સોશિયલ મીડિયા પર ઉપયોગી સાધનો (ટુલ્સ) ~ ટેકનોલૉજીના તાણાવાણા (૧૦) ~ લે. સંજય ચૌધરી
સોશિયલ મીડિયા પર ઉપયોગી સાધનો (ટુલ્સ)
ઇન્ટરનેટ એ એવું નેટવર્ક છે જેમાં કૉમ્પ્યુટર્સ, મોબાઇલ ડિવાઇસીસ, તથા જેની સાથે ડેટાનું કૉમ્યુનિકેશન -પ્રત્યાયન કે સંક્રમણ- કરી શકાય તેવાં સાધનોને જોડી શકાય છે. ઇન્ટરનેટ એ જાહેર સેવા માટેનું નેટવર્ક છે માટે તેની ઉપર તમામ સેવાઓ જાહેર ઉપયોગ માટે હોય છે.
સોશિયલ મીડિયાનો સામાન્ય અર્થ ઇન્ટરનેટની એવી સેવા માટે થાય છે કે જેની મદદથી લોકો માટે ઑનલાઈન લખાણ લખી તેમ જ વહેંચી શકાય છે.
વિવિધ વેબ ટેકનોલૉજીસ જેમ કે બ્રાઉઝર, HTML જેવી માર્કઅપ ભાષા, વેબ પ્રોગ્રામીંગ માટેની ભાષાઓ જેવી કે Javascript, PhP, Python વગેરે કૉમ્યુનિકેશન માટેના પ્રોટોકૉલ જેમ કે HTTP, REST વગેરે ડેટાના સંગ્રહ માટેનાં સ્વરૂપો જેમ કે XML, JSON, CSV વગેરે વેબ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક ઉપલબ્ધ છે અને તેમની મદદથી સોશિયલ મીડિયા માટેનાં વિવિધ સાધનો કે સેવાઓ તૈયાર કરવામાં આવે છે.
ડિજીટલ ટેકનોલૉજીની મદદથી રૂબરૂ મળવાને સ્થાને પરોક્ષ રીતે એકમેકના સંપર્કમાં રહી શકવાને કારણે સોશિયલ મીડિયા આભાસી સમુદાય કે નેટવર્ક રચે છે.
સોશિયલ મીડિયાની શરૂઆત તો વ્યક્તિઓ ટૂંકા સંદેશાઓ તેમ જ પ્રતિભાવો તથા પોતાનાં સ્ટેટસ કે અપડેટ જણાવી શકે તે માટે થઈ હતી.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની મદદથી વિપુલ માત્રામાં માહિતીનું નિર્માણ તેમ જ પ્રસારણ થાય છે. સોશિયલ મીડિયા શબ્દ સાંભળતાં જ આપણને નીચે મુજબના કેટલાક પ્રશ્નો સહજ રીતે થાય :
- શું તે ખરા અર્થમાં ઉપયોગી છે ?
- શું તે માત્ર યુવાનો માટે જ ઉપયોગી છે?
- શું તેનો ઉપયોગ માત્ર કલાકારો, રમતવીરો કે પ્રસિદ્ધ વ્યક્તિઓ વિશેની જાણકારી તથા વાતો કરવા માટે જ થાય છે ?
- લેખકો, અધ્યાપકો કે સંશોધકોને તેમના કાર્ય માટે તે કઈ રીતે ઉપયોગી છે ?
- ઉપયોગી માહિતી કે લખાણને કેવી રીતે શોધવું, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તથા પોતાનું લખાણ વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે તેનું પ્રસારણ કેવી રીતે કરવું?
- તેનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
સોશિયલ મીડિયાનાં વિવિધ સાધનો વિવિધ પ્રકારની સવલતો આપે છે અને દરેક સવલત કે સેવા અલગ છે તેમ જ દરેકની કાર્યક્ષમતા અલગ છે.
દરેકની પોતાની આગવી લાક્ષણિકતા તથા સભ્યતા છે, લાંબા ગાળે જે તે સાધન અને તેના ઉપયોગકર્તા કેવી રીતે તેનો ઉપયોગ કરે છે અને તેનું સમાજમાં પ્રદાન હોય છે તેના આધારે તેની પોતાની સંસ્કૃતિ (કલ્ચર)માં પરિણમે છે.
