ના કહી શકી.

મેં વિચાર્યું કે હું આ બધાંની સાથે એમને ખુરશી પર બેસવાનું ન કહું તો કાંઈ નહીં, પણ હું એમની સાથે લોન પર તો નીચે બેસીને એમને કંપની આપી શકું ને? મેં પણ મારી ખુરસી ખાલી કરી.

માજીની બાજુમાં મને નીચે બેઠેલી જોઈને પૂજા રેસ્ટોરન્ટનો માલિક દોડતો આવ્યો અને બોલ્યો, ’બહેન, તમે ખુરસી પર બેસો.’ અને હું કાંઈ કહું તે પહેલાં માજીનો હાથ પકડીને એમને પણ ખુરશી પર બેસાડતાં, એ મને ઉદ્દેશીને બોલ્યો, ”બહેન, રેસ્ટોરન્ટમાં ઘરાકો તો બહુ આવે , પણ માણસ તો કયારેક જ આવે છે!“

ગંભીર ચહરે બેઠેલી સખીઓએ એની વાતને વધાવી લેતી હોય તેમ ખુશ થઈ. તેઓ સહુએ પોતાને પણ ના સંભળાય એમ તાળીઓ પાડી.

માજીએ ગોટા ખાઈને વધેલાં પાણીથી હાથ ધોયા ન ધોયા  અને મારી ખુરસી પાછળ આવીને ઊભાં રહયાં. માજીએ એમનો ધ્રૂજતો હાથ મારે માથે મૂકયો. મને આશીર્વાદ આપ્યા કે કેમ તેની મને ખબર નથી, પણ વર્ષો પહેલાં અમેરિકા જતી વેળાએ મારી માએ સ્ટ્રોકની પીડાથી પીડાતો એનો ધ્રૂજતો હાથ આમ જ મારે માથે મુક્યો હતો એની મને ત્યારે ઓચિંતી યાદ આવી ગઈ હતી.

લેખિકા – વસુધા ઇનામદાર
બોસ્ટન, અમેરિકા

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સુંદર વાર્તા ! વાંચતાં આંખ સમક્ષ દ્રશ્ય ઊભું થાય એવું લખાણ !!
    🙏🙏