ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:9 (12માંથી)

હૉસ્પિટલથી નીકળી ત્યારે તો એણે સીધા ઘરે પહોંચવાનું નક્કી કરેલું પણ રસ્તામાં વિચાર ફેરવ્યો. ડહોળાયેલા મનને શાંત પાડવા એને બીજે રસ્તે વાળવાની જરૂર હતી એટલે જ આભાએ એકાએક વિશાખાને મળવાનો નિર્ણય કરી લીધો.

નીલેશે ફોન પર શુભ સમાચાર આપ્યા ત્યારથી એણે નક્કી કર્યું હતું કે, ભાભીને કદાચ પોતાનું જવું ગમે કે ન પણ ગમે પણ એ આ નિમિત્તે જરૂર એમને અભિનંદન આપવા જશે. એક ગીફ્ટ શૉપમાંથી એણે કોંગ્રેચ્યુલેશન્સ આપતું કાર્ડ ખરીદ્યું અને ફૂલોની દુકાનમાંથી કલાત્મક રીતે સજાવેલો બૂકે લીધો અને ટેક્સી નીલેશના ઘર તરફ લેવડાવી.

ભાભી ઑફિસેથી નહીં આવ્યાં હોય તો થોડીવાર રાહ જોવી પડશે. ફોન કર્યા વગર જાઉં છું પણ નીલેશભાઈ તો મોટે ભાગે ઘરે જ હશે. મનોમન આવી બધી ગણતરી કરતાં એણે ડૉરબેલ દબાવી.

દરવાજો વિશાખાએ જ ખોલ્યો અને ઉમળકાથી આવકાર આપ્યો. એ પાણી લઈને આવી ત્યારે આભાએ એક સ્ત્રીની દ્રષ્ટિથી નિરીક્ષણ કરીને નોંધ્યું કે, એ શરીરમાં થોડી ભરાઈ હતી અને એનો ચહેરો ખીલી ઊઠ્યો હતો. માતૃત્વની શક્યતા એક સ્ત્રીમાં કેટલું અને કેવું પરિવર્તન લાવી શકે છે એ આભા સાનંદાશ્ચર્ય જોઈ રહી.

કાર્ડ અને બૂકે આપીને આનંદ વ્યક્ત કરતાં એ વિશાખાને સ્નેહથી આલિંગી રહી. એના બોલ્યા વિના પણ આભાને સમજાતું હતું કે, એનું આ રીતે આવવું વિશાખાને કેટલું ગમ્યું હતું!

‘નીલેશભાઈ નથી, ભાભી? મને તો હતું કે તમે હજી ઑફિસેથી નહીં આવ્યા હો પણ ભાઈ તો ઘરે મળી જ જશે.’

‘ના, હમણાં જરા નોશિયા થયા કરે છે અને બેચેની લાગે છે એટલે બે-ત્રણ દિવસથી ઑફિસે નથી જતી. અને હા, નીલેશ પપ્પાને ફોન કરવાનો જ હતો કે એના કૉલેજ ફ્રેંડની ફેક્ટરીમાં એને જૉબ મળી ગઈ છે.’

‘ખરેખર? તો તો મારે બે બે સારા સમાચાર માટે તમને અભિનંદન આપવા જોઈએ. હું ઘરે જઈને પપ્પા અને પ્રશાંત બંનેને આ ન્યૂઝ આપીશ ત્યારે એ લોકો બહુ રાજી થશે.’

‘આભા, મારે તારી સાથે કંઈક, એટલેકે, તને…’ વિશાખા અચકાતાં અચકાતાં બોલવા ગઈ’

‘ભાભી, મારી સાથે વાત કરવામાં તમને મૂંઝવણ શાની હોય? કહોને જે કહેવું હોય તે!’

‘મારે કહેવું જોઈએ કે તારી સરળતા જોઈને મને મારી જાત માટે શરમ ઉપજે છે. તેં ઘરમાં આવતાંની સાથે કુટુંબને પ્રેમ અને વત્સલતાથી એકસૂત્રે બાંધવા માંડ્યું એવું કંઈ તો હું ન કરી શકી, એ તો ઠીક, પણ તારી દાનત અંગે શંકા કરી એ માટે મને માફ કરવી મુશ્કેલ તો છે જ છતાંય પૂછું છું, તારી આ બહેનને માફ કરી શકીશ?’

‘અરે, બહેનો વચ્ચે વળી માફામાફી શેની? જવા દો ને એ વાત, ચાલો, બીજી કંઈ વાત કરીએ.’

