“પડછાયાનાં માણસ” (જયશ્રી મરચંટની નવલકથા) –  મૂલવણી – ગિની માલવિયા

“પડછાયાનાં માણસ” (જયશ્રી મરચંટની નવલકથા) –  મૂલવણી – ગિની માલવિયા

ડિસેમ્બરની ઠંડીમાં મેઈલબોક્સમાં એક બ્રાઉન કવર આવે છે.જેમાં છે પ્રિય જયશ્રીબેન મરચંટનું લખેલું પુસ્તક ‘પડછાયાના માણસ.’ જેને હાથમાં લેતાં જ હૂંફ અનુભવાય છે. પુસ્તકની ટેગલાઈન છે, નારીનાં અનેક ભાવવિશ્વને આલેખતી નવલકથા. આ ઘડીએ મારા ભાવવિશ્વમાં નકરો અને નકરો જયશ્રીબેન માટેનો પ્રેમભાવ વિલસી રહે છે. કેટલી કાળજીથી તેમણે મને આ પુસ્તક મોકલવાનો પરિશ્રમ કર્યો હશે?

મારું સરનામું લખવાથી માંડી પોસ્ટઑફિસ જતાં એમનાં મનમાં મારા પ્રત્યેનું વહાલ નીતરતું રહ્યું હશે! અને, એ વહાલનું મત્તુ પહેલે પાને છે- “વહાલી દીકરી ગીનીને સપ્રેમ, જયશ્રી વિનુ મરચન્ટ ૧૨-૯-૨૨.” આ વહાલભાવ અને નારીનું ભાવવિશ્વ જાણવાં-માણવાં મેં બે દિવસમાં પુસ્તક વાંચી લીધું. પણ, એને પુસ્તક કહું કે જયશ્રીબેનની રસાળ શૈલીમાં લખાયેલાં પાત્રોની ભાવસૃષ્ટિ કહું?
૧૭૬ પાનાંમાં વિસ્તરેલી તેમનાં મનોભૂમિની પાત્રસૃષ્ટિ, ભાવસૃષ્ટિ અને ઘટનાઓથી ઘડાયેલી કથા ખૂબ રસપ્રદ છે.

જયશ્રીબેન કહે છે કે આ બધા પાત્રો કોઈને કોઈ રીતે અને રૂપે મને જીવનમાં આવી મળ્યાં છે. એ જ તો, બસ એ જ તો કારણ છે કે કથાનાં દરેક પાત્રો આપણને પોતીકાં અને આપણી આસપાસ શ્વસતાં હોય એવું લાગે છે. નારીનાં અનેક ભાવવિશ્વની વાત છે. અને પાછી એક નહીં, પણ એકથી વધારે નારીનાં ભાવવિશ્વનાં મજબૂત તાણાંવાણાંથી વણાયેલું આ પોત છે.

સુલુ, રેણુ, ઋચા, ઇન્દિરા, શીના કે સીતા જેવી વિધ વિધ ઉંમરનાં પડાવે પહોંચેલી, વૈવિધ્યપૂર્ણ સ્વભાવગત લાક્ષણિકતા ધરાવતી પાત્રસૃષ્ટિ તો ગમે એવી છે પણ દિલીપ, અદા, સેમ કે રવિ જેવા પુરુષ પાત્રો પણ તેમના ઋજુતાનાં ભાવ અને પોતાનાં ભાવવિશ્વને સહજતાથી રજૂ કરે છે.

ભૂતકાળમાંથી કથાનો ઉઘાડ થાય છે. ૩૫ વરસની કોઈ નવપરિણીતાનું દાંપત્ય જીવન ફક્ત થોડાં મહિનામાં જ નંદવાયું છે. કથાનાયિકાની પીડામાં પૂરેપૂરા ભીંજાઈએ ત્યાં જ નાયિકા તેનાં શૈશવાવસ્થાનાં જૂના ભૂતકાળ ખંડમાં ખેંચી જાય છે.
અને, ત્યાં છે, સમજ, સુખ અને શાણપણનો ઘૂઘવતો દરિયો.
પિતા વિનાની સત્તર વરસની મુગ્ધ દીકરીનો પરિપક્વ અને મધુર માતાનો સંબંધ કે પાડોશનાં ધાજીમા કે અદા સાથેની ઘટનાઓ સામાન્ય ન બની રહેતા આસ્વાદ્ય બની રહે છે. કારણકે જયશ્રીબેન એક કુશળ લેખિકા છે.
જેમ કે આ જુઓ –
“એ તો ગયો, પણ મુગ્ધ વય અને યુવાનીના ઉંબર પર ઊભેલી મને એવું લાગ્યું કે મારામાંથી મારાપણું એની સાથે જાણે જતું રહ્યું.”
ઉપરાંત, નાની નાની ઘટનાઓમાંથી જિંદગીનાં મોટા મોટા સુખને ખોબલે ખોબલે ભરવાની વાત, જેમ કે-
‘ આજે કઈ તારીખ છે?’
‘ બસ, તારીખ ન ખબર હોવાથી રડવું આવ્યું?’
અથવા તો પાત્રનો એક સંવાદ આમ હોય કે, ‘ અમેરિકા, લિ. હું આવું છું’
કહો તો, કયો વાચક મેઘાણીજીની પત્રશ્રૃંખલાથી અજાણ હોય?

