ઉનાળો આગ ઓકે છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

`ભઈસાબ આ વખતનો ઉનાળો તો બહુ ભારી છે’ એવું આપણે દરેક વર્ષે કહીએ છીએ અને કહેતાં રહીશું. સૃષ્ટિનું સંતુલન સાતત્યથી ખોરવાતું રહ્યું છે. એપ્રિલમાં દુબઈ, બહેરીન જેવા રેતાળ દેશોમાં એવો વરસાદ પડ્યો કે ગલીઓ પાણી પાણી થઈ ગઈ.

Dubai floods: Flight ops remain disrupted, vehicles stuck in waterlogged  roads| 10 points | World News - Hindustan Times

૧૯૮૨ પછી પૃથ્વીનું તાપમાન ઉત્તરોત્તર વધવાનું ચાલુ રહ્યું છે અને એના ગરમ પરિણામ જોવા મળી રહ્યા છે. કેલિફોર્નિયામાં રહેતા અને આયુષ્યના એંસી વર્ષ વટાવી ચૂકેલા રશ્મી જાગીરદાર બળબળતા તાપની અસર દર્શાવે છે…

તપે વાતાવરણ જ્યારે વધે મનમાંયે બેચેની
હવા પણ દાઝતી એવી ઉનાળો આગ ઓકે છે

આ આગ એક પ્રવાસમાં અનુભવી. સુરતથી મોડી બપોરની આસપાસ ટ્રેન પકડવાની હતી. એસી ચેરકારમાં સીટ મળી નહીં એટલે બીજા વર્ગમાં લીધી. સુરત ઈન્ટરસિટી ટ્રેન પ્લેટફોર્મ પર વહેલી આવીને ડાહ્યી બેબીની જેમ ગોઠવાઈ ગઈ. નિરાંતે બેસવાની અતિસામાન્ય મહત્ત્વાકાંક્ષા સાથે ડબ્બામાં પ્રવેશતાં જ એવું લાગ્યું જાણે ભઠ્ઠીમાં પ્રવેશ કર્યો હોય. અનિલ જોશીની પંક્તિ યાદ આવી ગઈઃ શબ્દોમાં હું એમ પ્રવેશું જેમ આગમાં સીતાજી. સવારની ટ્રેનમાં વંદે ભારતનો વાતાનુકુલિત અનુભવ ઈન્ટરસિટીમાં ભડથું થઈ ગયો. આના કરતાં સૂરજ કુરિયાનો અનુભવ વધારે જલદ લાગશે…

હશે શું આખું અમદાવાદ ભીતર?
સહન થાતો નથી અંદર બફારો

Ahmedabad Summer : Latest news and update on Ahmedabad Summer

ગરમી વધવાનું કારણ બધાને ખબર છે અને એનું નિવારણ ચપટી વગાડતાં મળે એ શક્ય નથી. એસીવાળા ઓરડામાં જઈએ એટલે વ્યક્તિને રાહત મળે પણ બહારની સૃષ્ટિનું શું. માણસ સિવાય પશુઓ, પંખીઓ, નાના જીવજંતુઓ બધા પર બળબળ અસર પડે છે. ડિહાઈડ્રેશન થવાથી પંખીઓ ઢળી પડે છે.

Dehydrated birds falling from sky in India amid record heatwave

ગરમી વધવાનું ચક્કર કંઈ આજકાલથી શરૂ નથી થયું. માનવીય હસ્તક્ષેપથી કુદરતના ચક્રમાં ખલેલ પડે એટલે એ તો સમય આવ્યે પ્રત્યાઘાત આપવાની. જિગીષા દેસાઈ સમસ્યાના મૂળમાં જાય છે…

સૂર્યનો અકળાવે એવો તાપ છે
માણસોની લાલસાનું માપ છે
જ્યારથી વૃક્ષની થઈ દુર્દશા
જિંદગીમાં આકરો સંતાપ છે

શહેરોમાં વૃક્ષોનું પ્રમાણ ઘટતું જ જાય છે. નાગરિકી સુવિધા માટે વારંવાર ફૂટપાથ ખોદવામાં આવે તેમાં વૃક્ષો ખરડાઈ, મરડાઈ અને તરડાઇ જાય છે.

