લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 2 ~ ગઝલની જ્યોતનું ગુજરાતી અજવાળું પ્રગટાવનાર મશાલચી: શયદા ~ રઈશ મનીઆર

લેખ 2
ગુજરાતી ગઝલના દમામની દાસ્તાન
ગઝલની જ્યોતનું ગુજરાતી અજવાળું પ્રગટાવનાર મશાલચી: શયદા

(નોંધ: લેખના અંતે મૂકેલો YouTube Video જોવાની વિશેષ ભલામણ છે.)

ગઝલગુર્જરી લેખમાળાના પહેલા લેખમાં આપણે કલાપીયુગની ગઝલો વિશે વાત કરી.

https://aapnuaangnu.com/2024/07/12/gazalgurjari-article-1/

ગુર્જરીના ખોળામાં ગઝલ નામનું શિશુ અવતરવા જેવો એ ઘટનાક્રમ હતો.

બાળકને દાંત આવે ત્યારે નાની મોટી તકલીફો થાય, નાનું હોય ત્યારે એ કાલુંઘેલું જ બોલતું હોય પણ યોગ્ય ઉછેર થાય એટલે એ મધુરી વાણી બોલવા માંડે એમ ગઝલ સાથે પણ એવું જ થયું.

શરૂઆતની થોડી ક્ષતિઓવાળી ગઝલોના યુગ પછી કાલીઘેલી ગઝલો હવે સરળ, શુદ્ધ અને સચોટ ગુજરાતી ભાષામાં લખાતી થાય એ જરૂરી હતું. વિધિએ આ કાર્ય જેમના હાથે થવાનું નિર્માણ કર્યું હતું એ શાયરના આગમનનો ઈંતેજાર હતો.

ગઝલને ફારસી-ઉર્દૂના અતિરેકની મર્યાદામાંથી બહાર લાવવા માટે, ગઝલના સ્વરૂપને બરાબર સમજીને એની તમામ શક્યતાઓને સો ટચના સોના જેવી ગુજરાતી ભાષામાં ઉજાગર કરવા માટે એક મોટા શાયરના આગમનની જરૂર હતી.

ગુજરાતી ભાષાના પોતને જાળવીને ગઝલની જ્યોતને ગુજરાતીમાં પ્રગટાવનાર, પરદેશી રોશનીમાંથી, આવું ગુજરાતી અજવાળું પ્રગટાવનાર મશાલચી એટલે શાયર શયદા.

Harji Lavji Damani
શયદા

શિષ્ટ અને શાણી છતાં સરળ સોંસરી અને સચોટ ગુજરાતી ભાષામાં પ્રથમ ગઝલ લખનાર ગઝલકાર એટલે શયદા..

શયદાસાહેબનો આ શેર તમે સુભાષિત તરીકે સાંભળ્યો હશે

મને એ જોઈને હસવું
હજારો વાર આવે છે,
પ્રભુ તારા બનાવેલા
તને આજે બનાવે છે.

એમનો આ શેર તો મારા જેવા બધા સંચાલકો બોલે, અને ઓડિયન્સ ખીલી ઊઠે

પ્રથમ આંખો તમારી ઠીક લાગી
તમારા સમ પછી બહુ બીક લાગી

મુશાયરામાં આવા હળવા શેર આવે એટલે શ્રોતાઓની બીક દૂર થાય. બાકી ગઝલ સાંભળવા પહેલીવાર નવાસવા આવેલા શ્રોતાની એક આંખ એક્ઝિટ તરફ હોય. પણ શયદાસાહેબે પોતાની હળવાશથી દાયકાઓ સુધી ગુજરાતી ભાવકને જકડી રાખ્યો. એટલું જ નહીં ગુજરાતના ગામેગામ આવા ભાવકો ઊભા કર્યા. પણ રખે શયદા સાહેબને હઝલકાર માની લેવાની ભૂલ કરતાં!

