નિર્વસ્ત્રા ઈશ્વરી ~ (ઉડિયા વાર્તા) ~ મૂળ લેખકઃ પ્રવીણા મહાંતિ ~ અનુવાદઃ ડૉ. રેણુકા શ્રીરામ સોની
(ઊડિયા લેખિકા પ્રવીણા મહંતાનો પરિચયઃ પ્રવીણા મહાંતિ ઉડિયા સાહિત્યની પ્રખ્યાત વાર્તાકાર છે, જેમણે સ્ત્રીજીવનના સૂક્ષ્મ અને ગાઢ અનુભવોને પોતાની કૃતિઓમાં જીવંત બનાવ્યા છે. તેમની વાર્તાઓમાં સમાજ, સંઘર્ષ અને માનવીય લાગણીઓનું ઊંડું ચિત્રણ જોવા મળે છે. “નિર્વસ્ત્રા ઈશ્વરી” જેવી કૃતિમાં તેઓ માનવતાની કસોટી અને સ્ત્રીની અસહાયતા વચ્ચેના સંઘર્ષને અત્યંત સંવેદનશીલ રીતે રજૂ કરે છે. પ્રવીણા મહાંતિની વાર્તાઓ માનવીય લાગણીઓના ઊંડાણમાં લઈ જાય છે અને ખાસ કરીને સ્ત્રીના અંતરના સ્વરનું શક્તિશાળી પ્રતિનિધિત્વ કરે છે. તેમની કૃતિઓ માટે તેમને ઉડિયા સાહિત્યમાં પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે અને વિવિધ સાહિત્યિક મંચો પર અનેક પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.)
લક્ષ્મી આંબાની ટોચે શી રીતે ચઢી ગઈ ? એને ઝાડ પર ચઢતા ક્યાં આવડે છે ? એણે પોતે પણ ચઢવાનો પ્રયત્ન નહોતો કર્યો. ભયાનક પૂરમાં દરિયાની બાજુથી ત્રીસ ફૂટ મોજા ઉછળી આવ્યા. એમાં પોતાના ઘરમાંથી તણાઈ આવી. જીવ બચાવવા હાથમાં જે આવ્યું એણે જકડી લીધું. એ આંબાની ટોચ હતી. સુસવાટા મારતા પવનની સાથે દરિયો આગળ ધસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ફીણ જ ફીણ. ઘરબાર કંઈ દેખાતું નથી. તણાઈ આવતા માણસો અને જીવજંતુની વ્યાકુળ ચીસો પવનના સૂસવાટામાં સંભળાતી નહોતી.

લક્ષ્મી ચમકી. પચાસેક વરસનો આધેડનો પુરુષ ઝાડની ડાળી પકડી લટકી રહ્યો હતો. લક્ષ્મીએ પાણીથી લથપથ પોતાની સાડી સરખી કરવાનો પ્રયત્ન કર્યો. માણસને પોતાની આટલી નજીક જોઈ તેને બેચેની થઈ. માણસે પરિસ્થિતિ સહજ કરવા માણસે ઉપર નજર નાખી પૂછ્યું, “દીકરી તારું ગામ કયું? તું કોની વહુ ?”
જાણે કેટલાય જન્મો પછી માણસનો અવાજ કાને પડ્યો. ભયાનક પૂરમાં એકલી બેસીને પકૃતિના વિકરાળ સ્વરૂપ જોઈને એ ખૂબ ડરી ગઈ હતી. બીજા માણસની હાજરીથી એને જરી શાંતિ થઈ. પણ સંકોચથી તે વધારે સંકોચાઈને બેઠી.
“દીકરી મારી બીક લાગે છે ? મારો ડર રાખીશ નહીં. તું જરી સરખી બેસ. ડાળ બિલકુલ છોડતી નહીં. હે ભગવાન, આ કેવી લીલા છે તારી? સંસાર ઉજાડી તને શું મળશે?” માણસ ધર્મ ભીરુ લાગે છે. તેના પર ભરોસો કરી શકાય. જોકે આવા કુદરતી પ્રકોપમાં ભરોસો કરવા ન કરવાનો સવાલ ક્યાં ઉભો થાય છે ?
પુરના વહેણમાં માણસ, ઢોર, પશુ પક્ષી કેટલાય જીવ તણખલાની જેમ તણાઈ રહ્યા છે. ઘરબાર, ધાનથી ભરપુર ખેતરો, વાડી બધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આહા ! નારાયણે આ વખતે કેટલી મહેનત કરી હતી. ચાર પાંચ દિવસ પહેલાં જ ખેતરેથી પાછો આવી બોલ્યો હતો, “લક્ષ્મી ! આ વખતે તો કુદરતે આપણા ઉપર મહેર કરી છે. ખેતરમાં સોનું ઊગ્યું છે. લણાઈ જશે પછી તને સોનાનો હાર ઘઢાવી આપીશ.”
