આસ્વાદકોના કલામને સલામ…! (૩- ભાગ ૨) – ગઝલઃ ‘જીવ્યાં નહિ’ અને કાવ્યઃ ‘મજબૂર હું, મજબૂર તું’ ~ કવિઃ સપના વિજાપુરા ~ આસ્વાદઃ જયશ્રી મરચંટ

૧. ગઝલ – “જીવ્યાં નહિ…!” – ગઝલ

 પીડા વગર જીવી શક્યાં હોત, જીવ્યાં નહીં
આંસુને પણ ખાળી શક્યાં હોત, ખાળ્યાં નહીં

બેડી પડી પગમાં, હૃદય આ છે જખ્મોથી ચૂર
તોડીને એ ભાગી શક્યાં હોત, ભાગ્યાં નહીં

લઈને સહારો કોઈ ખભાનો રડીને અમે ,
જખ્મોને પણ સીવી શક્યાં હોત, સીવ્યાં નહીં

કરતાં રહ્યાં લાખો ગુના, દિલ દુભાવ્યા ઘણાં
તૌબા કરી, ઝૂકી શક્યાં હોત, ઝૂક્યાં નહીં

લેબલ લગાવ્યાં ધર્મના આ કપાળે જુઓ
માનવને પણ જાણી શક્યાં હોત, જાણ્યાં નહીં

આકાશને પામી હસી ના શક્યા આપણે
ધરતી ઉપર ચાલી શક્યાં હોત, ચાલ્યાં નહીં

“સપના” સુગંધી ફૂલ જેવા હતાં આપણાં
પાંપણ ઉપર રાખી શક્યાં હોત, રાખ્યાં નહીં

                                  – સપના વિજાપુરા

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

માણસનો પીડા સાથે  નાળનો સંબંધ છે. ગર્ભ ધારણ થતાં જ નવજાત શીશુ અવતરે નહીં ત્યાં સુધી ગર્ભના અંધકારમાં જીવતાં રહેવાની પીડાથી શરૂ થયેલી આ વેદનાનો અંત શ્વાસોના અંત સિવાય થતો નથી. બાળક પોતે તો જન્મ લઈને ગર્ભના તમસમાંથી તાત્કાલિક નિજાત પામી લે છે પણ એ પીડા જન્મ આપનાર માતાને પણ ભોગવવી પડે છે. દુઃખ, દર્દ, અનુભૂતિ, સમજ, સ્વસ્થતા, ક્રોધ, મોહ એ બધાં જ માનવીય સંવેદનાની જાગૃત ઉર્જાઓ છે. વિજ્ઞાને એ સાબિત કર્યું છે કે જગતમાં ઉર્જા કદીયે નાશ નથી પામતી પણ અન્ય કોઈ પ્રકારમાં Transform – પરિવર્તિત થાય છે અથવા તો અન્ય કોઈ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આ જ નિયમ પ્રમાણે, અંતરમાં અનુભવાતી વેદનાની ઉર્જા, આંસુમાં રૂપાંતરિત થઈ જાય તો એને રોકી શકવા સમર્થ તો છીએ, પણ ખરેખર, એ ઉર્જાનું શું વહનમાં રૂપાંતર કરી નાખવું એટલું સહેલું છે? શું આપણે એવું કરી શકીએ છીએ ખરાં?

જિંદગીની અવિરત ચાલતી સફરમાં સુખ અને દુઃખ પોતાની રફતાર સાથે ચાલ્યા કરતાં હોય છે. સફરમાં જખમી પણ થવાય છે. એવુંયે થાય કે અંતરમાં થતી આ જખમોની પીડા, કે, પછી મોહ, કે ક્રોધ, આ જિંદગીની રાહમાં આગળ વધવા માટે જંજીર બની જતાં હોય છે. જીવન તો ડગલે ને પગલે, સમય-સંજોગાનુસાર, આપણે કરેલી પસંદગીઓનું જ નામ છે. વેદના, વ્યથા, મોહ, ક્રોધની જે પણ બેડીઓ આપણને સફર આગળ ધપાવતાં  અવરોધે છે, એને તોડવા માટે Option of Choices – પસંદગીના વિકલ્પો ઘણાંય હોઈ શકે. છતાં ક્યારેક, એવુંયે થઈ જાય છે કે પગની જંજીરો જ હથકડી પણ બની જાય છે. અને, એ વખતે, પસંદગી માટે અનેક વિકલ્પો હાથવગાં ને સાવ આંખોની સામે હોવા છતાં, એને ઝડપી લેવા હાથ લંબાવી શકતાં નથી. અનાયસે શેર યાદ આવે છે કે,
“તોડવા જિંદાનને મજબૂત જિગર જોઈએ
 છોડવા માટે ય કોઈ એક તો ઘર જોઈએ”  

