|

આજથી શરુ ~ સાપ્તાહિક કટાર: “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-1 ~ ઉત્કર્ષ મઝુમદાર

જર્મન ટુર: પ્રાસ્તવિક

(અમે બન્ને પતિ પત્નીએ સાથે વિદેશ યાત્રા બહુ મોડી એટલે કે પચાસ વર્ષની ઉંમર પછી શરુ કરેલી. અમે ફ્રાન્સ  જવાનો વિચાર કરી રહ્યા હતા. એ માટે માહિતી એકઠી કરવાની શરૂઆત કરી દીધેલી પણ એને બદલે જર્મની ગયા. એ કેવી રીતે થયું એની વાત માંડું.

અમે બે દંપતીએ (કુલ ચાર જણ) ૨૨ દિવસની જર્મનીની રોડ ટ્રીપ કરી તેની આ પ્રવાસગાથા છે. માત્ર ને માત્ર જર્મની એ પણ ૨૨ દિવસ અને તે પણ સમગ્ર જર્મનીની નહિ.

આ પ્રવાસવર્ણન કંટાળાજનક ન બને એ હેતુસર અમારા ચાર જણ વચ્ચે થતી વાતચીત દ્વારા આ પ્રવાસગાથા લખવાનો પ્રયોગ કર્યો છે. અમુક જગ્યાએ કલ્પનાનો સહારો લીધો છે પણ મૂળમાં આ સ્વાનુભવ જ છે. તથ્યો સાથે કોઈ ચેડા કર્યા નથી.

જર્મનીના ઐતિહાસિક ને જોવાલાયક સ્થળો અને બનાવોની માહિતી રસપ્રદ પડે એ રીતે મુકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે વાચકોને આ ગમશે. આ વાંચતા વાંચતા વાચક પોતે પણ જાણે જર્મનીની સફરનો આનંદ ઉઠાવી શકશે એવું ધારવું ખોટું નહિ લેખાય એવું અનુમાન છે.)

***

“કલાકાર, જર્મની આવવું છે? અમે ઓક્ટોબરમાં જવાનું વિચારીએ છીએ.” સિંગલ માલ્ટની ચુસ્કી લેતા લેતા મિત્ર સીજેએ મને પૂછ્યું.

મેં તાત્કાલિક જવાબ નહિ આપ્યો. રમની એક મોટી સીપ મારી. મને અવઢવમાં પડેલો જોઈ સીજેએ મને લલચાવનારી ઓફર મૂકી.

“ઈટ વીલ બી અ રોડ ટ્રીપ.”

આ સાંભળી હું ટટ્ટાર થઇ ગયો.

પત્ની નિશ્ચિન્ત સામે નજર નાખી મેં પૂછ્યું, “કોણ કોણ જવાના છો?”

“અમે બે જ. બીજું કોઈ નહિ.”

“પણ મારી ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા નથી. વળી ત્યાં લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ છે. એ મને ફાવે પણ નહિ.”

“તારે ડ્રાઇવિંગ કરવાનું પણ નથી.”

“ઉત્કર્ષ તું તો જાણે છે સીજેને ડ્રાઇવિંગનો ગાંડો શોખ છે એટલે એ આવી તક છોડે પણ નહિ.” હીનાએ એના ભરથારના શોખની વાત જાહેર કરી.

“નિશ્ચિન્ત તુમ ક્યા કહેતી હો?” સીજેએ નિશ્ચિન્તની ઈચ્છા જાણવા પ્રયત્ન કર્યો.

“હમ ફ્રાન્સ જાને કી સોચ રહે હૈ ઇસ સાલ.” નિશ્ચિન્ત જર્મની જવા એટલી ઉત્સુક નહોતી લાગતી.

ચતુર સીજે વાત મૂકે નહિ. એણે કહ્યું “ફ્રાન્સ અગલે સાલ જાના. સાથ મેં હોંગે તો મઝા આયેગા… ઔર તુમ કહતી થી ના કી મોટર હૉમ લે કે બાય રોડ ઘૂમને કી ખ્વાઈશ હૈ તુમ્હારી? તો ઐસા મૌકા ફિર નહિ મિલેગા.”

સીજેની વાત સાચી હતી. ઘણા વર્ષોથી અમારું મન આવી રીતે વિદેશમાં મુસાફરી કરવાની ઈચ્છા ધરાવતું હતું. સીજેએ ખુદ એના પરિવાર સાથે આવી યુરોપની યાત્રા કરેલી. એના અનુભવો સાંભળીને ચકિત થઇ ગયા હતા.