‘ના આભા, હું તને મળવાનું વિચારતી જ હતી પણ આજે જ્યારે તું આવી જ છે ત્યારે ખાસ એક વાત કહીને મને હળવી થવા દે કે,મારા ગર્ભમાં જે આકાર લઈ રહ્યું છે એ બાળકે મને સમજાવ્યું છે કે, માતૃત્વ શું છે, એની ગરિમા કેવી હોવી જોઈએ. હવે મને સતત મમ્મીના વિચાર આવે છે ને મને તારી વાત સાચી લાગે છે કે, પોતાનાં લોહી- માંસથી જે બાળકનો પિંડ ઘડ્યો હોય એનો જીવ કોઈ મા પોતાના સગ્ગા હાથે લઈ લે એ વાત માનવામાં આવે એવી નથી જ.’

વિશાખાનાં શરીરની સાથે સાથે એના વિચારોમાં આવેલું પરિવર્તન આભા માટે અજાયબી પમાડે તેવું હતું. ગર્ભમાં રહેલી એક નાની એવી હસ્તી નારીનાં જીવનમાં કેવા મોટા પલટા આણી શકે છે એ એને વિશાખામાં ધરમૂળથી આવેલા બદલાવમાં દેખાતું હતું.

‘ભાભી, તમારી માન્યતાનો ટેકો મળ્યો એનો આનંદ તો છે જ પણ આ કેસ એક એવો કોયડો છે જેને ઉકેલવાના પ્રયત્નમાં હું પોતે જ ગુંચવાતી જાઉં છું. કોઈવાર સફળતા હાથવેંતમાં લાગે છે તો કોઈવાર જોજનો દૂર લાગે છે.’

‘કારણ જે હોય તે, પણ તું આજે બહુ થાકેલી લાગે છે પણ આજ પછી એક વાત યાદ રાખજે કે, મમ્મીને પાછાં લાવવાનાં મીશનમાં હવે તું એકલી નથી .તારા દરેક પગલે તારી આ બહેન તારી સાથે છે.’

આભાની આંખો છલકાઈ ઊઠી. ‘થેંક યુ,ભાભી, ના,ના, મોટીબેન, મને આ કામમાં આખા પરિવારના સાથની ખૂબ જરૂર છે. આપણે બધાંએ મમ્મીને એ સ્થાન અપાવવાનું છે જેનાથી એ વર્ષો થયા વંચિત રહી ગયાં છે.’

ઘરે પહોંચ્યા પછી એ ક્યાંય સુધી વિચારતી રહી કે આ કેવી ભૂલભૂલામણીમાં પોતે ફસાઈ ગઈ છે! ગમે તેટલું મનને સમજાવવા છતાં રહી રહીને નીતાબેનનો ક્રોધથી તમતમતો, ડરામણો ચહેરો નજર સામે આવતો હતો અને મહામહેનતે સંકોરેલી હિંમત, ગેસ બંધ કરીએ અને દૂધનો ઊભરો શમી જાય એમ શમી જતી હતી.

હા, આજે અણધાર્યો વિશાખાનો સુખદ પ્રતિભાવ મળ્યો એનો આનંદ જરૂર હતો. આભાએ વિચાર્યું કે, પપ્પાને આજની ઘટનાની વાત કરવી જ પડશે. કદાચ પપ્પા મમ્મીના આટલા બધા આક્રોશનું કારણ તારવી શકે. રાત્રે પ્રશાંત મિત્રને મળવા ગયો પછી રસોડાનાં કામમાંથી પરવારીને આભા સુધાંશુભાઈ પાસે પહોંચી. એ પણ જાણે આ તકની રાહ જ જોઈ રહ્યાં હોય એમ એમણે લાગલું જ પૂછ્યું,

‘શું આભા, તારો પૂરણપોળીનો પ્રોગ્રામ કેવો રહ્યો? તારી મમ્મીને પૂરણપોળી ભાવી ને?’

‘અરે પપ્પા, મારા આજના અખતરાએ તો બધી મહેનત પર પાણી ફેરવી દીધું. આજ પછી મમ્મી મારું મોઢું જોવાય રાજી નહીં થાય.’

ભીની આંખે એણે આજે હૉસ્પિટલમાં અચાનક આવેલી આંધીનું વર્ણન કર્યું. ‘તું મને ઝેર આપવા આવી છે’ એ એક વાક્ય એનાં હૈયામાં ફાંસની જેમ ખૂંપી ગયું હતું. હરીફરીને એ એક જ પ્રશ્ન પૂછ્યા કરતી હતી કે, ‘તમને કંઈ ખ્યાલ આવે છે કે, મમ્મી આવું કેમ બોલ્યાં?’

