| |

“થાંભલીનો ટેકો ને ઓસરીની કોર” ~ ગીતઃ વિનોદ જોશી ~ આસ્વાદ: જયશ્રી વિનુ મરચંટ

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઇ બૂડી,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂર્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી,
સૂનમૂન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યા કરે… મોર ટહુકા કરે…

  • કવિશ્રી વિનોદ જોશી

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

જ્યારે વરસાદની ઋતુ આવે ત્યારે, મોર, ઢેલને રિઝવવા મન મૂકીને, પીંછાં ખરતાં જાય તોયે નર્તન કરે છે. ગોપીઓને આકર્ષતા, શ્યામની વાંસળીના રાસ રમવા ગોપીઓને ઈજન દેતા સૂરો સમા મનમોહક ટહુકાઓ કરતો મોર નર્તન કરતો હોય. એ નૃત્યમાંથી અંગેઅંગ અભિસાર અને શૃંગારનો થનગનાટ નીતરતો હોય, એના મુગ્ધ આનંદનો મહોત્સવ આ ગીતમાં કવિશ્રી વિનોદ જોશી સાવ સહજતાથી, ભાવકને ગીતમય બનાવતાં ઉજવે છે.

કવિશ્રી વિનોદ જોશીનું આ સુંદર ગીત, મોરના થનગનાટ અને ટહુકાઓનો ઉત્સવ છે.

બહુ ઓછા એવા ગીત કે કાવ્યો હોય કે જેને લયબદ્ધ કરીને ગવાય ત્યારે એના શબ્દો વંચાય, અને, આવા ગીત કે કાવ્યો જ્યારે વંચાય ત્યારે એના આગવા લય તથા તાલ સાથે આપણી સમક્ષ, – ‘લાઈવ’- ગવાતા હોય, એમ સંભાળાય.

માત્ર એટલું જ નહીં, એને ઝૂમતાં ઝૂમતાં ભાવક માણી પણ શકે. કદાચ, આ જ  ‘ગોપીગીત’ની અનુભૂતિ છે.

આ ગીતનો સ્થાયી, “ખુલ જા સિમસિમ” કહીને એક આખા ભાવવિશ્વનો ‘વિસ્મય-ઉઘાડ’ કરે છે.

આમ જુઓ તો, વાત અહીં છે ગામના ઘરની, ગ્રામ્યજીવનના અભિગમની. તે છતાં, આજના સમયમાં પણ, કિશોરાવસ્થા અને મુગ્ધાવસ્થા વચ્ચે હિંચતી દરેકે દરેક છોકરીનું હૈયું આ ગીતનું Relevance – સુસંગતતા અનુભવી શકે છે. કારણ, આજની છોકરીનું હૈયું પણ પ્રેમ, અને અભિસારના અજાણ્યા પ્રદેશમાં પ્રવેશતાં, મોરનો આવો જ થનગનાટ અનુભવે છે.

પરસાળમાં ઢળતા છજા નીચે, કિશોરાવસ્થાની થાંભલીના ટેકો દઈને, મુગ્ધાવસ્થાની ઓસરીની કોર પર બેઠેલી કણબીની છોકરી યુવાનીના અણદેખ્યા દ્વાર ઉઘડવાની રાહ જોતી બેઠી છે.

જેને કદી જોયો નથી, એવા મોર જેવા વરણાગીને પામવો છે, એને પોતાનો કરવો છે. છોકરીને મનભાવન ટહુકાઓ, એનો આ ‘મનનો માનેલો મોર’ કરે, એવી અદમ્ય ઝંખના તનમનને આકુળવ્યાકુળ કરી રહી છે.

Buy Painting Woman With Peacock Artwork No 9075 by Indian Artist Rajeshwar Nyalapalli
https://indianartideas.in/

છોકરીના મનના આકાશમાં એ કાલ્પનિક મોર, અને ટહુકાઓ સ્વૈરવિહાર કરી રહ્યા છે. એનું રોમરોમ મોરના ટહુકા જેવી કુમળી, લીલીછમ ભીનાશમાં તરબતર થઈ જાય છે. એ સંધિકાળની ઉંમરના વણથંભ્યા થનગનાટસભર, કુમળા લીલાછમ ટહુકાનો અનુભવ પારલૌકિક છે.

