‘તવસાગર’થી ‘ભવસાગર’નું ગીત ~ વિવેક મનહર ટેલર ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
‘તવસાગર’થી ‘ભવસાગર’નું ગીત
તમે જ અમારા બાવન અક્ષર, તમે જ બાવન બા’રા.
કલમ તમે છો, તમે જ કાગળ, તમે જ ફકત લખાયા,
તમે અમારી કવિતાઓમાં ભાવ થઈ પથરાયા;
‘તમે મળો’ની કુંજગલીમાં અમે પૂરણ ભૂંસાયાં,
તમે અમારી એક જ મંઝિલ, તમે હરએક ઉતારા.
તમે અકળ છો, તમે સકળ છો, તમે છૂપા પરગટમાં,
તમે અમારી એક એક ઘટના, તમે અમારા ઘટમાં
તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..
– વિવેક મનહર ટેલર
આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
માણસને જિંદગીમાં જીવવા માટે શું જોઈએ એનું કોઈ એક જ – One Size Fits All – જેવું બીબાંઢાળ નિરાકરણ નથી. દેશ, કાળ, અને એ સમયનું આસપાસનું વાતાવરણ, લોકો – આ બધાં પરિબળો, જિંદગીને જીવવા લાયક બનાવે છે અથવા માત્ર જીવવા પૂરતું, પગ ઢસડી ઢસડીને શ્વાસ લેતું એક યંત્ર બનાવે છે. માણસની લાંબી ટૂંકી જિંદગીના સમીકરણોમાંથી જો પ્રેમનું પરમતત્વ બાદ કરો તો જીવન એક ચાલતાફરતા મશીનથી વિશેષ નથી રહેતું. પણ, અચાનક જ પ્રેમનું પરમતત્વ એવા પરમાત્મામાં અસ્તિત્વનો લોપ થઈ જાય તો? ત્યારે કવિના હ્રદયમાંથી નીપજે છે, “તવસાગર”થી ભવસાગરનું ગીત…!
આ લયબદ્ધ ગીત ચતુશ્લોકી ભાગવતનો સાર યાદ અપાવે છે કે, “સૃષ્ટિના પૂર્વે પણ હું (ઈશ્વર) જ હતો, મારાથી ભિન્ન કશું જ નહોતું. સૃષ્ટિની ઉત્પત્તિ પછી જે કંઈ, ચર, અચર દ્રશ્યમાન પદાર્થો છે તે પણ હું જ છું. જે સત્ કે અ-ક્ષર છે ને જે અસત્ કે ક્ષર છે, તે બધું જ હું છું. સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું અને એનો નાશ થયા પછી પણ જે બચે છે તેમાં પણ હું જ છું. સત્ અને અસત્ કે પછી અક્ષર અને ક્ષર બંન્ને મારી માયાના સ્વરૂપ જ છે. પ્રત્યેક પ્રાણીમાં પંચમહાભૂત રૂપે હું પ્રવિષ્ટ છું અને આમ જુઓ તો વાસ્તવમાં કોઈ દેખીતા આકારમાં પ્રવિષ્ટ- સમાયો નથી, તે પણ હું છું. મારા સુધી આવવા માટે કે મને પામવા માટે માત્ર સર્વ ભાવથી સમર્પિત ભક્તિ અને શ્રદ્ધાની જરુર છે.”
યાદ આવે છે “ગાલિબ”-
“न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता
डुबोया मुझ को होने ने न होता मैं तो क्या होता?”
પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં છે. લિપિના, મૂળાક્ષરોમાં “અક્ષરબ્રહ્મ” બનીને જે સમાઈ ગયું છે તે આ જ પરમ તત્વ છે. આ જ “અ-ક્ષરબ્રહ્મ” માંથી નાદબ્રહ્મ ઉપજે છે. શબ્દો, કાગળ, કલમ, અર્થો, ભાવ બધું જ એકાકાર થઈ જાય છે હરિમાં. જાગતાં, સૂતાં, લખતાં, વાંચતાં, બધે જ, ‘અત્ર, તત્ર, સર્વત્ર’ એની જ હાજરીનાં પડછાયા પથરાયેલાં હોય છે. એ અકળ પણ છે અને સકળ પણ છે. હરિ સુધી પહોંચવા માટે અપેક્ષાવિહોણો ભક્તિરૂપી પ્રેમ ઘટમાં સમાવી લેવો જરૂરી છે અને એ પણ ‘હુંપદ’ છોડીને. એકવાર આ ‘સ્વ’નો લોપ થયા પછી પ્રભુને ક્યાં પામવા, ક્યાં જવું, એનો પછી સવાલ જ ઊભો નથી થતો. “હુંપણું” સંપૂર્ણપણે ઓગળે છે, અને અંતરના સાગરમાં ડૂબકી દઈને, “રામ રતન ધન”ના મોતી પામવાની સફર શરૂ થાય છે.
જીવનનું અંતિમ બસ એક જ છે, હરિના ચરણે સમર્પણ, સંપૂર્ણ સમર્પણ. ‘સ્વ’નું અને ‘સ્વ”ની અપૂર્ણતાનું, સંપૂર્ણપણે આત્મવિલોપન- એ જ ઉપાય છે, જો આ પ્રેમતત્વને અગમનિગમને ‘સોમાંથી સોંસરવા’ નીકળીને પામી જવું હોય તો!
કવિ કહે છે,
“તવસાગરમાં ડૂબકી દઈને અમે જે પામ્યાં ઝટમાં,
ભવસાગરમાં એ મોતી ના પામે કોઈ મછવારા..”
પોતાની જાત ધરી દઈને, પ્રભુ નામના પ્રિયતમમાં દૂધમાં સાકર ભળે એમ પીગળી જઈ પરમાત્માના પરમતત્વના શરણે સમર્પિત થવાનો, કે સ્વ-વિલોપન કરવાનો પરમ આનંદ અનેરો છે, “માંહી પડ્યા તે મહાસુખ માણે”ની જેમ. અહીં ભાવકને એની સુષુપ્તતામાંથી ઢંઢોળવાનું ઉત્કૃષ્ટ કવિકર્મ કવિ કરે છે. અને, આ ગીતને પરમતત્વને ચરણે ધરીને, કવિતાને એક ઊંચાઈ પર મૂકી દે છે. “ગાઈડ મુવીનો આ અમર ડાયલોગ યાદ આવી જાય છે –
“ન દીન હૈ, ન દુઃખ હૈ, ન સુખ હૈ, ન દુનિયા;
સિર્ફ મૈં હું, સિર્ફ મૈં હું, સિર્ફ મૈં!”
– બસ…!
સરસ રચનાનો સ-રસ આસ્વાદ