नमामि देवी गंगे ~ “ગંગાથી રાવી સુધી” (લેખમાળા: બે )~ અંતથી આરંભ – પ્રકરણ: ૧ ~ પૂર્વી મોદી મલકાણ
અંતથી આરંભ
नदिया का बहेता पानी
और समुंदर का शोर
हवा की सरसराहट और
चिड़िया की चरचराहट,
जंगलों में नाचते है मोर,
जिनका नहीं कोई मोल,
क्योंकि यह प्रकृति है
जोह है बड़ी अनमोल।
આપણાં આંગણામાં “ગંગાથી રાવી”ની લેખમાળા શરૂઆત ભાગ-બેથી થાય છે.
આ અંગે ઘણા વાચકોનાં પત્ર અને ઈ મેઈલ મળ્યાં કે આ સીરિઝનો પ્રથમ ભાગ ક્યાં છે? તે મૂકો તો વધુ જાણવા મળશે.
હું તમામ વાચક મિત્રોનો આભાર પણ માનું છું અને ક્ષમા પણ માગું છું. કારણ કે આ પ્રથમ ભાગ (પાકિસ્તાન પ્રવાસ) તૈયાર કરવામાં મારે ઘણો જ સમય લેવો પડ્યો છે. કેવળ પાકિસ્તાનને પ્રવાસ રૂપે જોઈએ તો એ પ્રવાસ તો ક્યારનોય પૂર્ણ થઈ ચૂક્યો છે અને એ યાદોમાંથી આપણે બહાર પણ આવી ચૂક્યાં છીએ. તેમ છતાંયે આ લેખમાળાનાં ટાઈટલે હજી આપણને એકબીજા સાથે જોડી રાખ્યાં છે. તેથી આપણે એમ ન કહી શકીએ કે આપણી યાત્રા પૂરી થઈ છે.
તો ચાલો આપણાં મૂળ ટાઇટલની આંગળી પકડી ફરી નીકળી પડીએ ગંગા તટ્ટે છીપલા વીણવા, પણ ફરી પાકિસ્તાન પ્રવાસની એક યાદ સાથે.
હું પહેલી વાર પાકિસ્તાનમાં પહોંચી ત્યારે એરપોર્ટની બહાર સૌથી પહેલાં જે મિત્ર કમ ડ્રાઈવર મળ્યાં તે હતાં યુસુફજી. જેઓ અમારી સાથે આખો મહિનો રહ્યાં. આ દરમ્યાન આપ કહેતાં રહ્યાં કે; અમે સિંધુ સંસ્કૃતિનાં છીએ અને આપ ગાંગેય સંસ્કૃતિનાં છો.
તેમની વાત તદ્દન સાચી હતી. આમેય દેશ કોઈપણ હોય તેની સંસ્કૃતિનો વિકાસ હંમેશા નદીઓનાં કિનારે જ થયો છે. આથી જ જ્યારે નદીઓ વિકસિત થઈ છે ત્યારે માનવસમાજ સમૃધ્ધ થયો (ગંગા-ગોદાવરી) અને નદીઓ સૂકાઈ (સરસ્વતી-રાવી) ત્યારે તેની આસપાસ વસેલ માનવસમાજમાં પણ બદલાવ આવ્યો છે.
આથી વિદ્વાનો કહે છે કે; નદીઓ આપણી એ માતા છે જેણે માનવ સંસ્કૃતિનાં સુખદુઃખ, ઉત્સવ, ઉછાળ, ગાન, આનંદ, વિચારો, રીતિરિવાજો, રહેણીકરણી, મનોવ્યથા, ખેલ-ખીલૌના, બાળકો, પશુ -પક્ષીઓ, પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો વગેરેનાં કેટલાયે લોકગીતો ને ગીતો ગાયા છે. લોકકથાઓ દ્વારા મનની વાત કહી છે અને લોકમાન્યતાઓ દ્વારા સચેત કર્યા છે.
તો ચાલો આજથી આપણે ગંગાએ ગાયેલ, કહેલ વિશ્વમાં પગ મૂકીએ અને તેને ધ્યાનપૂર્વક સાંભળીને એક અંત દ્વારા (પાકિસ્તાન પ્રવાસનાં અંતથી) એક નવી યાત્રાનો આરંભ કરીએ.
