પ્રકરણ:7 ~ મુંબઈનું વિશાળ સાંસ્કૃતિક જગત ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

પ્રકરણ:7

જે જે કવિઓ અને લેખકોનાં મેં માત્ર નામ જ સાંભળ્યાં હતાં કે જેમનાં પુસ્તકો જ જોયા હતા તે હવે મને રૂબરૂ જોવા મળ્યા!

ઘોઘા સ્ટ્રીટ પર આવેલા જન્મભૂમિ પ્રવાસીના જૂના ખખડધજ મકાનના એક નાના હોલમાં સાંજે સાહિત્ય સભાઓ કે દેશપરદેશથી આવતા સાહિત્યકારો સાથે મિલનો ગોઠવાતા. ત્યાં હું અચૂક જતો. અમદાવાદ કે વડોદરાથી આવતા સાહિત્યકારો માટે ત્યાં જરૂર કાર્યક્રમો યોજાય. ખબર પડતા ત્યાં હું હાજર થઈ જાઉં.

એ જ હોલમાં એ વખતના ગુજરાતી સાહિત્યના કેટલાં બધાં ઘુરંધર કવિઓ, લેખકોને મેં જોયા સાંભળ્યા છે. સુરેશ દલાલ, સુરેશ જોષી, ગુલાબદાસ બ્રોકર, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી – આમ કંઈકને મેં મુંબઈમાં પહેલી વાર જોયા.

એક વાર કાલાઘોડા પાસે આવેલા વિશાળ કાવસજી જહાંગીર હોલમાં પ્રવૃત્તિ સંઘના આશ્રયે એક મોટું કવિ સંમેલન યોજાયું હતું. તેમાં કેટલા બધા કવિઓને એક સાથે એક જ મંચ ઉપર બેઠેલા જોયા! હું તો અધધધ થઈ ગયો.

એ કવિ સંમેલનમાં સ્ટેજની જે વ્યવસ્થા હતી તે એ દિવસના પ્રમુખ ચંદ્રવદન મહેતાને નહીં ગમી. સંઘના આયોજકોને ગમે કે ન ગમે, પણ ધરાર એ બદલાવીને જ રહ્યા!

ચં.ચી. - ચંદ્રવદન મહેતા, ગુજરાતી સાહિત્ય પરિષદ - Chandravadan Mehta, Gujarati Sahitya Parishad

ત્યાં મનસુખલાલ ઝવેરીએ પોતાના વનપ્રવેશનું કાવ્ય ‘પચાસમે’ રિસાઈટ કર્યું હતું તે યાદ છે.

એ જમાનાના પ્રસિદ્ધ  મેગેઝિન ‘સેટરડે રીવ્યુ’ના તંત્રી નોર્મન કઝિન્સ એકવાર મુંબઈ આવ્યા ત્યારે હું એમને જોવા-સાંભળવા દોડી ગયો હતો.

Cousins, Norman (1915-1990) | Harvard Square Library
નોર્મન કઝિન્સ

આવા કોઈ અગ્રગણ્ય અમેરિકન સાહિત્યકાર તંત્રી સાથે શેક હેન્ડ કરવા મળે તે મારે મન મોટી વાત હતી. એમને જોઈને હું તો આભો જ બની ગયો. ડવાઈટ મેકડોનલ્ડે કઝિન્સ અને સેટરડે રીવ્યુને ‘મિડલ બ્રો’ ગણીને ઝાટકણી કાઢતો જે આકરો લેખ લખ્યો હતો તે વાંચવાને હજી દસેક વરસની વાર હતી, એટલે ત્યારે તો કઝિન્સને જોવા સાંભળવા મળ્યું એને જ મારું સદ્ભાગ્ય સમજતો હતો.

1961માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મ શતાબ્દી મુંબઈમાં ઉજવાઈ હતી. ત્યારે દેશવિદેશથી ઘણા સાહિત્યકારો આવેલા. તેમાં સમર્થ ઇટાલિયન નવલકથાકાર આલ્બર્ટો મોરાવિયાને જોયેલા.