આમ, એ દરેકનું કોઈ એક ચોક્કસ શ્રેણીમાં વર્ગીકરણ કરવું અઘરું છે. છતાં આ સાધનોનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય:
- કૉમ્યુનિકેશન – પ્રસારણ
- સહયોગ
- સંશોધકો – લેખકો માટે
- મલ્ટીમીડિયા
જે તે સાધનો ખરા અર્થમાં સોશિયલ મીડિયાનો ભાગ છે, જેના ઉપયોગ માટે કોઈ પણ જાતની રકમ ચૂકવવી પડતી નથી તેમ જ ઉપયોગકર્તા વાંચવા ઉપરાંત પોતે લખી પણ શકે છે – તેવાં વિવિધ સાધનો વિશે નીચે મુજબની જાણકારી મળે છે.
અહીં દર્શાવેલાં કેટલાંક સાધનો એવાં પણ છે, જે મર્યાદિત સ્વરૂપમાં કોઈ પણ જાતની રકમ ચૂકવ્યા વગર ઉપયોગ માટે ઉપલબ્ધ છે.
1. કૉમ્યુનિકેશન – સંક્રમણ
1.1 બ્લૉગ લખવા માટે:
રાજકારણ, ધર્મ, રમતગમત, કળા, સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલૉજી જેવા વિવિધ વિષયો પર ત્રુટક ત્રુટક લેખો લખવા માટે બ્લૉગ ઉપયોગી છે.
બ્લૉગ શબ્દ વેબલૉગનું ટૂંકું નામ છે. અહીં લેખોને ઊલટા ક્રમમાં, એટલે કે હજી હમણાં લખવામાં આવેલા લેખોને, ઉપરના ક્રમે દર્શાવવામાં આવે છે.
વર્ષ 2009 સુધી, કોઈ એક લેખક બ્લૉગ લખે પછી અન્ય વાચકો તે અંગે પોતાની નોંધ કે પ્રતિભાવો લખતા.
વર્ષ 2010 પછી એકથી વધુ લેખકો સાથે મળીને એક બ્લૉગ લખતા જોવા મળે છે. અખબારો, જાહેર માધ્યમો, યુનિવર્સિટીના અધ્યાપકો તેમ જ વિચારકો આ રીતે સાથે મળીને બ્લૉગ લખતા જોવા મળે છે. આવા કેટલાક બ્લૉગનું વ્યાવસાયિક સજ્જતા સાથે સંપાદન થતું જોવા મળે છે.
વર્ડપ્રેસ, બ્લોગર, લાઇવજર્નલ, ટાઇપપેડ વગેરે સાધનો બ્લૉગ લખીને પ્રકાશિત કરવા માટે જાણીતા છે.
1.2 માઇક્રોબ્લૉગ લખવા માટે
બ્લૉગ એક વિષય પર વિસ્તારથી લખવામાં આવે છે જ્યારે માઇક્રોબ્લૉગ કોઈ પણ જાતના મથાળા વિનાના ટચૂકડા સંદેશાઓ માટે જાણીતા છે.
તેમાં થોડાક શબ્દો તથા એકાદ બે વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાકમાં ચિત્રો કે ફોટા પણ મૂકી શકાય છે. તેમાં વીડિયો, ઓડિયો કે વેબ સાઈટની લિન્ક મૂકવામાં આવે છે જેથી તે વધુ પ્રચલિત બન્યા છે.
શરૂઆતમાં લોકો પોતે ક્યાં છે કે શું કરે છે તેની જાણ કરવા માટે ટચૂકડા સંદેશાઓ લખતા. હવે તો તમામ પ્રકારના સંદેશાઓ લખીને લિન્ક સાથે મોકલી આપવામાં આવે છે.
ખાસ કરીને, અગત્યના સમાચારો, તાજેતરની ઘટનાઓ, ઉપયોગી સૂચનો, આવા સંદેશાઓ કે માઇક્રોબ્લૉગ બહુ જ ઝડપથી પ્રસાર પામે છે, વાચકો સાથેનું તાદાત્મ્ય ઘનિષ્ઠ બને છે, વાચકો સાથે સંપર્ક જીવંત બને છે તેમ જ બહુ જ ઝડપથી વ્યક્તિ મિત્રો કે અનુયાયીઓ બનાવી શકે છે.
