“પવન, જળ, પાંદડું…” ~ કાવ્યસંગ્રહઃ હરીશ દાસાણી ~ પુસ્તક સમીક્ષા: રિપલકુમાર પરીખ

આસ્થાની આંતરખોજ:
પવન જળ પાંદડું

પવન, જળ ને પાંદડું બની,
સાવ અજાણ્યો રંગ ભરી લઉં;
શેષ સ્મૃતિને યાદ કરી લઉં;
વ્હાલનો હું વરસાદ કરી દઉં!
~ કવિ હરીશ દાસાણી.‌

આપણે સૌ પ્રકૃતિપ્રેમી છીએ પરંતુ આપણને તે પ્રેમને વ્યક્ત કરતાં નથી આવડતું. જ્યારે એક સંવેદનશીલ કવિ પોતાની હૃદયસ્પર્શી કલમથી આ પ્રકૃતિનું ભાવવિભોર વર્ણન કરે છે, ત્યારે આપણે પણ એ કવિની સાથે પ્રકૃતિનાં ખોળે બેસી ગયાં હોઈએ તેમ લાગે છે.

પવનની એ ઠંડી લહેર જ્યારે આપણાં અંગોને સ્પર્શ કરે છે, વરસાદનું એ જળ જ્યારે મનને તૃપ્ત કરે છે અને હરિયાળી વનરાજી જ્યારે આપણી આંખોની સાથે હૃદયમાં તાજગી ભરી દે છે, ત્યારે એમ થાય છે કે આપણે બસ આમ જ એ પ્રકૃતિને નિરખતાં જ રહીએ. આપણી પ્રકૃતિને નજીકથી નિરખવાનો, તેને શબ્દમાં કંડારવાનો એક સુંદર પ્રયત્ન એટલે પુસ્તક: પવન જળ પાંદડું.‌

પ્રકૃતિપ્રેમી અને સંવેદનશીલ કવિશ્રી હરીશ દાસાણીએ નિજાનંદ માટે લખેલ કાવ્યસંગ્રહ: પવન જળ પાંદડું. વ્યવસાયે બેંકમાં નોકરી કરતાં પણ હૈયું હંમેશાં પ્રકૃતિ તરફ ખેંચાતું. અંગત ડાયરીમાં લખાયેલાં આ કાવ્યો ધીમે ધીમે પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકો પરબ, નવનીત, શબ્દસૃષ્ટિ, નવચેતના, કુમાર વગેરેમાં પ્રકાશિત પણ થયાં છે.

આત્મ-નિવેદનમાં કવિ લખે છે, ‘પાંચ મહાભૂત. આકાશ તો સર્વવ્યાપી. અગ્નિને દૂરથી જ નમસ્કાર. બાકીનાં ત્રણ – જલ, વાયુને પૃથ્વી – બહારથી અને અંદરથી કંઈક કહે છે. તે વ્યક્ત કરવાની મથામણ એટલે આ સંગ્રહ.

પવન કઈ દિશામાં જશે? જળનું વહેણ કેમ, ક્યાં, શા માટે? પાંદડું – સદા પરિવર્તનશીલ, કયારે લીલું ને કયારે પીળું – અનાકલનીય. આ બધાંની સાથે જીવતાં મને સતત એમ લાગે કે જે વ્યક્ત કરવાની ઈચ્છા છે, તે બરાબર વ્યક્ત થતું નથી. આવડત ને અભ્યાસ, પરિશ્રમ ને પરસેવો- બધું ઓછું પડે છે. તેથી આયુષ્યનાં ૭૦મા વર્ષ સુધી સંગ્રહ કરવાનું હાલતું જ રહ્યું. આપણે શિક્ષકને જેમ બતાવીએ તે રીતે સમાજ સામે આ સંગ્રહ મૂકવા હું તૈયાર થયો છું.’

શિક્ષક તથા લેખકનાં આત્મીય મિત્ર શ્રી સુભાષ ભટ્ટ પોતાનો અહોભાવ વ્યક્ત કરતાં લખે છે,

‘હરીશ દાસાણી અલગારી સાધક કવિ છે. છેલ્લાં પંચાવન વરસથી સ્થૂળ અને સૂક્ષ્મ જીવન-વનમાં યાત્રા કર્યા કરે છે અને નિજાનંદે અવ્યક્તને અભિવ્યક્ત કરવાની પવિત્ર મથામણ કર્યા કરે છે. તેમની આ પવન, જળ અને પાંદડાં વચ્ચેની સંવાદ યાત્રા રસમય અને રહસ્યમય બંને છે.

તેમની કાવ્યપોથી અને સાધનાપોથી એક જ છે. તેમાં; તરસ અને તરફડાટ, મૂંઝારો અને મથામણ, અથડામણ અને અકળામણ અનુભવાય છે. પણ હા, તેમને મન કળા સાધ્ય નથી. તે માત્ર શબ્દ ખાતર શબ્દ કે કાવ્ય ખાતર કાવ્ય નથી. તેમનો શબ્દ અને ભાવ, સાધકની અભિવ્યક્તિ છે. એક સ્થાને તેઓ લખે છે:

હે શબ્દ,
પીછો છોડ મારો
એકને જ પ્રવેશ છે.
અહીં અન્યને પ્રતિબંધ છે.
તું હો ભલે ને રાજવી,
પણ બંધ છે, તું અંધ છે!

મારી તેમને શુભેચ્છા કે આ શબ્દો જ તેમને આંગળી પકડીને અશબ્દ અને નિ:શબ્દ લોકમાં દોરી જાય.’

અહીં ‘ચાલે પ્રવાસ આમ’થી શરૂ કરીને ‘ચિત્તનદી’ અને ‘તમસાને તીરે’ પહોંચવાની તાલાવેલી છે, તો ‘મને વિજ્ઞાન ઉપર ભરોસો નથી’ અને ‘એનેસ્થેશિયા’ સાથેની મથામણ પણ છે. અહીં પ્રણય અને વિરહની વેદના છે, તો સ્પર્શ અને રૂપનું ઊંડાણ પણ છે.

જીવનને એક નવી દૃષ્ટિથી જોતાં શીખવતી, પ્રકૃતિને પ્રેમ કરતાં શીખવતી, આ કાવ્યપોથી  ભાવકને  પ્રકૃતિની નવી સફરે લઈ જાય છે.

સ્થૂળ-સૂક્ષ્મમાં ભેદ ન કર;
અખંડમાં તું છેદ ન કર.

વાયુની માફક વહેતો;
તેને જળની કેદ ન કર.

મૃણ્મય; ચિન્મય એક જ છે;
વ્યર્થ સમજનો મેદ ન કર.

જે બનતું તે બનવા દે;
વચ્ચે આવો ખેદ ન કર.

પુસ્તક પ્રકાશક: હરીશ દાસાણી
મોબાઈલ: 9967816450
કિંમત: ₹ ૮૦/-

(પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 9601659655)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. કવિતા ભાવક સુધી પહોંચે તે પણ એક સૌભાગ્ય. આ કાર્યમાં સહકાર આપનાર સહુનો આભાર.

  2. હરિશભાઈની કાવ્યરચનાઓ અલગ અને મધુર હોય છે. …શબ્દો જ તેમને આંગળી પકડીને અશબ્દ અને નિ:શબ્દ લોકમાં દોરી જાય.
    સરયૂ પરીખ