સખીઓ સાથે, બાળપણને પાંચીકે રમાડતાં રમાડતાં, એક દિવસ આ છોકરી અચાનક જ પાંચીકા ઉલાળે છે અને એની સાથે જ બચપણ પણ ‘હાઉક’ કરીને છાતીમાંથી ઉલળીને મન અને શરીરની બહાર નીકળી જાય છે. અને, ત્યારે, કદીયે ન દીઠેલા, વરણાગિયા વ્હાલમની ગહેક એની છાતીમાં પાળી હોય એમ ‘સર્ સર્’ કરતી ઊતરી જાય છે, જાણે કે છાતીમાં  બાળપણ ક્યારે જગા ખાલી કરીને જાય એની રાહ જોવાતી હોય!

કોણ છે આ? ક્યાંથી આવીને, આમ પોતીકો થઈને, મનમાં પલાંઠી વાળીને બેસી તો ગયો છે, પણ દેખાતો નથી? અને, ઉપરથી આ ભાવો સમજાતાં પણ નથી! કોને ખબર, ક્યારે સામે આવશે અને  આવશે ત્યારે શું થશે?

હજુ તો છોકરી ઉંમરના એવા ઉંબરે ઊભી છે કે જ્યાં એનું કાળજું કાળના વાયરાથી કાઠું નથી થયું, અને એમાં પછી લાગણીઓનાં રેશમના તાકા ને તાકા ઉકેલાવા માંડે, તો, આ રેશમી ભાર એ નાજુક-નમણી છોકરી કઈ રીતે ઊંચકે અને કઈ રીતે સંભાળે? આ ઉંમરનો તકાજો તો નાઝિર દેખૈયા સાહેબ કહે છે તેમ,

“સંભાળું હોઠને તો આ નૈન મલકી જાય છે
બધી નાજુક અદાઓનું જતન ક્યાંથી બને?”

રોમરોમ થનગનતું હોય, હૈયું ટહુકાઓથી છલકાતું હોય, પણ, આ બધું એને ઘરવાળાઓથી છુપાવવું પણ હોય!

કોઈકના બની જવાની આ સમજણવાળી અણસમજ, અને, અણસમજવાળી સમજણનું આંખોમાં ઘેન છે. આ ઘેન પણ એવું છે કે ન તો એ ઊતરે છે, કે ન તો એનું કોઈ મારણ છે! છોકરીને તો બસ, આ ઘેનમાં સતત રહેવું છે. એટલું જ નહીં, પણ એના જ કેફમાં મદમસ્ત રહેવું છે.

પણ કહેવાય છે ને કે ભીંતને કાન હોય છે, અને ઓસરીની સામે માઈલો સુધી જતો સાવ ખુલ્લો રસ્તો હોય છે. મનોમન મોરલાની ગહેકનો ઉત્સવ ઉજવતી, ઓસરીની કોર પર બેઠેલી એ છોકરીના પગમાં મોરના નૃત્ય કરતા પગનું Transplantation – આરોપણ કોણ, ક્યારે કરી ગયું એની એને તો ખબર જ ન રહી!

હવે તો એ દુનિયા જુએ કે ન જુએ એની પરવા વિના, એના મનનો થનગનાટ અંગેઅંગથી પહેલા વરસાદની હેલી બનીને એનાં નર્તનમાં વરસી રહ્યો છે. આવું બિનાઅયોજિત, “કોસ્મિક” (સુયોજિત, બ્રહ્માંડીય) નર્તન થતું હોય ત્યારે મોરના પીંછા ન ખરે, એવું તો ક્યાંથી બને…! પણ મોરનાં પીંછામાં ન જાણે કેટકેટલી વાતો અને કેટલું બધું ગર્ભિત છે, એ બધું પણ સાથે ખરી પડે છે!

એવું પ્રતીત થાય છે કે આ અંતરનાદ સ્વયં બહાર આવવા તડપી રહ્યો હતો! ભાવિન ગોપાણીની ગઝલનો શેર યાદ આવે છે.

“સમગ્ર રૂપના દર્શન સુધી હવે લઈ જા,
લે, ઝાલી આંગળી પીંછાની બહાર કાઢ મને!”

અને અનાયસે, મોરમુકુટધારી શ્રીકૃષ્ણની મૂરત નજર સામે ન આવે તો જ નવાઈ…!

Shri Krishna Peacock Feather Wallpaper Classic Krishna Wallpaper Digital Download | iphonekrishnawallpaper.in

મોર શૃંગાર-નૃત્ય કરતાં, કરતાં શરમ અને લાજનો ભાર એનાં પીંછામાં ખેરવે છે અને કૃષ્ણ આ જ ભારને હળવાશથી, હસતાં હસતાં, આજીવન પોતાના શીરે ધારણ કરે છે. અભિસાર, શૃંગાર અને એનો થનગનાટ કૃષ્ણના માથે ચડીને પ્રસાદની પાવનતા બની જાય છે.

