ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:6 (12માંથી)

ઘરે પહોંચતાંની સાથે જ જાણે મણમણનો બોજો ઉપાડીને થાકી ગઈ હોય એમ એ ઢગલો થઈને સોફા પર બેસી પડી. ગઈ’તી તો મમ્મી માટે પણ આકાશની વેદના હૈયામાં ભરીને પાછી આવી હતી.

મનમાં સવાલોનું વાવાઝોડું ફૂંકાયું હતું. શું આવી જ છે જિંદગી? દરેકને પોતાની કથની, પોતાની વ્યથાઓ ને ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલા તાણાંવાણાં. ગુથ્થી ઉકેલવાની શરૂઆત ક્યાંથી કરવી એ ખબર જ ન પડે. બે હાથ વચ્ચે માથું પકડીને સાવ વિચારશૂન્ય થઈ ગઈ હોય એમ આભા બેસી રહી. આઠ-દસ વખત ફોનની રીંગ વાગી હશે ત્યારે માંડ એનું ધ્યાન ગયું.

‘હલ્લો આભા, નીલેશ બોલું છું.’

‘હા, બોલો નીલેશભાઈ, કેમ છો?’પરાણે બોલતી હોય એમ એ બોલી.

‘આભા, તબિયત તો સારી છે ને તારી? અવાજ કેમ ધીમો લાગે છે?’

‘ના, તબિયત તો એકદમ સારી છે પણ થાકી ગઈ છું. હમણાં જ મેન્ટલ હૉસ્પિટલ જઈને આવી.’

‘મમ્મીને મળવા ગઈ હતી? કેમ છે એ? શું વાત થઈ એની સાથે?’નીલેશના અવાજમાં અધીરાઈ ડોકાતી હતી.

‘ના ના, નીલેશભાઈ, એમ કંઈ એ લોકો પેશન્ટને મળવાની છૂટ ન આપે પણ આપણાં નસીબ એટલાં સારા કે ત્યાંના ડૉક્ટર મારા પ્રોફેસર જ નીકળ્યા. જોઈએ એ હવે ક્યારે મમ્મીને મળવાની રજા આપે છે? પણ તમને આ વાતની કેવી રીતે ખબર પડી?’

‘મને વિશાખાએ વાત કરી. એને પ્રશાંત મળ્યો હતો, એણે આ મમ્મીવાળી વાત કરી હશે પણ એમને ઘરે લઈ આવવાનો વિચાર વિશાખાને જરાય પસંદ નથી પડ્યો.’

‘પસંદ તો પ્રશાંતને પણ નથી પડ્યો પણ તમે મને એ કહો કે…’

‘મેં ખાસ તને કહેવા માટે જ ફોન કર્યો છે કે આ બાબતમાં ભલે બીજું કોઈ રાજી હોય કે ન હોય પણ હું તારી સાથે છું. કંઈ પણ જરૂર પડે તો તરત મને જણાવજે અને હા, ક્યારેય એમ ન સમજીશ કે તું એકલી છે.’

લાંબું ચાલીને થાકી ગયેલા પદયાત્રીને ઘડીક વિસામો લેવા મળે ને જેવી રાહત થાય એવી આભાએ અનુભવી. એકાએક હળવી થઈ જતાં એ બોલી ઊઠી, ’સાચ્ચે જ? ખરેખર તમે મારી સાથે છો? નીલેશભાઈ, તમારી વાત સાંભળીને મારા પગમાં નવું જોર આવી ગયું છે.’

‘આ બાબતમાં જે કંઈ કરવાનું છે એ તો તું એકલી જ કરવાની છે. હું તો બોલવા સિવાય બીજું કંઈ નથી કરી શકવાનો પણ મારે તને કહેવું છે કે, તારી જેમ હું પણ માનું છું કે, જે બન્યું એની પાછળ કંઈક રહસ્ય છે. એ વગર મમ્મી આવું પગલું ભરે જ નહીં.’