એક સર્વે મુજબ સરેરાશ ધોરણે વાચકો વધુમાં વધુ માત્ર ૨૦ ટકા જેટલું લખાણ વાંચતા હોય છે માટે ટૂંકું અને સચોટ લખાણ તથા ઓડિયો, વીડિયો કે ચિત્રો ધરાવતી સામગ્રી પ્રચલિત બનતી જાય છે અને વધુ ને વધુ વાચકોનું ધ્યાન ખેંચે છે.
માઇક્રોબ્લૉગ માટે ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટમબ્લર, પીન્ટરેસ્ટ, લિન્ક્ડઇન, ટીકટૉક, કૂ, પ્લર્ક વગેરે પ્રચલિત છે. પીન્ટરેસ્ટ એ નવા વિચારોની આપલે માટે સવિશેષ જાણીતું છે.
કોઈ પણ વ્યકિતનું સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફૉર્મ પર ઍકાઉન્ટ હોય અને વિવિધ પ્લેટફૉર્મ્સ -જેમ કે ટ્વીટર, ફેસબુક, પીન્ટરેસ્ટ, લિન્ક્ડઇન વગેરે પર પોતાનાં લખાણ અલગ અલગ સમયે અથવા એક જ સમયે મૂકવાં હોય તો લખાણને અપલોડ કરવા માટે અગાઉથી તેનું આયોજન કરી, પોતે નક્કી કરેલ સમયપત્રક મુજબ ‘બફર’ જેવા સાધનનો ઉપયોગ કરીને લખાણને અપલોડ કરાવી શકે છે.
1.3 સોશિયલ નેટવર્કીંગ માટે
મિત્રો, કુટુંબીજનો, સહકર્મચારીઓ, વાચકો કે ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે, કારર્કિદીને સંલગ્ન બાબતો અંગે, રસના વિષયો કે પ્રવૃત્તિઓ વિશે, સંદેશા, લેખ, ફોટા, ઓડિયો કે વીડિયો માધ્યમની મદદથી લખાણ વહેંચવા માટે સોશિયલ નેટવર્કીંગનો ઉપયોગ સતત વધતો રહ્યો છે. સામાન્ય રીતે ઉપયોગકર્તાઓ નીચે મુજબની પ્રવૃત્તિઓ કરતા હોય છે.
- પોતાના વિશેની માહિતી પ્રોફાઇલના સ્વરૂપે મૂકવી અને સમયાંતરે તેને સુધારવી.
- પોતે તાજેતરમાં શું કરી રહ્યા છે તે અંગે જણાવવું
- લાંબા કે ટૂંકા લખાણો મૂકવા.
- અન્ય લોકોના લખાણો કે લોકો વિશે નોંધ કે ટિપ્પણી કરવી
- કોઈ એક વ્યક્તિ કે સમૂહમાં ચર્ચા કરવી કે સંદેશાઓ મોકલવા.
- વિશિષ્ટ કે ચોક્કસ ચર્ચા કે સમૂહમાં અંગત કે જાહેર રીતે ભાગ લેવો.
આ ક્ષેત્રે ફેસબુક, લિન્ક્ડઇન, માયસ્પેસ, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ, યામર, ગૂગલ બઝ, ગૂગલ પ્લસ વગેરે પ્રચલિત છે.
લિન્ક્ડઇન એ કારર્કિદી તથા વ્યવસાયને સંલગ્ન સંદેશાઓ મોકલવા, લેખ લખવા તેમ જ ચર્ચા-વિચારણા માટે સવિશેષ પ્રચલિત છે.
ગૂગલ જેવી વિખ્યાત કંપનીએ વર્ષ ૨૦૧૦માં ગૂગલ બઝ નામે સોશિયલ નેટવર્કની વિવિધ સવલતો પૂરી પાડતું સાધન તૈયાર કર્યું પરંતુ ૨૦૧૧માં જ તેને બંધ કરી ગૂગલ પ્લસ નામે નવું સાધન મૂક્યું હતું, જેને ૨૦૧૯માં બંધ કરવામાં આવ્યું હતું. ગૂગલ જેવી ટોચની કંપની માટે આ મોટી નિષ્ફળતા હતી.