વરસાદની રાહ જોતાં નાચતાં મોરની જેમ એ છોકરી પણ વહાલના વરસાદની રાહ જોતી હોય છે. એનું રોમરોમ નાચી રહ્યું હોય છે અને વાતા વાયરાને એ બાથ ભરતાં એ છોકરીના પગ થરકતાં હોય છે…! અનિલ ચાવડાના ગીતની આ પંક્તિ યાદ આવે છે,

“બાથે ભરાય નહીં, એવા આ વાયરાને
શ્વાસોથી બથોડી લીધો..!
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમદોમ
એવો વરસાદ અમે પીધો..!”

મોરપીંછું ખરે એમ જ છોકરીના મનની વાતો ક્યાંક, કોઈક રીતે, કોઈકની પાસે સરી પડે છે! પછી તો વાત ક્યાંની કયાં પહોંચે એનો કોઈ નકશો દોરે પણ કઈ રીતે?

કિશોરીમાંથી મુગ્ધા બનતી છોકરીના કુમળા હૈયાની વાતો પછી તો (લોકગીતની જેમ જ સ્તો..) કંઈ કેટલાનાં મોઢે ગવાતી રહે છે, એનો કોઈ હિસાબ નથી. પછી એ જ થાય છે, જે સદીઓથી થતું આવ્યું છે. દેખીતી રીતે તો છોકરી ઘરમાં એની નજર નીચી રાખે છે. પણ, વાસ્તવમાં તો એની નીચી નજર હૈયાનાં રખોપાં કરે છે કે જેથી, મનમાં ઊઠતાં ટહુકાની ગહેક અંદર જ ધરબાયેલી રહે!

એને સમજાય છે કે સમાજની મર્યાદાની ભીંતો એટલી તો ઊંચી છે કે છલાંગ મારીને ઓળંગવું શક્ય નથી. કવિ છેલ્લા અંતરામાં કહે છે એ વાંચીને તો ડૂમાનો ડૂચારો ભાવકની આંખો પર આંસુના પડળ બની જામી જાય છે.

કાવ્યત્વમાં ગૂંથાઈને લયબદ્ધતા આ ટીસને છતી કરે છે કે મનના મોરને અને એનાં ટહુકાઓને, કોઈને પણ સાન ન જાય એમ પાળવામાં, છોકરી વિફળ રહી છે.

એણે ડૂમા પર રાતની અંધાર પછેડી નાખી દીધી છે, પણ અજવાળાં વેચીને એણે રાત ક્યાં સૂવા માટેય માગી છે?

એની નીંદરમાં જાગતો ઉજાગરો એનાં અભિસારની મહેકને ઢાંકવામાં સતત રત રહે છે. છતાં પણ, આ પમરાટ એનાં મનમાંથી ન કરે ન નારાયણ, જો બહાર પ્રસરી પણ જાય તો એને માટે કંઈ કેટલીયે વાર્તાઓ એ વિચારતી રહે છે. કારણ, આ પમરાટ બહાર પ્રસરશે તો કોણ જાણે કેવાં કેવાં ભેદ પછી ખોલ્યા જ કરશે…!

“પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી,
સૂનમૂન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યા કરે… મોર ટહુકા કરે…!”

અને ગીત અહીં પૂરૂં થાય છે અને કવિ ભાવકને વિસ્મયના ખજાનાની ચાવી પકડાવીને, કવિકર્મ કરીને, ખસી જાય છે.

જે અભિસાર, શૃંગાર અને પ્રેમની હેલી અધ્યાહાર રહી છે એમાં ભીંજાતાં ભીંજાતાં, દરેક ભાવક પોતાની રીતે તરબતર થતાં, થતાં કણબીની છોકરીના ભાવવિશ્વને પોતાની અંદર કોઈ છોછ વિના ઊતારી લે છે. આ જ એક સિદ્ધહસ્ત, અને સક્ષમ કવિનો કમાલ છે.

મનોજ ખંડેરિયાએ કહ્યું છે એમ, “ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ!” એમ જ્યારે જ્યારે મોરના ટહુકાની વાત આવશે, ત્યારે ત્યારે કવિશ્રી વિનોદ જોશીનું આ ગીત, “થાંભલીનો ટેકો ને ઓસરીની કોર” આપણા મનમાં ડોકિયું કરી જશે.
***

આપનો પ્રતિભાવ આપો..