આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૩૯ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૩૯
પ્રિય નીના,
પત્રનું સ્વરૂપ જ એવું છે કે તેમાંથી ક્યારેય રસ ઓછો ન થાય. તેમાંયે તારા જેવી મિત્રનો પત્ર આવે પછી તો રસ ખોવાનો સવાલ જ ક્યાં રહે?!! ઊલટાનો આનંદમાં વધારો એ વાતનો થયો કે, આપણી પરસ્પરની ટેલીપથી, જોજનો દૂરના અંતરને છેદી, ભેદી એકમેકના અંતર સુધી પહોંચી.
ગયા પત્રમાં તેં હિન્દી ફિલ્મના ગીતો અને આર્ટમુવીની વાત કરી તેના અનુસંધાનમાં અહીં ટીવી પર ચાલતા અમેરિકન ફેમિલીના કેટલાક એપિસોડ પણ ખરેખર મઝાના હોય છે. જેમ “I love Lucy“ નો શૉ સૌનો માનીતો અને પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયો તેમ બીજાં પણ ઘણાં દાદ માંગી લે તેવા હોય છે.
જૂના Family ties, Two close for comfort વગેરે ઘણાં અર્થસભર હતાં. બીજો એક જૂનો પણ હમણાં અવારનવાર ચાલતો Everybody loves Raymond પણ ઘણી દૃષ્ટિએ જોવાલાયક બની રહ્યો છે.
નજીક-નજીક રહેતાં અને રોજ એકબીજાનાં ઘેર મળતાં માબાપ અને બે દીકરાઓના કૌટુંબિક જીવનના, રોજિંદા સ્વાભાવિક બનતા સારા/ખોટા બનાવોની ગૂંચ વચ્ચે પણ વ્યક્ત થતી એકબીજાં પ્રત્યેની લાગણી તેમાં સરસ હળવી રીતે વ્યક્ત થાય છે.
દરેક પાત્રોના સંવાદો, હાવભાવ, હલનચલન, પોષાક વગેરે એકદમ સાહજિક, નેચરલ. કોઈ ખોટા સાજ, શણગાર કે મોટા સેટીંગ, મ્યુઝિક કશું જ નહિ. એટલું જ નહિ એમાંથી નીકળતી કૌટુંબિક ભાવના ખૂબ જ સરળતાથી સ્પર્શે છે અને તેથી સમજાઈ પણ જાય છે.
માનવી આખરે માનવી છે, એ ગમે તે ભૂમિનો હોય. છેવટે તો બ્રહ્માંડનો જ અંશ છે, દરેકના લોહીનો રંગ લાલ જ છે.
ઘણીવાર નીના, મન વિચારે ચડી જાય છે ત્યારે જાણે કે કોઈ ઊંડા દરિયામાં ડૂબી જાય છે. એમાંથી મરજીવાની જેમ મોતી હાથ આવે છે કે કેમ તે તો નથી ખબર પણ કોઈ નવા અમૂલ્ય છીપલાં મળ્યાનો આનંદ તો જરૂર થાય છે. આમ જોઈએ તો તેનું મૂલ્ય કશું નહિ છતાં ખૂબ મોંઘા ને અમોલા. આજે એવી બે-એક નવી વાત કરવી છે.
થોડા દિવસોમાં નવરાત્રિ શરૂ થશે. અત્યારે તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ એટલે મૂળ સંસ્કૃતમાં થયેલ વ્યાખ્યા મુજબ જે કાર્ય શ્રદ્ધાથી થાય તે. એટલે આમ જોઈએ તો એ રોજ થાય અથવા ગમે ત્યારે થાય.
દા.ત. ગત પિતૃઓને યાદ કરીને શ્રદ્ધાજલિ આપવાની ક્રિયા. પણ સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અમુક નિશ્ચિત્ત મહિનામાં (ભાદરવામાં) અમુક વિધિપૂર્વક જ થતી જોવામાં આવે છે.
‘કાગવાસ’ની રસમ તો મને ક્યારેય ગળે ઉતરતી નથી. કારણકે કાગડાઓ આમ તો માંસાહારી હોય છે. પણ આ શ્રાદ્ધના દિવસોમાં જ શાકાહારી થઈ જાય એ કેવું? અને એ ખાય તો જ પિતૃતર્પણ કર્યું કહેવાય?!!