नई सुबह की यह
नई रौशनी है
कुछ पुरानी और कुछ
नई बात करे,
और कुछ यादें साझा करे
कल जो गुजरा था
उस से हमने
कुछ शीख लिया,
जो थोड़ा बहोत रहे गया
वोह आज से भी हम
कुछ नया शीख ले ।।
© પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ
૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩
હવાઈ, યુ.એસ.એ.
—————————-
नमामि देवी गंगे
પુરાતન ભારતીય ઇતિહાસમાં કહ્યું છે કે, એક સમયે યમુના, ગંગા, નર્મદા વગેરે નદીઓનું સ્વરૂપ દરિયા જેવું વિશાળ હોય તેમાં વાણિજ્ય વ્યાપાર માટે વહાણ ચાલતાં હતાં અને આ નદીઓને કિનારે અનેક બંદરગાહ આવેલાં હતાં. જ્યાંથી અનેક બૌદ્ધ સાધુઓની, વ્યાપારીઓની તેમજ માલસામાનની અવરજવર કરાતી હતી, પણ આજે એ સ્થિતિ નથી. ગઇકાલ અને આજની સ્થિતિમાં ભલે ફર્ક હોય પણ તેમનાં સ્થાનમાં કોઈ ફર્ક નથી. આ નદીઓ પહેલા પણ તીર્થરૂપા અને પૂજનીય હતી અને આજે પણ છે.
રાષ્ટ્રપિતા ગાંધીજી કહેતાં કે; જ્યારે નદીઓ સંબંધિત લોકગીતોની વાત કરવામાં આવે છે ત્યારે ધરતી, પહાડ, ઝરણા અને ફસલ નાચવા લાગે છે અને ઉત્સવો, મેળા અને લોક કંઠ ગાવા લાગે છે.
મહાત્મા ગાંધીજીની આ વાત સાચી લાગે છે, પણ તેમ છતાં યે કોઈ ખાસ સમયની વાત કરીએ તો જાણ થાય છે કે; આ નદીઓને આ સ્થાન અને માન આપવાની શરૂઆત ત્રેતાયુગથી થઇ હતી, પણ સ્ત્રીસ્વરૂપા કે દેવી રૂપે તેમનું પ્રથમ સ્થાન અને માન તેમને સ્થાનીય સિક્કાઓ ઉપર અપાયું.
મથુરાનાં પુરાતત્ત્વ ઇતિહાસમાં કહેલું છે અગર સિક્કાઓ પરનાં સ્થાનની વાત કરીએ તો આ સ્થાન પ્રથમ યમુનાને મળેલું છે. જ્યારે ઉદયગિરિની ગુફાઓમાં (ઓડીસા) ખોદકામ થતું હતું ત્યારે ત્યાંથી ગંગાજીનું માનવીય આલંકન કરાયેલ સિક્કાઓ મળી આવેલાં.
ગંગા, ગંગામાતા, ગંગાદેવી, ગંગાજળ અને ગંગાનાં સ્થાનની વાત આપણાં ધર્મશાસ્ત્રો સાથે લોકસાહિત્ય અને લોકગીતોએ પણ ગાયો છે.
આમેય લોકસાહિત્ય અને લોકગીતો એ દર્પણ સમાન છે. જેમાં આપણાં જ સ્વભાવ, વાણી, વિચાર, રીતરિવાજ, માન્યતા વગેરેનું પ્રતિબિંબ પડતું રહે છે જેને કારણે એ જાણવા મળે છે કે, જ્યાં વેદો, પુરાણો, ઉપનિષદો જેવાં શાસ્ત્રોએ અને સમસ્ત દેવીદેવતાઓનાં ગણમાં ગંગાને શિવભક્ત અને મોક્ષદાયિની તરીકે ઓળખી છે ત્યાં યમુનાને વિષ્ણુભક્ત તરીકે તથા પુનઃજન્મદાત્રી તરીકે ઓળખવામાં આવી છે.