સુખ અને દુઃખ, બેઉ એના ક્રમમાં આવ્યા જ કરે છે. આ ક્રમનો કોઈ એવો કોઈ “સેટ આલ્ગોરિધમ” કે સમીકરણ નથી.  જે દિલની નજીક હોય એ જ મન અને હ્રદય પર ઘા કરે છે અને આઘાત આપે છે. આ જખમોને અન્ય કોઈની સામે ખુલ્લાં કરીને, કોઈના ખભા પર રડી લેવાત, તો કદાચ, એ પ્રક્રિયા પોતે જ, જખમ પર લગાવાતાં મલમનું કામ પણ કરી જાત. પણ, એમ કરતાં યારી, દોસ્તીની તોહિન થઈ જાત, એનું શું? જે વાત માત્ર બે જણ વચ્ચે હોત, એ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાત. કવયિત્રીને આ વાત મંજૂર નથી. અરે, અન્ય કોઈ સામે નહીં, તો જેણે જખમ આપ્યાં છે, એનાં જ ખભે, અવિરત વહેતાં આંસુના ધાગા વડે, સંબંધના ફાટી ગયેલા વસનને સીવી પણ શકાત. એ પણ ન થઈ શક્યું અને એનાં કોઈ કારણો આપ્યાં વિના જ, છૂટી ગયેલા સંબંધની લાજ રાખવા, કવયિત્રી એક પ્રકારે “સરંડર” કરીને, ઘુંટણો ટેકી દે છે. વફાનું આનાથી વધુ ઉર્ધ્વગામી અંતિમ બીજું શું હોઈ શકે?
“હૈ ઈસીમેં પ્યાર કી આબરૂ, વો જફા કરે મૈં વફા કરું.”  

કોઈનુંયે દિલ દુઃખાવીને કદી આરામ નથી મળતો છતાંયે, કોણ જાણે કેમ, માણસો પર હાવી થઈ જાય છે, એમનો ઈગો, મિથ્યાભિમાન, કે હુંપણું! અને પછી,  જાણતાં-અજાણતાં આપણે બીજા કોઈને દુઃખ પહોંચાડીએ છીએ. આવું જો થાય તો, એ એક ક્ષણમાં, ‘હુંપણું’ બાજુ મૂકીને, માફી માગી લઈએ તો એ સામી વ્યક્તિને અને સ્વયંને પણ માફ કરી શકીએ.
“દુઃખાના દિલ કિસી કા, હૈ ગુનાહ, જાનકર ભી
રુલાકર કિસી કો ખુદ ઈન્સાં બેઝાર સા ક્યું હૈ?”

માણસની ઓળખ ધર્મના હિસાબે કે નામે થતી નથી. માણસાઈથી મોટો કોઈ બીજો ધર્મ નથી. માણસને જાણ્યાં વિનાં માણસાઈને સમજવી કે સમજાવવી કે સ્વીકારવી, શક્ય જ નથી. આ સાદા સત્યનો આત્મસાત જ માણસને માણસ તરીકે પરખી શકે છે.

એવું કહેવાય છે કે, બ્રહ્માંડ પાસેથી જે ઈચ્છો એ જ મળે છે. પણ, એનાં પહેલાં, માગવું શું છે અને જે માગ્યું એ મળી ગયું છે, એ જાણવાની કે માણવાની ક્ષમતા કેળવાઈ છે ખરી? પોતાની ક્ષમતાને સમજવું, માગવું, અને પામવું- આ બધી ક્રિયાઓમાં જો વિસંગતિ કે વિસંવાદિતા હોય તો ઊડવા માટે માગેલું આકાશયે આખું મળી જાય પછી પણ અફસોસ જ બાકી રહી જાય છે કે, આનાં કરતાં તો ધરતી પર જ ચાલીને જીવ્યાં હોત તો કયું આભ તૂટી પડવાનું હતું?  કવિશ્રી અનિલ ચાવડાની પંક્તિઓ યાદ આવે છે કે,
“અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે!