ક્યાં ગયો નારાયણ? બે દિવસ પહેલા કોઈ કામ માટે ભુવનેશ્વર ગયો છે. પાછો આવશે ત્યારે પોતાના ઘર બાર, વાડી ખેતરની હાલત જોઈ એને શું નું શું થઈ જશે ! લક્ષ્મીને બીક લાગી. આ વરસાદ અને વાવાઝોડામાં એ પાછો આવી ગયો હશે તો ? હે માતાજી, એ પાછો ના આવ્યો હોય તો સારું. જ્યાં હોય ત્યાં સારો હોય. જતી વખતે કહેતો હતો, “બધાં વાતો કરે છે કે વાવાઝોડું આવશે. દરિયા કિનારે રહીને વાવાઝોડાથી બીવાય ? કેટલાય વાવાઝોડા આવે ને જાય, આપણે માથું નમાવી સહન કરીએ અને ફરી માથું ઊંચું કરી ઊભા થઈ જઈએ. લક્ષ્મી, તું જરી યે બીતી નહીં. સાંકળ વાસીને અંદર રહેજે. કંઈ નહીં થાય.”
નારાયણના કહેવા પ્રમાણે વરસાદ વાવાઝોડું શરું થયું કે તરત બારણું બંધ કરી ઘરમાં ઘુસી ગઈ. જેમ જેમ વાવાઝોડું વધતું ગયું એમ એને વધારે બીક લાગી. ઘરનું છાપરું ઉડી ગયું એટલે ખાટલા નીચે જઈ બેઠી. ખાટલા નીચે પેટી, કપડાંલતા, ઓઢવા પાથરવાનું વગેરે બને એટલી વસ્તુ ખેંચી લાવી. પણ એનાથી શું થાય? ઉપરથી મુશળધાર વરસાદ વરસતો હતો. ઘરની માટીની દીવાલ પલળતી હતી. ભોંય પર કાદવ થઈ ગયો હતો.
પતરાની પેટીમાં નારયણના બધાં પૈસા, લક્ષ્મીના બે ચાર ઘરેણાં હતાં. વરસાદમાં ભીંજાઈને એણે પેટીમાંથી રૂપિયા અને ઘરેણાં કાઢી પાલવમાં બાંધી લીધા. ચોખા, ડાંગર. મગ, અડદની ગુણો પાણીમાં પલળી ગઈ. એકલી સ્ત્રી કરે પણ શું ? આ બધું કંઈ ખાટલા પર ન ચઢાવી શકે. ત્યાં ચઢાવે તો પણ ભીના તો થાય ને ? ઘરમાં કેટલું બધું પાણી પડે છે. વરસાદ થંભવાનું નામ લેતો નથી. દિવસ છે એટલે બધું દેખાય છે, અંધારું થશે એટલે કંઈ નહીં દેખાય. ચીમની, ફાનસ દીવાસળી બધું પલળી ગયું. એક બાજુની દીવાલનો એક ભાગ ધસી ગયો. લક્ષ્મી બીકની મારી લાકડા જેવી થઈ ગઈ. દીવાલો જો ધસી જશે તો એ ચોક્કસ મરી જશે. એના પેટમાં રહેલું બાળક પણ મરી જશે. તેને ખુબ રડવું આવ્યું. વ્યાકુળ બની એ બધાં દેવી દેવતાઓને યાદ કરવા લાગી. બીકમાં બધાં નામ પણ ક્યાં યાદ આવે છે ?
બહારથી કોઈ એ બૂમ પાડી, “ અલી લખી, ઘરમાંથી બહાર નીકળ, પાણી ગામમાં આવી ગયા છે.” લક્ષ્મી ઘર છોડીને ક્યાં જાય ? નારાયણ તેના ભરોસે ઘરબાર છોડીને ગયો છે. કેટ કેટલી મહેનતથી ભેગી કરેલી સંપતિ છોડીને તે કેવી રીતે જાય ?
