ભવ્ય હોહેનશ્વાનગાઉ કેસલની મુલાકાતે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:33 ~ ઉત્કર્ષ મઝુમદાર
આ લુઇતપોલ્ડ ઓફ બાવેરિયાએ હોહેનશ્વાનગાઉ મહેલમાં 1905માં વીજળીકરણ કરાવ્યું ને લિફ્ટ પણ મુકાવડાવી. 1922માં એનું મૃત્યુ થયું ને એના એક વર્ષ બાદ આ મહેલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો.
બાવેરિયા રાજ્યની પાર્લિયામેન્ટે ભૂતપૂર્વ રાજવી કુટુંબનો આ મહેલનો એમના રહેઠાણ તરીકેનો હક્ક માન્ય કર્યો ને આજે આ મહેલ એમની નિજી માલિકીનો છે.
આ મહેલમાં મધ્યકાલીન યુગની કથાઓ ને કાવ્યો ચિત્રિત કરાયા છે જેમાં સ્વાન નાઈટ લોહેન્ગરિનનો પણ સમાવેશ થાય છે. રિચાર્ડ વાગનરે એના પર ઓપેરા લખ્યું.
લુડવિગ બાલ્યાવસ્થામાં પોતાની જાતને સ્વાન નાઈટ લોહેન્ગરિન તરીકે જોતો. શ્વાન/હંસ સ્વ્હન્ગુ પરિવારનું પારંપરિક પક્ષી હતું. મેક્સમિલિયન દ્વિતીયએ એને ચિન્હ તરીકે અહીં વાપર્યું. આમ મધ્યકાલીન યુગનો સ્થાનિક પરંપરા સાથે સુભગ સુમેળ થયો.
હોહેનશ્વાનગાઉ કેસલની મુલાકાત લેવા માટે ગાઇડેડ ટુર હોય છે. ટિકિટમાં એ આવી જાય છે. એની અવધિ 35 મિનિટની હોય છે. અમે એ ટુર લીધી.
અમારે ગાઈડે જણાવ્યું કે “ઘણા પૂછતાં હોય છે કે હોહેનશ્વાનગાઉનો અર્થ શો? તો જણાવી દઉં કે હોહેનનો અર્થ થાય છે ઊંચું, ને શ્વાનગાઉનો અર્થ છે સ્વાન ડીસ્ટ્રીકટ.

અહીં પણ એણે જણાવ્યું કે ફોટો અને વિડિઓ લેવાની મનાઈ છે. 90 પગથિયાં ચઢવા પડે છે બીજા માળે પહોંચવા. લિફ્ટ નથી એટલે જેને ચઢતા મુશ્કેલી પડતી હોય એમને માટે આ હિતાવહ નથી. અહીંયા 90 જેટલા ભીંતચિત્રો આ સ્વાન ડિસ્ટ્રિક્ટની કથા વર્ણવે છે.”
સુંદર ઝુમ્મરોથી સુશોભિત એક વિશાળ ઓરડામાં અમે દાખલ થયા જેની ભીંતો પર ચિત્રો દોરાયા હતા. ગાઈડે કહ્યું, “આ જે કક્ષ છે તેનું નામ છે ‘ધ હૉલ ઓફ હીરોઝ’, આ બેન્કવેટ રૂમ મહેલનો મોટામાં મોટો ઓરડો છે.”
એક મુલાકાતીએ પ્રશ્ન કર્યો અહીં આ બધા ભીંતચિત્રો છે એના વિષે જરા કહોને?” ગાઈડે કહ્યું “ચોક્કસ. જર્મન દંતકથાનું એક મશહુર પાત્ર છે ડીટ્રીચ વોન બર્ન. એની હીરોઇક કથાઓનું અહીં નિરૂપણ છે. એટલે જ આને હૉલ ઓફ હિરોઝનું નામ આપ્યું છે.”
આછા વાદળી રંગનો બીજો ઓરડો જેની છત પર ડિઝાઇન કરી હતી ને લાકડાનું ફર્નિચર હતું તે દેખાડતા કહ્યું, “આને ‘હોહેનસ્ટોફેન રૂમ’ કહે છે. રાજા મેક્સમિલન દ્વિતીય અને એના પછી ગાદીએ આવેલા એના પાટવી કુંવર કિંગ લુડવીંગ આને ડ્રેસિંગ રૂમ તરીકે વાપરતા હતા.”