ગંગાની વિશેષ ઓળખની વાત કરીએ તો જાણ થાય છે કે; આદિ શંકરાચાર્યજીએ ગંગાજીનો મહિમા ગાવા માટે ગંગાષ્ટકની રચના કરેલી હતી તો ભગવદગીતામાં એક જગ્યાએ કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે; नदियो में मैं गंगा हूँ।
स्रोतसामडिस्म जाह्नवी ।।
નદી ગંગાનાં પ્રતિ ભારતીયોની પૂજ્ય ભાવના થવાથી ગંગા શબ્દ સર્વે નદીમાત્રનો પર્યાય બની ગયો છે અને એવી કેટલાયે શબ્દો છે જેનાં નામમાં ગંગા શબ્દ નિદર્શક બન્યો હોવાથી જે તે શબ્દ, પ્રસંગ, જળ-સ્થળનું મહત્ત્વયે વધી ગયું. દા.ત ભૂતળગંગા, ગૌમુખીગંગા, બાણગંગા, રામગંગા, કાલીગંગા, પિંડરગંગા, ઋષિગંગા, દૂધગંગા, પાતાળગંગા, ધ્રોલગંગા, સ્વરગંગા, સૂરગંગા, શબ્દગંગા, બૂઢીગંગા વગેરે. આ ગંગા શબ્દ “ગમનાર્થક” ધાતુથી બને છે. જેની કેટલીયે વ્યાખ્યા છે. –
૧) गमयतीति गङ्गा’ या ‘गाङगता इति गङ्गा’ અર્થાત્ જે ગમનશીલ છે તે ગંગા છે-‘
૨) गां पृथ्वीं गता इति गङगा’ या ‘गम् अव्ययं स्वर्ग गमयतीति गङ्गा’ અર્થાત્ જે પૃથ્વી પર આવી જીવોને તારીને સ્વર્ગ તરફ લઈ જાય છે તે ગંગા છે.
૩) गम्यते प्राप्यते मोक्षार्थिभिरिति गङ्गा’। અર્થાત જે માતા પાસે મુમુક્ષુ મૃત્યુની આશાએ જાય છે તે ગંગા છે-,
૪) ‘गमयति भगवत्पदमिति’ या ‘गम्यते प्राप्यते’ અર્થાત જે સ્નાનદિવસ દ્વારા ભગવત્પ્રાપ્તિ તરફ લઈ જાય છે, તે ગંગા છે-,
૫) ‘गमयति प्राणिनम् विशिष्ट पवित्र स्थानमिति’ -જે જીવોને વિશિષ્ટ પવિત્ર સ્થાનમાં લઈ જાય છે તે ગંગા છે.
ભગવતી ગંગા ઉત્તરભારતનાં ભૂ ભાગમાંથી વહેતી હોઈ આપનું મહત્ત્વ પણ આજ પ્રાંતમાં વધુ છે. પણ એ તો ભગવતી સ્વરૂપે. પણ આ ભગવતી ગંગાનાં પિતા કેટલા? તો એ જાણવા આપણે લોકકથાઓમાં રહેલ અલગ અલગ ઇતિહાસને જાણવા જરૂરી છે. તો ચાલો પહેલા નીકળી પડીએ ઇતિહાસને રસ્તે.
(૧) આ ઇતિહાસમાં સૌથી પહેલાં નામ આવે છે પાર્વતીજીનું. શિવપત્ની પાર્વતીને ગંગા સહોદરા કહી છે. અર્થાત પર્વતરાજ હિમવાન અને માતા મૈનાવતીની દીકરી જેમ પાર્વતી છે તેમ ગંગા પણ છે. પણ ગંગા અને પાર્વતીમાં ફર્ક એ છે કે; ગંગા જન્મ લેતાની સાથે જ ગમન કરવા લાગી આથી તેનું નામ ગંગા પડ્યું.
(૨) ગંગાનાં બીજા પાલકપિતા તે બ્રહ્માજી કહેવાયાં કારણ કે જન્મ લેતાંની સાથે જ ગમન કરતી ગંગાને રોકવા માટે માતા મૈનાવતીએ તેને બ્રહ્માજીનાં કમંડળમાં બિરાજવાની આજ્ઞા કરી હતી. જ્યારે રાજા ભગીરથે ગંગાજી માટે સ્તુતિ કરી ત્યારે બ્રહ્માજીએ પોતાનાં કમંડળમાંથી ગંગાજીને મુક્ત કરેલાં આમ બ્રહ્માજી તે ગંગાજીનાં બીજા ક્રમના પાલકપિતા બન્યાં.