1.4 સ્થાન અંગેની જાણકારી માટે
મોબાઇલ ફોન અને ખાસ કરીને સ્માર્ટફોનમાં તમે જે સ્થળે છો તે સ્થળની ભૌગોલિક માહિતી મેળવવા માટે ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ માટેનું સેન્સર હોય છે, જે તમારા ફોનમાં ઇન્ટરનેટ સક્રિય હોય ત્યારે તમે જે તે સમયે જે સ્થળ પર છો તે સ્થળ વિશેની ભૌગોલિક માહિતી મેળવી શકે છે.
આવી સ્થિતિમાં તમે જો કોઈ નવા સ્થળે ગયા હોવ ત્યારે તે શહેરમાં તમારા કયા મિત્રો છે, અથવા તમે જે સ્થળે છો તેની નજીકમાં તમારા કોઈ મિત્ર આવ્યા હોય, તો તે અંગેની માહિતી મળી શકે છે.
કોઈ પણ સ્થળ કે શહેરમાં મુલાકાત લેવા જેવાં વિશિષ્ટ સ્થાન, હોટલો, ખાવાપીવાની કે ખરીદીની જગ્યાઓ, વગેરે વિશેની જાણકારી મેળવવા માટે સ્થાનની સવલત ઉપયોગી બને છે.
ફેસબુક પ્લેસીસ, ફોરસ્કેવર, નેકસ્ટડૉર, વગેરે સ્થાન વિશેના સોશિયલ મીડિયાના પ્રચલિત વિનિયોગ છે.
2. સહયોગ
2.1 કૉન્ફરન્સીન્ગ માટે
બે કે તેથી વધુ વ્યક્તિઓ વ્યવસાય કે ચોક્કસ વિષયના સંદર્ભમાં એકબીજા સાથે વીડિયો કે ઓડિયોની મદદથી વાતચીત કરી શકે તે માટે વિવિધ સાધનો ઉપલબ્ધ છે, જેમ કે ઝૂમ, માઇક્રોસૉફ્ટ ટીમ, ગૂગલ મીટ, અડોબે કનેક્ટ, સ્કાઇપ, ગોટુ મીટિંગ, એલ્યુમિનીટ, ડિમડિમ વગેરે.
2.2 વિકી
વિકી સવલત એક સરળ ઇન્ટરફેસ પૂરો પાડે છે અને તેનો મુખ્ય આધાર સહયોગ તથા વિશ્વાસના આધારે કામ કરતા ઉપયોગકર્તાઓ છે. તેની મદદથી ઉપયોગકર્તાઓ ઝડપથી વેબ સાઇટની અથવા વેબ પેજની સામગ્રી તૈયાર કરી શકે છે.
અહીં કોઈ એક વિષય પર સહયોગના આધારે એકથી વધુ લેખકો લખી શકે છે તેમ જ તેનું સંપાદન પણ થાય છે.
હવાયીઅન ભાષાના વિકીવિકી શબ્દનો અર્થ થાય છે -ઝડપથી. તેના પરથી વિકી શબ્દ પ્રચલિત બન્યો છે. હજારોની સંખ્યામાં વિકી અમલમાં છે તેમાંનું અતિ પ્રચલિત ઉદાહરણ છે વિકીપીડીયા.
ગુજરાતી ભાષામાં મુક્ત વિશ્વકોશ ઉપલબ્ધ છે – https://gu.wikipedia.org/wiki/મુખપૃષ્ઠ
2.3 સોશિયલ ડૉક્યુમેન્ટસ્ – દસ્તાવેજો
ઉપયોગકર્તા સહયોગી બનીને સામૂહિક રીતે ફાઇલો કે દસ્તાવેજો તૈયાર કરી શકે તે માટે વિવિધ સાધનો ઉપલબ્ધ છે, જેમ કે ગૂગલ ડૉક્સ, ઝોહો ઑફિસ, ઓપનઑફિસ, ડ્રોપબૉક્સ વગેરે.