ગુજરાતી ગઝલનો આજે જે મોભો અને મરતબો છે, એમાં પાયાનું કામ છે જનાબ શયદાનું… આપના જેવા રસિક  ભાવકોને તેઓ કહે છે…

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું

શેર એટલે બે પંક્તિની કવિતા. જેમ કોઈ દરવાજો બે કમાડથી બને, એમ એક શેર બે મિસરા કે બે પંક્તિથી બને. મિસરા શબ્દનો અર્થ પણ કમાડ થાય છે. જાણે કે બે મિસરા પરસ્પર ચપોચપ બેસી એક એવો દરવાજો બનાવે છે, જે રસિકજન માટે એક જુદા જ વિશ્વમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બની જાય છે.

એમ પણ કહીશ કે સારા શેરમાં પહેલી લીટી રનવે જેવી હોય અને બીજી લીટી તમને ચોક્ક્સ આકાશની સફર કરાવે. તો ભાવક ગઝલના ઉત્તમ શેર સામે નતમસ્તક થઈ કહી શકે કે

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું

તો શયદાસાહેબની એક જાણીતી ગઝલ પહેલા જોઈએ. જે છંદમાં “છુપા લો યૂં દિલ મેં પ્યાર મેરા” અથવા “જિહાલે મિસ્કીન મકુન બરંજિશ” જેવા ગીતો છે એ છંદમાં આ ગઝલ છે:

જનારી રાત્રી જતાં કહેજે
સલૂણી એવી સવાર આવે
કળી કળીમાં સુવાસ મહેકે
ફૂલો ફૂલોમાં બહાર આવે

વ્યથાને શું હું વિદાય આપું,
વિરામના શું કરું વિચારો
કરાર એવો કરી ગયા છે
ન મારા દિલને કરાર આવે

તમારી મહેફિલની એ જ રંગત
તમારી મહેફિલની એ જ હલચલ
હજાર બેસે હજાર ઊઠે
હજાર જાયે હજાર આવે

હ્રદયમાં કોની એ ઝંખના છે
નયન પ્રતીક્ષા કરે છે કોની
ઊભો છે શયદા ઉંબરમાં આવી,
ન જાય ઘરમાં ન બહાર આવે

શયદાસાહેબ બીજી એક ગઝલમાં કહે છે,

જાશું જઇને મોતથી પંજો લડાવશું
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું

અપમાન સાથે કાઢો છો ઘરમાંથી આજ પણ
આંસુ બનીને આપની આંખોમાં આવશું

જેણે આપણને અપમાન કરીને કાઢ્યા હોય, એના જીવનમાં પાછા જવાય? કઈ રીતે જવાય? શયદાસાહેબ કહે છે, અમે પાછા નહીં આવીએ. અમારી યાદ આવશે આંસુ બનીને.

આવા અર્થગંભીર શેરો લખનારા શયદાએ એક આંખમાં આંસુ રાખ્યું તો બીજામાં સ્મિત. એમણે સકારણ ઈરાદપૂર્વક હળવા શેરો પણ લખ્યા.

તો એમની આવી જ એક હળવાશભરી, મસ્તીભરી રચના…

અગર કોણ કરશે મગર કોણ કરશે
આ નખરાં તમારા વગર કોણ કરશે

કદરદાન થઈને કદર કોણ કરશે
ને કરશે તો મતલબ વગર કોણ કરશે

હૃદયનું રુધિર સાથ લઈ જાવ મારું
કસુંબલ તમારા અધર કોણ કરશે

મરણને ન માગું જીવનને ન માગું
થવું છે એ બન્નેથી પર, કોણ કરશે?

હજી મારી બરબાદી બાકી રહી છે
અરે મિત્ર તારા વગર કોણ કરશે?

એમની એક ગઝલમાં આવોય શેર હતો…

તમારી આંખ પર અંકુશ રાખો
હવે તો એ બહુ માથે ચડી છે

પણ હળવાશને એમણે સાવ હઝલની કક્ષાએ ન પહોંચવા દીધી અને ઊંડાણભાર્યા છતાં રસિક અને પાણીદાર શેરો આપ્યા.

શયદા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ

હું મૌન રહીને એક અનાહત
નાદ ગજાવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો
સંસાર જગાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું –
તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે,
હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે,
મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે,
હું પ્રાણ લડાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા,
તું પ્રેમ-રમતને શું સમજે!
તું આંખ લડાવી જાણે છે,
હું પ્રાણ લડાવી જાણું છું.