Tre istantanee di Moravia, attuali ancora oggi | LuciaLibri
Alberto Moravia

એમની નવલકથા ‘ધ વુમન ઓફ રોમ’નો અનુવાદ ‘સ્ત્રી’ નામે થયેલો તે મેં દેશની લાયબ્રેરીમાં વાંચેલો. એમાં વેશ્યા વ્યવહારની જે અશ્લીલ વાતો આવતી તે એ કિશોર વયે ગમી હતી. પાછળથી એની પર અશ્લીલતાને કારણે કોર્ટ કેસ થયેલો એવું યાદ છે.

એ પ્રસંગે અમદાવાદથી ઉમાશંકર જોશી આવેલા. મને થયું કે એમને તો મળવું જ જોઈએ. મારે એમને કહેવું હતું કે એમની કવિતા ‘બળતા પાણી’ મને ખૂબ ગમી ગયેલી.

———————-
બળતાં પાણી

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
———————-

એમનું પ્રવચન પત્યે એ જ્યારે મંચ ઉપરથી નીચે ઊતર્યા એટલે આપણે તો ત્યાં પહોંચી ગયા. એમણે સહજ જ મારે ખભે હાથ મૂકીને પૂછ્યું, “શું નામ તમારું?” હું કંઈ જવાબ આપું તેટલામાં તો ગુલાબદાસ બ્રોકરે એમનો કબજો લીધો. મારે જે ‘બળતા પાણી’ની વાત કરવાની હતી તે તો રહી જ ગઈ.

યશવંત પંડ્યા, ગુલાબદાસ બ્રોકર, બ.ક.ઠા., કિસનસિંહ ચાવડા, બચુભાઈ રાવત, સુન્દરમ અને ઉમાશંકર

એ વાત છેવટે બે દાયકે ઉમાશંકર જોશી અમેરિકા આવ્યા ત્યારે જરૂર કરી. પણ મુંબઈમાં એમણે મારે ખભે જે હાથ મૂક્યો હતો તે એકાદ બે ક્ષણો મારે માટે અદ્ભૂત હતી!

એ જમાનામાં સાહિત્યિક ક્ષેત્રે ઉમાશંકરની બોલબાલા હતી. કવિ, નાટકકાર અને વાર્તાકાર તરીકેની એમની પ્રતિષ્ઠા તો હતી જ, પણ વિવેચક તરીકે પણ એમનો પડતો બોલ ઝીલાય.

કવિ જગદીશ જોશીના ઘરે બેઠકમાં ગુજરાતી-મરાઠી સાહિત્યકારોની સંગત

ભલભલા એમની પાસે પ્રસ્તાવના મળશે એ લોભે પુસ્તક પ્રગટ કરવાની વરસ બે વરસ રાહ જુએ. એમના મેગેઝિન ‘સંસ્કૃતિ’માં પોતાની કવિતા, લેખ કે વાર્તા છપાય એ કોઈ પણ ગુજરાતી સર્જક માટે “Good-Housekeeping Seal of Approval” હતો.

એમાં ગુજરાતી સાહિત્ય વિષયક વિધવિધ ચર્ચા કે વાદવિવાદ પ્રગટ થતાં. કવિ વિવેચકો તેમાં ઉત્સાહથી ભાગ લેતાં.  જેવું ‘સંસ્કૃતિ’ આવ્યું કે રાતોરાત હું એ વાંચી લેતો, ખાસ કરીને તંત્રી લેખ. કેરળમાં જ્યારે સામ્યવાદી સરકાર આવી ત્યારે ઉમાશંકર જોશીનો તંત્રીલેખ, “કેરળે કેમ આગ સાથે રમત આદરી?” એ તો હજી યાદ છે.

