“બે જણાં દિલથી મળે” અને “રંગારંગ ગુજરાત” (૧) અને (૨) ~ કાર્યક્રમોનો અહેવાલ – જિગીષા પટેલ
બે એરિયા વૈષ્ણવ પરિવાર શ્રીમય કૃષ્ણધામ પ્રસ્તુત સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના કાર્યક્રમોનો અહેવાલઃ જિગીષા દિલીપ પટેલ
બે એરિયા વૈષ્ણવ પરિવારનાં સૌમિલભાઈ શાહ અને મંદિરની સમગ્ર સ્વયંસેવક ટીમનાં સહયોગથી સૌ માતૃભાષા પ્રેમીઓને રજી જૂન ૨૦૨૪ રવિવારે અને ૧૫મી અને ૧૬મી જૂનનાં શનિ -રવિ નાં દિવસે – આમ ત્રણ કાર્યક્રમ માણવા મળ્યાં. આ ત્રણેય કાર્યક્રમોમાં નિશીત દલાલે કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાનું અને કાર્યક્રમની યુટ્યુબ બનાવવાનું કામ સંભાળ્યું હતું.
(૧) તા. જૂન ૨, ૨૦૨૪ નો “બે જણાં દિલથી મળે“ કાર્યક્રમ –
આ કાર્યક્રમ સૌ ગુજરાતીસાહિત્ય પ્રેમીઓ માટે અનોખી ભેટ હતી. કારણ, તેમાં માત્ર બે જ જણાં દિલથી નહોતાં મળ્યાં પણ સૌનાં પ્રિય, માનીતા અને વિદ્વાન ‘વિદેશિની’ કવયિત્રી શ્રી પન્નાબહેન નાયક, કવિશ્રી નટવરભાઈ ગાંધી વોશિંગ્ટનથી, સંચાલક, લેખક અને કવિશ્રી હિતેનભાઈ આનંદપરા અને કવિશ્રી મુકેશભાઈ જોશી, ડિમ્પલ આનંદપરા મુંબઈથી અને ગઝલકાર શ્રી ગુંજન ગાંધી ઓહાયોથી પધાર્યાં હતાં.
ગુજરાતી અછાંદસ કવિતામાં નવી કેડી ચાતરનારાં બે એરિયાના કવયિત્રી મનીષા જોષીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમની પરિકલ્પના બે એરિયાના વડીલ શ્રી જયશ્રીબહેન મરચંટે કરી હતી. કાર્યક્રમનું આયોજન “આપણું આંગણું” અને વૈષ્ણવ પરિવારનાં સૌમિલભાઈ શાહનાં સહયોગથી થયું હતું. હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટે સમગ્ર કાર્યક્રમનાં આયોજનનો કાર્યભાર સંભાળ્યો હતો, તો શિવાની દેસાઈ અને પત્રકાર જિગીષા દિલીપનો આ કાર્યક્રમમાં આત્મીય સહકાર હતો.
કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મુકેશભાઈ જોશીએ હળવી શૈલીથી સુંદર કવિતાનાં પઠન સાથે શરૂ કર્યું હતું.

સરસ્વતી સ્તુતિગાન બે એરિયાની સુમધુર ગાયક બેલડી માધવીબહેન અને અસીમભાઈ મહેતાએ કર્યું હતું.
ગઝલકાર ગુંજનભાઈ ગાંધીની ઓળખ શિવાની દેસાઈએ કરાવી હતી. ગુંજનભાઈએ નવા આયામોથી સમૃદ્ધ એવી પોતાની ગઝલોનું પઠન કર્યું હતું.
મુકેશભાઈએ પન્નાબહેન અને નટવરભાઈને સ્ટેજ સોંપ્યું અને પન્નાબહેને ગાંધીજી અને તેમની પ્રાર્થનાસભાને યાદ કરતી કવિતાનું પઠન કર્યું હતું. તેમની સાથે જુગલબંધી રૂપે, શ્રી નટવર ગાંધીએ સોનેટનું પઠન કર્યું હતું.