શયદાસાહેબનું સાચું નામ હરજી લવજી દામાણી. શયદાનો જન્મ ૨૪ ઓક્ટોબર ૧૮૯૨માં ધંધુકા અને ધોલેરા નજીક પીપળી ગામમાં થયેલો. એમના પિતા લવજીભાઈ અને માતા સંતોકબહેન. અટક દામાણી. એટલે આખું નામ થયું હરજી લવજી દામાણી. શયદા એમનું ઉપનામ. શયદાનો અર્થ થાય દીવાનો, પાગલ.

એક જાણીતો ઉર્દૂ શેર છે:
આઈના ભી તુમ પે શયદા હો ગયા
એક  દુશ્મન ઔર પૈદા હો ગયા

શયદાનો અભ્યાસ માત્ર ચાર ધોરણનો પણ વિદ્વતાના અણસાર એવા કે નાની ઉમરથી સૌ એમને માસ્તર કહેતા અને ખરેખર આગળ જતાં જનાબ શયદા એમના પછીના લગભગ તમામ ગઝલકારોના પ્રત્યક્ષ અથવા પરોક્ષ ગુરુ બન્યા.

એમની જન્મભૂમિ ગુજરાત પણ કર્મભૂમિ મુંબઈ.

બાળપણથી જ શયદાસાહેબને જૂના પુસ્તકો એકઠા કરવાનો શોખ. જ્યાંથી જૂના કીમતી અપ્રાપ્ય પુસ્તકો મળે ત્યાંથી રખડીરખડીને પુસ્તકો મેળવે, એમને પૂઠાં ચડાવે એમને સાચવે.

મુંબઈના ગુજરાતી સમાજમાં ત્યારે એવા પુસ્તકો પોતાની સાંસ્કૃતિક સંપત્તિ રૂપે સંઘરવાનો ચાલ હતો તેથી આવા પુસ્તકોની માંગ પણ રહેતી. આ પુસ્તકો વેચીને શયદા સાહેબનું ગુજરાન ચાલતું.

આવા પુસ્તકો પુસ્તક ખરીદનારા અમીર ગ્રાહકોમાંના એક એટલે હાજી અલ્લારખિયા શિવજી.

હાજી અલ્લારખિયા શિવજી

1910ની સાલમાં એમણે “વીસમી સદી” નામનું ગુજરાતી સામાયિક શરૂ કરેલું.

INDIA 1927 VISMI SADI 20th Centy. Gujarati Weekly Magazine Front Cover Litho Color Print Artist GORAKHSKAR MOTHER & Cute CHILD 2 ANNA Coin Image Size W 8.2" X H 10.4" Restored SEE SCAN

વીસમી સદી - વિકિપીડિયા

એ સમયે શયદાસાહેબની ઉંમર માંડ અઢાર વરસની. હાજીને ખબર પડી કે શયદાને શાયરીનો શોખ છે. એમણે શયદાને ઓફિસમાં બોલાવી કહ્યું કે,

પાસેના ઓરડામાં કાગળ કલમ લઈને બેસ. જમવાનું ચા-પાણી બધું મળશે પણ હું બારણું બંધ રાખીશ. ગઝલ પૂરી ન કરે ત્યાં સુધી ઓરડાની બહાર આવવાનું નથી.

આ રીતે શયદાની ગઝલયાત્રા શરૂ થઈ. પછી તો 32 વર્ષની ઉંમરે પોતાની માલિકીનું સામયિક શરૂ કર્યું. ‘બે ઘડી મોજ’ સામાયિકનું નામ. તંત્રી પણ પોતે, માલિક પણ પોતે અને મોટેભાગના પાનાં પોતે ભરતા.

એ માત્ર કવિ નહોતા. પોતાના સમયના સફળ નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર હતા.