દીવાલ ઓળંગીને ફીણ વાળું ખારુ પાણી ઘરમાં પેઠું. કંઈ સમજાય પહેલાં તો લક્ષ્મી પાણીના વહેણમાં તણાઈને ક્યાંયની ક્યાંય પહોંચી ગઈ! કોણ જાણે ક્યાંય સુધી આમ વહેતી રહી, હાથ પગ હલાવતી તરવાનો પ્રયત્ન કરતી રહી, ત્યાં તો કંઈ હાથમાં આવ્યું તે પકડી લીધું અને આંબા જોડે ચોંટી ગઈ.
તેની નજીકથી કેટલાય લોકો નિઃસહાય તણાઈ જતા હતા. કોઈનો હાથ તો કોઈનું માથું દેખાય કે કયાંય ક્યાંયના ક્યાંય તણાઈને જતાં રહે. ચારે બાજુ ખાલી પાણી જ પાણી- સફેદ ફીણ વાળું પાણી. જે બધાં તણાઈ જાય છે એમાંથી તેનું કોઈ ઓળખીતું પણ હશે. એના પોતાના સગાવહાલાં તો દૂર ગામડામાં રહે છે. આ બધાં તો સાસરી બાજુના પડોસી, ક્યાંયના ક્યાંય તણાઈ ગયાં. જે લોકો પાકા ચણેલા મકાનમાં રહે છે એ લોકો કદાચ બચી ગયા હશે. કાચાં મકાનોનો કોઈ નામો નિશાન નહીં હોય.
વરસાદ થોડો ધીમો પડ્યો પણ પવનનો પ્રકોપ તો એવો ને એવો હતો. આજુબાજુના ઝાડ આછા અજવાળામાં હવે દેખાતાં હતાં. પાણી ઉતર્યા પછી તે કેવી રીતે નીચે ઉતરશે, એ નહોતી જાણતી. અત્યાર સુધી એ એક પણ શબ્દ બોલી ન હતી, પણ તેનાથી બે હાથ નીચે લટકી રહેલા માણસ વિષે એ બધું જાણી ગઈ હતી. એ માણસની પત્ની, દીકરો, વહુ, દીકરી, પૌત્ર, પૌત્રી થી હાર્યો ભર્યો સંસાર હતો. અત્યારે કોણ ક્યાં છે ખબર નથી.
પૂરના પાણી ઘરમાં ઘુસે એ પહેલા તેમને સુરક્ષિત જગ્યાએ જતા રહેવાનો ડોસાએ આગ્રહ કર્યો હતો. એ લોકો મહાજનના પાકા મકાન સુધી પહોંચ્યાં હશે કે નહીં કોણ જાણે? પોતે પતિ-પત્ની ઘરની સંભાળ રાખવા બેસી રહ્યાં. પાણી ઘરમાં પેઠું એટલે ખાટલા ઉપર ચઢી ગયા. ખાટલા ઉપર પાણી આવ્યું એટલે માળિયા ઉપર ચઢી ગયા. ત્યાં પણ બચી ન શક્યા. એક બીજાનો હાથ પકડી વહેણમાં તણાઈ ગયા. ક્યારે એક બીજાના હાથ છૂટી ગયા ખબર ના પડી. માણસ રડતો ન હતો. એને વિશ્વાસ હતો કે ભગવાનની દયાથી એના ઘરવાળા જયાં હશે ત્યાં સુરક્ષિત હશે. આવી વિપદામાં એની પત્નીના વ્રત, ઉપવાસ પૂજા પ્રાર્થના કંયા વ્યર્થ જવાના હતા? પણ લક્ષ્મીને નારાયણની ચિંતા થતી હતી. એ અધવચ્ચેથી પાછો નહીં આવી ગયો હોય ને ? પૂરમાં તણાઈ ગયો નહીં હોય ને ?
ફરી પાણીનો જવાર આવ્યો. એમાં નિસહાય માણસો તણાતા હતા.
“એક લાંબી સાડી હોત તો કેટલાક લોકને મોતના મોઢામાંથી બચાવી શકાત. ડોસો બોલતો હતો. પોતે ત્રણ હાથ લાંબો લાલ ગમછો પહેર્યો હતો. એ કંઈ કામ ન લાગે. લક્ષ્મી એ પોતે પહેરેલી સાડી જકડી લીધી. એના શરીર પર એકલી સાડી જ હતી, ચણિયો, બ્લાઉજ કંઈ હતું નહીં. ઘરમાં તે સુતરાઉની જાડી સાડી વીંટાળીને ઘર કામ કરતી હોય.