કહેવાય છે કે એ જમાનામાં પણ ‘સંસ્કૃતિ’ના સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધી વધીને સાતસો સુધી પહોંચી હતી, અને પછી તો ઘટીને બસો જેટલી થઈ ગયેલી! એ વખતની ચારેક કરોડની વસ્તીવાળી ગુજરાતી પ્રજામાં આવા ઉત્તમ સામાયિકની હજારથી પણ વધુ કોપી ન વહેંચાય એમાં હું આપણી સાહિત્યિક અને સાંસ્કારિક દરિદ્રતા જોઉં છું.

હું મારા બૌદ્ધિક વિકાસની વાત કરું તો નિઃશંક કહી શકું કે આ “લિટલ” મેગેઝિનની મારી પર જે અસર પડી છે તેવી કોઈ પણ લાખોની સંખ્યામાં વહેંચાતા મેગેઝિનની નથી પડી. આજે અડદી સદી પછી પણ ‘સંસ્કૃતિ’ના કેટલા બધા લેખો મને હજી યાદ છે!

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો યશવંત દોશીએ લખેલો આકરો વિવેચન લેખ અને પછી જયંતિ દલાલે લખેલો પ્રત્યુત્તર… વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ લખેલો ‘સુન્દરમ’ના કાવ્યસંગ્રહ ‘યાત્રા’નો વિવેચન લેખ અને તે વિશે ખુદ ઉમાશંકર જોશીનો પોતાનો જ આધુનિક કવિતામાં શ્રદ્ધાના અભાવ વિષેનો સણસણતો જવાબ… વિનાયક પુરોહિતનો સુરેશ જોષીના પ્રથમ વાર્તા સંગ્રહ ‘ગૃહપ્રવેશ’ના છોતરા ફાડી નાખતો વિવેચન લેખ ‘આમ ગૃહપ્રવેશ ન થાય’… ક્રિશ્ચિયન મિશનરીઓની ધર્માન્તર પ્રવૃત્તિઓ વિશેનો સ્વામી આનંદનો લાંબો લેખ… વાડીલાલ ડગલીનો પંચવર્ષીય યોજનાના વધુ પડતા મિલિટરી સ્પેન્ડિંગ વિશેનો, ‘ગણવેશની આરતી’વાળો લેખ… હરિશ્ચન્દ્ર ભટ્ટ ઉપરના ઉમાશંકર જોશીના પોતાના બે લેખો, જે પાછળથી હરિશ્ચન્દ્ર ભટ્ટના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘સ્વપ્નપ્રયાણ’માં સમાવાયેલા – આવા આવા કંઈક લેખો આજે પણ હું સહજ જ યાદ કરી શકું.  એ દિવસોમાં તો આ બધાં લેખો રસથી વાંચતો અને વિચારતો. થતું કે આવી ચર્ચામાં હું ક્યારે ભાગ લઈશ?

જેવું ‘સંસ્કૃતિ’નું તેવું જ સુરેશ જોષીના સામાયિક ‘ક્ષિતિજ’નું.

સિદ્ધાન્તવિવેચક સુરેશ જોષી વિશે બે વાત | Opinion Magazine
સુરેશ જોષી

એમનો મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ખૂબ લોકપ્રિય બનેલી નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નો આકરો રિવ્યૂ જ્યારે આવ્યો ત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં ખળભળાટ મચી ગયેલો.  ભોગીલાલ ગાંધીના માસિક ‘વિશ્વમાનવ’માં સુરેશ જોષીના ગુજરાતી કાવ્યોના આસ્વાદ કરાવતા જે લેખો આવતા એની હું આતુરતાથી રાહ જોતો.

એ જ અરસામાં ઉમાશંકર જોશી ઠક્કર વસનજી માધવજી વ્યાખાનમાળામાં પ્રવચનો આપવા આવ્યા હતા. મુંબઈ યુનિવર્સિટીના મોટા કોન્વોકેશન હોલમાં એ પ્રવચનો યોજાયાં હતાં. આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. એમને સાંભળીને થયું કે જિંદગીમાં જો કંઈ થવું તો કવિ જ થવું, બાકી બધું નકામું! ઉમાશંકર જોશીએ એમના પ્રવચનમાં પ્રખ્યાત વિવેચક મોરીસ બાવરાની વાત કરી હતી એટલું જ અત્યારે યાદ છે.