(૩) ત્રીજા પિતા તે રાજા ભગીરથ કહેવાયાં કારણ કે તેઓ ગંગાજીને પૃથ્વી પર પ્રગટ કરવામાં નિમિત્ત બન્યાં હોવાથી તેઓ ગંગાનો પિતા બન્યાં છે અને ગંગાને પોતાનું નામ આપ્યું. આ બાબતોનું પ્રમાણ અને વ્યાખ્યાઓ- (દેવી ભાગવત -૯-૬-૫૧, મહાભારત – ૧૦૯-૧૮) दुहितृत्वे च नृपतिर्गङ्गाम्, ‘भगीरथस्य इयम्’ અને ‘भगीरथेन आनीता तत्सम्बन्धिनी वा।‘ અને
(૪) ચોથા પિતા તે જહનું મુનિ બન્યાં છે. જેનાં કારણે ગંગાજીને જાહ્નવી નામ પ્રાપ્ત થયું છે. (બીજા અર્થમાં -પિતાને અધિકાર છે પુત્રીને પોતાનું નામ આપવાનો)
પાપોને ધોનારી, સંસાર સાગરમાંથી બચાવનારી ભાગીરથી ગંગાજીનાં વિવિધ લોકમાનસ અને લોકભાષામાં પ્રવેશ કરીએ અને જોઈએ કે; જીવનનાં અંતિમ સમયમાં શિવત્ત્વમાં પહોંચવા માટે મદદ કરનારી ભગીરથ પુત્રી માટે જનમાનસે તેનાં મહિમાને ગાતા કહ્યું છે કે;
मोरे मन बसि गै भगवतगीत,
सब देवतन माँ ब्रह्म बड़े है,
और सब नदियन माँ,
गंगा पुनीता बड़ी है ।।
રાજા ભગીરથે દેવી ગંગાને પૃથ્વી પર આવવા કહ્યું ત્યારે દેવી ગંગા એ માનુની હતાં. આ સમયે આપ એટલાં વેગથી નીચે આવ્યાં કે આવીને તરત પાતાળમાં સમાઈ ગયાં જ્યાં નાગલોક હતો. પાતાળમાં સમાયેલ ગંગાને બહાર લાવવા રાજા ભગીરથે ફરી શ્રમ શરૂ કર્યો ત્યારે ગંગાજીની ઉપર ઉઠતાં પ્રવાહને જોઈ આપે મહાદેવજીને વિનંતી કરી. જેથી કરી માનુની ગંગાનાં ગર્વને તોડવા માટે મહાદેવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લીધાં.
એક ભોજપુરી લોકગીતમાં કહે છે કે;
गङ्गा परगट भइये के बाद
बारह बरिस भगीरथ जोग तप कइले
तब रे महादेव पलक उघरले
झोरिया से कढ़ले विभूतिया
गंगाजी के दीहले
અર્થાત્- ગંગાજીને જટામાં અટવાયેલા જોઈ રાજા ભગીરથે બાર વર્ષ સુધી કઠોર તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા ત્યાર પછી આપની ઝોળી ફેલાવી લોક કલ્યાણ, સમાજકલ્યાણ હેતુ આપની પાસેથી ગંગાજીને માંગ્યાં. ત્યારે મહાદેવે પોતાની જટા ખોલી ગંગાને મુક્ત કરી કહ્યું કે; જાઓ ભગીરથ લઈ જાવ આમને તમારે સ્થાને અને દેવી ગંગાને આજ્ઞા કરી કે;
देबी गंगे, इसे साथ लेकर
धरती पर उतरो !
जइह भागीरथ -भागीरथी
अपना अस्थाने !