તે એકલી સાડી પહેરીને પાણીના વહેણમાં તણાઈ આવી છે. કમરે જોરથી ગાંઠ બાંધી સાડી પહેરી હોવાથી નીકળી નથી ગઈ. નહિતર પાણીનું જે જોશ છે, એમાં સાડી બાડી કંઈ એના શરીર પર હોત નહીં. યુવાન લક્ષ્મી ખાલી નામની લક્ષ્મી નહીં રૂપે ગુણે પણ લક્ષ્મી હતી. એની એક ઝલક મેળવવા માટે ગામના પુરુષો તાકીને બેસી રહેતા. નારયણે એને એકલી ઘરની બહાર નીકળવાની મનાઈ કરી હતી. એના બાપાએ મા બાપ વગરના છોકરા નારાયણ સાથે પરણાવી હતી.
નારાયણ દેખાવે સામાન્ય, પણ પાણીદાર છોકરો. પોતાના નાના એવાં ખેતરમાંથી સખત મહેનત કરીને સોનું ઉપજાવે. કોઈ પાસે, કોઈ દિવસ હાથ ફેલાવવો પડે નહીં. ઉપરથી બીજાને મદદ કરે એવો ઉદાર. પણ ક્યાં હશે નારાયણ? એને જો કંઈ થયું તો એના વગર લક્ષ્મી કેવી રીતે જીવશે ?
“આહ ! એક સાડી હોત તો !” માણસ ફરી વાર બોલ્યો.
લક્ષ્મીની આંખોમાં આસું આવ્યા. પાણીના વહેણમાં તણાઈ જતો દરેક માણસ એને પોતાનો સગો લાગ્યો. મા બાપથી વિખુટા પડી તણાઈ જતાં નાના બાળકોમાં એને પોતાનું ગર્ભસ્થ બચ્ચું દેખાયું. તે ખુબ વ્યગ્ર બની ગઈ. બીજી ક્ષણે, કોઈ વિચારી પણ ન શકે એવું પગલું ભર્યું. આ શરમાળ ગ્રામ્ય વધુએ. પોતાની એક માત્ર સાડી એક હાથેથી કાઢી વૃદ્ધના હાથમાં લંબાવી દીધી અને વૃક્ષની આડમાં પોતાના નગ્ન શરીરને છૂપાવવા મથતી રહી.
માણસ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. એ પછી એણે ખુબ જલ્દી સાડી નો એક છેડો ઝાડ સાથે બાંધી બીજો છેડો ડૂબતા માણસો તરફ નાખ્યો. સાડીના છેડે બાંધેલા ઘરેણાંએ તેને પાણીમાં નાખવામાં મદદ કરી. એક પછી એક માણસ એ સાડી પકડી આંબાના આશ્રયે આવ્યા. આમ પાંચ માણસો ને બચાવ્યા પછી સાડી જર્જરીત થઈ ગઈ. બીજા એક માણસને બચાવવા ફેંકી કે ડાળ તરફનો છેડો ફાટી ગયો અને સાડી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ.
જીવ બચી ગયા પછી આશરો લીધેલા માણસોએ શાંતિનો શ્વાસ લીધો, પછી એક બીજાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પૂછપરછ કરતી વખતે બધાંની નજર ઉપર બેઠેલી નગ્ન નારી પર પડી. હજુ હમણા જ મોતના મુખમાંથી પાછા ફરેલા લોકોની આંખોની લોલુપતા એમને માણસ નામના જંતુ કે પશુ સાબિત કરતી હતી. એ લોકો ધીમેધીમે ઉપરની બાજુ ચઢી, લક્ષ્મીની નજીક જવાનો પ્રત્યત્ન કરતાં હતાં. બિચારી લક્ષ્મી લાચારીથી પોતાને એ લોકોની નજરથી બચાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. આ જ વિકૃત કામી પુરુષોને એણે પોતાની લજ્જાના ભોગે બચાવ્યા છે.
દુર્ગા ‘મા’ એ એકવાર પૃથ્વી પરનો પાપનો ભાર ઓછો કરવા વિવસ્ત્રા બની મહિસાષુર મર્દન કર્યું હતું. સતી અનસુયાએ પોતાનું સતીત્વ સાબિત કરવા વિવાસ્ત્રા થઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પુત્ર તરીકે ખોળામાં લઈ સ્તન પાન કરાવ્યું હતું. માતૃત્વનો મહિમા દર્શાવ્યો છે. જે સ્ત્રીએ પોતાની લજ્જાના વિનિમયમાં બીજા કેટલાક જીવ ને બચાવ્યા, એનો મહિમા કંઈ નાનો સુનો નથી.
“એ ડોસા આઘો ખસ, ઉપર જવા દે.” એક માણસે કહ્યું.