‘હા નીલેશભાઈ, એ કારણ શોધવાનું કામ ભલે બહુ અઘરું છે પણ હવે મને વિશ્વાસ બેસતો જાય છે કે, આ કામમાં જરૂર સફળતા મળશે. બધું સીધું ઉતરવાનું હશે એટલે જ હૉસ્પિટલમાં ડૉક્ટર મારા ઓળખીતા નીકળ્યા અને ઘરે આવી તો મને હિંમત આપવા તમારો ફોન આવ્યો.’

ફોન મૂક્યો ત્યારે આભાની ઘડી પહેલાંની નિરાશા  અને ઉદાસી સરી પડ્યાં હતાં. આદુ-ફૂદીનો નાખીને ચા બનાવતી હતી ત્યાં સુધાંશુભાઈ પણ બહારથી આવી ગયા. ચાની ટ્રે લઈને એ ડ્રોઈંગરૂમમાં ગઈ.

‘લો પપ્પા, ચા પીઓ. આજે હું બહુ ખુશ છું. કહેવાય છે ને કે ‘જેની શરૂઆત સારી એનું સૌ સારું’. આજે એવું જ થયું.’

ચાનો ઘૂંટડો ગળે ઉતારવામાં તકલીફ પડતી હોય એમ સુધાંશુભાઈ માંડ બોલ્યા,

‘હા… આજે તું હૉસ્પિટલ જવાની હતી નહીં? તે ત્યાં શું થયું? નીતાએ કંઈ વાત કરી તારી સાથે?’

‘ના, મમ્મીને તો હું મળી પણ નથી.’ આભા આટલું બોલી ત્યાં તો એમના ચહેરાની તંગ રેખાઓ પૂર્વવત થઈ ગઈ.

‘ના, આ તો તું હમણાં કહેતી હતી ને કે શરૂઆત સારી થઈ એટલે મને થયું કે…’

‘આજે ને આજે મારે મમ્મીને મળવાની ઉતાવળ ન કરવી એવી ડૉક્ટરની સલાહ હતી એટલે હું એમને મળી તો નહીં પણ ત્યાંના ડૉક્ટર વોરા મારા પ્રોફેસર હતા. એમની સાથે ઓળખાણ નીકળી એટલે હવે તેઓ મમ્મીના કેસ પર ખાસ ધ્યાન આપશે.’

‘ચાલ, તો તો બહુ સારું. તારી મહેનત લેખે લાગે એટલે બસ! સુધાંશુભાઈ ઊભા થતાં બોલ્યા, ’આભા, આજે માથું ભારે લાગે છે. થોડી વાર સૂઈ જાઉં. જરા ઊંઘ આવી જાય તો માથું ઊતરી જશે.’

‘એમ ક્યાંથી ઊતરી જાય? પપ્પાજી, તમે કેમ તમારી તકલીફ કોઈ સાથે શેર નથી કરતા?’

ચોંકી જતાં એ બોલી ઊઠ્યા, ’તકલીફ વળી કેવી?‘ શરીર છે તે કોઈવાર જરાતરા કંઈ થાય પણ ખરું.’

‘હું માત્ર શારીરિક જ નહીં, માનસિક તકલીફની પણ વાત કરું છું. ઘણીવાર તમને એકલા બેસીને વિચારોમાં ડૂબેલા જોઉં છું ત્યારે થાય છે કે, જાણે તમે મનમાં એક જ્વાળામુખી ધરબીને બેઠા છો. એની ઉપર તમે મૌનનું ઢાંકણ એવું ચપોચપ બંધ કરી દીધું છે કે જે કોઈ ખોલી ન શકે.’

બોદું હસતાં એમણે કહ્યું, ’ના રે ના, તારા જેવી દીકરીનો બાપ હોય એને વળી તકલીફ શેની? એ તો તું મારી વધારે પડતી ચિંતા કર્યા કરે છે એટલે તને એવું લાગે,’ નજીક આવીને વ્હાલથી એને માથે હાથ ફેરવતાં ઊમેર્યું, ‘વધારે પડતી માયા ન લગાડ દીકરી, કો’ક દિ’તારાથી દૂર જવું પડશે તો બહુ આકરું લાગશે બેટા!’

‘આવું કેમ બોલો છો પપ્પા? આ દીકરી તો હવે તમારે ગળે બંધાઈ ગઈ છે. એનાથી દૂર કેવી રીતે જવાના? ને દીકરીનો હુકમ છે, ભૂખ્યાભૂખ્યા સૂઈ નથી જવાનું. હમણાં દૂધ અને ખાખરા લઈને આવું છું.’