2.4 પ્રૉજેક્ટ મૅનેજમેન્ટ
કોઈ પણ પ્રૉજેક્ટનું સંચાલન કરવા વિવિધ સવલતોની જરૂર પડે છે, જેમ કે પ્રૉજેક્ટ કે સમૂહના ભાગરૂપ કાર્યરત સભ્યોને અંદરોઅંદર વાતચીત માટે કૉન્ફરન્સીન્ગ, સભ્યોની વચ્ચે ડેટા કે ફાઇલોની વહેંચણી, સમય તથા તારીખ મુજબ પ્રવૃત્તિઓ પર નજર તથા નિયંત્રણ માટે કેલેન્ડર, સભ્યોમાં અંદરોઅંદર ચર્ચા માટેનું ફૉરમ વગેરે સવલતોની જરૂર પડે છે.
આ માટે હડલ, બેઝકેમ્પ, પીબીવર્ક્સ, વનડ્રાઇવ, કાઇટવર્કસ, એમેઝોન વર્કડૉક્સ વગેરે જાણીતાં સાધનો છે.
2.5 સામાજિક સમાચારો માટે
વિવિધ વિષય પરના બ્લોગ તથા વેબ પેજને સંકલિત કરી સમાચારના સ્વરૂપે મૂકવામાં આવતા હોય છે જેથી વાચક પોતાના રસના વિષય મુજબ જરૂરી સામગ્રી શોધી શકે. ડિગ, રેડીટ, ન્યૂઝવાઇન, નાઉધીસન્યૂઝ, પ્રિસમેટીક વગેરે આ પ્રકારની સવલતો પૂરી પાડે છે.
3. સંશોધકો – લેખકો માટે ઉપયોગી સોશિયલ મીડિયા
3.1 રીસર્ચગેટ
સંશોધકો તથા લેખકો પોતાના સંશોધન લેખ અથવા તો લેખના સારને, સંશોધન માટે ઉપયોગમાં લીધેલા ડેટા સેટ, અહેવાલો વગેરેને મૂકી શકે છે જે અન્ય લોકો વાંચી શકે. તેના કારણે સંશોધકોના લેખોનું ઝડપથી પ્રસારણ થાય છે.
3.2 મેથડસ્પેસ
સમાજશાસ્ત્રના ક્ષેત્રે સંશોધન તથા લેખન માટે ઉપયોગી છે અને તેનું સંચાલન સેજ પબ્લિશીંગ કરે છે.
3. ગ્રેજ્યુએટ જંકશન
અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું હતું.
3.3 સોશિયલ બુકમાર્કિંગ માટે
લેખકો – સંશોધકો પોતાના લેખો – પ્રકાશનોને સારરૂપે કે સમગ્રરૂપે મૂકી શકે, સાથે કામ કરનાર લોકોને ટેગ કરી શકે જેથી તેમના સહાધ્યાયીઓ કે તેમની સાથે સંશોધન – લેખનકાર્ય કરતા તે અંગે શોધ કરી શકે તથા જાણકારી મેળવી શકે તેમ જ સહયોગ કરીને કામને આગળ વધારી શકે.
આ માટે બિબસોનોમી, ડિગ્ગો, ફ્લિપબોર્ડ, સ્ટંમ્બલઅપોન વગેરે જાણીતાં સાધનો છે. યાહૂ કંપનીએ ડિલીસીયસ સાઈટની શરૂઆત કરી હતી, જે બુકમાર્કીંગ માટે ખાસ્સી પ્રચલિત હતી. પરંતુ, પીનબોર્ડ જેવા સ્પર્ધકે તેને ખરીદી લીધી અને ગૂગલ શોધ એન્જિનના વધતા જતા પ્રભુત્વને કારણે આવાં સાધનો ટકી શક્યાં નહીં .
3.4 સોશિયલ બિબ્લીયોગ્રાફી
સંશોધકો તેમ જ લેખકોને સંદર્ભસાહિત્યની તેમ જ તેના સ્રોતની વિશેષ જરૂર પડતી હોય છે. તદુપરાંત પોતે શું વાંચી લખી રહ્યા છે તે માટેની માહિતી મેટા-ડેટાના સ્વરૂપે જાહેર કરતા હોય છે. આવાં સાધનો બુકમાર્કિંગની સવલતો ધરાવતાં હોય છે. આ માટે મેન્ડેલી, ઝોટેરો વગેરે ઉપયોગી છે.