“ખબરદાર, જે જ્યાં છો ત્યાં જ રહેજો. નહિતર ફરી એકવાર પાણીમાં નાખી દઈશ” એ લોકો નો બદઈરાદો જાણીને વૃદ્ધ માણસે કહ્યું.
ખૂબ અશ્લીલ ભાષામાં એ લોકોએ લક્ષ્મી અને વૃદ્ધના સંબંધ પર આક્ષેપો કર્યા. એ જ વખતે પવનના મારથી ઝાડ હલવા લાગયું. આટલાં બધાં લોકોના ભારથી ઝાડ તૂટી જશે કે શું?
“ચૂપ મરો બધાં! તમારા જેવા પાપીઓનો ભાર આ ઝાડ ઝીલી નહીં શકે. તમે બધાં ફરીથી પાણીમાં પડીને મરશો, જાનવરો ! ઉપર જે બેઠી છે તે કોણ છે ખબર છે તમને ? એ તમારી ;મા’ છે. એણે તમને ફરી જનમ આપ્યો છે, પોતાની સાડી ફેંકી, ખેંચી તમને બચાવ્યા છે. એ ‘મા’ પર પાપી નજર નાખી, એના માટે ગમે તેવા શબ્દો વાપરતા તમારી આંખો કેમ ફૂટી જતી નથી, જીભ પડી જતી નથી.” વાતાવરણ ભારેખમ થઈ ગયું. હલતું ઝાડ પણ સ્થિર થઈ ગયું. બધાં સ્તબ્ધ થઈ ગયાં, જાણે જડ બની ગયાં.
લક્ષ્મી હવે હલન ચલન કરતી નથી કે પોતાને ઢાંકવાનો પ્રયત્ન પણ કરતી નથી. અંધારું ગાઢ થતું ગયું. વરસાદ વાવાઝોડું થંભવાનું નામ લેતા નથી. જીવ બચાવવા માટે ઝાડ ને જોરથી પકડી બધાં બેઠા. જરી બેધ્યાન થયા કે ઝોકું આવ્યું તો પડ્યા સમજો.
રાત પછી સવાર પડે. મહાપ્રલયની રાત છેવટે પૂરી થઈ. પરોઢ થયું. આકાશમાં સૂરજ દેખાતો ન હોવાથી સમય જાણવો મુશ્કેલ હતો.

જવાર ઓછો થયો. વરસાદ પણ થંભી ગયો. એક હોડી દેખાઈ. આકાશમાં હેલીકોપ્ટર પણ દેખાયું. હોડી આંબા પાસે ઊભી રહી. તેમાં સવાર આશ્રિતો કુદી પડ્યા. વૃદ્ધે કહ્યું, “દીકરી, પાણી ઓછું થયું છે. તું ધીમેથી હોડી ઉપર આવ. પાણી સાવ ઓછું થઈ જશે તો તું ઝાડ પરથી નીચે નહીં ઉતરી શકે.”
ઉપરથી કોઈ જવાબ આવ્યો નહીં. ઝાડને વળગીને રહેલી સ્ત્રીના શરીરમાં પ્રાણ હોય એવું લાગ્યું નહીં.
“ઓહ ! એનામાં જીવ નથી લાગતો. કેવી ભલી છોકરી, આ સંસાર છોડી જતી રહી. ભગવાન એના આત્માને શાંતિ આપજે.” ઈશ્વર ભક્ત માણસ લાંબો નિસાસો નાખતા બોલ્યો.
“ઉપર જઈ જોવું છે ?” કોઈ એક જણ બોલ્યું
“ના, કંઈ જરૂર નથી. એ ત્યાં ભલે શાંતિથી બેસી રહે.” અજાણી છોકરી માટે વૃદ્ધનું હૃદય પ્રેમથી ઉભરાતું હતું. એના નિર્જીવ નગ્ન શરીર પર કોઈની લોલુપ નજર ન પડે એવું એણે ઈચ્છ્યું. પછી કોઈએ આગ્રહ કર્યો નહીં. પોતપોતાના સ્વજનોની ભાળ મેળવવા બધાં વ્યાકુળ હતાં. આવામાં બીજાની ક્યાં ચિંતા કરે ?