શિવની જટામાં ગૂંચવાઈને પણ માનુની ગંગાએ પાઠ લીધો નથી તેથી ગંગા ભૂતલ પર વેગથી દોડવા લાગી. આ સમયે તેનાં માર્ગમાં જહનું મુનિનો આશ્રમ આવ્યો અને તેણે તે આશ્રમને ધ્વસ્ત કરી નાખ્યો જેથી કરી જહનું મુનિએ તેનું માનુનીપણું તોડવા માટે અંજુલિભરમાં લઈ પોતાનાં દેહમાં સમાવી દીધી.
રાજા ભગીરથે ગંગાને મુક્ત કરવા જહનું મુનિનાં ક્રોધને શાંત કર્યો જેનાં પરિણામે જહનું મુનિએ ગંગાને પોતાનાં જહ્યનુંમાંથી પ્રગટ કરી.
પોતાનાં નામરૂપી દેહમાંથી પ્રગટ થયેલી ગંગાને તેમણે જાહ્નવી નામ આપ્યું અને ભગીરથ રાજાનાં પૂર્વજોનો ઉધ્ધાર કરવાની આજ્ઞા કરી. (પ્રમાણ – ‘दुहितृत्वेन जाह्नवीम्’ (વાયુપુરાણ ૯૧-૫૫ ), जं जनं ह्नुते तिरोभावं नयति इति जह्नुः।‘ જહનુંપુત્રી જાહ્નવીની વ્યાખ્યાં કરતાં કહ્યું છે કે; जनान् संहारसमये अपह्नुते’। – ‘जं जनं ह्नुते तिरोभावं नयति इति जह्नुः।‘ જે જીવોને સંહાર સમયે દૂર લઈ જઈ પરમપદમાં પહોંચાડે છે તે ‘જાહ્નવી’ છે.
દેવી ભાગવત અનુસાર લક્ષ્મી, સરસ્વતી અને ગંગા એ ત્રણેય ભગવાન નારાયણની પત્ની છે. એક કથાનુસાર સરસ્વતી એ આમ તો બ્રહ્માપુત્રી છે. સરસ્વતીનાં ગુણ જોઈ સર્વે દેવતાઓએ તેને જીવોની વાણીની દેવીનું સ્થાન આપ્યું.
એક સમયે દેવી સરસ્વતી પોતાનાં સુંદર કંઠથી ગાન કરી રહ્યાં હતાં. આ ગાનથી આકર્ષિત થઈ બ્રહ્મા ત્યાં આવ્યાં તે સમયે રૂપ અને ગુણ પર મોહિત થઈ બ્રહ્માએ તેનો જબરદસ્તી ઉપભોગ કર્યો.
પુત્રી અને સ્ત્રી તરીકે તેની તેનાં જ પિતૃગૃહમાં કોઈ જ સલામતી નથી તે ભાવનાથી ક્રોધિત થઈ સરસ્વતીએ પિતા બ્રહ્માને શાપ આપ્યો કે; આપના જે મસ્તકમાં કામ ભર્યો છે તે મસ્તકનો વિચ્છેદ થાઓ અને આપને મારા પછી કોઈ જ દૈહિક સંતાનો ન મળે. (આ શાપ પછી બ્રહ્માજીએ સંસાર ચલાવવા માટે મનમાંથી ૯ માનસપુત્રોને પ્રગટ કર્યા હતાં.)
પિતાને શાપ આપ્યા પછી મારું સ્વરૂપ અને સ્ત્રીત્ત્વ મલીન થયું છે તેથી આ દેહનો પણ ત્યાગ થવો જ જોઈએ તેવી ભાવનાથી દેવી સરસ્વતી ગૃહત્યાગ કરી નીકળી પડ્યાં.
સરસ્વતી એ વાણીદેવી કહેવાયાં છે જો વાણી જ પોતાનો દેહ ત્યાગે તો એનો અર્થ એ થયો કે હવે પછી સંસારમાં સર્વે જીવો મૂક બની જશે. આથી ભગવાન નારાયણ વિષ્ણુએ દેવી સરસ્વતીને શાંત કરવા આપના હસ્તમાં વીણા આપી.
દેવી સરસ્વતી શાંત થયાં પછી આપે તેમનાં સ્ત્રીત્ત્વનું માન રાખવા તેમને પત્ની તરીકેનું સ્થાન આપ્યું અને નિવાસસ્થાન આપે પોતાની જિહવા પર રાખ્યું.