4. મલ્ટીમીડિયા
સોશિયલ મીડિયા પર નીચે મુજબનાં વિવિધ પ્રકારનાં મલ્ટીમીડિયાનાં સાધનો ઉપલબ્ધ છે:
4.1 મલ્ટીમીડિયાનાં સાધનો
ફોટોગ્રાફ – ફ્લીકર, પિકાસા (જે હવે ગૂગલ ફોટો તરીકે ઉપલબ્ધ છે), સ્મગમગ
વિડીયો – યુટયૂબ, વિડલર, વીમીઓ.
જીવંત પ્રસારણ – લાઇવસ્ટ્રીમ, યુસ્ટ્રીમ, જસ્ટઇન.ટીવી,
રજૂઆત માટે તૈયાર કરેલી સામગ્રી – સ્લાઈડશૅર, સ્ક્રાઇબડી, સ્લાઈડરૉકેટ.
આભાસી દુનિયા – ઓપનસીમ, સેકન્ડલાઇફ, વર્લ્ડ ઑફ વોરક્રાફ્ટ
4.2 લેખન–સામગ્રીની ઉઠાંતરી અથવા ચોરી અટકાવવા માટે
પ્રિન્ટ કે ડિજીટલ માધ્યમો પર અગાઉ પ્રકાશિત થયેલી લેખન સામગ્રીનો ઉપયોગ કરતી વખતે તેનો સંદર્ભ પણ ના મૂકવો તેમ જ કોઈ એક લેખનો આખો કે થોડોક ભાગ ઉઠાવીને પોતાના નામે પ્રિન્ટ કે ડિજીટલ માધ્યમો પર પ્રકાશિત કરવાનું ચલણ વધતું જોવા મળે છે.
ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો લેખકનું નામ કે તેની પરવાનગી લીધા વગર જ પોતાના નામે સામગ્રી મૂકી દેતા હોય છે.
ઇન્ટેલેકચ્યુલ પ્રોપર્ટી રાઈટના કાયદા મુજબ આ ગુનો છે અને તેની સામે કાયદાકીય પ્રક્રિયા થઈ શકે છે.
કોઈ પણ નવો લેખ અગાઉ પ્રકાશિત લેખમાંથી શબ્દશઃ થોડુંક અથવા આખું લખાણ ધરાવે છે કે તેની ઉઠાંતરી કે ચોરી શોધવા માટેનાં – પ્લેજયારીઝમ શોધવા માટેનાં- સાધનો ઉપલબ્ધ છે.
આ સાધનો જે તે લખાણ મૂળ કયા લેખમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે તે મૂળભૂત લેખની લિન્ક પણ દર્શાવે છે તથા ચકાસવામાં આવી રહેલા લેખનું કેટલા ટકા લખાણ અગાઉ પ્રકાશિત લેખ સાથે સમાનતા ધરાવે છે તે પણ દર્શાવે છે. આમ, લખાણની બેઠી ઉઠાંતરી શોધી શકાય છે.
અંગ્રેજી ભાષામાં પ્રકાશિત લખાણો માટે પ્લેજયારીઝમનાં સાધનો મુક્ત રીતે કે મૂલ્ય ચૂકવીને ઉપયોગમાં લઈ શકાય છે, જેની યાદી નીચે જણાવી છે :
ગ્રામરલી – પ્રકાશિત સાહિત્યની ઉઠાંતરીની તપાસ માટેની સવલત ધરાવે છે. તદુપરાંત, લખાણમાં જોડણી તથા વ્યાકરણની ભૂલો પણ શોધી શકે છે. ઍકેડેમિક સંસ્થાઓમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.
પ્લેગસ્કેન, વાઇટસ્મોક, આર્ટિકલ ચેકર, ડુપ્લીચેકર, પ્લેજીરીઝમચેક, પેપરરેટર ડસ્ટબૉલ વગેરે. વર્ડપ્રેસ પોતે પ્લેજયારીઝમ તપાસવા માટે પલ્ગઇંન ધરાવે છે જેને તમારે ઇન્સ્ટૉલ કરવું પડે છે. બ્લૉગને પોસ્ટ કરવામાં આવે કે તરત જ નકલ કરેલા લખાણ અંગે ધ્યાન દોરે છે.
ગુજરાતી ભાષામાં પ્રકાશિત લખાણોની થતી ચોરી અટકાવવા માટે પ્લેજયારીઝમનાં અસરકારક સાધનો ઉપલબ્ધ નથી. આ દિશામાં સરકાર, પ્રકાશકો અને લેખકોએ સાથે મળીને સક્રિય થવાની તાતી જરૂર છે.