ગઝલના મક્તામાં એક નમણાશ પણ છે અને, જિંદગીમાં ન કરેલી પસંદગીઓ માટે અફસોસ પણ છે. પણ આ અફસોસ, “સપના અને ફૂલો”ની મૃદુતાના અવરણમાંથી સહેજ માત્ર ડોકિયું કરે છે  અને સમસ્ત ગઝલ પર હાવી થઈને, ગઝલને નિમાણી નથી કરતો. આ જ તો બહેન સપનાની ગઝલનું ‘જમાલે-હુસ્ન’ છે.
“સપના સુગંધી ફૂલ જેવા હતાં આપણાં
પાંપણ ઉપર રાખી શક્યાં હોત, રાખ્યાં નહીં”

વાલ્કાવ હાવેલ, (ઝેક રિપબ્લિકના પહેલા પ્રેસિડન્ટ અને ઝેક સાહિત્યના જાણીતા લેખક, કે જેમણે નિબંધો અને નાટકો લખ્યાં છે) એનાં એક નિબંધમાં કહે છે કે, “Life is not a phenomenon happening to you. Life is a result of the active choices one makes at every walk of a living moment.” અર્થાત્, જિંદગી માત્ર પોતાની મેળે થયા કરતી ઘટના નથી પણ જીવાતી અને જીવતી, દરેક ક્ષણે, આપણે કરેલી પસંદગીઓનું પરિણામ છે.

આ ગઝલમાં દેખીતી રીતે, ન કરેલી પસંદગીઓનો મહિમા ગવાયો છે એવું પહેલી નજરે લાગે, પણ જરાક સૂક્ષ્મતાથી તપાસીએ તો સમજાય છે કે કવયિત્રી જે પસંદગીઓ કરી છે, એ ધ્વનિનાં પડઘાં તો અંતરમનમાં પડે છે. પોતે કરેલી પસંદગીઓ ખોટી કરી છે, એવું સહજ રીતે, બારીકાઈથી કહી જવામાં, સત્યને સ્વીકારવાનું જિગર હોવું જોઈએ! અને, જ્યારે એ સત્યનો સ્વીકાર કવિતામાં થાય છે ત્યારે, કવિતા પરમ સુધી લઈ જવાનો જરિયો બને જ છે, પણ એનાં શબ્દો ભાવકના મનોજગતમાં નાનકડો દીવડો ટમટમાવી જાય છે. આવું જ આ ગઝલમાં પણ અનાયસે બન્યું છે. બહેન સપનાને  અઢળક અભિનંદન.

બહેનશ્રી સપના વિજાપુરાની નોંધ લીધાં વિના, ડાયસ્પોરાના કવિઓની સૂચિ પૂર્ણ થાય નહિ. એમની કલમ સુંદર ગઝલોનું સતત સર્જન કરતી રહે એવી શુભકામના.

(૨) “મજબૂર હું, મજબૂર તું….” – ગઝલ

ના અંતર આ ઘટે , મજબૂર હું, મજબૂર તું પણ છે
ક્ષણો વરસો બને , મજબૂર હું, મજબૂર તું પણ છે

ગતિના ચક્રમાં ફર્યા કરીએ આપણે બંને ,
નહીં વર્તુળ ખૂટે ,મજબૂર હું, મજબૂર તું પણ છે

નગર સૂમસામ આખું છે ને સન્નાટો હૃદયમાં પણ
ન કોઈ સાંભળે , મજબૂર હું, મજબૂર તું પણ છે

નથી આપી નિશાની કઈ, નથી કોઈ છબી મુજ પાસ
છે સ્પંદન ટેરવે ,મજબૂર હું, મજબૂર તું પણ છે

મહેંકે શ્વાસ ને આ રાત પણ મહેંકી ઉઠી કેવી
સ્મરણ કઈ વિસ્તરે, મજબૂર હું , મજબૂર તું પણ છે