એ જ હોલમાં ‘એક્ષિપેરિમેન્ટ ઇન ઇન્ટરનેશલન લિવીંગ’ના આશ્રયે અમેરિકાથી આવેલા યુવકયુવતીઓના ગ્રુપને હાથમાં હાથ મિલાવી હસતા, ગાતા અને નાચતા જોઈને થયું કે હું અમેરિકા કયારે જાઉં ને આમ ગાઉ અને નાચું!

Experiment in International Living - Wikipedia

મારે તો ખાસ એ છોકરીઓ પાસે જઈને વાતો કરવી હતી અને એમના સરનામાં લઈને પત્ર વ્યવહાર કરવો હતો.  પણ એ કાર્યક્રમ પૂરો થતા જ મુંબઈના ફટ ફટ અંગ્રેજી ફાડતા છોકરાઓ એમને ઘેરી વળ્યા. એમાં મારા જેવા વાયા વિરમગામવાળાનો નંબર ક્યાંથી લાગે?

ચોપાટી ઉપર આવેલા ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિર હોલમાં સુરેશ જોષીને એમની સંસ્કૃતમય પ્રવાહી ભાષામાં ભાષણ કરતા સાંભળતા હું આફરીન થઇ ગયો હતો.

કાલિદાસની પ્રખ્યાત પંક્તિ, ‘શૈલાધિરાજ તનયા ન યયો ન તસ્યો,’ ટાંકીને એના સંદર્ભમાં કવિતાની જે વ્યાખ્યા અને કવિકર્મ સમજાવેલ એ હજી મારા કાનમાં ગુંજે છે.

ભારતીય વિદ્યાભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીને પણ અહીં જ જોવાનું બન્યું હતું. એમની નવલકથાઓ અને ખાસ કરીને એમની આત્મકથા વાંચીને હું બહુ જ પ્રભાવિત થઇ હતો. થયું કે આ મહાન પુરુષ માત્ર સાહિત્યકાર નથી, પણ દેશનું બંધારણ રચવામાં અગત્યનું કામ કરનાર  કુશળ ધારાશાસ્ત્રી છે.

કનૈયાલાલ મુનશી

ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રણેતા તો ખરા જ પણ સાથે સાથે એક સાંસ્કૃતિક પુરુષ પણ છે.  ઊંચાઈ ઓછી, ગોરો વાન, ધોળા બગલા જેવી કફની અને ધોતિયું, માથે ટાલ ઢાંકતી ગાંધી ટોપી! આવા અનેકવિધ ક્ષેત્રે મોટું પ્રદાન કરનાર મુનશીને હું સદેહે જોતો હતો તે મારાથી મનાતું નહોતું.

ગીતામંદિરમાં જ મેં મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પહેલી વાર જોયા અને સાંભળ્યા. ઈસ્ત્રી વગરની ખાદીની કફની અને ધોતિયું. આવા સાવ સાદા લિબાસમાં એમને જોઈને હું પ્રભાવિત થયો હતો.

Manubhai Pancholi 'Darshak' | Javerchand Meghani
દર્શક

એમની પ્રસિદ્ધ નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના પાત્રો સત્યકામ અને અચ્યુતના ઇન્ગ્લંડ અને યુરોપનાં  પરાક્રમો વિષે વાંચીને પરદેશ જવાનાં સપનાં સેવ્યાં હતાં તે મારે તેમને કહેવું હતું, પણ સંકોચને કારણે બધા લોકોની વચ્ચે ન કહી શક્યો. પછી એ વાત ઠેઠ ઓગણીસો એંશીના દાયકામાં થઇ. અમેરિકાની ગુજરાતી લિટરરી અકાદમીનું તેમને અમેરિકા આવવાનું આમંત્રણ આપવા જ્યારે દેશમાં ગયો હતો ત્યારે એ વાત એમને કરી હતી.