Tree roots pavement hi-res stock photography and images - Alamy

નવાં છોડ વાવવા માટે મોકળાશની જગ્યા નથી હોતી અને પાણી અંદર ઉતરે એવું રસ્તાનું બંધારણ પણ નથી હોતું. આને કારણે શહેરોમાં વૃક્ષના અસ્તિત્વ પર ખતરો ઊભો થાય છે. ઉદ્યાનમાં વ્યવસ્થિત વૃક્ષઉછેર થાય છે પણ ફાટફાટ થતા શહેરની સામે એ વામન પૂરવાર થાય. ધાર્મિક કોટક `ગોપાલ’ અરીસો ધરે છે…

નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો
જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો

રોજીરોટી રળવા માટે ધોમધખતા તાપમાં કામ કરતાં મજૂરવર્ગની કે માથાડી કામદારોની હાલત કફોડી થઈ જાય. બંને હાથ રોકાયેલા હોય ત્યારે છત્રી પકડીને કામ ન કરી શકાય. ટોપીમાં પંખો લગાવીને ફરતા માણસનો વીડિયો જોવામાં આવ્યો હશે. આવા જુગાડ છૂટકમૂટક થતાં હોય છે, એ સાર્વત્રિક પહોંચતા નથી. ઘરમાં ચૂલો સળગે એ માટે તાપમાં સળગવાની કિસ્મત લઈને કામ કરતા સામાન્ય માણસની વેદના ડૉ. અપૂર્વ શાહના શેરમાં પામી શકાશે…

વેદનાઓ કેટલી અંદર ભરી રાખી હશે
ઉનાળો આમ નાહક તો બફારો ના કરે

આકરા ઉનાળામાં જેને ઘરે બેસી કામ કરવું પોષાય એ લોકોની ઈર્ષા ન કરવી, શુભેચ્છા આપવી. ઘરની બહાર કામ કરનારાઓને માથે સૂરજનો તાપ સીધો ન પડે એટલે પ્રકૃતિએ કેટલીક ગોઠવણ રાખી છે.

ભગીરથ બ્રહ્મભટ્ટ એક નિબંધમાં આ બંને બિંદુને અવલોકે છે. `વૃક્ષો અને પર્વતો ગજબના સ્પીડબ્રેકરો છે. તડકાની ગતિમાં અવરોધો ઊભા કરીને પૃથ્વીની સજીવ સૃષ્ટિને યોગક્ષેમ બક્ષે છે. તેમ છતાંય તૃણાંકુરો તડકાની ગતિમાં છૂંદાઈ જાય છે, મુરઝાઈ જાય છે, કચડાઈ જાય છે. કપડાંની જેમ માણસ પણ સુકાઈ જાય છે. ઘર એ માણસ માટે તડકાના વરસાદથી બચવા માટેનું આશ્રયસ્થાન બની રહે છે.’ ડૉ. સેજલ દેસાઈ તાપમાં સંતાપની બદલે પરિતોષ ગોતી કાઢે છે…

આગ વરસતો ઉનાળો જો
તોય ખીલ્યો છે, ગરમાળો જો
બૂમબરાડા પાડે માણસ
કુદરતનો રાહતફાળો જો

વન પ્રદેશ ડાંગ જિલ્લામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતો ગરમાળો પૂરબહારમાં ખીલ્યો –  Gujarat Raksha

લાસ્ટ લાઈન

ચોક પર આકાશના રમતી બપોર
ધોમધખ ધીખે ધરા અડતી બપોર

જાગતાં ભાખોડિયા ભરતી બપોર
રાતના પાછોતરે ગમતી બપોર

અંગઅંગો ગ્રીષ્મના આશ્લેષમાં
પંખીના ફફડાટમાં જડતી બપોર

પીળચટ્ટા પર્ણનાં ઢગલાં ઉપર
ગુલમહોરી છાંયડા કરતી બપોર

કેસૂડાનો ચોતરફ વૈભવ અપાર
વાયરા વાસંતી કૈં રચતી બપોર

લીમડા પર લીંબોળી લૂમેઝૂમે
ચૈત્રનો તડકા ભરી વધતી બપોર

જેઠ ને વૈશાખ તે ભારે કરી
ગાલ ના કર લાલ, તું ફરતી બપોર

~ નિશિ સિંહ (કેનેડા)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.