|

તારા પાછા જવા વિષે  ~ લલિત નિબંધ ~ ગીની માલવિયા (અમેરિકા)

ફ્લાઇટનો ટાઈમ થઇ ગયો છે. એરપોર્ટ પર ગેટ પાસે ડાબા હાથમાં કૉફીનો કપ અને જમણાં હાથે પર્સ સજ્જડ પકડીને હું  ઊભી છું એવી રીતે કે કંઈ જનાર પળોને પકડી રાખવી હોય!

આસપાસનાં લોકોથી અલિપ્ત થઈને ફક્ત એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત છે. સાવ નજીક કહી શકાય તારી, એમ ઊભી છું. કંઈ બોલવું નથી, પણ સાંભળવું છે. અને, એ પણ,  તારી પાસેથી એ જ સાંભળવું છે જે મનમાં હજારો વાર સાંભળ્યું છે, જોકે, એ તું નહીં મારું મન બોલતું અને સાંભળતું રહ્યું છે.

બધી જ તારી સાથે ગાળેલી ક્ષણો, ગમતીલી પળો, એક સાથે હલ્લો કરે છે મારા પર… અહીં જ બાંધી દેવાની છે, એ બધી પળોને. તું ફરી નહિ આવે ત્યાં સુધી એને જ વાગોળવાનું સુખ હાથમાં રહેવાનું છે.

ફરી મળવાની શક્યતા તો છે પણ ત્યાં સુધી, આ બાંધી રાખેલી પળો જ છે ને! વિદાયની પળો જ કઠીન છે મારા માટે, પછી એ મારી હોય કે બીજા કોઈની.

શ્વાસ પણ સંભળાય છે તારો, આટલી ભીડની વચ્ચે, પણ હું તો તારા નહિ બોલાયેલા શબ્દોની રાહમાં છું. હળવેથી મને સ્પર્શીને ગેટની કતારમાં તું એક પ્રવાસી થઈ જઈશ થોડી જ ક્ષણોમાં. અને, હું જનારને તો જોઈ શકતી જ નથી. તારા સ્પર્શને પામીને અહીંથી જ પાછી વળી જઈશ, પાર્કિંગ લોટ તરફ.

શબ્દો તો ક્યાંય કાને પડવાનાં જ નથી અને એ મન માનતુંય નથી. બસ, ફક્ત અનુમાન કરીશ કે તું શું કરતો હોઈશ.

યંત્રવત કોફીનો ખાલી કપ લઈને કાર ચલાવતી હું, પાર્કિંગ લોટની બહાર નીકળી ગઈ છું હવે તો.

આજે મારો ગમતીલો બોલકો રેડિયો, બોલ્યા કરે છે છતાં મારાં કાનો પર તો એની ચૂપકીદી જ પડે છે.  આમ તો જે રસ્તે આવ્યા, એ જ રસ્તા પર પાછા જવાનું છે. હજુ જ્યાં હમણાં સુધી તું સાથે હતો,  અને હમણાં જ તું અહીં બેઠો હતો.  હવે મારો સંગાથ આ ફક્ત ખાલી સીટ છે.

આમ જુઓ તો તું નથી પણ તારી સાથે વીતેલી એ પળોનો કાફલો મારી સાથે છે, સતત સતત…! ખાલી ઘરમાં આવતાં સાથે મારા મનને પણ જાણે ખાલી ચડે છે. સમયસર ફ્લાઈટ પકડવાની ધમાલમાં ધબકતું ઘર અત્યારે જાણે ધખતી આળસુ બપોર જેવું લાગે છે. ખાલીપાની લપકતી જ્વાળાઓ મને ચારેબાજુથી ભરડો લઇ રહી છે જાણે.

ઘરનાં દરેક દરેક ખૂણામાં ફરી વળું છું. કોને શોધું છું? શું શોધું છું?

ગેલેરીમાં બેસિલનો પ્લાન્ટ ડોલી રહ્યો છે મંદ મંદ ગતિએ..! ઊતરતી બપોરના તડકામાં એના લીલા રંગથી મન મલકાય છે જરા જરા..! ઊંડા શ્વાસ લઈને તે સુંઘેલા એ અડધા પાંદડાની ક્ષણ મારામાં અકબંધ છે. અને, બાકીનું અડધું ડાળી પર  અકબંધ! આ આથમતા દિવસને વધુ વાર સહન નહિ કરી શકું….!

મારી જાતને સમેટીને ગેસ્ટરૂમમાં આવું છું. રૂમમાં પથરાયેલું શોપિંગ હવે તારું નામ લખેલી બેગમાં કન્વેયર બેલ્ટ પર હશે કે પ્લેનમાં મૂકાઈ ગયું હશે, બસ, મારે તો અહીં રહીને હવે અનુમાન જ કરવાનું છે.

દરેક મહેમાન જાય પછી ફરી વાર ગેસ્ટરૂમને તપાસવાનો હોય છે કે કોઈનું કશું રહી ગયું તો નથીને? આજે એવું થાય છે કે સામાન નહીં પણ બીજું કશુંક રહી ગયું છે. એ શું છે? કદાચ આખો ને આખો તું? કોમ્પ્યુટર પર તારા લેક્ચરનાં પ્રિન્ટઆઉટ્સ વિખરાયેલા છે.

વેરવિખેર પાનાંને એકઠાં કરતાં એવું થાય છે કે મારી જિંદગી પણ આમ જ નથી? સાવ વેરવિખેર? જાતને પૂછેલા સવાલનો જવાબ પણ મનગમતો તો જ હોય શકે જો એ ભ્રામક હોય!