‘જય ભારતી’ (1922), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (1961), ‘દીપકનાં ફૂલ’ (1965), ‘ચિતા’ (1968) તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (1999) એ તેમના કાવ્ય – ગઝલરચનાઓના ગ્રંથો છે. પચાસથી વધુ નવલકથા લખી. એમની નવલકથાઓ ‘મા તે મા’, ‘છેલ્લી રોશની’, ‘બહાદુરશાહ ઝફર’, ‘દુખિયારી’, ‘ચાંદની રાત’, ‘નવો સંસાર’, ‘અંધારી રાત’, ‘સેંથીમાં સિંદૂર’, ‘પુનિત ગંગા’, ‘આગ અને અજવાળાં’.

ગઝલેતર સર્જન આટલું વિપુલ હોવા છતાં પણ એમની અમર કીર્તિ ગઝલકાર તરીકે જ થવાની હતી એવું કદાચ ભાગ્યનું નિર્માણ હતું.. વિધિનું વિધાન હતું,

શયદાસાહેબને તમે જુઓ એટલે કાળો લોંગ કોટ અને ગાલિબને પણ ઈર્ષ્યા થાય એવી વિશિષ્ટ ઊંચી ગોળ નળાકાર ટોપી. એમના દેખાવમાં જ પ્રભાવ હતો, અને એમની વાણી એમાં વૃદ્ધિ કરતી.

વડીલો પાસે સાંભળ્યું છે કે શયદાસાહેબ બુલંદ અવાજે ગઝલ લલકારતાં.

સૌ પ્રથમ સુરત નજીક રાંદેર ખાતે મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળના મુશાયરા 1922થી શરૂ થયેલા. ત્યારબાદ એની સફળતાથી પ્રેરાઈ સુરતમાં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ની સ્થાપના ૧૯૩૧માં થઈ.

ત્રણ મહિને પંક્તિ પર એક જાહેર મુશાયરો થાય. વર્ષના ચાર કાર્યક્રમો થાય, વાર્ષિક સભ્ય ફી ત્રણ રૂપિયા હતી એટલે એક મુશાયરા માટે ભાવકોએ પંચોતેર પૈસા જેટલું માતબર યોગદાન આપવું પડતું. મુશાયરાઓ સુરત ચોકબજાર પાસે નગીનચંદ હૉલ અથવા આર્યસમાજ હૉલ ખાતે થતા.

શયદા સાહેબ શાયરોની પહેલી હરોળમાં મધ્યમાં બેઠેલા હોય. મુશાયરામાં કોઈ રાજવી જેવો એમનો રૂઆબ. રજૂઆતના રાજા, સોંસરી ભાષા, સસ્મિત વદન, સંવેદનશીલ વ્યક્તિત્વ.

હળવી શાયરીના ટુકડાઓથી પઠન શરૂ કરે. છૂટા શેરો અને મુકતકો વાંચે. પછી પંક્તિ પર રચેલી ગઝલ શરૂ થાય, એમાંથી ચાર પાંચ શેર તો મોઢે હોય તે બોલી જાય પછી એમણે પહેરેલા લોંગ કોટના જમણી બાજુના ખિસ્સામાંથી “બે ઘડી મોજ”નો લેટરપેડનો કાગળ બહાર કાઢે.

પ્રેક્ષકો એ થોડી સેકંડોના અલ્પવિરામને સહી લે. બીજા શાયરને એમ કરવું ભારે પડી જાય પણ આ તો ગઝલસમ્રાટ હતા. ગઝલપઠન આગળ ચાલે.

શયદાની ગઝલની ઊંચાઈની સાથે લંબાઈ પણ ઘણી હોય. લેટર પેડનો કાગળ ટૂંકો પડે. તેથી કાગળની કોરી આડી સાઈડ પર પણ બે ત્રણ શેર લખેલા હોય, એટલે જ્યારે  શયદાસાહેબ કાગળનું પડખું ફેરવે ત્યારે ગઝલ પૂરી થાય.

શયદાસાહેબ જીવનના મધ્યકાલમાં સફળ વ્યાવસાયિક લેખક હતા. મુંબઈના હૃદય સમા fort વિસ્તારમાં બે ગાળાનું એક મકાન હતું, એમાં “બે ઘડી મોજ”નું કાર્યાલય. શયદા એના માલિક અને તંત્રી. નીચે કમ્પોઝ અને પ્રિન્ટિંગ વિભાગ. ઉપર તંત્રી વિભાગ.

એમાં એક ઝરુખા જેવો ભાગ હતો ત્યાં શયદાસાહેબની બેઠક રહેતી. જાહેરાતો ઉઘરાવી સામાયિક ચલાવવાનું રહેતું.

સંઘર્ષ ખૂબ હતો છતાં એમાં એક સમયગાળો એમની જાહોજલાલી અને સાયબીનો હતો. એમના પુત્રના લગ્ન મુંબઈની કોઈ ફાઇવ સ્ટાર હોટલમાં કરેલા અને એ જલસામાં પંડિત ઓમકારનાથ ઠાકુરે શાસ્ત્રીય ગાયન પણ કરેલું.

Pandit Omkarnath Thakur (24 June 1897 - 29 December 1967), was an influential Indian Educator/Musico... | Pixstory
પંડિત ઓમકારનાથ ઠાકુર

…પરંતુ આઝાદી પછી એમની એ સમૃદ્ધિ ઓસરી ગઈ. આઝાદી પછીના પંદર વર્ષો પુસ્તકોની રોયલ્ટી પર એમનો નિર્વાહ ચાલ્યો.

આપણે માટે આનંદની વાત એ હતી કે આ બધા સંઘર્ષોની વચ્ચે શયદાની મહેનતથી પાંગરેલો ગઝલનો છોડ ગુજરાતી શિષ્ટમાન્ય કાવ્યપ્રકાર થઈ ગયો.

ઉમાશંકર જોશીએ કહ્યું:

ઉમાશંકર જોશી - વિકિપીડિયા
ઉમાશંકર જોશી

હવે ગઝલ પ્રકાર ગુજરાતી સાહિત્યમાં સ્થિર થઈ ચૂક્યો છે. કેમકે એમાં શયદા જેવા શાયરોએ પોતાનું હીર રેડ્યું છે.

શયદાનું હીર જેમાં હોય એવી બીજી એક ગઝલના થોડા શેર જોઈએ…

કદી  ચિંતા કરી લઉં છું
કદી ચિંતન કરી લઉં છું
જીવનમાં એમ જીવનનું
હું સંશોધન કરી લઉં છું

તમે કહું, તું કહું કે આપ કહું,
એવી તે મૂંઝવણ શી?
હ્રદય ઊછળી કરે જે,
એ હું સંબોધન કરી લઉં છું

મને ત્રિલોકથી પણ
દૂરની દૃષ્ટિ મળી રહેશે
ચરણરજ છે તમારી,
આંખમાં અંજન કરી લઉં છું

કદી ઠોકર જો વાગે છે,
તો એ પથ્થર ઉપાડીને
બનાવી લઉં છું મૂર્તિ પ્રેમની,
પૂજન કરી લઉં છું

વધારે હોય રંજન
એ વધારે રંજ આપે છે
છતાં મૂરખ થઈને મન
વધુ રંજન કરી લઉં છું

જગતમાં છું છતાં જાણે
જગતમાં હું નથી શયદા
કદી એવુંય વર્તનમાં
પરિવર્તન કરી લઉં છું

આપણને ખ્યાલ છે કે શરૂઆતના ગુજરાતીના વિદ્વાનો ગઝલને જરા ઉતરતો કાવ્યપ્રકાર ગણતા, એમ કહેવા અને માનવા માટે એમની પાસે વાજબી કારણો હતા. પણ પછી પાછળથી ગુજરાતી સાહિત્ય પર પ્રચંડ પ્રભાવ ધરાવનાર ઉમાશંકર જોશી અને સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ જેવા દિગ્ગજો ગઝલસમ્રાટ શયદાસાહેબની કવિતાથી, એમના પ્રભાવથી આકર્ષાયા, એમના મિત્ર થયા. અંતર ઘટ્યું અને મુશાયરામાં પ્રમુખસ્થાને ઉમાશંકર જોશીજી અને પંડિત ઓમકારનાથજી આવતા થયા અને એમ શયદાસાહેબની શાયરીથી અને એમની ગુડવીલથી ગુજરાતી ગઝલને પણ એક દરજ્જો મળ્યો. ગઝલને શિષ્ટ સાહિત્યમાં સ્થાન મળવાની શરૂઆત થઈ.