સમાજો ને રિવાજો પણ ચડાવે પ્રેમને શૂળી
અમર આ પ્રીત બને , મજબૂર હું, મજબૂર તું પણ છે

અલગ સપના છે તારાં ને હવે મારાં નયનમાં તો,
ભલે ‘સપના’ રડે , મજબૂર હું , મજબૂર તું પણ

– સપના વિજાપુરા 

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

સંબંધો, યારી, દોસ્તી, બધું દેખાય છે એમ સરળ કે ગૂંચવણો વિનાનાં ક્યારેય નથી હોતાં. Relationships, by nature, are complicated. સંબંધોના તાણાંવાણાં ખૂબ જ જટિલ હોય છે. દરેક સંબંધોમાં મતભેદ હોય છે. આ હકીકતનો સ્વીકાર કરી લેવાય તો અચાનક આવી જતી દૂરીને અતિક્રમવું શક્ય બને છે. પણ, રહેતાં રહેતાં, મતભેદ જો મનભેદ બની જાય તો પછી બે જણ વચ્ચેનું અંતર, સમય જેમજેમ પસાર થતો જાય, તેમતેમ, એટલું વધી જાય છે કે ફરી એક જ ફલકવાળી ભૂમિ પર ખૂબ ઈચ્છવા છતાંયે સાથે ઊભાં રહી શકાતું નથી. એનું એક જ કારણ છે, અને એ કે, પ્રેમ હોવા છતાં, “હું” બેઉને નડે છે. આપણને ખબર પણ ન પડે એમ, આ “હું” જ, એટલે કે આપણું કહેવાતું સ્વાભિમાન જ આપણી લાચારી બની જાય છે. આના પછી ભલેને, સમયની ધરી પર ફંગોળાતાં આપણે, સંબંધના વર્તુળમાં ગોળગોળ ફર્યા કરીએ, પણ, મનભેદના ચક્રવ્યૂહને ભેદીને બહાર જવાનો એક જ રસ્તો છે અને તે એ છે કે, કોઈ જાતના પૂર્વાગ્રહ અને શરત સિવાય, એકમેકને મનથી માફ કરી દો. પણ, આપણાંથી એ પણ નથી થતું! કારણ, માફી માગનારાને માફ કરી દેવા માટેની હ્રદયની વિશાળતામાં, વિષ બનીને દૂરતા ધીરેધીરે પોતાનું સિમેન્ટ અને કોંક્રીટનું પાકું ઘર બાંધી લે છે. અહીં યાદ આવે છે, જાવેદ અખ્તરની ગઝલનો મતલો –
“ક્યું જિંદગી કી રાહ મેં, મજબૂર હો ગયે
 ઈતને હુએ કરીબ, કે, હમ દૂર હો ગયે”

દૂરી અને મજબૂરી અનુભવતાં સંબંધો, માનીએ કે ન માનીએ, કહીએ કે ન કહીએ, મન પર છાને ખૂણે કબજો તો લઈ જ લે છે. અને, ત્યાર પછી માત્ર હ્રદયમાં જ નહિ, પણ સમારંભોમાં, મેળામાં, કે સમસ્ત શહેરમાં, એક સૂમસામ જંગલો જેવી જ અનુભૂતિ થાય છે.

ઘણીવાર પ્રિયપાત્રના વિરહમાં જન્મેલી એકલતાની અનુભૂતિ, કોઈ છબી કે અન્ય કોઈ નિશાનીઓનો તાદ્રશ આધાર લેવાતાં સહ્ય બને છે પણ, એવો કોઈ સહારો જ ન હોય તો? કોઈ ઐહિક કે લૌકિક પ્રતીકો ન હોય ત્યારે પ્રિયજનની યાદમાં, સાથે માણેલાં સહજ સથવારાના સ્પર્શો વન બનીને, ટેરવેટેરવે ઊગી નીકળે છે, અને, પ્રિયતમનો સાથ ‘ન હોવાની આહટ’ આ વનોમાં સતત સંભળાતી રહે છે.