કેટલાંક સાધનોની વેબ લિન્ક |
||
વર્ડપ્રેસ | WordPress | https://wordpress.com/ |
બ્લોગર | Blogger | https://www.blogger.com/ |
લાઇવજર્નલ | LiveJournal | https://www.livejournal.com/ |
ટાઇપપેડ | TypePad | https://www.typepad.com/ |
પીન્ટરેસ્ટ | https://pinterest.com | |
હડલ | Huddle | https://www.ideagen.com/products/huddle |
બેઝકેમ્પ | Basecamp | https://basecamp.com/ |
વીકિપીડિયા | Wikipedia | https://en.wikipedia.org/wiki/Wikipedia |
પીબીવર્ક્સ | PBworks | https://www.pbworks.com/ |
બફર | Buffer | https://buffer.com/ |
ગોટુ મીટિંગ | Goto Meeting | https://www.goto.com/ |
ઝોહો | Zoho | https://www.zoho.com/office/ |
રીસર્ચગેટ | Researchgate | www.researchgate.net |
મેન્ડેલી | Mendeley | https://www.mendeley.com/ |
ઝોટેરો | Zotero | https://www.zotero.org/ |
પ્લર્ક | Plurk | https://www.plurk.com/portal/ |
મેથડસ્પેસ | Methodspace | https://www.methodspace.com/ |
નેટવર્ક નેચર | Network Nature | http://network.nature.com |
ગ્રેજ્યુએટ જંકશન | Graduate Junction | https://www.graduatejunction.net/ |
પીએચડીબ્લોગ | PhD Blog | http://phdblog.net/ |
ડીગ | Digg | https://digg.com/ |
રેડીટ | https://www.reddit.com/ | |
ન્યુઝવાઈન | Newsvine | https://en.wikipedia.org/wiki/Newsvine |
બીબસોનોમી | Bibsonomy | https://www.bibsonomy.org/ |
ડીગો | Diigo | https://www.diigo.com/ |
ફ્લીકર | Flickr | https://www.flickr.com/ |
ગૂગલ ફૉટોઝ | Google Photos | https://photos.google.com/ |
સ્મગમગ | Smugmug | https://www.smugmug.com |
વીડલર | Viddler | https://www.viddler.com/ |
વીમીઓ | Vimeo | https://vimeo.com/ |
લાઈવસ્ટ્રીમ | Livestream | https://livestream.com/ |
યુસ્ટ્રીમ | Ustream | https://blog.video.ibm.com/streaming-video-news/ustream-is-ibm-cloud-video/ |
સ્ક્રાઇબડી | Scribd | https://www.scribd.com/ |
સ્લાઇડશૅર | Slideshare | https://www.slideshare.net/ |
સ્લાઈડરૉકેટ | Sliderocket | https://www.clearslide.com/product/sliderocket/ |
ઓપનસીમ | Opensim | https://opensim.stanford.edu/ |
સેકન્ડલાઇફ | Secondlife | https://secondlife.com/ |
વર્લ્ડ ઑફ વૉરક્રાફ્ટ | World of Warcraft | https://worldofwarcraft.com/en-us/ |
ગ્રામરલી | Grammarly | https://www.grammarly.com/ |
પ્લેગસ્કેન | Plagscan | https://www.plagscan.com/en/ |
વાઈટસ્મોક | Whitesmoke | https://www.whitesmoke.com/ |
આર્ટિકલચેકર | Articlechecker | https://www.articlechecker.com/ |
ડુપ્લીચેકર | Duplichecker | https://www.duplichecker.com/ |
પેરાફ્રેસટુલ | Paraphrasetool | https://paraphrasetool.com/plagiarism-checker |
પ્લેજીરીઝમચેક | Plagiarism Check | https://smallseotools.com/plagiarism-checker/ |
ડસ્ટબૉલ | Dustball | https://www.dustball.com/cs/plagiarism.checker/ |
“સાહિત્યિક સંરસન – Literary Consortium”ના પ્રથમ અંકમાં પ્રકાશિત, પાના નં. ૧૭૭-૧૮૨
~ સંજય ચૌધરી
Sanjay Chaudhary <srchaudhary@gmail.com>