પ્રકરણ: ૧૩ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

અતુલ દેસાઈના અણધાર્યા આગમને પ્રેમલના ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું. ક્લબમાંથી પાછા આવીને મધુકરભાઈ પણ એમાં જોડાઈ ગયા. અતુલ વધુ ખીલ્યો:

‘ફુવા, આમ તો મેં પાંચ કન્યાઓ તારવી રાખી છે અને આવતી કાલથી જ એમની સાથેની મુલાકાતોનું પ્રથમ રાઉન્ડ ગોઠવી દીધું છે. પણ જો તમે આ કન્યારત્ન મેળવી આપો તો —’

અતુલનો સંકેત લાવણ્ય માટે છે એ જોઈને મધુકરભાઈનું મોં પડી ગયું. વનલતા હસી પડી અને લાવણ્ય અકળ લાગે એવા સ્મિત સાથે ઘડિયાળના સેકંડ કાંટા સામે જોઈ રહી.

જમુનાબેન વહારે ધાયાં: ‘પણ લાવણ્ય ક્યાં અમેરિકા જવા માગે છે?’

‘એ કહે તો હું અહીં સ્થાયી થવા તૈયાર છું!’ — અતુલને નિર્ણય કરતાં વાર ન થઈ.

‘એક સેકંડમાં નિર્ણય! અતુલ, તું અમેરિકન કલ્ચરની બરાબર અસરમાં આવી ગયો છે!’ — પ્રેમલ બોલ્યો. – ‘એવ્રી થિંગ ઈન્સ્ટન્ટ!’

‘જો પસંદગી પાંચ જ દિવસમાં કરવાની હોય તો પાંચ મિનિટમાં પણ થઈ શકે, જ્યારે હું તો અહીં લગભગ અડધા કલાકથી છું. શું આવતી કાલે મળી શકાય?’ — અતુલે આશાભરી નજરે લાવણ્ય સામે જોયું.

‘અહીં નહીં, સૂરતમાં —’ વનલતા કહેતાં હસી પડી. એના આ હાસ્યને બીજા કોઈએ બિરદાવ્યું નહીં, પાંદડાની જેમ ઊડી ગયું. પણ એની વનલતાને ય ક્યાં પડી હતી? એણે તો એક અમેરિકન ઉમેદવારને અધિવેશનની બેઠક દરમિયાન મળવાનું હતું. અતુલ પણ ત્યાં હોય તો મઝા આવી જાય. પણ એનું ભલું પૂછવું.

અત્યારે એક કન્યાને અહીં મળશે, સવારે વડોદરા જશે. સૂરત એને કંઈ કામબામ છે નહીં પણ આ રીતે આવવા ઉશ્કેરી શકાય. અને મહિલાઓના અધિવેશનમાં એકાદ કુંવારકા સાથે એને મેળવી શકાય. પણ એ રીતે ભોળવાય એવો એ ક્યાં હતો? એના કહેવા પ્રમાણે તો પેલી પસંદ કરેલી પાંચમાંથી પણ એનો રસ ઘટી ગયો હતો…

અતુલના ગયા પછી જમુનાબેને વનલતાને મૂરખ કહી. ‘મારું માનો તો છોકરીઓને લાડ લડાવવાં જ નહીં. આ લતાડીને ભણાવી – ગણાવીને હોંશિયાર કરી તો હવે કેવી રીતે વર્તે છે! જાણે એના સિવાય ઘરમાં બીજું હોય જ નહીં!

ઈશારો પ્રેમલ અંગે હતો. એ અતુલને મૂકવા ગયો હતો. માના ઠપકાથી ટેવાઈ ગયેલી વનલતા લાવણ્યને એના ઓરડામાં લઈ ગઈ. બેગ તૈયાર કરવા લાગી. એ ફળ લેવા ગઈ ત્યારે પ્રેમલ સાથે જે કંઈ વાત થઈ હતી એનો ઉલ્લેખ કરવાનું મન થવા છતાં લાવણ્ય મૂંગી રહી.

વનલતા હમણાં અધીરાઈથી વર્તેં છે. એ પ્રેમલને એ અંગે પૂછવા જાય અને બિનજરૂરી વિવાદ આગળ વધે. કદાચ કલાકાર ગેરસમજ કરી બેસે: લાવણ્ય આ રીતે મારી નજીક આવવા તો ઈચ્છતી નહીં હોય?

જમીને બંને બહેનપણીઓ સિંઘસાહેબને ત્યાં ગઈ. ‘નેગેટિવ એજ’ — ઉધાર જમાના અંગે લાવણ્યે અગાઉ તૈયાર કરેલી નોંધ ટપાલમાં મોકલી હતી. યુગોથી સ્થાપાયેલાં અને વ્યાપક સ્વીકાર પામેલાં માનવમૂલ્યો સામે આ સદીના સર્જક-કલાકારને કેમ શંકા જાગી?

