એ આવે છે ~ સરોજ પાઠકની “ન કૌંસમાં ન કૌંસની બહાર” વાર્તા પર આધારિત એકોક્તિ ~ રૂપાંતર: મીતા ગોર મેવાડા ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૫

ઘરમાં હાસ્યની છોળ હંમેશાં ઊડતી રહેતી. હસતાં હસતાં જ બધી વાતો થતી રહેતી. જુઓને આમ હસતાં હસતાં જ ગીતિ, સુગીતિ, નીતિ અને સુનીતિ આવ્યાં હતાં.

ક્યારેક આમ જ હસતાં દિવ્ય આવીને કહેતો “આવવાનું છે” અને એના પડઘા રૂપે હું ઝટ દઈને કામે વળગતી હતી. આવનારને વિશિષ્ટ રીતે આવકારતી, જમાડતી અને થાકી જતી તો ક્યારેક કંટાળોય કરતી, પણ શું થાય? ઘર ખુલ્લાં હોય એટલે જે ને તે આવે તો ખરું જ ને!

આમ હાસ્યનો, આનંદનો ઊભરો કદી વધતો તો કદી સમતોલ રહેતો, પણ ઘરમાં કાયમ કલશોર તો મચેલો જ રહેતો.

“ગીતિ જોજે હો આજે બેડમિન્ટન રમવા વધુ ન રોકાઈશ”

“સુગીતિ, માર્કેટમાં આંટો તો મારવો જ પડશે હોં”

“નીતિ, બૂમો નહીં પાડ. બેન બે ચોટલા ગૂંથી આપશે.”

સુનીતિ, આજે માથામાં તેલ નાખજે. આમ સાવ લુખ્ખા જટરિયા લઈને ના ફરતી, બહારના લોકોની સામે.”

અરે સાંભળો છો તમે? સિગારેટનાં પૅકેટ પહેલેથી લેતા આવજો. મહેમાન હોય કે ગમે તે, છોકરીઓ પાસે એવા કામ હું નહિ કરાવવા દઉં. મને નથી ગમતું.

અને અમારો બેઠક ખંડ મહેમાન ન હોય તોય સોગઠાંબાજી, કૅરમ, પત્તાં, ગપાટા, ચર્ચાઓ કે ગીત-સંગીતથી સભર બની જતો.

થોડી થોડી વારે હાસ્યનો જોરદાર ફુવારો ઊડીને વાતાવરણને ડુબાડી દેતો. એક દિવસ આવા જ શોરબકોર વચ્ચે દિવ્યે કહ્યું, “સાંભળે છે? એ આવવાનો છે.” બહુ મોટી મજાક થઈ ગઈ હોય એમ બેવડ વળીને, હસીને મારી આંખમાં પાણી આવી ગયાં.

“સાંભળ્યું ભાઈસાબ. તમારો પ્રેત આવવાનો છે, એમ જ ને! મહેમાનોને હું પ્રેત કહેતી અને એમને માટે બનતા ભોજનને પ્રેતભોજન.

પણ આ પ્રેત ભોજન નહોતો કરવાનો. એ તો ખાલી પસાર થવાનો હતો. મારે એને સ્ટેશને મળવા જવાનું હતું. આગ્રહ કરી ઘરે બોલાવવાનો હતો.

બહુ મોટો માણસ હતો ને! અને મને જાણે કોઈએ પીઠમાં ધબ્બો માર્યો હોય એવી ચણચણાટી થઈ ગઈ. હાસ્ય, આનંદની દીવાલોમાં તડવી પડી. ઈંટ, ચૂનો, ધૂળનો કચરો, સુંદર સજાવેલા બેઠક ખંડમાં ખરી ખરીને વેરાવા માંડ્યાં.

અહં, આવવાનો છે કહી દીધું એટલે પત્યું જાણે. આવ તો ખરો અહીં. જો જો જો, હરામખોર, તું એ જોવા આવે છે ને કે હું કેવી બરબાદ છું? કેવી દુખી છું? એક વાર નહીં સો વાર જોઈ લે. આ મારી કાયા ચાર બાળકોના જન્મ પછીય, પથ્થર જેવું તારું મીંઢું હૈયું તોડી નાખે તેવી તાકાત ધરાવે છે. હા, હું મારા દિવ્યને ચાહું છું. એના ઘરને, સગાં-સ્નેહીઓને, બાળકોને.

અરે! તમે શું હાંફળાફાંફળા થાવ છો? બેસો અહીં નિરાંતે. જુઓને લોકોને ખાતર તમારે કેટલી દોડાદોડ કરવી પડે છે.

હું કહું એમ જ કરવાનું. કંઈ ઘરડાં નથી થઈ ગયાં આપણે. ચાર છોકરા થઈ ગયાં તો શું થઈ ગયું?