આ બંને મહાનુભાવોને, પોતપોતાની નિરાળી કાવ્યશૈલી સાથે જુગલબંધીમાં સાંભળવા એ એક લહાવો હતો. ૯૦ વર્ષની જૈફ વયે પન્નાબહેનનો અવાજનો ટહુકો આંખ બંધ કરી સાંભળો તો ૧૬ વર્ષની છોકરી જેવો યુવાનીસભર લાગે અને પન્નાબહેનની કવિતાની સામે જુગલબંધી સોનેટ રજૂ કરતા નટવરભાઈ જ્યારે સોનેટની પંક્તિનાં અંતે પૂછે …કોણ? ત્યારે એ સંવાદમાં દરેક પતિનો અવાજ ‘કોણ?’ પૂછતો સંભળાય.
પન્નાબહેનની સિગ્નેચર કવિતા, “કોઈની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથી”ને તેમનાં સ્વમુખે સાંભળવાનો આનંદ સાવ નોખો હતો. આમ બંનેની કવિતામાં અને સોનેટમાં દરેક સાહિત્યરસિકે પોતાનું આત્મસત્વ અનુભવ્યું હતું.

મુકેશભાઈની “સુખ દુ:ખ સાઈકલ પર બેસી આવે” કવિતા સુખ પછી દુ:ખને વારાફરતી જીવનમાં સ્વીકારવા માટે આવશ્યક સમતાની મહત્તા સમજાવી ગઈ. હિતેનભાઈએ તેમની સૌષ્ઠવવાન કવિતાઓનું પઠન કર્યું હતું.

છેલ્લે, શ્રોતાગણ અને સહુ કવિઓની લાગણીને માન આપી, મહેમાન કવયિત્રી મનીષા જોષીએ પોતાનું અછાંદસ કાવ્ય રજુ કર્યું હતું.
સૌમિલભાઈએ સૌ સમર્થ કવિઓનો અને પ્રેક્ષકોનો વૈષ્ણવ પરિવાર વતી આભાર માન્યો હતો. મુકેશભાઈનું કોઈ પણ ભાર વિનાનું હળવું સંચાલન અને હેતલ જાગીરદારનું કાળજીસભર આયોજન કાબિલેદાદ હતું.
પ્રેક્ષકોને ગઝલ, સોનેટ, અછાંદસ, જેવાં વૈવિધ્યસભર કાવ્યો અને અનોખી એકોક્તિને સમર્થ કવિઓના સ્વમુખે સાંભળવાનો અને માણવાનો અમૂલ્ય લાભ મળ્યો હતો.
(૨) તા. જૂન ૧૫, ૨૦૨૪નો કાર્યક્રમ –
“રંગારંગ ગુજરાત” – ૧૫મી અને ૧૬મી જૂન ૨૦૨૪ના આ કાર્યક્રમનું આયોજન બે એરિયા વૈષ્ણવ પરિવાર, રેણુબહેન-રાજેદ્રભાઈ વખારિયા, શ્રી જયશ્રીબહેન મરચંટ અને બીજા અનેક નામી અનામી દાતાઓનાં સહકાર થકી કરવામાં આવ્યું હતું.
ભારતથી આમંત્રિત રાજકોટનાં સમર્થ ગાયક શ્રી નીતિનભાઈ દેવકાએ વિવિધ પ્રકારનાં ગીતો, ગઝલો, ગરબા, ભજન વગેરે, એમની આગવી ગાયકીમાં રજુ કરીને શ્રોતાઓનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
મેઘાણીજીનાં જમાઈ, શ્રી રમેશભાઈ બાપોદરાએ તબલાં અને પખવાજ પર સાથ આપ્યો હતો. રમેશભાઈએ બીરજુ મહારાજ જેવા દિગ્ગજ કલાકારો સાથે તબલાંની સંગત કરી છે. ખંજરી અને મંજીરા પર ભાવેશભાઈએ સાથ આપ્યો હતો.