શૈશવકાળથી મુંબઈમાં જન્મેલો પણ પૂરો ના થયેલો પ્રેમસંબંધ અમેરિકાની પૃષ્ઠભૂમિ સુધી ફેલાતો રહે છે.

અમેરિકાનાં વસવાટથી અહીંના વિધ્યાર્થીજીવનના ધારા ધોરણથી પરિચિત હોવાથી સુલુની કોલેજકાળની કથા આપણને પોતીકી લાગે છે.

મુગ્ધતાનું એ પ્રેમપ્રકરણ હજી શબ્દોનાં સહી સિક્કા મારીને મજબૂત થાય એ પહેલાં જ એક મોટો નહી ગમતો વળાંક આવી જાય છે. ગરિમાપૂર્વક, ખુમારીથી જીવતા આ પાત્રો દુ:ખનાં કડવા ઘૂંટડા ભરી વિષાદને ભીતરમાં સંગોપી સુખની ટચૂકડી ઘંટડી વગાડી જાણે છે.

તમે જો જયશ્રીબેનને થોડું ઘણું પણ ઓળખતાં હો તો આ તેમનાં પાત્રોમાં વિષમ પરિસ્થિતિનાં વિષાદને ઢાંકી ઢબૂરી સુખની ધજા ફરકાવતા પાત્રોની મનોમંથન પ્રક્રિયા સમજી શકો.

અને હા, જયશ્રીબેન એક ઉત્તમ કવયિત્રી પણ છે. તેના પુરાવા પાને પાને પ્રગટતી કવિતામાં સતત સતત થતાં રહે છે.

તેમના પાત્રો કવિતા લખે છે, વિશ્વ સાહિત્ય વાંચે છે, ઉચ્ચ અભ્યાસનાં હિમાયતી છે. સૌથી નજરે ચડે એવી વાત એ છે કે પરસ્પર પ્રેમભાવે જોડાયેલાં સુખની નાવમાં હાલક ડોલક તરતાં ખુશમિજાજ માં રહે છે. કથાનાયક દિલીપનું પાત્ર જે કંઈ બોલ્યા વગર પરદેશગમન કરે છે તેની પોતાની વ્યથા વાચા ક્યાં? જો વાચકને આ પ્રશ્ન થાય તો લો આ જવાબ એનો.
દિલીપ પોતાના રુમમાં એક ‘અધૂરી ડાયરી’ મૂકીને જાય છે અને એમાં સમાયેલી છે પાત્રની વ્યથાની સચ્ચાઈ.
જયશ્રીબેન ઓછું બોલતા પુરુષપાત્ર પાસે શબ્દો લખાવીને એની કથા-વ્યથા લઈ આવે છે. સમગ્ર કથા દરમ્યાન કાળખંડનાં જુદા જુદા પડ ઉખેળાતાં રહે છે.

આપણે કથાનાયિકાની આંગળી ઝાલી તેનાં પ્રલંબ પ્રવાસનાં હમસફર બની રહીએ છીએ. લેખિકાનાં શબ્દોમાં કહું તો ‘ એકમેકનાં દિલની ભીનાશ સ્પર્શતા રહેવાય છે.'( પાનાં નંબર ૯૭)

સંસ્કારનાં કવચ કુંડળ સાથે જન્મેલા આ પાત્રોમાં ક્યાંય દંભ કે બનાવટનો પરદો નથી એ ત્યારે સમજાય છે જ્યારે સુલુને તેનાં મિત્ર સેમ્યુયલ એન્ડરસન માટે સંમોહન જેવું અદમ્ય આકર્ષણ અનુભવાય છે. તે છતાંય માન મર્યાદા નહી ઓળંગવાની વાત પણ સહજતાથી ગળે ઉતરે છે.
અહીંના દરેક પાત્રો કે જે મુંબઈ અમેરિકા જેવી જગ્યાએ સધ્ધર સ્થિતિમાં જીવે છે એની જ વાત છે એવું નથી.
ઘરમાં કામ કરતી પાર્વતીની દીકરી સીતાની દીકરીની પણ વાત છે. જે સમાજનાં અશિક્ષિત સમાજમાંથી આવે છે અને એ સમાજની નિમ્ન કક્ષાની કહી શકાય એવી પુરુષની માનસિકતાની કાળી બાજુની પણ વાત છે.