અને કંઈ જ નહોતું થઈ ગયું એવો અનુભવ દિવ્યને એ રાતે થયો. એણે કહ્યું પણ ખરું “શુચિ તું કમાલ છે.”

(કમર પર છેડો ખોસતાં) અને એને મરવાનીય ફુરસદ નથી એમ! એને એમ કે એને ખાતર અમે આંખમાં ઉજાગરો આંજીને બેઠા હશું.

“ગીતિ, સુગીતિ, શેનો ઠઠારો કર્યો છે? બ્લુ ફ્રોક કેમ પહેર્યું છે? ઉતાર. કંઈ જરૂર નથી નવાં કપડાં પહેરવાની અને આ ફૂલદાનીમાં ફૂલોની શું જરૂર છે? અને એમાંય મોગરાનું તો નહીં જ.

(ખુરશી ઝાપટતાં) “જી આવો. આ મારા પતિદેવ, મારા સ્વામી. મારા ઘરનાં, બાળકોના, સર્વસ્વના અધિષ્ઠાતા. સમજાય છે? પાજી, તું કંઈ નથી, કંઈ નથી, કંઈ જ નથી. મૂરખ!!

આ ઘરના ઉંબરાનીય બહારનો માણસ છે. અનેક પ્રેતોમાંનો એક પ્રેતમાત્ર. ગીતિ, નીતિ સુનીતિ! બધા કેમ ચૂપચાપ બેઠા છો? આમ મોઢાં ચડાવીને ના ફરો. મોટેથી રેડિયો મૂકો. મને રસોડામાં સંભળાય એમ.

હમણાં મરચાંની ધુમાડી કરી હોય એવું, આંખમાં પાણી આવે એવું શાક કરું. ગુવારફળીનું. એ ભલેને ઢોરોને ખવડાવવા કામ લાગે. તું પણ ઢોર જ છે ને. આજે તારો વારો કરું.
તમે ક્યાં જાવ છો? એ સિગારેટ નથી પીતો.. પીતા… કદાચ પીતો પણ હોય.. સાંભળો બહુ મોંઘીદાટ લાવવાની જરૂર નથી. પનામા જ લાવજો.”

“અને હું કંઈ સ્ટેશન પર નથી આવવાની? રાહ જોઉં છું એમ ના કહેતા, પણ આગ્રહ કરજો મારા નામે. ઊતર્યા વિના નહીં રહે.”

આવવા તો દો એક વાર. અમુક કલાક જ રોકાવાના છે. જાણે કંઈ કલાકોનાં દાન કરવા નીકળ્યા છે. મને તારું દાન ના જોઈએ. આજ જતો હોય તો અબઘડી જાય. હમણાં ને હમણાં. પાણી પણ નથી પાવું. તને કોઈ ચોખા મૂકવા આવ્યું’તું તે અહીંયા આવ્યો. તમાશો જોવા આવ્યો કે?

અમુક કલાકનું દાન. તે વખતે તો દઈ ના શક્યો બાયલો!! બેવચની!!

હવે ગાડી સ્ટેશન પર આવી હશે.

નીતિ અહીં આવને. કવિતા ગા તો.

કુલીએ નથી મળતો. સાવ બેવકૂફ છે બધા.

ઓળખાશે કે નહીં એમને.

“ગજરા, એ ગજરી. પંખો જરા ફાસ્ટ ચલાવ. ને જો પેલી ઈરાની હોટલમાંથી ચાર આનાનો બરફ લાવજે.

“નીતિ, સુનીતિ ક્યાં છો બધાં? અહીં રસોડામાં આવો. અહીં રહો મારી આસપાસ.”

“આવ્યા? શું કહ્યું? પેલાનો કાર્યક્રમ જ કૅન્સલ થયો? ચિઠ્ઠી મોકલાવી?”

શું? શું? ન આવ્યો? ન આવ્યો? ફરી મને બનાવી.

“ગીતિ મોતીકાકાને કહી દે જે. ઘડિયાળની કમાન છટકી છે તો લઈ જાય.”

“એ..એ..એ..ધ્યાન રાખ..ચાવી છટકી..”

“ઓ મા રે…” છે જ હરામખોર. આવ્યો જ નહીં..આના કરતાં ન આવવાનો હોત.. પણ ન આવ્યો હોત તો “એ આવે છે” ના સમાચારથી કાન સરવા કરવાનો એક મોટો કાર્યક્રમ જીવનમાંથી બાદ થઈ જાત અને અંતરનો કેવડો મોટો ભાગ ખાલીખમ થઈ જાત.

રૂપાંતરકાર: મીતા ગોર મેવાડા
 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.