વ્યક્તિ, કુટુંબ અને સમાજ વચ્ચેના સંબંધોના પાયામાં એક શ્રદ્ધા હતી. આમ થાય અને આમ ન થાય એમ માનીને માણસ વર્તતો હતો. વર્તનનું એક સરળ વ્યાકરણ હતું. કયાં પરિબળોએ એનું ઉન્મૂલન કર્યું? આ મુદ્દાઓની ચર્ચામાં લાવણ્યે વિજ્ઞાનને જવાબદાર ઠરાવ્યું હતું.

 સિંઘસાહેબ એ અંગે સંમત નહોતા. જ્ઞાન-વિજ્ઞાનને દોષ અપાય જ નહીં. બબ્બે વિશ્વયુદ્ધ અને યંત્રવિજ્ઞાને ઊભા કરેલા પ્રદૂષણ પર એ વધુ ભાર મૂકતા હતા. એ માટે એમણે કેટલુંક નવું વાચન સૂચવેલું, એ મુજબ પહેલું પ્રકરણ સુધારીને લઈ આવવા જણાવેલું.

લાવણ્ય એમ કરી શકી નહોતી. શારદા-પ્રકરણની અસરમાં એ થોડા દિવસ સ્વસ્થ ચિત્તે વાચનલેખન કરી શકી નહોતી. અગાઉ શાળાઓના નિરીક્ષણે આવતાંજતાં બસમાં વાંચતી પણ હમણાં ગરમી નડતી હતી અથવા વાચનમાં મન લાગતું નહોતું. તેમ છતાં એણે થોડોક સ્વાધ્યાય તો કર્યો જ હતો.

એક કવિતાનું વિશ્લેષણ કરી લાવી હતી. વિષય હતો આત્મ-વિલોપનનો. કવિતામાં, ધીરે ધીરે થઈ રહેલું વ્યક્તિની ઊર્જાનું વિઘટન નિરૂપાયું છે. અસ્તિત્વના અણુ છુટ્ટા પડતાં એક શૂન્ય અવકાશમાં કવિતાનો નાયક ડૂબે છે. છેવટે એ સ્વયં શૂન્ય બની રહે છે. લાવણ્યને આ નિરૂપણ ખૂબ ગમતું હતું.

સીધા કથનને બદલે કલ્પનો દ્વારા કવિતા આગળ વધતી હતી. ભાષાનો ઉપયોગ તાઝગીભર્યો હતો, તેથી એને આ રચનામાં કવિનો અભિગમ સર્જનાત્મક લાગતો હતો. સિંઘસાહેબ ધ્યાનથી નજર કરી ગયા. સંમત થતા લાગ્યા નહીં.

મરણેચ્છાનું સમર્થન એટલે દુરિતનો મહિમા. આ ટેકનોલોજી અને પરમાણુશક્તિ સામે સર્જકો-ચિન્તકોનો મુખ્ય વાંધો એ છે કે એ દુરિતનો વિચાર કર્યા વિના જ, એનાં જોખમોને ગણતરીમાં લીધા વિના જ વિકસ્યા કરે છે. આ જમાનાને ઉધાર કેમ કહ્યો, તો એણે શુભમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી. અને જે નકારાત્મક હોય છે એ કુતૂહલને જલદી ઉશ્કેરે છે.

આત્મ-વિલોપન કવિતા પોતે જ ઉધાર જમાનાનું ફરજંદ છે. માત્ર અભિવ્યક્તિથી મોહ પામીને તમે એને સર્જનાત્મક કહી ન શકો. ભલે ને ગમે તેવાં દશ્ય-કલ્પનો હોય, સ્વરવ્યંજનની સભાનતા ધરાવતું ભાષાકર્મ હોય, પણ મારા જેવાને આપઘાત વિશેની કવિતામાં ક્યારેય સર્જનાત્મક અભિગમ દેખાવાનો નથી એ સમજીને ચાલજો. તમે એક જુનવાણી માર્ગદર્શક પસંદ કર્યો છે એ ભૂલી ગયાં લાગો છો.’

‘જુનવાણી? તમે તો સર બધું જ જાણો છો!’ — વનલતા બોલ્યા વિના રહી ન શકી. લાવણ્ય વિમાસણમાં હતી. અભિપ્રાય આપવો કે નહીં? સિંઘસાહેબે પૂછ્યું પછી બોલી:

‘મેં વાંચ્યું હતું કે કાવ્યમાં વિષયનું મહત્ત્વ નથી. શોક શ્લોક બને છે કે નહીં એટલું જ જોવાય છે.’ શોક માત્ર ભાષાકર્મથી શ્લોક બનતો નથી. એ માટે ઋષિની કરુણા જોઈએ.