શયદાની સાથેસાથે સગીર, સીરતી અને પતીલ જેવા શાયરોએ ગઝલના સાચા શાસ્ત્રીય સ્વરૂપને પારખ્યું. ગઝલને ઉર્ધ્વગતિ કરાવનારી શયદાની એક-બે રચના જુઓ…

હાથ આવ્યું હતું હરણ છૂટ્યું,
હાય, મારું એ બાળપણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છૂટ્યું!

સ્વપ્નમાં એમનાથી રસ મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમના પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું!

જ્યોતીન્દ્ર દવેએ લખ્યું,

જયોતીન્દ્ર દવે 🌹સાદર સ્મરણ વંદના🌹 – Kruti Jani

“એમણે ગઝલોને લોકાભિમુખ બનાવી અને લોકોને ગઝલાભિમુખ બનાવ્યા. કોઈ પણ લેખકનું સ્થાન નક્કી કરતા એની કૃતિની ગુણવત્તા ઉપરાંત એના જમાનાના લેખક તેમ જ તે પછીના પછીની પેઢીના લેખકો પર એની કેવી અને કેટલી અસર પડી છે એનો પણ વિચાર કરવો ઘટે. શયદાની અસર આધુનિક ગઝલકારો પર કેટલા પ્રબળ પ્રમાણમાં પડી છે એ સૌ કોઈ જાણે છે”

એમના સમકાલીન અને આપણા સિદ્ધ વિવેચક રામપ્રસાદ બક્ષી કહે છે કે,

ગઝલની કદર વધી એમાં શયદાનો મોટો ફાળો છે. શયદાએ ગઝલનું ગુજરાતીકરણ કર્યું.

રામપ્રસાદ બક્ષી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Ramprasad Bakshi, Gujarati Sahitya Parishad
રામપ્રસાદ બક્ષી

ઉદાહરણ આપતાં તેઓ આ જ શેર ઉપયોગમાં લે છે કહે છે…

શબ્દના ગહેકી રહ્યા છે મોરલા
ભાવના મારી ઢળકતી ઢેલ છે

બક્ષી સાહેબ કહે છે આ શેરમાં વાણી, રૂપક, પ્રતીક – બધું ગુજરાતી છે. શયદાની કવિતામાં ઉર્દૂ શાયરીએ ભારતીય તત્ત્વજ્ઞાન સાથે હાથ મિલાવ્યા છે, ગુજરાતી ભાષા સાથે હૈયું મિલાવ્યું છે.

આ ગઝલના બીજા શેરોમાં શયદાની ભાષા જુઓ…

બોલ સાદા બોલવામાં સ્‌હેલ છે
પણ સમજવામાં અતિમુશ્કેલ છે

આપના દર્શન કરું કેવી રીતે?
આંખ ઉપર મોતીઓ આવેલ છે

“મોતિયો” બોલો, તો આંખની વ્યાધિ ને “મોતીઓ” બોલો તો આંસુરૂપી મોતી – એમ બન્ને અર્થ કરાય.

આપના દર્શન કરું કેવી રીતે?
આંખ ઉપર મોતીઓ આવેલ છે

વાળ માથાના નથી મારા સફેદ
મેં જુવાનીનું કફન બાંધેલ છે

આગળ વધતા પહેલાં એમની એક-બે રચનાઓ માણીએ.