ખેર! આજે એ બધી ચર્ચા નથી કરવી. એક બંગાળી લેખિકા, ફાલ્ગુની મુખોપાધ્યાયે તેમની નવલકથામાં કહ્યું છે ને કે, ”શ્રદ્ધેયની શ્રદ્ધા કરવાથી આપણે આપણને જ શ્રદ્ધાને લાયક બનાવીએ છીએ. શ્રદ્ધા ન કરવાથી બુદ્ધદેવને કંઈ નુકસાન નહિ થાય!! આપણા મનુષ્યત્વનું જ અપમાન થશે.
તેથી આ વાતના સંદર્ભમાં મારા તરંગી મનમાં જે વિચાર આવ્યો તે લખું. ઘડીભર માની લઈએ કે પિતૃઓ આકાશની બારીમાંથી જોતા હોય તો આજની ભૂમિના બદલાયેલા નકશાઓ જોઈને કંઈક આવું વિચારે? એક કલ્પના સળવળી.. કે…
અંતરિક્ષની બારી ખોલીને જોઈ, તો દુનિયા દેખાઈ હવે સાવ જુદી.
છોડીને આવ્યાં’તા શેરી જે દેશી, સઘળી દેખાતી આ ફરતી વિદેશી.
નાનકડાં ઘરમાં સૌ રમતા’તા ભૂલકાં,
ને એક જ છત નીચે ઉછરતાં, ઝુલતાં.
કાચા સૂતરના પાકા એ તાંતણમાં,
બંધાતી રાખડીઓ કેવી આંગણમાં…
ત્યારે હતી જિંદગી સાવ સહેલી, ધરતી નિહાળી આજે સાવ જુદી…
અંતરિક્ષની બારી ખોલીને જોઈ,તો દુનિયા દેખાઈ હવે સાવ જુદી.
આવું જ શેરીના ખોવાયેલા ગરબામાં પણ થયું છે ને? નવરાત્રિ અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઈ છે, સંવેદના-શૂન્ય બની ગઈ છે. એનો અસલ રંગ, ઉમંગ અને અર્થ અદૃશ્ય થઈ ગયો છે. તેની વાત તો નવરાત્રિના દિવસોમાં કરીશું. પરંતુ ભાષાના મુદ્દે વળી એક નવી, જુદી વાત કરું.
આમ જોઈએ તો માનવીની પ્રથમ અભિવ્યક્તિ રુદન છે. રુદન… સૌથી પહેલો કંઠમાંથી નીકળતો ઉદગાર! સાદ્યંત શુદ્ધ અને સંપૂર્ણપણે આત્મીય ભાષા.
આ વિષે જાણીતા સાહિત્યકાર શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે ખૂબ સુંદર લખ્યું છે. એમના લખાણનો સારાંશ એ હતો કે, ભાષા સાથેનો એ પ્રથમ પ્રયાસ ભલે અનાયાસ હોય છે, કોઈપણ જાતની જાણ કે સમજણ વગરનો હોય છે પણ માતાને એ સંદેશો સફળતાપૂર્વક પહોંચાડનારો હોય છે.
બાળકના એ પ્રથમ ઉદગાર પછી માનો પ્રથમ પ્રતિભાવ પણ કેવો!! જન્મનો આનંદ અને નવ માસની પીડાના છૂટકારાની ‘હાશ’ એ જ તેનો પ્રતિભાવ.
આ પ્રથમ અર્થસભર ધ્વનિ જેને ભાષાની વ્યાખ્યામાં આવરી લેવાય છે. તેનું મૂલ્ય નિતાંત શુધ્ધ્તાદ્ધ અને આત્મીયતાને કારણે બની રહે છે. એ પછી તો ભાષાના કેટકેટલાં રૂપો આપણી સામે આવતાં જ રહેતાં હોય છે.. નીના, આ આખીયે વાત ભાષાના સંદર્ભમાં ખુબ હૃદયંગમ લાગી.
ચાલ, આજે પત્ર ટૂંકાવું છું. કારણ કે, ગયા પત્રમાં જણાવ્યા પ્રમાણે તું બિઝી છે. સાહિત્યના યોજેલાં તારા કાર્યક્રમો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌની સાથે આનંદો અને ગમતાનો ગુલાલ કરો.
કવિ શ્રી કૃષ્ણ દવેની છેલ્લી કવિતા વાંચી જ હશે. છતાં પહેલી અને છેલ્લી બે પંક્તિઓ ટાંકી વિરમું.
બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું,
કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું,
કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
આત્મનું, તત્ત્વનું, મસ્તીના તોરનું,
હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું
ઝૂલણાં છંદમાં આ રીતે પ્રગટવું?
કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
ગમ્યું ને?
દેવીની સ્નેહયાદ.