“તો પછી આ પિયાનો અહીં શું કરે છે?”ના જવાબમાં કહ્યું, “લાગે છે લુડવીંગ આનો સંગીતકક્ષ તરીકે પણ ઉપયૉગ કરતો હતો. રિચાર્ડ વાગનર જ્યારે આ મહેલની મુલાકાત લેતો ત્યારે આના ઉપર એની સંગીતની રચનાઓ સંભળાવતો હશે.
બીજા ઓરડામાં દાખલ થતા જ સમજાઈ ગયું કે આ શયનકક્ષ હશે ને એ વાત ખરી નીકળી. એ તાસો રુમ તરીકે ઓળખાતો. બંને રાજાઓનો શયનકક્ષ હતો. ભીંત પર ચિત્રો તો હતા જ પણ લુડવીંગે એની છત પર ચમકતા તારા ને ચંદ્ર પણ ચીતરાવ્યા હતા. જેથી ખુલ્લા આકાશ તળે સુતા હોય એવી અનુભૂતિ લાગે.
પછી હતો રાજા મેક્સમિલન દ્વિતીયની પત્ની રાણી મેરીનો શયનકક્ષ. અહીંનું સઘળું રાચરચીલું, ચિત્રો જર્મન નહોતા લાગતા. અમારી દ્વિધા પારખી ગઈ હોય તેમ ગાઈડે જણાવ્યું,
“આ ઓરડામાં તમને બધું પૌર્વાત્ય લાગતું હશે એનું કારણ છે રાજા મેક્સમિલન જયારે 1832/33 માં ટર્કી અને ગ્રીસ ગયો હતો ત્યાંથી લાવેલી વસ્તુઓ અહીં સજાવાઇ છે. તેથી આ ઓરડાને ‘ધ ઓરિયન્ટ રૂમ’ કહેવાય છે.
“આ ઓરડાનું નામ છે ‘બેરથા રૂમ’. બેર્થ આ પ્રદેશની ઈશુ પૂર્વેની એક દેવીનું નામ હતું. આ રાણી મેરીનો લખાણ માટે વપરાતો ઓરડો હતો. સુંદર સુશોભનથી ઓપતા આ ઓરડામાં જે ભીંતચિત્રો છે તે પ્રથમ હોલી રોમન એમ્પાયર શાલમેનની જન્મની કથા કહે છે.”

મહેલના મુખ્ય ઓરડાઓની આ ઝલક હતી. અહીં પણ અમને બારીની બહાર દેખાતા દ્રશ્યો ને તસ્વીરમાં કેદ કરવાની છૂટ મળી. સાચે જ બધા મનોરમ દ્રશ્યો હતા જાણે એકએકથી સુંદર ચિત્રો જોતા હોય એવો જ આભાસ થાય.
આ આખા પ્રદેશનું કુદરતી સૌંદર્ય કમાલનું ચિત્તાકર્ષક છે. ટુર પુરી થતા અમે નીચે ઉતરી તળેટી એ આવ્યા ને પહોંચ્યા બાજુમાં જ આવેલા લેક આલપ્સી.
ભૂરા લીલા રંગથી ઝગારા મારતું અહીંનું પાણી એકદમ નિર્મળ અને સ્થિર છે. હંસોના ઝૂંડ અહીં મોજથી તરતા હતા.
આ સરોવર ફરતે પાંચ કિલોમીટરનો કિનારો ચાલવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. અહીં બોટ રાઈડની પણ સગવડ છે. અહીં અમે થોડું ફરી, તાજામાજા થયા ને ત્રીજા ને છેલ્લી મુલાકાત જે બાકી રહી ગઈ હતી તે સરોવરની બાજુમાં જ આવેલા ‘ધ મ્યુઝિયમ ઓફ બાવેરિઅન કિંગ્સ ઓફ સ્વાનગાઉ’માં ગયા.
ઝાઝા લોકો અહીંની મુલાકાતે આવતા નથી. ત્રણેમાં પહેલો નંબર આવે ન્યુશ્વસ્તઇન કેસલનો પછી હોહેનસ્વાંગઉં કેસલ અને છેલ્લે આનો નંબર.
મૂળે આ ‘અલ્પેનરોઝ’ નામની ભવ્ય હોટેલ હતી. અહીં એક રેસ્ટૉરન્ટ પણ છે. અહીં વીટેલબાખ વંશનો સાતસો વર્ષ પહેલાના ઇતિહાસથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ નિરુપાયો છે. અલબત્ત મુખ્ય ઝોક મેક્સ્મીલીયન દ્વિતીય અને લુડવિગ દ્વિતીય પર છે. મ્યઝિયમની અંદરથી પણ આલપ્સી સરોવર દ્રશ્યમાન થાય છે.