‘પણ રસસિદ્ધાન્ત શું કહે છે? કોઈ પણ સ્થાયીભાવ રસમાં પરિણામે પછી એ આનંદનો જ અનુભવ કરાવે છે. તેથી માત્ર કરુણને જ નહીં, બીભત્સને પણ નવ રસમાં સ્થાન મળ્યું છે.’

‘એ બધા વિશે હું વિચાર કરી રહ્યો છું. વાંચું છું. મને પ્રશ્ન થયો છે: જો બધા જ રસ સરખી રીતે આનંદમાં પરિણમતા હોય તો શૃંગારને રસરાજ કેમ કહ્યો છે? કેમ કે શૃંગાર જ વ્યક્તિ અને સૃષ્ટિને જીવંત રાખે છે, જગતના જીવનને સાતત્ય બક્ષે છે.

મારે કાવ્યશાસ્ત્રમાં જીવનના વિધાયક તત્ત્વનું પ્રતિપાદન કરવું છે. કારાગારમાં કૃષ્ણ જન્મે છે એ કેવી મોટી શક્યતા છે! તમને કશાક શુભ અને ઉદાત્તમાં શ્રદ્ધા ન હોય, મનુષ્યના સમુન્નત ભવિષ્યમાં વિશ્વાસ ન હોય તો આપણે આ વિષય છોડી દઈએ. મારું કામ મારી રીતે ચાલ્યા કરશે. તમારે માટે બીજો વિષય પસંદ કરીએ.’

‘વિચાર કરવા મને એક-બે અઠવાડિયાં મળી શકે?’ — કહેતાં લાવણ્ય ઘડિયાળ સામે જોઈને ઊભી થઈ. શ્રીમતી સિંધે શરબત બનાવ્યું હતું. આગ્રહ કરીને પાયું. પતિદેવને ઠપકો આપ્યો: કુંવારી છોકરીઓ પાસે તમે આ બધી શી માથાકૂટ કરાવતા હશો?’

‘તો મારે કહેવું જોઈએ કે તમે આ લાવણ્યને ઓળખવા છતાં ઓળખતાં નથી. પરણ્યા પછી પણ એ આવી જ માથાકૂટ કરતી રહેવાની. જે વસ્તુ એના ગળે ન ઊતરે એ અંગે એ સંમત નહીં થાય. એ એવા મધુર વિવેકથી અસંમત થશે કે એની અસંમતિથી નારાજ થવાને બદલે આપણે એનો વિવેક જોઈ રાજી થઈએ. એના પ્રત્યે પક્ષપાત હતો માટે તો મેં એને અઘરો વિષય આપ્યો છે.’ — સિંઘસાહેબે સહજ ભાવે કહ્યું. વનલતાએ એમાંથી વિનોદ શોધી કાઢ્યો:

‘સર, અમે એમ. એ.માં હતાં ત્યારે બધા છોકરા કહેતા કે આપને લાવણ્ય માટે પક્ષપાત છે!’

‘એમ! એ લાવણ્યનાં વખાણ કરવા કહેતા કે મારી ટીકા કરવા?’

‘તમારી ટીકા? છોકરીઓ કરતી હશે. કદી સામે જ ન જુઓ!’

— અહીં શ્રીમતી સિંઘને રમૂજ પડી. એમણે એમના કૉલેજ કાળને યાદ કર્યો. એક પ્રસંગ વર્ણવીને કહ્યું: ‘તામરા સર વિદ્યાર્થી તરીકે લાવણ્ય જેટલા જ જક્કી હતા. બીજા પ્રાધ્યાપકો તો એથી અકળાતા પણ દ્વિવેદીજી ખુશ થતા. કેમ કે એ માનતા કે આત્મપ્રતીતિથી ચાલે એ જ સાચો વિદ્યાર્થી, એવો વિદ્યાર્થી જ સત્યાર્થી બની શકે.’

‘આપ બંનેએ ઘેરથી નાસી જઈને લગ્ન કરેલું એ સાચું?’ વનલતા પૂછતાં પૂછી બેઠી. લાવણ્ય એનો હાથ દબાવીને વારે એ પહેલાં તો એણે કશું અધ્યાહાર રહેવા દીધું નહોતું.

સિંઘસાહેબે સસ્મિત શ્રીમતીજી સામે જોયું. વાત ઉખેળી છે તો તમે જ જવાબ આપો.

કહેવા જતાં શ્રીમતી સિંઘ પળવાર માટે તુલસીના છોડની જેમ હાલી ઊઠ્યાં. પછી એમની આંખોમાં મોગરાની ચમક પ્રગટી.