આખી ઘટના જાણીને સુધાંશુભાઈ આંચકો ખાઈ ગયા પણ આભાને એવો અણસાર ન આવે એનીય કાળજી રાખવાની હતી. પોતાને મન આ વાતનું ઝાઝું મહત્વ ન હોય એમ હળવાશથી એ બોલ્યા, ‘મેં તને પહેલા જ કહ્યું હતું ને દીકરા, કે બહુ સફળતાની આશા ન રાખીશ. તું એટલી ઉત્સાહમાં હતી કે મારે તને નિરાશ નહોતી કરવી બાકી તારી કસરત ભીંતમાં માથાં અફાળવા જેવી જ હતી. હશે, ચાલ, જે થયું એ થયું. હવે ‘એ’નું વર્તન મન પર લઈને આમ દુ:ખી થવાની જરૂર નથી.’

આભાને આ વાત ગળે ઉતારી શક્યા હોય કે નહીં પણ એ પોતે તો સમજી જ ચૂક્યા હતા કે, આ રીતે નીતા ઉશ્કેરાઈ ઊઠે એની પાછળ શું કારણ હોઈ શકે?

***

છેલ્લા ઘણા દિવસોથી અંકિતાએ એમનાં ઘરમાં પગ મૂકવાનું સાવ ઓછું કરી દીધું હતું.એમાંય સુધાંશુ ઘરમાં હોય ત્યારે તો એ ફરકતી જ નહીં.આજે ય અંકિતાને બદલે કાંતાબેન પૂરણપોળી આપવા આવ્યાં હતાં.

નીતાના હાથમાં પ્લેટ પકડાવતાં છણકો કરીને બોલ્યાં, ’’ભગવાન જાણે આ છોડીને શું ભૂત વળગ્યું છે? ન બોલે, ન ચાલે બસ, ટગરટગર જોયા જ કરે. મેં કહ્યું, જા, નીતાભાભીને ત્યાં આ આપી આવ અને પગ પણ છૂટો કરી આવ પણ એની તો ધરાર ના એટલે ના. અંતે બધાં કામ પડતાં મૂકીને મારે આવવું પડ્યું. લે ત્યારે હું જાઉં, હજી ઢગલો કામ પડ્યાં છે.’

એમનાં ગયા પછી નીતા ક્યાંય સુધી એમની વાત પર વિચાર કરતી રહી.અંતે થાકીને સુધાંશુ પાસે ગઈ.

‘આ વખતે હું ચાર્વીને લઈને આવી ત્યારથી અંકિતા મારાથી દૂરદૂર ભાગે છે.આપણાં ઘરમાં પડી-પાથરી રહેતી એને બદલે હવે ડોકાતીય નથી.મને સમજાતું નથી કે એનું વર્તન આમ બદલાઈ કેમ ગયું?’’

‘અંકિતા કેમ નથી આવતી એ એને જઈને પૂછ.એમાં મને શું પૂછવાનું?  હું કંઈ સર્વજ્ઞ છું?’ પતિનાં વડચકાથી નીતા ડઘાઈ ગઈ.

‘અરે, પણ અમસ્તું જરા પૂછ્યું એમાં તમે આમ…’ બોલતાં બોલતાં નીતા રડી પડી પણ એનાં આંસુ જોઈને સુધાંશુ વધારે બગડ્યો. અંકિતાની ઘરે ન આવવાની નાની લાગતી વાતે એટલું મોટું સ્વરૂપ લઈ લીધું કે અંતે ડૂસકાં ભરતાં નીતાએ કહ્યું,

‘કાંતાબેન આપી ગયાં છે એ પૂરણપોળી ખાજો તમે એકલા. આજ પછી પૂરણપોળીને હાથ પણ લગાડું તો મને મારી ચાર્વીના સમ છે. આપણાં ઘરમાં કજીયાનું મૂળ બનનાર પૂરણપોળી મને હવે ઝેર જેવી લાગે છે.’

ઓહ, તો આટઆટલાં વર્ષો પછી પણ નીતાનાં મનમાંથી આ વાત દૂર નથી થઈ. માનવીનાં મનની આ કેવી બલિહારી છે! આમ જુઓ તો એ ગાંડી તોય આટલા દૂરના ભૂતકાળમાં બનેલી વાતને હૈયામાં સંઘરીને બેઠી છે. આભા સૂવા ગઈ પછી ઘડીક હીંચકે તો ઘડીક બાલ્કનીમાં એમ કરીને થાક્યા પછી પથારીમાં લંબાવ્યું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..