જિંદગી જાણેઅજાણે જાય છે
જાય છે ધારા પ્રમાણે જાય છે

એમના પણ આવવામાં છે કળા
એમ આવે છે કે જાણે જાય છે

ના નથી અનુભવ જરાયે પ્યારનો
દિલ અજાણ્યું છે અજાણે જાય છે

રૂપની ખેંચાણશક્તિ શું કહું
દિલને રોકું તો પરાણે જાય છે

બેફિકર થઈને ફિકરની ગોદમાં
રોજ શયદા મોજ માણે જાય છે
***
જિંદગીમાં સાર બાકી કંઈ નથી
જીત અથવા હાર બાકી કંઈ નથી

જોઈને મારી દશા એણે કહ્યું
શ્વાસ છે બે ચાર બાકી કંઈ નથી

વસ્ત્ર જીવનનું થયું છે તાર
તાર છે બે ચાર બાકી કંઈ નથી

કામ તારું લે કરી પળવારમાં
છે જીવન પળવાર કંઈ બાકી નથી

એક ઊર્મિ છે ફક્ત શયદા તણી
આ ગઝલમાં સાર બાકી કંઈ નથી

“”શયદાનો ગઝલ ગુલઝાર: અશ્રુ ચાલ્યા જાય છે”” આ સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ શોભિત દેસાઈ લખે છે,

India Society of Worcester and Meghdhanush Present a Unique ...
શોભિત દેસાઈ

“હા, ‘ગુજારે જે શિરે તારા’થી ગઝલ ગુજરાતી બની એની ના નહીં પરંતુ એ પછી ઘણા સમય સુધી ગઝલ માત્ર એક મિજાજ બનીને રહી ગઈ. અથવા છંદમાં ગોઠવાયેલા અટપટા શબ્દોમાં મર્યાદિત રહી ગઈ.

એ સમયના પ્રમાદી કવિઓએ તો કાફિયાને પણ જરૂરી ગણ્યા નહીં. જાણે ગઝલનો એકમાત્ર હેતુ માશૂકની મદીલી મહોબત લાગણીવેડાંથી વ્યકત કરવાનો હોય એ સ્થિતિ સર્જાઈ. એવું પણ લાગવા માંડ્યું કે શું મોટા વિચારો વહન કરવા માટે ગઝલ અક્ષમ તો નથી ને?

બસ બરાબર આ ટાણે ગઝલની ક્ષિતિજ પર શયદા ઊગ્યા. લજામણીના છોડ જેવી મુલાયમ ભાષા, અવનવા છંદો અને કાફિયાની ચુસ્તી, ગઝલ માટે ખૂબ જ અનિવાર્ય એવો મિજાજ, ઉત્તમ વિચારો અને અતિશય પાણીદાર અભિવ્યક્તિને લીધે શયદા ન કેવળ પોતે એક ઉત્તમ સર્જક બન્યા પરંતુ ગઝલને એક શિષ્ટ કાવ્યપ્રકાર તરીકેનું સ્થાન અપાવવાનું ભીષ્મ કાર્ય એમના હાથ થયું.

તેઓ આગળ લખે છે કે ગુજરાતીમાં ગઝલ એક કાવ્યસ્વરૂપ તરીકે પાંગરી  રહી હતી ત્યારે શયદાની સામે બે વિકલપો હતા. કાં તો વિચારોની ઊંચાઈને શબ્દોની ભૂલભુલામણીમાં ગોઠવી બહુ ઓછા ભાવકો સુધી પહોંચવાનું શક્ય બને એવી ઉચ્ચ કક્ષાની ગઝલો લખવી અને કાં તો ગઝલના બાની અને તત્ત્વને બને એટલા સરળ રાખીને એક મોટા સમુદાય સુધી ગઝલ પહોંચાડવી. શયદાએ બીજો વિકલ્પ પસંદ કર્યો. આમ કરીને પણ એમણે ઉચ્ચ દરજ્જાના શેરો તો આપ્યા જ છે.

મરીઝસાહેબે કહ્યું છે કે,

જિજ્ઞેશ મેવાણી | Opinion Magazine
મરીઝ

જો શયદાસાહેબ પર ગઝલને લોકપ્રિય બનાવવાનો લોકભોગ્ય બનાવવાનો ભાર ન હોત તો ખૂબ ઊંડાણ ભરેલા શેરો લખવાની એમની ક્ષમતા હતી અને એમણે એમ જો કર્યું હોત તો તે અમારી પેઢીના સૌ શાયરો કરતાં મોટા શાયર બન્યા હોત.