‘મેં તમારા સરનું અપહરણ કર્યું હતું. એ તો ત્યારેય આવા હતા: સ્થાવર શિલ્પ શા, ધ્યાન પદ્માસનસ્ય! પણ મેં એમને ઢંઢોળ્યા હતા. ભર્તૃહરિ ગંગાતીરે ધ્યાનસ્થ યોગીની પીઠને ખંજવાળતી હરિણીઓની કલ્પના કરે છે ને! મારી લાગણીઓને તમારા સરે એ હરિણીઓ જેટલું માન જરૂર આપ્યું હતું. ત્યારે મારા જગવ્યા એ જાગ્યા હતા. મારા દોરવ્યા ભાગ્યા હતા! એ ઘટના ત્યારે તો અસામાન્ય ગણાય! એક દૈનિકમાં વિસ્તૃત હેવાલરૂપે છપાયેલી! એને એટલું મહત્ત્વ મળવાનું બીજું કારણ એ હતું કે દૈનિકના તંત્રશ્રી મારા પિતાજીના વિરોધી હતા. પિતાજી દેશના સ્વાધીનતા-સંગ્રામમાં સક્રિય હતા છતાં દીકરીને પરણાવવા અંગે રૂઢિચુસ્ત ખરા! જ્ઞાતિ તો અમારી એક જ પણ —’

‘ક્ષત્રિયોમાં તો પ્રદેશ બદલાય એનો બાધ નથી હોતો.’ — વનલતા બોલી.

‘એ ખરું પણ તમારા સરના કૂળમાં એકથી વધુ પત્નીઓ કરવાનો બાધ નહોતો. હા, એ જાતે માગું કરવા ગયા હોત અને પિતાજીના કહેવા મુજબ પ્રતિજ્ઞાઓ લીધી હોત તો —’

‘પણ આપને એમ. એ. સુધી ભણાવ્યાં કેમ?’

‘પિતાજી પરદેશનો પ્રવાસ કરી આવેલા, પુરાતત્ત્વના અભ્યાસી અને સાહસિક પ્રવાસી હતા.’

‘તોપણ રૂઢિચુસ્ત?’

‘દીકરી ડાહી હોય તો એમને આદર્શવાદી માને!’ સિંઘસાહેબે કહ્યું, — ‘એમને મળવામાં મને વાંધો નહોતો.’

‘પણ તમે કશી શરત કબૂલ કરત ખરા? અને પેલો તંત્રી તો તાકીને બેઠો હતો. મેં તમારું અપહરણ કર્યું ન હોત તોપણ એણે એ રસપ્રદ હેવાલ છાપ્યો જ હોત.’ — શ્રીદેવી જાણે કે એ વયમાં મુકાઈ ગયાં હતાં!

‘દીદી, અપહરણ કેવી રીતે કરેલું? ઘોડા પર બેસાડી ને?’

‘ઘોડેસવારી તો એ ઘણી સારી જાણતા હતા. પણ મારી પાસે કાર હતી. એ હૉસ્ટેલમાં રહેતા હતા. હું નોકરચાકર સાથે સ્વતંત્ર બંગલામાં રહેતી હતી. એ મને ભણાવવા આવતા હતા.’

‘કોણ કોને ભણાવતું હતું એ એક પ્રશ્ન છે. હવે તમારા એ પરાક્રમની સ્વમુખે પ્રશંસા કરવાને બદલે એ હેવાલ જ વાંચવા આપજો. સચિત્ર છે!’

‘અહીં છે કે મિકી સાથે લઈ ગઈ છે? અમારા જમાઈને એણે એ હેવાલ ભારે ઉત્સાહથી વંચાવ્યો હતો.’ ત્યાં મૃણાલ યાદ આવી અને શ્રીમતી સિંઘ ઢીલાં થઈ ગયાં.

બંનેને દીકરી બહુ વહાલી છે. અમેરિકા સ્થાયી થઈ છે. વધુ અભ્યાસ માટે નાના ભાઈને ત્યાં બોલાવી લીધો છે અને માબાપને અહીં એકલાં કરી મૂકયાં છે. મૃણાલને પત્ર લખવાની નવરાશ મળતી નથી. પંદર દિવસે એક વાર ફોન કરે છે.

એટલું વળી નક્કી છે કે દીકરો ભણીને ભારત પાછો આવશે અને એના નાનાજીના માર્ગદર્શન પ્રમાણે લગ્ન કરશે! આ ઘર ફરીથી હર્યું ભર્યું થઈ જશે. સિંઘ દંપતીને પૂરાં પચાસ પણ નહોતાં થયાં ત્યાં ઘરમાં ખાલીપો ઘૂસી આવ્યો!

એના નિવારણ માટે પ્રયત્નો ચાલે છે. પતિપત્ની એકમેકની સભાનપણે કાળજી લે છે. પોતે મૃણાલને પત્ર લખશે એમ કહીને લાવણ્યે શ્રીમતી સિંઘને ખભે મસ્તક મૂકી દીકરીનું વહાલ ઝંખ્યું…

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..