વૃદ્ધ થોડે દૂર સુધી હોડીમાં ગયો અને પછી કંઈ વિચારીને તરતો તરતો પાછો આંબા પાસે આવ્યો. છોકરી જો મરી નહીં હોય તો ? અત્યાર સુધી એ એક અક્ષર બોલી નથી. મૂંગી હશે તો ? આંબા પર ચોંટી રહેલી ફાટેલી સાડીનો કકડો કાઢી એણે કમરે વીંટ્યો. પોતાનો ગમછો કાઢી ઉપર ચઢી છોકરીને લંબાવ્યો. છોકરીનું શરીર હલ્યું. જીવતી લાગે છે. પોતાના ખુબ નજીકના માણસને જીવતો જોઈ જેવો આનંદ થાય, વૃદ્ધ એટલો ખુશ થયો.
“દીકરી, પાણી ઉતરી ગયું છે. નીચે ખુબ ચીકણું છે. મારી જોડે ધીમે ધીમે સંભાળીને ઉતર.“ લક્ષ્મીને ઝાડ પરથી ઉતરતા ખુબ વાર લાગી. નીચે આવી કાદવ વાળી ભોંય પર ઝાડને અઢેલી પગ લંબાવી બેસી ગઈ. ગમછો એના શરીર પર ઓઢાડી માણસ ત્યાં બેસી રહ્યો.

છોકરીનું સોનવરણું શરીર, કાદવ, ખારા પાણીથી લથપથ, બે દિવસથી ખાધા પીધા વગર પણ એટલું જ સુંદર લાગતું હતું. એને આવી હાલતમાં છોડી જાય તો શિયાળ, ગીધ જેવા સેતાન એને પીંખી ખાય. પોતાના પરિવારને શોધવા જવા એના પગ ઉપડ્યા નહીં. પારકી દીકરીને આવી હાલતમાં મૂકીને જાય તો તેની પત્ની, દીકરો, વહુ, પોતરા પોતરી ક્યાંય કાદવ પાણીમાં પડ્યા હશે, એમને કોણ મદદ કરશે ?

હેલીકોપ્ટરમાંથી નાસ્તાના પેકેટ પડે છે. લોકો લેવા પડાપડી કરે છે. ખારા પાણીમાં કેટલાંય બગડી જાય છે. વાવાઝોડાએ આ વિસ્તારના લોકોને કંગાળ કરી દીધાં છે. કાલે જેઓ પહોંચતા પામતાં હતાં, આજે અન્નક્ષેત્રની પગંતમાં બેઠા છે, કપડાં માટે લાઈનમાં ઊભા છે. એમનું માથું શરમથી ઝૂકી જાય છે. પેટની જ્વાળા માટે બધું કરવું પડે છે. ગરીબોને માન અપમાન જવું કંઈ નથી. તેમને હતું, એના કરતાં વધારે મળે છે. એક ટંક ખાવા માંડ માંડ મળતું હતું, અત્યારે બે ત્રણ ટંક સારું સારું ખાવાનું,, ખીચડી, પૂરી શાક, વળી બિસ્કિટ, પાંવ, કેક બધુ મળે છે.
ખાવાનાની જોડે કપડાં લત્તાં, ચાદર, બ્લેન્કેટ, વાસણ કુસણ વગેરે વહેંચાય છે. સ્વયંસેવકોના ટોળેટોળાં દેશ પરદેશથી પીડિતોને મદદ કરવા પહોંચી ગયા છે. ઠેકઠેકાણે સ્વાસ્થ્ય કેન્દ્રો અને અન્નક્ષેત્ર ખોલ્યા છે. મરેલા માણસો અને પશુના સડેલા શબની દુર્ગંધ ચારે બાજુ ફેલાઈ છે. સ્વયંસવકો અને સરકારી માણસો મૃત વ્યક્તિઓની ઓળખાણ કરે છે. જીવતા લોકોને વસાવવાનું કરે છે. માણસો, પશુઓના શવસંસ્કારની વ્યવસ્થા થાય છે. પણ કેટલાં લોકો મર્યા છે, કેટલાં તણાઈ ગયા છે, જીવે છે કે મરે છે, એ સંખ્યા જાણી શકાતી નથી.

આ બધાં કોલાહલથી દૂર ખેતર વચ્ચેના આંબા નીચે લક્ષ્મી એમની એમ બેઠી છે. વૃધ્ધ એનું કોઈ સસગું વહાલું આવે એની રાહ જોઈ બેઠો છે. ભગવાને તેને કેવી માયામાં લપેટી દીધો છે. તેને ખૂબ ભૂખ લાગી છે. પાસે બે નાસ્તાના પેકેટ પણ પડ્યા છે. એકમાં પાંવ, બિસ્કિટ કેક વગરે છે અને બીજામાં પૌવા, ગોળ છે. પણ ખાવાનું મોં માં જતું નથી. બે દિવસથી છોકરીના પેટમાં એક દાણો પડ્યો નથી ! આગ્રહ કર્યો પણ ખાધું નહીં.