અમારા એક બીજા સંબંધીએ પણ કુટુંબ સાથે કરેલી આવી મુસાફરીની વાત સાંભળીને અમે રોમાંચિત થઇ ગયેલા. કમનસીબે મને ડ્રાઇવિંગનો શોખ નહિ ને નિશ્ચિન્ત ડ્રાઇવિંગ કરે નહિ એટલે અમારે એ ઈચ્છા ધરબાવી દેવી પડેલી.

સીજેની વાત સાંભળી રોડ ટ્રીપ કરવા આતુર થવા લાગ્યા. સીજેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હવે મોટર હૉમને બદલે કાર ભાડે લઈને રોડ ટ્રીપ કરશું. એર-બીએનબીની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી સારું પણ પડશે. અમેરિકાની મારી ઓફર સ્વીકારી નહિ પણ આ ઓફ્રર ઠુકરાવશો નહિ.”

(સીજેએ અમેરિકા સ્થળાંતર કર્યા પછી અમારી મિત્ર મંડળી સામે એક પ્રસ્તાવ મુક્યો હતો. તમે બધા અમેરિકા આવો. અમારા મહેમાન બનો આપણે કાર લઈને ઇસ્ટ કોસ્ટ રખડીશું ને પછી એવી જ રીતે વેસ્ટ કોસ્ટ ધમરોળીશું. કાર તમારે ચલાવવાની માથાકુટ નહિ, એ હું જ ચલાવીશ. મઝા આવશે.

હું ને નિશ્ચિંત એમાં સામેલ થઇ નહિ શક્યા પણ અમારા બે મિત્ર દંપતી ગયેલા અને એમને સાચે જ બહુ મઝા આવેલી. કોઈ પણ દેશની મુસાફરી રોડ ટ્રીપ મારફત કરવી ગજબની રોમાંચક હોય છે.

૧૯૭૭માં મેં પહેલવહેલ વિદેશ યાત્રા નાટકની ટુરમાં અમેરિકા-કેનેડાની કરેલી. અમેરિકા પ્લેનમાં ગયા પણ એ દેશની અંદરની મુસાફરી અમે એની એ કાળની લોકપ્રિય ગ્રેહાઉન્ડ બસ દ્વારા કરેલી ને એ એટલી અદ્ભુત રહેલી કે મનમાં અમિટ છાપ છોડી ગઈ. આથી રોડ ટ્રીપનું મને અનોખું આકર્ષણ હતું.)

મારું મન લલચાઈ ગયું ને નિશ્ચિન્તને વિનંતી કરતા કહ્યું, “ચલોના ચલતે હૈ.”

એ અવઢવમાં હતી. જર્મની જવા એ એટલી આતુર નહોતી લાગતી. એનું મન ફ્રાંસ જવા તલસતું હતું, પણ આખરે વિચાર કરીને સહમતી આપી ને મેં ખુશ થતા સીજેને કહ્યું “અમે આવીશું જર્મની.”

સીજે બેરાને બોલાવીને કહે “સબકા ડ્રિંક્સ રિપીટ કરો. હવે ખાવામાં શું મંગાવવું છે?”

અમે મુંબઈમાં આવેલી પ્રખ્યાત વિલિંગડન કલબમાં બેઠા હતાં. સીજે એનો સભ્ય છે. બ્રીચ કેન્ડી હૉસ્પિટલ સાથે સંકળાયેલો હોવાથી એનું આ તરફ આવવાનું નિયમિત રહેતું. હીનાને ઘણીવાર બોલાવી લે ને અમારા જેવા મિત્રોને આમંત્રણ આપીઆપીને અહીંયા લઇ આવે.

બારમાં બેસવાને બદલે એની ખુલ્લી જગામાં બેસીયે એટલે વધુ મઝા આવે. અમે એની સાથે ઘણું ખરું આવતા. એને લગભગ નિયમ જેવું બનાવી લીધેલું કે રીતસરના ભોજનને બદલે તરહતરહની સ્નેકી આઇટમો મંગાવે એટલે એકવિધતા ન આવે. એ પણ ભરપૂર આવે ને એનાથી જ પેટ ભરાઈ જાય.

બધાના ડ્રિંક્સ આવી ગયા એટલે એને ચિયર્સ કરતાં કહ્યું, “ચિયર્સ ટુ અવર રોડ ટ્રીપ ટુ  જર્મની.”

“જર્મની ઉપરાંત આજુબાજુના કોઈ દેશમાં જઈશું?” નિશ્ચિન્તએ પૃછા કરી.

સીજે કહે “ના. આપણે આ રોડ ટ્રીપ માત્ર ને માત્ર જર્મનીની કરશું. લગભગ ત્રણેક અઠવાડિયાની.”