બે એરિયાની સૂરીલી, ‘મીઠડી કોયલ’, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટે, શ્રી નીતિનભાઈની સાથે ગાયકીની સંગત કરવા સાથે પ્રોગ્રામનું ચુસ્ત સંચાલન કર્યું હતું.

આ ત્રિપુટીએ સૌ સંગીતરસિક પ્રેક્ષકોને સંગીતના જલસાનો અનુભવ દિલથી કરાવ્યો હતો.
પહેલા દિવસના આ કાર્યક્રમનું ટાઈટલ હતું, “ગળથૂથીથી ગંગાજળ સુધી.“ પ્રોગ્રામનો પ્રારંભ, સરસ્વતી દેવીની સુંદર પ્રાર્થના “હે માતૃરૂપી, મહેશ્વરી, મમતામયી, કરૂણામયી”થી નીતિનભાઈએ કરી હતી અને હેતલે દીકરીને સંબોધીને ગવાયેલ મકરંદ દવે રચિત ગીત “અદકાં અજવાળાં એની આંખમાં ગાઈ “સૌને દીકરીનાં વહાલમાં ઝબોળ્યાં હતાં.
હેતલે સંચાલન કરતાં, પોતાની સ્વરચિત કવિતા “મારે સોણલે તું સોહે સોનપરી“નું પઠન પણ કર્યું હતું.
નીતિનભાઈએ “દીકરો મારો દેવનો દીધેલ છે” ગીતથી કાર્યક્રમની જમાવટ કરી અને પછી તો શિવાજીનું હાલરડું અને કવિ બોટાદકરની સૌને ગમતી “જનનીની જોડ સખી“ જેવાં ગીતોએ ગુજરાતને અમેરિકામાં ગુંજતું કરી દીધું અને મેઘાણીજીનાં “મોર બની થનગાટ કરે“ ગીતથી કાઠિયાવાડી મહોલનો અનુભવ કરાવ્યો હતો.
પ્રેક્ષકોને બાળપણમાંથી જવાની તરફ લઈ જવા નીતિનભાઈએ “નયનને બંધ રાખીને“ “નજરનાં જામ છલકાવીને” અને “કહું છું જવાનીને પાછી વળી જા” જેવા ગીતો રજૂ કરી સૌને પોતાની જુવાનીની યાદ અપાવી દીધી હતી.
હેતલનાં મધુર કંઠે કવિ રમેશ પારેખની રચના “સાંવરિયો” અને કવિ તુષાર શુક્લ રચિત અને આલાપ દેસાઈનું સ્વરાંકન કરેલ ”મારો સાહ્યબો અષાઢીલ મેઘ છે, સખી” અને હરીન્દ્ર દવેની સદાબહાર રચના “પાન લીલું જોયું” જેવાં યૌવનની નમણાશભર્યાં ગીતો થકી સૌને ડોલાવ્યાં હતાં.
અસલ કાઠિયાવાડી લગ્નગીતોએ કાર્યક્રમમાં નવો જ રંગ ઉમેર્યો. ગણેશસ્થાપનથી માંડીને વરરાજાનું સામૈયું, દીકરીની પરવાળા જેવી ચુંદલડીનાં ગીત અને શ્રી પુરષોત્તમભાઈ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સંગીતકાર સ્તવરાંકિત અનિલ જોશીનું “કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલ્યો” દીકરીની વિદાયનાં ગીતે લગ્નમંડપમાં જાણે હાજર હોઈએ તેવો અનુભવ સૌને કરાવ્યો હતો.
રમેશભાઈ બાપોદરા અને નીતિનભાઈની જુગલબંધીએ સૌને જલસો કરાવી દીધો. બધાં જ પ્રકારનાં ગીતો ગાનાર આ સમર્થ ગાયકોએ સરસ ગઝલની રજૂઆત પણ કરી.