ટેરવે ઊગેલાં સ્પર્શાના વનમાં, માણેલાં સાથના પુષ્પો ભલે કરમાઈ ગયા હોય પણ એની સુગંધ તો હવામાં પ્રસરેલી હોય છે. આ જ સુગંધ શ્વાસોને મહેકતાં રાખે છે અને રાતભર સેજ, પથારી, તકિયા ને ચાદર બધું મહેકાવતાં પણ રહે છે. ગુલઝારસાહેબની કવિતા યાદ આવે છે,
“રાત-સવારે, શામ યા દોપહરી, બધ આંખોમેં
લે કે તુમ્હેં ઊંઘા કરેંગે હમ.
રાતભર તકિયે ચાદર મહેકે રહેતે હૈં,
જો તુમ ગયે, તુમ્હારી ખુશ્બુ સૂંઘા કરેંગે હમ!”  

એવું નથી કે પ્રિયતમના વિરહને કે એની સંવેદનાને જમાનો સમજી જાય અને સાંત્વના આપે! સમાજો અને રિવાજોનો આયનો તો વિરહનું પ્રતિબિંબ સામે ધરીધરીને મનનો તલસાટ વધાર્યા જ કરે છે. લયલા-મજનુ, હિર-રાંઝા બધાંએ તો માત્ર પ્રેમ કર્યો પણ એમના એ નિષ્ફળ પ્રેમને અમરતા આ જમાનાએ જ તો આપી.
“આપણે તો બે ડગ સાથમાં માણવાંના હતાં
પણ જમાનાએ છૂટાં કરીને અમર જો કર્યાં!”
આ બધાંનો કોઈ પ્રાસંગિક જવાબ ન ત્યારે હતો કે ન આજે છે. સંબંધોનો ન કોઈ નકશો હોય છે કે ન કોઈ જી.પ.એસ! રિલેશનશિપનાની અજાણી રાહ પર  આવતાં બધાં જ મોડ આંધળા હોય છે.  એવા કોઈ એક અજાણ્યા મોડ પર જઈને રિશ્તો બસ, મજબૂર બની જાય છે.
“સમાજો ને રિવાજો પણ ચડાવે પ્રેમને શૂળી
અમર આ પ્રીત બને , મજબૂર હું, મજબૂર તું પણ છે”

એક શેર યાદ આવે છે,
“વસ્લ કા નગમા ભી છેડો તો ક્યા હોગા?
સબ કી નજરેં હિજ્ર કી બાતોં પે હી હૈ!”   (વસ્લ = મિલન, હિજ્ર = વિરહ)

મક્તો આવે છે અને ગઝલનું સમાપન કરતાં, એક આછી વિજળી ચમકી જાય ને જે તેજનો લશ્કારો-ચમકદમક મૂકી જાય એ રીતે કવયિત્રીએ સપનાઓને અને લાચારીને વેદનાની ટર્ફ પર મુક્ત બનાવીને રમાડ્યાં છે.
“અલગ સપના છે તારાં ને હવે મારાં નયનમાં તો
ભલે ‘સપના’ રડે , મજબૂર હું , મજબૂર તું પણ!”
દૂરી એ રીતે વધી ગઈ છે કે સપનામાં પણ એકસરખાં કે એકમેક સાથે હોવાનાં સપનાં હવે જોવાતાં નથી! આ પરિસ્થિતિમાં ‘સપના’ (જે કવયિત્રીનું તખલ્લુસ પણ છે) પણ રડ્યાં કરશે તોયે થાય શું? ‘મજબૂર હું, મજબૂર તું!’ – વાહ! ગઝલ અહીં સિંહ છલાંગ મારીને વાચકના ભાવવિશ્વમાં એક ચમક મૂકી જાય છે.

બહેન સપનાને ખૂબ ખૂબ અભિનંદન અને સુંદર ગઝલોનું સર્જન અવિરત કરતાં રહે એ જ શુભેચ્છા.

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. “લેબલ લગાવ્યાં ધર્મના આ કપાળે જુઓ
    માનવને પણ જાણી શક્યાં હોત, જાણ્યાં નહીં.”
    “અલગ સપના છે તારાં ને હવે મારાં નયનમાં તો,
    ભલે ‘સપના’ રડે , મજબૂર હું , મજબૂર તું પણ”
    સરસ રચનાઓ….સરયૂ પરીખ

  2. ખૂબ સુંદર આસ્વાદ અને ખૂબ આભાર બંને ગઝલને. ખૂબ ચણાવટથી ન્યાય આપવા બદલ !!