કાદવમાં ચાલી ને સ્વયંસેવકો ત્યાં આવ્યા. માણસમાં હજુ દયા ધર્મ રહ્યો છે એટલે તો પૃથ્વી ટકી રહી છે. પાણી ઉતરી ગયા પછી માટી પર મીઠાનું આવરણ છવાઈ ગયું છે. ઊભો પાક માટીમાં દબાઈ ગયો છે. વાવાઝોડું આવ્યું ન હોત તો ખેડૂતોએ આ વર્ષે સોનું લણ્યું હોત. વચ્ચે વચ્ચે સઢેલાં શવની દુર્ગંધથી નાક ફાટી જાય છે.
નાક પર રૂમાલ દાબી એક સ્વયંસેવકે પૂછ્યું, “ ડોસા, આ છોકરીને શું થયું છે ?”
“ શું કહું સાહેબ, એની હાલત જુઓ છો ને ?” માણસ બોલ્યો.
તમારું નામ શું છે ?”
“નવઘન.”
“કયું ગામ તમારું ?”
નવઘને ગામનુ નામ કહ્યું. “હવે ક્યાં કોઈ ગામ રહ્યું છે ? આ વાવાઝોડાએ તો બધાં ગામ, વસ્તી બધું સાફ કરી નાખ્યું .”
“આ છોકરી તમારી શું થાય ?”
“સાહેબ મારી દીકરી છે.” નવઘન કેમ ખોટું બોલ્યો, એ તો એ જ જાણે.”
“છોકરીનું શું નામ ?”
“એનું નામ ઈશ્વરી.”
“ઈશ્વરી ?”
“અરે ! તમારી દીકરી પાસે સાડી નથી. તણાઈ ગઈ છે કે શું ? અલ્યા, આ છોકરીને એક સાડી અને આમને એક ધોતી આપો,” તમારી દીકરીનું નામ ખુબ સરસ છે હો, ‘ઈશ્વરી’. સ્વયંસેવક બોલ્યા.
નવઘન નવી બનેલી પોતાની દીકરીના ત્યાગની વાત કહ્યા વગર રહી શક્યો નહીં, શહેરી સાહેબો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. એ લોકોના કેમેરા સક્રિય બન્યા. આવી રોમાંચક વાત છાપામાં ફોટા સાથે છપાય તો વાહ વાહ થઈ જાય !
પણ નવઘને વિનયથી હાથ જોડી કહ્યું, “ સાહેબ, અમે ગરીબ લોકો. એકલી ઈજ્જત અમારી મિલકત છે. મારી દીકરી પરણેલી છે, પિયર બે દિવસ માટે રહેવા આવી હતી અને આવું થયું. મહેરબાની કરીને એનો ફોટો પાડો નહીં. એનો સંસાર નંદવાઈ જશે. મારી સોના જેવી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. એ ઈશ્વરી છે. લોકોની રક્ષા કરી એણે પોતાનું કામ કર્યું. ખુબ દુઃખ ભોગવ્યું એણે, આઘાતથી એ બોલી શકતી નથી. એને હવે એનું અપમાન ન કરો.” લક્ષ્મીની આડે નવઘન ઊભો રહી ગયો. સ્વયંસેવકો ફોટો પાડ્યા વગર ત્યાંથી જતાં રહ્યાં . એમના માટે સાડી, ધોતી અને ખાવાનું મુકી ગયા. આગળ આમનાથી વધારે દુઃખી કોઈ હશે. એમને શોધી કાઢવા પડશે.”
“દીકરી આ સાડી પહેરી લે, થોડું ખાઈ લે. પછી આપણાં ઘરવાળાને ખોળવા જઈએ.” નવઘને પ્રેમથી છોકરીને કહ્યું. એને ઊભી થવા મદદ કરવા ગયો. જોયું તો તેના બે પગ વચ્ચે થી લોહીનો રેલો વહે છે. “હે ભગવાન ! આ કેવી ઉપાધી?” પુરુષ માણસ, હવે શું કરે ? સ્વયંસેવકો પણ આગળ જતાં રહ્યા. કોઈ દેખાતું નથી. આવી હાલતમાં કોઈ બાઈ માણસ હોત તો કંઈ કરત.