“ત્રણેક અઠવાડિયાની? ધેટ ઓલ્સો ઓન્લી જર્મની?” નિશ્ચિન્ત ખચકાટ સાથે બોલી ઉઠી.

સીજે એને ધરપત આપતા કહે” યસ. આઈ એસ્યોર યુ ઈટ વિલ બી અ મેમોરેબલ વન.”

મેં કહ્યું “અમે પરદેશ ઢળતા ઉનાળે એટલે કે ફોલની સિઝન શરુ થાય ત્યારે જતા હોઈએ છીએ. એટલે ભીડ ન નડે ને વાતાવરણ પણ આલ્હાદક હોય.”

“અલબત્ત આપણે એ રીતે જ પ્લાન કરશું. આપણે એવી રીતે આ ટુરનું આયોજન કરશું કે બર્લિનમાં થતો ઓક્ટોબર ફેસ્ટ પણ માણવા મળે.”

ઓક્ટોબર ફેસ્ટનું નામ સાંભળતા નિશ્ચિન્ત અને હું બંને ઉત્સાહિત થઇ ગયા. વાંચનારને સવાલ ઉઠે કે આ ઓક્ટોબર ફેસ્ટ એ કઈ બલા છે તો જણાવી દઈએ કે એ વિશ્વનો મોટામાં મોટો બિયર ફેસ્ટિવલ છે. એનો આખો માહોલ જ અલબેલો હોય છે. જર્મની આમે ય એના બિયરપ્રેમ માટે જાણીતું છે.

“તમે સીધા અમેરિકાથી જર્મની આવશો?” મેં સીજેને પૂછ્યું. થોડાક વર્ષોથી સીજે દંપતી યુએસએ સ્થળાંતર થઇ ગયું છે. સીજે એની ધીખતી ઓર્થોપેડિક સર્જનની પ્રેક્ટિસ છોડીને અમેરિકા એમના દીકરાઓ સાથે રહેવા ગયો છે કારણ કે હીનાની ઈચ્છા હતી કે એ પોતાનો હવેનો વખત એના પૌત્રો-પૌત્રી જોડે ગાળે.

“ના, ના અમે મુંબઈ આવીશું ને આપણે બધા સાથે નીકળીશું. એક વાત કહી દઉં. અમે હવે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરીએ છીએ એટલે એનું ધ્યાન રાખજે.”

ઈતર વાતચીતો બધી બાજુએ મૂકી અમે અમારી ટ્રિપનું પ્લાનિંગ કરવા બેઠા. એવું નક્કી થયું કે ટિકિટસ હું બુક કરાવીશ. જર્મનીની હોટેલ્સ અને એર-બીએનબીનું બુકિંગ એ કરાવશે. કયા કયા સ્થળોએ જવું એ પણ અમારી સાથે વાતચીત કરીને ટુરનું કેલેન્ડર પણ એ બનાવશે. ખાણીપીણી પતાવીને અમે ફત્તેહ કરો કહી છુટા પડ્યા.

હવે અમારુ કામકાજ ગંભીરતાથી આરંભાયું. સીજેએ અમેરિકા પાછા જઈને મને જર્મનીના જોવાલાયક શહેરો અને સ્થળોની ફાઈલ ઈમેલ કરી. એમાંથી ક્યાં ક્યાં જવાની અમારી ઇચ્છા છે એ જણાવવા કહ્યું. અમે એ કરી દીધું.

વિગતોમાં ઉતરી વાચકને કંટાળો આપવાની ઈચ્છા નથી એટલે સીધું જણાવી દઉં કે અમે ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉતરી સીધા એણે બુક કરેલી બીએમડબલ્યુ કાર લઇ રાહીન નદીકિનારે આવેલા સેન્ટ ગોર નામના એક નાના પણ રળિયામણાં સ્થળે પહોંચી અમારી જર્મન યાત્રાનો આરંભ કરશું ને બર્લિનના અમારા છેલ્લા મુકામ પછી ફ્રેન્કફર્ટ આવીને ફ્લાઇટ પકડી ભારત પાછા ફરશું.

બાવીસ દિવસનો કાર્યક્રમ બન્યો. એમાંય આખું જર્મની આવતું નહોતું. કેટલોક ભાગ અમારે જતો કરવો પડેલો. અમે બધું સીજે ઉપર છોડી દીધેલું. (એના પરનો અમારો ભરોસો સાચો ઠરવાનો હતો.)

મેં અમારી ચારેયની મુંબઈ – ફ્રેન્કફર્ટ – મુંબઈની બિઝનેસ ક્લાસની ટિકિટ્સ અમારા ટ્રાવેલ એજન્ટ પાસે બુક કરાવી સીજેને જણાવી દીધું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..