આવી સભાઓ ચર્ચગેટ ઉપર આવેલા ચેમ્બર ઑફ કૉમર્સના હોલમાં પણ ભરાતી. એકાંકીઓની હરીફાઈમાં જીતેલાઓનું સમ્માન કરવા માટે એક સમારંભ ત્યાં યોજાયો હતો. ન ભૂલતો હોઉં તો કલકત્તાથી આવેલી ટીમને એમાં પહેલું ઇનામ મળ્યું હતું.

ગગનવિહારી મહેતા એ સમારંભના પ્રમુખ હતા. ગોરો વાન, મિડીયમ હાઈટ, સુરવાલ, અચકન અને માથે ઝાંખી પીળી ટોપી અને ટટ્ટાર શરીર. એમની ટોપી ગાંધી ટોપી જેવી ધોળી કેમ નથી એ પઝલ વર્ષો પછી વાડીલાલ ડગલીના એમને વિશેના લેખ પરથી પડી. “ધોળી નહીં પણ ઝાંખી પીળી ટોપી–પોતાની આંતરિક સ્વતંત્રતા જાળવવા માટે કદાચ” હોય.

ગગનવિહારી મહેતા

વર્ષોના વિદેશ વસવાટ પછી પણ એમને સરળ અને શુદ્ધ ગુજરાતીમાં પ્રવચન કરતા જોઈ મને આશ્ચર્ય થયેલું.  1952-1958 દરમિયાન એ અમેરિકા ખાતે દેશના એલચી હતા. અને અમેરિકામાં એમની કામગીરી માટે ખૂબ વખણાયા હતા.  દેશમાં આવ્યા પછી આઇસિસિઆઇ કોર્પોરેશનના ચેરમેન હતા. ફરી એક વાર એમને ટાટાના બોમ્બે હોલમાં જોયા હતા. કોઈ વિદેશી મહાનુભાવની ત્યાં મિટીંગ હતી. આવી બધી મિટિંગ પત્યા પછી હું ત્યાં ઊભો રહેતો અને આવા મહાનુભાવોને આભો બનીને જોઈ રહેતો.

ભારતીય વિદ્યાભવનના ભવ્ય સભાગૃહમાં એ સમયે દેશના એકીકરણ ઉપર એક પરિસંવાદ યોજાયો હતો. આપણે તો તરત પહોંચી ગયા. એમાં કનૈયાલાલ મુનશી બોલવાના હતા. તે કંઈ છોડાય?  ત્યાં એ જ સભામાં રાજાજી અને સી. પી. રામસ્વામી અય્યારને સાંભળેલા એવું  યાદ છે.

ભારતીય વિદ્યાભવનની રજત જયંતિ પણ મુંબઈમાં ત્યારે ઉજવાઈ હતી. એમાં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ આવ્યા હતા. એ ભવ્ય મેળાવડામાં હું હોંશે હોંશે ગયો હતો. એમને બહુ દૂરથી જોયા. પ્રવાહી અંગ્રેજીમાં બોલે, વચ્ચે વચ્ચે સંસ્કૃતનો શ્લોકો ટાંકે અને એનું રનીંગ ટ્રાન્સલેશન કરતા જાય.

Essay on Sarvepalli Radhakrishnan
સર્વપલ્લી રાધાકૃષ્ણ

એમની બોલવાની શી છટા! મારા ઉપર એની ખૂબ અસર પડેલી. હું એવો તો અંજાયો કે એમની ‘એ હિંદુ વ્યૂ ઑફ લાઈફ’ નામની ચોપડી મેં ફૂટપાથ પર ચોપડીઓ પાથરીને બેઠેલા ફેરિયા પાસેથી બીજે જ દિવસે ખરીદી. એમાં બહુ કાંઈ ખબર ન પડી, પણ મારું અંગ્રેજી સુધરે એ માટે એમાંથી ફકરાઓ ગોખવાના શરૂ કર્યા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. વાંચવા ની મજા આવે છે.
    સાચી વાત છે સંસ્કૃતિ જેવા મેગેઝિન ની દુર્દશા અકલ્પનીય 🙏