“લખી… લખી… અરે ઓ લખી..” દૂરથી કોઈ જોર જોર થી બોલાવતું હોય એવું લાગ્યું. વાવાઝોડા થંભી ગયા પછી લોકો ગાંડાની જેમ પોતાના સ્વજનોને શોધતા ફરે છે. નવઘનની જેમ બીજાની જવાબદારી માથે લઈ કોણ આમ બેસી રહે ?
અવાજ નજીક આવતો ગયો. પોતાની પીડા ભૂલી લક્ષ્મીએ એ અવાજ તરફ કાન માંડ્યા. પછી ઝડપથી ઉઠીને એ દિશામાં દોડી. પોતાના શરીર પરનો ટુવાલ પડી ગયો, તેનું તેને ભાન ન રહ્યું. નવઘન એની પાછળ કપડાં લઈ દોડ્યો.
“લક્ષ્મી- તારી આ દશા કોણે કરી?” ખોવાઈ ગયેલી મહામુલી મૂડી પાછી મળી ગઈ હોય એમ એણે લક્ષ્મીને ઊંચકી લીધી અને પૂછ્યું. હાથમાં પકડેલા થેલામાંથી સાડી કાઢી લક્ષ્મીને ધરી. ભુવનેશ્વરથી એના માટે કેટલાં પ્રેમથી લઈ આવ્યો હતો.

લખમી નારાયણનું અપૂર્વ મિલનનું દૃશ્ય જોઈને નવઘનની આંખો ભરાઈ આવી. હવે તે નિશ્ચિંત બની પોતાના પરિવારને શોધવા જશે. એના ત્યાર આંગળી ચીંધી લક્ષ્મી કંઈ બોલવા ગઈ અને ચક્કર ખાઈ નીચે પડી. નારયણનું માથુ ફરી ગયું. આ માણસે લક્ષ્મી સાથે ખરાબ કામ કર્યું છે. એણે નવઘનને મારવા લીધો.
“બાપની ઉંમરનો થઈ આવું પાપ કરવામાં તને શરમ ન આવી. આજે હું તને નહીં છોડુ.”
લક્ષ્મી એ માંડ માંડ આંખો ખોલી નારાયણનો હાથ પકડ્યો. ધીમા સ્વરે બોલી, “છી એ મારો બાપ છે.”નારાયણનો હાથ પાછો પકડ્યો. નવઘને ટૂંકમાં બધી વાત કરી. “લક્ષ્મી વિવસ્ત્રા થઈ છે એ વાત સાચી, પણ તેની ઈજ્જત પર કોઈ આંચ નથી આવી. એ સીતા જેવી પવિત્ર છે.”
નારાયણ નવઘનની મદદથી લક્ષ્મીને સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગયો. આ કુદરતી આફતમાં એ લોકો બાળક ખોઈ બેઠા એનું નારાયણને ખૂબ દુઃખ થયું, પણ લક્ષ્મી બચી ગઈ. એણે આશ્વાસન આપ્યુ, “લક્ષ્મી તું રડ નહીં. ભગવાનની ઈચ્છા હશે તો આવતા વર્ષે તારું દુઃખ નહીં રહે. ચાલ હવે આપણે ઘેર જઈએ, આપણે ફરીથી ઘર ચણીશુ, ખેતરમાં ધાન ઉગાડીશું…”
લક્ષ્મીએ ડોકી હલાવી ના કહી. નારાયણના સંસારમાં પાછા ફરવાનો એને અધિકાર નથી. આટલા બધાં લોકની સામે ઉઘાડી પડી રહી હવે તે ગામમાં કેવી રીતે મોઢું બતાવે?
નારાયણનું શામળું મોં હાસ્યથી ઉજળું દેખાયું. લક્ષ્મીના લુખ્ખા વાળમાં હાથ ફેરવી બોલ્યો, “ આવા ભયાનક પુરમાં ધરતી માતા પણ ઉજડીને ઉઘાડી થઈ ગઈ છે, એમાં પામર જીવની શું વિશાત ? ધરતી માતા પોતાના બાળકને અનાથ ત્યજી દેવાની છે ? જોજે આ માટી ફરીથી લીલીછમ થશે. ઝાડ, પાન, ફરી ઉગશે. ખેતર વાડીમાં ધાન પાકશે. ઉજડી ગયેલાં ઘર બાર ઊભા થશે. આપણું બચ્ચું જતું રહ્યું દુઃખ ના કરતી. હજારો લોકો માખી મચ્છરની જેમ મર્યા છે. કેટલાંય લોકોનું પોતાનું કોઈ રહ્યું નથી. આપણે બન્ને એક બીજા સાથે છીએ. આપણે હવે કોઈ દુઃખ નથી.”
*********