લક્ષ્મી અને સરસ્વતી પછી ભગવાન નારાયણે ગંગાજીને ત્રીજા પત્ની બનાવ્યાં અને આપને આપના જમણા પગનાં અંગૂઠામાં સ્થાન આપ્યું.
એક સમયે આ ત્રણેય પત્નીઓ વચ્ચે કલહ થયો ત્યારે ભગવાન નારાયણે આ ત્રણેય પત્નીનાં કલહથી થાકીને તેમને જળ સ્વરૂપે પૃથ્વી પરથી વહેવાનો આદેશ કર્યો. જેનાં પરિણામે સરસ્વતી અને ગંગા મૂળ નામે અને લક્ષ્મીજી પદ્માવતી નામ ધારણ કરી પૃથ્વી પરથી વહ્યાં. આ જ કથાને આધારિત નેપાલી લોકગીતમાં કહ્યું છે કે;
गङ्गा सु उमड़ी,
पद्मा सु उमड़ी,
ब्रह्मापुत्री सु उमड़ी
उमड़त घोंघा सेभार हे,
कलयुग का सेभार हो।
અર્થાત્ – પદ્મા હોય, ગંગા હોય કે બ્રહ્માપુત્રી હોય એટ્લે કે ત્રણેય ભલે દેવી સ્વરૂપો હોય પણ જ્યારે તોફાન ચાલતું હોય, કલિયુગનો પ્રભાવ હોય ત્યારે કોઈનું દેવી સ્વરૂપ ચાલતું નથી તેઓ આ તોફાનમાં સપડાય જ જાય છે (અથવા આ તોફાનની અસર તેમના પર થાય જ છે.)
લોકગીતોની જેમ લોકકથાઓની ભાષા પણ નિરાળી છે, તેથી જ્યાં ભગવાન શિવે રાજા ભગીરથને માટે જટા ખોલી ગંગાજીને છોડ્યાં છે ત્યાં એક ગુજરાતી લોકકથામાં ભોળા શંભુ ગંગાને બાંધીને કૈલાસે લઈ આવ્યાં છે. જે જોઈ પાર્વતીજી ને આશ્ચર્ય થાય છે અને આપ પ્રભુને પૂછે છે કે;
મ્હારા ભોળા શંભુ તપે ગ્યાં’તા તે વિસરી,
આ જટાએ કોને બાંધીને લઈ આવ્યા?
જવાબમાં ભોળા શંભુ કહે છે કે;
ગણેશ, કાર્તિકની માવડી અમે જટાએ ગંગાનારીને બાંધી લાવ્યાં.
પાર્વતી પૂછે સાંભળી વાત જી
બાંધીને લાવવાની જરૂર ક્યાં હતી નાથજી?
આ જ લોકકથાને બીજી રીતે પણ માણવામાં આવે છે…
મ્હોરા ભોળા શંભુ તપે ગ્યાં’તા તે વિસરી
આ જટાએ કોને બાંધીને લઈ આવ્યાં?
કહે ભોળા શંભુ
ગણેશ, કાર્તિકની માવડી અમે જટાએ ગંગાનારીને બાંધી લાવ્યાં.
સાંભળી વાત અવનવી પાર્વતી પૂછે કે;
નાથ બળે લાવીયા, કે સબળે લાવિયા?
જવાબમાં શંભુ કહે છે કે;
હિમા એ થોડા બળે ને થોડા સબળે આવિયા.
સાવ સામાન્ય દેખાતી આ કથામાં ઘણાં ઊંડા અર્થો રહેલાં છે. પહેલા અર્થમાં જોઈએ તો, “હિમા એટલે હિમાલય પુત્રી” પાર્વતી. પણ પાર્વતી આપણે કહીશું કોને? કારણ કે અહીં તો ગંગા અને શિવપત્ની શિવા બંને હિમાલયની પુત્રીઓ છે. આથી આ હિમા શબ્દ કોને માટે ઉપયોગ થયો છે તે વિચારણીય બાબત છે.