સહ્રદયી લેખિકાનાં પાત્રોનો પણ ટેકો કચડાયેલા પાત્રોનાં ઉધ્ધારમાં પૂરે પૂરો સાથ સહકાર આપે છે. ૧૯૭૦નાં ગાળામાં લખાયેલી આ કથામાં એવું કશું જ નથી લખાયું કે જે વાંચીને આપણે વિચારીએ કે આમ તે કંઈ હોતું હશે? રાજકારણ પણ. જેમ કે, ૧૯૭૫થી ૧૯૭૭ની સાલની તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીનાં સમયની સરકારી તંત્રની વાત પણ આવે છે.

દરેક પાત્રો પોતાનાં વિચાર વર્તન વાણીમાં સંતુલિત છે. એક ઘટનામાં પ્રિયપાત્રને કદી પામી શક્યા નથી તેનો એ ઘડીએ હાથ પકડવાનો છે, જ્યારે તેની પાસે જિંદગીની થોડી ઘણી મૂડી રહી છે. પણ નાયિકા કહે છે, “દિલીપનાં સખ્યમાં મને એવું મહેસૂસ થાય છે કે જાણે અનરાધાર વરસાદમાં, જનમ આખો છાપરા વિનાના ઘરમાં હું રહેતી હોઉં, ને, અચાનક જ મારા માથા પર એક છત આવી ગઈ હોય! “( પાનાં નંબર ૧૬૧) આ છે કોઈને અદમ્ય પામવાની ઇચ્છા. પછી ભલેને એ થોડા સમય માટેની હોય! રુપક અંલકાર પ્રયોજાયો છે એની તાકાત અહીં દેખાય છે. અનરાધાર વરસાદ એટલે આખી જિંદગીનાં વિષાદની વાત છે. અને, મળેલી છત એ વૈભવ નહી પણ જીવનની જરુરિયાત કે ચાલકબળ છે.

આખીય કથામાં ખૂબ ગમતી વાત એ છે કે દરેક પાત્રો પોતાનાં કર્તવ્ય જવાબદારીમાં ખૂબ ચોક્કસ છે. ઉપરાંત, દરેકની નાની નાની પળને મહેંકતી રાખતી રમૂજવૃત્તિ જેના પાને પાને ચમકારા થતા રહે છે.
અને તરબતર લાગણીઓની છોળની પણ વાંછટ ભીંજવ્યા કરે છે.

હવે, ન ગમવાનું શું એ શોધવું પડે. પણ ન ગમતું ના લખો તો પક્ષપાતી પ્રેમ થયો. સ્પષ્ટ વિવેચન ના થયું, બરાબર?
તો કહી જ દઉં કે ના ગમવામાં આ શબ્દો જે આપણે વરસોથી વાંચીએ છીએ. જેમ કે- ‘ગાલે તો શરમનાં શેરડા પડતા હતાં’કે ‘ ચાતકની જેમ રાહ જોતી હતી’
આ સિવાય અન્ય કશું જ ના મળ્યું, શોધવા છતાંય!

અંતે, એટલું કહેવાનું કે કથાનું શીર્ષક જે ‘પડછાયાના માણસ’ એ કથાને અંતે ઉજાગર થાય છે.

લોહીનાં નહીં પણ પ્રેમ અને લાગણીનાં મજબૂત સંબંધે બંધાયેલા માણસોનાં એકમેકમાં ભળી જતા પડછાયાની રમતથી વાર્તાનો અંત પણ એક પડછાયાની કવિતાથી જ થાય છે.
એક સ્વચ્છ વાંચનની ઈચ્છા હોય, વાંચતા વાંચતા હવામાં પીંછાની જેમ તરતા રહેવાની અનુભૂતિ જોઈતી હોય, આપણી દુનિયામાં આવા વિશ્વસનીય દોસ્તો છે કે નહિ તેનો માપદંડ જોવો હોય, લાગણી પ્રેમનાં ખટમધુરાં સંબંધો અને સંવાદો માણવા હોય તો વાંચો જયશ્રી વિનુ મરચંટની લખેલી ભાવકથા ‘પડછાયાના માણસ.’

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. ‘પડછાયાનાં માણસ’ – થોડા ઘણા વળાંકો આવવા છતાં સહજતાથી, સરળતાથી વહી જતા સંબંધોની લાગણીભીના રેશમી તાંતણે વણાયેલી કથાનું સરસ અવલોકન.