શયદા એકવાર ગાંધીજીને મળવા જુહુ ગાંધીગ્રામ પહોંચી ગયા હતા. લગભગ 1944ની સાલ હતી.

બાપુ બોલે તો.... ગાંધીજીનો બ્રહ્મચર્યનો આગ્રહ જડ, તરંગી અને બિનજરૂરી હતો? - BBC News ગુજરાતી

ત્યાં ગાંધીજીને એક નઝમ સંભળાવી, ‘ભારત ભારતી’ એવું શીર્ષક હતું. પણ ગાંધીજીએ કંઈ વાહ વાહ કે દુબારા દુબારા ન કર્યું. શયદા જરા નાસીપાસ થયા હશે પણ પછી ખબર પડી કે ગાંધીજીનો મૌન વાર હતો. સોમવાર હતો. પણ ગાંધીજીએ તોય બાકાયદા દાદ તો આપી. લખીને આપી, એમની પાસે નઝમ લખેલ કાગળ લીધો. કાગળ પર લખ્યું, “બહુ મીઠું લાગ્યું”.”

તો ખુદ ગાંધીજીની પણ પ્રશંસા પ્રાપ્ત કરનાર આ શાયરનું નામ ગુજરાતી ગઝલના ઈતિહાસમાં હમેશાં મોખરે રહેશે. એમના ત્રણ શેરોનો આસ્વાદ કરી સમાપન તરફ જઈએ…

પળવારની છે મહેફિલ
પળમાં મરી જવાના
દીપક અને પતંગો
બંને ઠરી જવાના

સાગર તરંગ થઈને
સાગર મહીં મળી જા.
શાને ઘરે તરંગો
સાગર તરી જવાના

શું બાળકો બિચારા
કાજળની વાત જાણે
આંખોની સાથે મોઢું
કાળું કરી જવાના

જે સલૂકાઈથી અને જે કાબેલિયતથી આ શયદાસાહેબે અને એમના યુગના શાયરોએ ગઝલનો પ્રથમ લોકહૈયામાં અને ત્યારબાદ ગુજરાતી સાહિત્યની મુખ્યધારામાં પ્રવેશ કરાવ્યો એ ઘટના કાબિલેદાદ હતી.

પાયાના ગઝલકારો એ કરેલી આ મજબૂત શરૂઆત ઉપર ગઝલનું આલિશાન અને જાજરમાન ભવન રચવાનું કામ એ પછીની પેઢીએ કર્યું.

મરીઝસાહેબે એમ કહ્યું છે કે,

જો શયદાસાહેબે એમના પરિશ્રમથી ગુજરાતને ગઝલ સાંભળતું ન કર્યું હોત તો અમારી પેઢીના બેફામ, શૂન્ય, ઘાયલ, વગેરે કોઈ પણ શાયર માટે આટલા પ્રસિદ્ધ થવું અસંભવ હતું.

મરીઝ ગુજરાતના ગાલિબ છે અને મિર્ઝા ગાલિબે લખેલું…

રેખ્તે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ગાલિબ
કેહતે હૈ અગલે ઝમાને મેં કોઈ મીર ભી થા

તો શયદાના જમાઈ અને શિષ્ય બેફામસાહેબે કહ્યું હતું કે,

બરકત વિરાણી - વિકિપીડિયા
બેફામ

“મરીઝ જો ગુજરાતના ગાલિબ હોય તો શયદાસાહેબ ગુજરાતના મીર તકી મીર હતા.”

આ મહાન શાયરોના આ શબ્દોની નીચે ચોક્કસ આપણી પણ સહી કરી શકીએ.

(ક્રમશ:)

(સંપાદકીય નોંધ: મોબાઈલ પર વાંચવામાં સરળતા રહે એટલે લાંબી પંક્તિઓના  ટુકડા પાડવામાં આવ્યા છે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. શયદા વિશેનો આટલો ઊંડાણ અને ઔચિત્ય સાથે હોય એવો લેખ પહેલી વખત વાંચવા મળ્યો. ગઝલગુર્જરી લેખમાળા માટે રઈશભાઈનો આભાર અને શુભકામનાઓ.