પણ, આ સવાલ કદાચ મેં તને પૂછ્યો હોત તો? દર વખતની જેમ ખડખડાટ હસીને જવાબ ઉડાડી દીધો હોતને તેં? તને ઓળખી જવાનો દાવો નથી કરતી પણ સમજી શકું છું તને! પણ કેટલો? માત્ર પ્રસાદની જેમ હથેળીમાં સમાય એટલું જ પામી છું તારું સાંનિધ્ય.

મારી વેબ ડિઝાઈનિંગની ધીકતી કારકિર્દી પણ એવું થાય છે કે મારા પટોળે કોઈ મનગમતી ભાત પડી નહિ. ફાટે પણ ફીટે નહીં એવી જ તો વળી.

આમ જુઓ તો મારી જિંદગીય કંઈ કમ્પ્યુટરનો સ્ક્રીન નથી કે આંગળીનાં ટેરવે મનગમતાં રંગો ભરી દઉં! અને, એ પણ એવા રંગો કે જેમાં તારું ખડખડાટ હસવું હોય, જેમાં મારા ગેલેરીમાંથી તોડેલા બેઝિલનાં પેસ્ટો સોસનાં પાસ્તા હોય, કૌશિકીની કોન્સર્ટમાં સમયસર પહોંચવાની ક્ષણો હોય, તારા શેમ્પૂ કરેલા વાળમાંથી ટપકતાં ટીપાંમાં ભીંજાયેલી મારી સાંજ હોય….!

ફાઈનાન્સિયલ એડવાઈઝર માનિત પરીખ, પણ મારા માટે નહીં….!

વેબ ડિઝાઈનર આયુષી મહેતા, તારા માટે કંઈ નહીં…..!

એડવાઈઝર ગુરુ, આખા દેશ-વિદેશમાં રખડતા, પેપર વાંચતા, સેમિનાર કરતા-કરાવતા, લેક્ચર આપતાં અને હા, ખડખડાટ હસતા માનિત દેસાઈ.

માનિત, માનિત અને માનિત. કંઈ જ દેખાતું નથી, તારા નામ સિવાય! કંઈ જ વિચારી નથી શકતી બીજું, તારા નામ સિવાય!

ઘરની શાંતિને ચીરતી સેલફોનની રીંગથી હું જાણે મારી તંદ્રાવસ્થામાંથી સફાળી જાગી. સ્ક્રીન પર ઝબકતું નામ, આંખો એ નહિ પણ મારા સમગ્ર આંતરિક અને બાહ્ય ચેતાતંત્રે વાંચ્યું. એ નામ કે જે મારી જિંદગીની શાળ પર સતત સતત વણાતું રહ્યું છે. ચીલઝડપે ફોન ઉપાડું છું, તારું ખડખડાટ હસવું સાંભળવા માટે.

તું બોલી રહ્યો હતો, ‘ઓલ સેટ બેબી, સામાન ચેકડ ઇન.. ઘરે પહોંચી બરાબર? ચાલ તારા ગામના બધા લોકો સલામત રહ્યા તારા ડ્રાઈવિંગથી….!’

મારા મોઢા પર મ્લાન સ્મિત આવીને ક્યાંક તો જતું રહ્યું પાછું, અહીં તો હતું હમણાં થોડી વાર પહેલા….! અવિરત તું વહેતો રહ્યો ફોનથી, મારા ખાલી ઘરનાં ખાલીપાના એકાંતમાં….

“બસ, થોડા ફોન કરવાના છે, દિલ્હીની નેક્સ્ટ વિક કોન્ફરન્સનું થોડું કામ બાકી છે. પ્રિન્ટર પાસે પડેલી મારા લેકચરની એક્સટ્રા કોપી છે, વાંચીશ તું?”

તને કેવી રીતે કહું કે, ‘માનિત, માનિત.. તારી ઇમેઈલ, તારા મેસેજીસ, તારા લેકચરની વિડીઓ બધુ જ અહીં છે. આયુષીની હાર્ડ ડ્રાઇવમાં ગ્રંથસ્થ…’  પણ, તું ક્યાં જાણે છે? કે, કદાચ જાણીને જણાવવા દેતો નથી?

અવિરત ફોન પરથી શબ્દો સરતા રહે છે… ‘દિલ્હીની કોન્ફરસ પછી હૈદરાબાદ કે મુંબઈ.. કહીશ તને….’

ફોનનો સ્ક્રીન સમય બતાવતો હતો એક મિનિટ સાત સેકંડ્સ. મારી હથેળીમાં આવેલું આચમની જેટલું સુખ.

મારો વણઝારો. અહીંથી એના ડેરા-તંબૂ ઉપડી તો ગયા છે, પણ કંઈક તો નકી રહી ગયું છે.

“તુંયે શું આયુષી, શું રહી ગયું છે? શું રહી પણ જાય..”

કે, પછી, કશુંક કોઈ સાથે લઈ ગયું છે?

સતત ચાલતા આ વણઝારાના પ્રવાસમાં પડાવ  પર પડાવ તો ચાલતા જ રહેવાનાં.

માનિત એક વાર, એક વાર માનિત, કહે તો ખરો, તારા વહેતા કાફલાની એક પોઠ બનવાનું સૌભાગ્ય શું…!

~ ગીની માલવિયા

Leave a Reply to Gini MalaviyaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments