લોપા ને ગોપાની વાત એ મારી કવિતા – મારી કેફિયત ~ પન્ના નાયક
(ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યની શરૂઆત કરનારા, આપણાં આજના ‘લિવિંગ લેજન્ડ’ ની આ કેફિયત એમનાં જ શબ્દોમાં રજુ કરતાં અમને અત્યંત આનંદ થાય છે.
પન્નાબેનનું સ્નેહસભર માર્ગદર્શન અને સહયોગ “આપણું આંગણું”ને સતત મળતું રહ્યું છે, એ બદલ અમારી સમસ્ત ટીમ વતી હું એમનો આભાર માનું છું. આપણે એમની વાત એમનાં જ શબ્દોમાં વાંચીએ. – જયશ્રી)
કોલેજમાં હતી ત્યારે ખબર નહીં કેમ પણ કવિતાએે જીવમાં મૂંગો મૂંગો માળો બાંધેલો. શા માટે કવિતા જ લખવાની ઝંખના થઈ? આ પ્રશ્નને આધારે હું પાછળ વળીને મારા જીવનને જોવાનો પ્રયત્ન કરું છું.
મારા ઘરના વાતાવરણમાં જ કવિતાના સંસ્કાર ભર્યા પડયા હતા. ઘોડિયામાં હતી ત્યારથી મારી માને કંઠે પુષ્ટિ સંપ્રદાયનાં અનેક પદો, ભજનો સાંભળતી આવી છું. આમ પરંપરાનો અવાજ અને માનો કંઠ અને એ દ્વારા શબ્દનું સાન્નિધ્ય નાનપણથી મારી આસપાસ રહ્યું છે.
મારા જીવનની મોટી વિચિત્રતા લાગતી હોય તો તે એ છે કે જેણે નાનપણથી લયબદ્ધ અને છંદોબદ્ધ કૃતિઓ સાંભળી હતી એ હું સીધી અછાંદસ તરફ પ્રારંભમાં કેમ વળી?
કેટલીક વાતોના બૌદ્ધિક ખુલાસા આપી શકાતા નથી અને જો બહુ ખણીખોતરીને આપવા જઈએ તો પણ મનમાં એક ભય રહે કે આ ખુલાસાઓમાં બુદ્ધિનો પ્રપંચ તો નહીં રહ્યો હોય?
આમ તો મુંબઈમાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ભણી. શ્રી મનસુખભાઈ ઝવેરી જેવા પ્રાધ્યાપકનો લાભ મળ્યો.

છંદોના ચહેરાઓ પણ કંઈ અજાણ્યા નહોતા. મનસુખભાઈને કારણે કવિતાને માણવાનો ભરપૂર આનંદ મળેલો. કહેવી હોય તો આટલી સજ્જતા હતી અને છતાંય દેશમાં હતી ત્યારે તીવ્ર ઈચ્છા હોવા છતાં કવિતાનો ક ત્યાં ને ત્યારે ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો.
૧૯૬૦માં ફિલાડેલ્ફીઆ આવી. નવું જીવન અને નવો દેશ.

આંખમાં જ નહીં, આખ્ખેઆખ્ખા અસ્તિત્વમાં રોમાંચ હતો. પણ જીવનમાં થાય છે એમ રોમાંચનું આયુષ્ય બહુ નથી હોતું. ત્યાં અનેક માણસોથી વીંટળાયેલી હું એકાએક એકલી થઈ ગઈ. પેલું પરિચિત ઘર નહીં, મનમેળ માણસોનો મેળો નહીં. કેવળ ઘર અને નોકરી અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો પોકળ સમય.
આ એકલતા અને શૂન્યતામાંથી ઉગારવા માટે જ જાણે હું કવિતા પાસે ગઈ! તમને સાચું કહું? કવિતા ન હોતને તો હું સાવ એકલી એકલી થઈ જાત. મારા એક કાવ્યની પંક્તિ છે કે ‘કવિતા લખતા હાથનો ટેકો ન મળ્યો હોત તો સાચે જ ઢળી પડાત.’
ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યા રહ્યા, લાઈબ્રેરીમાં કામ કરતા કરતા, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતા જીવતા, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી એન સેક્સટનને મળવા સાંભળવા વાંચવાનો લહાવો મળ્યો.
એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. એનાં કાવ્યોની નિખાલસતા અને પારદર્શકતા મને વીંધી ગયા. જાણે કે મારા ખોવાઈ ગયેલા અસ્તિત્વનો ક્યાંક એમાં તાળો મળતો હોય.
એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો મને ખ્યાલ આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, માસ્ટરબેશન અને મેન્સ્ટ્રુએશનની વાતો એ છોછ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને.
હું એ પણ સમજું છું કે આવા વિષયોની વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કાયરતા છે.
આના અનુસંધાનમાં અત્યારે મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે. એન સેક્સટનની અસર નીચે લખેલાં મારાં કાવ્યોમાં મેં “સ્ત્રી જીવનની, જીવનની વેદનાની, જીવનના કટુકઠોર અનુભવોની, લગ્નજીવનની વિષમતાની અને વ્યથાની, પ્રેમની ઝંખનાની, લગ્નબાહ્ય સંબંધોની વિરસતાની” વાતો કરી છે. પણ પન્ના નાયક વાત કરે છે ત્યારે એનો અનુભવ માત્ર પન્ના નાયકનો નહીં પણ અમરેલીમાં કે અમેરિકામાં વસતી ભારતીય ઈમીગ્રન્ટ નારી લોપા કે ગોપાનો કે વિશ્વમાં વસતી કોઈ પણ નારીનો છે.
ટૂંકમાં, કવિતાનું અને જીવનનું સમીરકણ કરવું અસ્થાને છે.
‘પ્રવેશ’માં છપાયેલું ‘સ્નેપશોટ’
આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નેપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?
આ મારું પ્રથમ કાવ્ય છે. ક્ષણના આનંદને શાશ્વતીમાં મઢી લેવાની એમાં વાત છે. એની પહેલી પંક્તિ ‘આજે ખુશ છું.’ એનો અર્થ એવો કે ગઈ કાલે નહોતી. આ ખુશી કદાચ મને પહેલી વાર શબ્દ મળ્યો/ફૂટયો હોય એની પણ હોય. પણ કાવ્યમાં સ્નેપશોટ લઈને એને સૂવાના ઓરડામાં ટાંગવાની જે વાત આવે છે એમાં કદાચ મારા જીવનની વ્યથા પણ ડોકાઈ હોય.
આમ અકસ્માતે જ છ પંક્તિનું કાવ્ય મારી કાવ્યસૃષ્ટિના વિષયને અને અભિવ્યક્તિને પ્રગટ કરતું બાયફોકલ કાવ્ય થઈ ગયું.
આ જ દરમિયાન નવા ઘરમાં અમે નવું ફર્નિચર વસાવ્યું. દીવાનખાનું સજાવ્યું. ખૂબ ફેરફાર પછી ફર્નિચર બરાબર ગોઠવાયું છે એમ લાગ્યું. પણ એ બધી સજાવટ પછી એકાએક મનમાં ચીસ પડી ગઈ કે આ બધામાં હું ક્યાં?
આપણા ગુજરાતીઓ તો જે મળ્યું છે તેમાં સંતોષ માનીને જેમ ધીમે ધીમે ગોઠવાઈ જાય છે તેમ હું ક્યારેય કરી શકી નહીં.
મારો સતત પ્રશ્ન હતો ‘મને ક્યાં ગોઠવું?’ એ હૈયાવરાળમાંથી જન્મ્યું મારું ‘દીવાનખાનામાં’ કાવ્ય. મારા કાવ્યોની ભાષા સાવ બોલચાલની અને કાવ્યોના વિષયો પણ રોજ-બ-રોજના.
એક પ્રસંગની વાત કરવી છે જે હંમેશ માટે મારા ચિત્તમાં જડાઈ ગયો છે. એ પ્રસંગ તે હું પહેલી વાર અમેરિકા આવી ત્યારનો.
અઢાર કલાકની મુસાફરી કરીને ન્યૂ યોર્કના એરપોર્ટ પર ઊતરી હતી. મેં સાડી પહેરી હતી. કોરા કંકુનો લાલ ચાંલ્લો કર્યો હતો. પાસપોર્ટ પર સિક્કો મરાવવા લાઈનમાં ઊભી હતી.

મારી પાછળ એક અમેરિકન બાળક એની મા સાથે ઊભું હતું. એ ટીકી ટીકીને મારી સામે જોયા કરતું હતું. થોડી વાર પછી એણે એની માને કહ્યું, “Oh mommy! See, see, her forehead is bleeding.”
પરદેશી હોવાનો, અમેરિકન ભારતીય હોવાનો, આ મારો પ્રથમ અનુભવ હતો. આ પ્રસંગને મેં મારા કંકુ નામના કાવ્યમાં વણી લીધો છે. આવા immigrant experiencesનાં અને શરૂઆતના ઘરઝુરાપાનાં કાવ્યો મેં લખ્યાં છે.
હું સતત લખતી રહી છું. ઝાઝે ભાગે અછાંદસ તો ક્યારેક સોનેટો પણ લખ્યાં છે. છંદોબદ્ધ સોનેટની સાથે ગદ્ય સોનેટ કે મરાઠીમાં જેને ‘સુનીત’ કહેવાય એવા પ્રયોગો કર્યા.
વચ્ચે એક એવો તબક્કો આવ્યો કે પંક્તિઓ ગીતનો લય લઈને આવતી રહી અને આમ ગીતો પણ લખાયાં જેનો અલાયદો સંગ્રહ ‘આવનજાવન’ પણ પ્રગટ થયો.
કવિતા લખતાં લખતાં એક નવી દિશા પણ મળી. કેટલાંક વિષયોની વાત અને અભિવ્યક્તિ માટે કવિતાની કેડી નાની પડી એટલે વાર્તા તરફ વળી અને ‘ફ્લેમિન્ગો’ વાર્તાસંગ્રહ થયો.
‘રંગઝરૂખે’ કાવ્યસંગ્રહમાં દીર્ઘ અગિયાર કાવ્યો છે. એમાં વેદનાથી પ્રારંભ થયેલી કવિતા કોઈ વિસ્મયના વિશ્વમાં મને લઈ જાય છે. જીવન પ્રત્યેનો જે અભિગમ છે તે પણ એમાં પ્રગટ થયો છે.
અગિયારે અગિયાર કાવ્યોમાં મૂળ વાત તો ચૈતન્યના પ્રવાહની છે. એની ધીમી પણ મક્કમ ગતિ. બધી જ અપેક્ષાઓ ખંખેરાઈ ગયા પછી મન કઈ રીતે જાતને અને જગતને લગભગ સાક્ષીભાવે જુએ છે એનો કદાચ નકશો મળે.
અછાંદસ કાવ્યોથી શરૂ કરી એ સ્વરૂપમાં ટકી રહેનાર અને આવા દીર્ઘ કાવ્યો પછી હું હાઈકુના જાપાનીઝ સ્વરૂપ પ્રત્યે શી રીતે આકર્ષાઈ એ પ્રશ્ન મને જરૂર થાય છે. જાગૃત સર્જક નવા નવા સ્વરૂપ અપનાવતો રહે છે. હું બહુ જ સભાન હતી કે આ સ્વરૂપ દેખાય છે એટલું સરળ નથી. લોભામણું છે. લપસણું છે. એય ખબર કે એ શબ્દરમત નથી અને નથી પાંચ, સાત, અને પાંચ અક્ષરોનું જોડકણું. હાઈકુમાં સઘનતા, ઊંડાણ, અને ચિત્રાત્મકતા લાવવા એ મારે માટે પડકાર હતો.
સામાન્ય રીતે વિવચકોની તાસીર હોય છે કે વાચકોને સહેલું પડે માટે કોઈક ને કોઈક ઓળખચિઠ્ઠી કવિને કે કવિતાને લગાડે. વિવેચકોએ મારી કવિતા એ confessional poetryનો પ્રકાર છે એવું પણ કહ્યું છે. એમાં નારી સંવેદના અને નારીસ્વાતંત્ર્યને મેં વાચા આપી છે એમ પણ કહેવાયું છે. જેમ એક રંગની ઝાંય હોય તેમ આ બધાં તારણોની પણ વિવિધ ઝાંય હશે એમ માનું છું.
હું ગુજરાતીમાં લખું છું પણ અમેરિકામાં રહેતી લખતી ગુજરાતી કવયિત્રી છું. મારા જેવા વિદેશી ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા અમારી ઓળખાણ છે. પણ આઈરની એ કે જે ગુજરાતી સર્જક છે એ ગુજરાતી પ્રજા વચ્ચે રોજ-બ-રોજ જીવતો નથી. એટલે કે જે પ્રજા માટે એ લખે છે ને જે વાચકો માટે સર્જન કરી રહ્યો છે તેના જીવંત સ્પર્શથી દૂર છે.
દેશની જેમ અહીં ઘરની બહાર પગ મૂકીએ એટલે શેરીની ધૂળથી અમારા પગ ખરડાતા નથી, બાળકોની કાલીઘેલી ભાષા સંભળાતી નથી, રસોડાની વાતચીતનો રણકાર કાને પડતો નથી, સુરતીઓના હકાર સંભળાતા નથી, સામાન્ય લોકોના એકબીજા સાથેના ઝઘડાઓનો-મેણાંટોણાંનો અવાજ સંભળાતો નથી. આ જીવંત સ્પર્શનો અહીં પરદેશમાં અભાવ છે.

આ કારણે પ્રજામાં, પ્રજાની અભિવ્યક્તિમાં, ભાષામાં, બોલીમાં, જે કાંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી અમે વેગળા છીએ. અમે ગમે તેટલી વાર દેશ જઈ આવીએ અથવા તો પરદેશમાં જ્યાં રહીએ છીએ ત્યાં ગમે તેટલાં ગુજરાતી સંમેલનો યોજીએ તો પણ એ બધાથીય રોજબરોજનો, જીવતોજાગતો, પ્રજા અને એની ભાષાનો સંપર્ક અમને મળવાનો જ નથી. આ હકીકત છે. એટલે અમેરિકામાં રહીને ગુજરાતીમાં લખવું એ સામે પૂરે તરવા જેવું છે.
છેલ્લે, મારું જીવન કલા સાથે વણાયેલું હશે એની મને કલ્પના હતી. પણ હું કવિતા લખીશ કે મારા આટલા કાવ્યસંગ્રહો થશે એ વાસ્તવિકતા એટલી મોટી લાગે છે કે એનું આશ્ચર્ય, એનો વિસ્મય, અને એનો આનંદ હજી શમ્યા નથી.

મારું જીવન કેવળ કલાના ભાવક તરીકે નથી રહ્યું પણ કવિતાનું હું માધ્યમ બની શકી છું એનો મને આનંદ છે.
~ પન્ના નાયક
(Penn’s Library, in Philadelphia)

જીવન અને કાવ્યનું સાયુજ્ય એક વિશેષ અનુભવ છે. આવો અનુભવ સૌને મળતો નથી.
જીવનનો લય કાવ્યમાં ઊતરી આવે છે તો કાવ્યના લયનું માધુર્ય જીવનને એક નવું પરિમાણ આપી દે છે.
અછાંદસ કાવ્યમાં પણ સર્જકના ભાવજગતનો લય પ્રગટે છે.
કવયિત્રીની વાત એમના વિશ્વની આપણને ઝાંખી કરાવે છે. સાહિત્યનાં કેટકેટલાં સ્વરૂપોમાં એ પ્રગટ્યું છે !!
આનંદ !