દૂધ ગરમ કરતાં આભા વિચારે ચઢી ગઈ. પપ્પાની જિંદગી કેવી દયાજનક કહેવાય? છતી પત્નીએ એકલવાયું જીવન જીવવાનું. મનની વાત કોને કહેવા જાય? નીલેશભાઈ તો લગ્ન કર્યા ત્યારથી અલગ જ છે અને પ્રશાંત ભલે સાથે રહેતો હોય પણ એની અને પપ્પા વચ્ચે ભાગ્યે જ કશી વાતચીત થતી હોય છે. મમ્મી હોત તો સૌ વચ્ચે સેતુ બની રહ્યાં હોત.

એનાથી મનોમન નિર્ણય થઈ ગયો કે, જ્યાં સુધી એમને ઘરે ન લાવી શકાય ત્યાં સુધી બધાને સાંકળીને રાખવાની જવાબદારી મારી છે.
***

ઘણા દિવસો થયા, આભાથી મમ્મી-પપ્પાને મળવા નહોતું જવાયું. મમ્મી તો  નવી નવી સાસરવાસી થયેલી દીકરીની પરિસ્થિતિ બરાબર સમજી શકતી હતી. વળી આભા તો સાસુ વગરનાં – સ્ત્રી વગરનાં ઘરમાં ગઈ હતી એટલે એની જવાબદારી વધારે હતી.

તેથી જ જ્યારે પણ ફોન પર વાત થાય ત્યારે એ કહેતી, ’તું તારાં ઘરે સુખી હોય એનાથી વધારે અમારે બીજું શું જોઈએ? અમારી પાસે અવાય કે ન અવાય એ વાતનો બોજો મન પર ન રાખવો.’ પણ પપ્પા તો નાનાં બાળકની જેમ રિસાઈને કહેતા, ’હા ભઈ હા, પરણ્યાં એટલે તમે પારકાં થઈ ગયાં. મા-બાપ શું કરે છે એ જોવા આવવાનીયફૂરસદ નથી મળતી?’

આમેય એમણે આભાને કદી નજરથી દૂર નહોતી કરી. આભાથી ચાર વર્ષે નાનો આલોક  સાઈકલ ચલાવવાનો ભારે શોખીન હતો. ઉતરાયણના આગલા દિવસે મિત્રનાં ઘરેથી સાઈકલ પર આવી રહ્યો હતો ત્યારે કાચ પાયેલા માંજાએ એનાં ગળાની ધોરી નસ કાપી નાખીને એ માસૂમનો જીવ લઈ લીધો હતો. બસ, ત્યારથી બંને માટે આભા જ સર્વસ્વ બની ગઈ હતી.

આભા વિચારી રહી, ’મારી વગર બંને કેવા એકલાં પડી ગયાં હશે? મારે થોડા થોડા દિવસે એમને મળવા જવું જ જોઈએ.’ પપ્પાને ભાવતાં સમોસા અને મમ્મી માટે રસગુલ્લા લઈને એ પહોંચી ત્યારે બંને ‘રમી’ રમી રહ્યાં હતાં.

દીકરીને જોતાંની સાથે મમ્મી ફટાક કરતી પાનાં પલંગ પર ફેંકીને આભાને ભેટી પડી. પપ્પા કહે ‘આમેય તારી મા હારતી’તી એટલે એને કંઈક બહાનું જ જોઈતું હતું.’

મમ્મી હસીને કહે, ‘જીતતી હોત તોય શું? દીકરી કરતાં કંઈ જીત વિશેષ છે? આવી તો કેટલીય જીત હું આભા ખાતર કુરબાન કરવા તૈયાર છું.’

એના નાટકીય અંદાજ પર ત્રણે જણ હસી પડ્યાં. આ બંનેનું પ્રસન્ન દાંપત્ય જોતાં આભાને વારંવાર બાલ્કનીમાં એકલાઅટૂલા બેસી રહેતા સુધાંશુભાઈ યાદ આવતા હતા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..