હેતલે મરીઝની “મેં ત્યજી તારી તમન્ના” અને નીતિનભાઈએ “બદલાઈ બહુ ગયો છું હું કે તમને મળ્યાં પછી” ગઝલ ગાઈ વાતાવરણ ગઝલમય કર્યું હતું.
જીવનનાં તમામ રંગો મળ્યાં પછી જીવનની સાંજ પડે છે. આત્મા ઉદય પામવા ઝંખે છે અને નીતિનભાઈએ “પંખીડાને આ પીંજરૂ જૂનુંજૂનું લાગે” અને “ધૂણી રે ધખાવી મેલી અમે તારા નામની” ગીત અને મેઘાણીનાં “કસુંબીનો રંગ” સૌને સંગીતરસમાં ઓળઘોળ કરી કાર્યક્રમને બીજા દિવસ સુધી અલ્પવિરામ કરવામાં આવ્યો હતો.


(૩). જૂન ૧૬, ૨૦૨૪નો કાર્યક્રમ –
બીજા દિવસે ૧૬મી જૂન રવિવારે બપોરે “શ્રીનાથજીની ઝાંખી” અને શ્રીનાથજીનાં ઘોળ-પદ અને કીર્તનનો કાર્યક્રમ હતો, જે સૌ ભક્ત સમુદાયે ખૂબ માણ્યો.
સૌમિલભાઈનાં સ્વાગત બાદ, નીતિનભાઈએ કાર્યક્રમ ગોપાલકૃષ્ણની સ્તુતિ “સુંદર ગોપાલમ્ ઉરવન માલમ્, નયન વિશાલમ્ ,દુ:ખ હરમ્”થી શરૂ કરીને મંગલ આરતી પછી સ્મરણાંજલિનાં ભજનો તેમજ શ્રી જીજીની રચના “કડા લઈ લે મારાં, છડા લઈ લે મારાં, રમકડાં તું રાધા, મને દઈ દે તારા“ જેવી રચનાઓ ગાઈને સૌ ભક્તોને કૃષ્ણમય કરી દીધાં હતાં.
“શ્રીજી મારો કામણગારો, શ્રીજી મોહનમુરલીવાળો, શ્રીજી પ્રેમનો સરવાળો“ જેવી ધૂન પણ નીતિનભાઈએ ગવડાવી હતી. પણ રાસ-ગરબા અને નૃત્ય વગરની કૃષ્ણલીલા તો અધૂરી જ કહેવાયને?
સોરઠી દોહા સાથે ગરબાની રમઝટ જમાવતા નીતિનભાઈએ સૌને કૃષ્ણની રાસલીલામાં રસભીનાં કરી દીધાં હતાં.
હેતલનાં મધુરા કંઠે નીતિનભાઈની ગાયકીમાં સતત સાદ પૂરાવી ગીતોને વધુ કર્ણપ્રિય બનાવ્યાં હતાં. બે એરિયામાં આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતની જાળવણીનાં આવા કાર્યક્રમો કરવા બદલ વૈષ્ણવ પરિવારનાં સૌમિલભાઈ શાહ અને સઘળાં દાતાઓને હાર્દિક અભિનંદન.
***
બે એરિયામાં જાણે સાહિત્ય, સંગીત, સંસ્કૃતિની ત્રિવેણી વહી.
Very nice…. ખૂબ સુંદર આયોજન સાથે અદભુત કાર્યક્ર્મ… માતૃભાષાનું ઉમદા સન્માન કરતું ” આપણું આંગણું” વિશિષ્ઠ કાર્ય કરી રહ્યું છે… અભિનંદન
કવિતા,એકોકિત,ગીત સંગીતની અમેરિકામાં જામેલી મહેફિલ વિશે જાણીને પ્રસન્નતા. સહુ કલાકારોને અભિનંદન તથા શુભેચ્છાઓ.