અહીં ગાઇડેડ ટુર લેવી ફરજિયાત નથી. તમે તમારી મેળે જેટલો સમય ગાળવો હોય તેટલો ગાળી શકો. ઓડીઓ ગાઇડ જોઈતી હોય તો તે પણ વિનામૂલ્યે મળે. ગાઇડેડ પબ્લિક ટુર કે પ્રાઇવેટ ટુર જોઈતી હોય તો એ પણ વ્યક્તિદીઠ 18 યુરો આપીને મળી શકે.
અહીં જુદા જુદા ખંડમાં મુકાયેલી વસ્તુઓ અને ચિત્રોથી બધી માહિતી પ્રાપ્ત થાય છે. બાવેરિયા રાજ એકસો ને બાર વર્ષ ચાલ્યું. પહેલો રાજા હતો મૅક્સિમીલીઅન પ્રથમ જે 1806માં રાજા બન્યો ને છેલ્લો રાજા હતો લુડવીંગ તૃતીય. 12 નવેમ્બર 1918ના રોજ રાજાશાહી ખતમ થઇ ને બાવેરિયા પ્રજાસત્તાક બન્યું.
બાવેરિયા સામ્રાજ્યની ખ્યાતિ એની લશ્કરી સફળતાની તુલનાએ કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિશેષ છે.
વરાળ એન્જિન અને વીજળી એ ઓગણીસમી સદીની શોધ છે. આને પ્રોત્સાહન આપી લુડવીંગ પ્રથમે બાવેરિયાને ખેતીપ્રધાન રાજ્યમાંથી ઔદ્યોગિક રાજ્ય તરફ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો.
લુડવીંગ બીજાના સમયમાં પોલીટેક્નિક સ્કૂલ સ્થપાઈ જે આજે મ્યુનિખ ટેક્નિકલ યુનિવર્સીટી બની ગઈ છે.
વિધિની વક્રતા કેવી છે આ રાજવંશ નાઝી પક્ષની વિરુદ્ધ હતો તેથી એના વંશજ પ્રિન્સ રૂપરેકટને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલાયેલો. સદ્નસીબે એ હેમખેમ જીવતો પાછો આવ્યો ને આગળ જતા બાવરિયાનો માનનીય રાજનેતા બન્યો.

મ્યુઝિયમની મુલાકાત પતાવી અમે ક્ષુધા તૃપ્તિની વ્યવસ્થામાં ખોવાઈ ગયા. એવી કકડીને ભૂખ લાગી હતી કે વાત ન પૂછો. કેસલની રેસ્ટૉરન્ટમાં બીજાએ ચા કોફી ને મેં હોટ ચોકલેટ લીધેલા. અત્યાર સુધી એના પર જ ટકી રહ્યા હતા. હવે તાત્કાલિક ભૂખનું શમન કરવું પડે તેમ હતું.
સવારે વેરાન લાગતું સ્થળ અત્યારે માણસોથી ઉભરાતું હતું. અમને એક સ્ટોલ દેખાયો જે સ્નેકી આઇટમ્સ વેચતો હતો. કેપ્ટન દંપતીને નિરાંતે બેસીને ખાવું હતું એટલે અમે છૂટા પડ્યા. અમે પેલા સ્ટોલમાંથી પહેલા બીયર લીધો જે બોટલમાં હતો ને એની ડિપોઝીટ આપવી પડેલી જે બોટલ પરત કરતા પાછી મળી ગઈ.
અમે ફુસ્સેન અમારે ઉતારે પાછા ફર્યા થોડોક આરામ કર્યો ને સાંજે લટાર મારવા નીકળ્યા. એક રેસ્ટૉરન્ટ શોધી ત્યાં સાંજનું વાળું પતાવી અમારા ફ્લેટે પરત આવ્યા. થાકીને લોથપોથ થઇ ગયા હતા. અમે આજે 16000 પગલાં ઓછામાં ઓછું ચાલ્યા હોઈશું.
ઘસઘસાટ ઊંઘ આવી ગઈ તે વહેલી પડે સવાર. હવે અહીંથી પ્રસ્થાન કરવાનું હતું. તૈયાર થઇ નાસ્તો કરી અમે ફુસ્સનને અલવિદા કહી નીકળ્યા ને સીજેએ ગાડી મારી મૂકી મ્યુનિખના રસ્તે.
(ક્રમશ:)