જો પાર્વતીને માટે હિમા શબ્દ લઈએ તો ગંગા એ શિવની સાળી થઈ, અને સાળી જીજાનો સંબંધ આમેય મધુરો ને તીખો ગણાયો છે. આવા અરસામાં એમ સમજી શકાય કે; સાળી ગંગાને શિવ આગ્રહ કરી કરીને પોતાનાં ગૃહે લઈ આવ્યાં હશે માટે અહીં “થોડા બળે” શબ્દનો પ્રયોગ થયો છે.
પાર્વતી ગંગાની નાની બહેન છે તેથી કદાચ ગંગાને તેને મળવાનું મન થયું હોય, માટે તેઓએ પણ ના ના કહેતાં મન મનાવી જ લીધું માટે “સબળે” શબ્દનો પ્રયોગ થયો છે.
બીજા અર્થમાં જોઈએ તો પ્રભુ આપ અહીં કોને બાંધીને લઈ આવ્યો છો તેમ પાર્વતીજીએ પૂછ્યું છે. તેનું કારણ એ છે કે; પોતાનો પતિ કોઈ બીજી નારીને આમ બાંધીને ઘરે લઈ આવે તે ગૃહની સ્વામિનીને ગમે નહીં.
એમાંયે જે સ્ત્રીનાં મનમાં પોતાનાં પતિ માટે સ્નેહ છે તેને તો ઘરે આવકાર આપવા માટે સહેજે ય મન ન હોય તે બહુ સ્વાભાવિક છે. આ બાબતમાં ગંગાય આવી જાય છે ને પાર્વતી પણ આવી જાય છે.
શિવપુરાણમાં બતાવ્યું છે કે;
ગંગાનાં મનમાં શિવ માટે આકર્ષણ છે માટે એ પાર્વતીનાં સૌતન ગણાય છે. પણ જે પતિ એકલાં તપ કરવા ગયાં હતાં તે પતિ કોઈકને સાથે લઈને ગૃહમાં દાખલ થયાં છે તે જોઈને પાર્વતીજી પ્રશ્ન કરે છે કે; આમ કોને બાંધીને લાવ્યાં છો? અને લાવ્યાં છો તો બળે લાવ્યાં છો કે સબળે લાવ્યાં છો? એમાંયે લાવ્યાં છો તો કારણ બતાવો કે એણે એ કોઈ અપરાધ કર્યો છે? અથવા એવું કોઈ પરાક્રમ કર્યું છે? જેનાથી આપને તેને બાંધીને લાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય.
આમ પાર્વતી – ગંગા શબ્દનાં ઉચ્ચારણને ટાળીને શિવને અનેક પ્રશ્ન કરે છે જેનાં ઉત્તરમાં શિવ, ગણેશ કાર્તિકેયની માવડી એવા શબ્દોનો પ્રયોગ કરીને કેવળ કહે છે કે; હું ગંગાને બળે -સબળે બાંધીને લઈ આવ્યો છું. પણ શા માટે તેનું કોઈ કારણ શિવ કે લોકકથાકાર બતાવતાં નથી. તેથી આ વિષે આપણે જ પ્રશ્ન કરવો પડે અને આપણે જ વિચારવું પડે છે.
ગંગા, શિવશંભુ અને પાર્વતીનાં વાર્તાલાપથી હવે આપણે આગળ વધતાં જોઈએ કે; ભગવતી ગંગાને માટે કહ્યું છે કે;
गंग सकल मुद मंगल मूला ।
सब सुख करनि, हरनि सब सूला ।।
અર્થાત્:- તીર્થરૂપા ગંગા એ આપણી પીડાને હરનારી અને બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરનારી મંગલા છે.
મંગલ કરનારી દેવી ગંગા એ યુગોથી ભારતીય જીવનનો એક મહત્તમ અધ્યાય બની રહી છે, પણ જોવાની વાત એ છે કે કેવળ ગંગા જ નહીં પણ ગંગાની સહેલીઓનું પ્રાતઃસ્મરણ પણ પવિત્ર ગણાયું છે. અલબત્ત એમાં યે ગંગાનું સ્થાન તો પ્રથમ જ છે.
गंगे! च यमुने! चैव गोदावरी! सरस्वति!
नर्मदे! सिंधु! कावेरि! जलेSस्मिन् सन्निधिं कुरु।।
આમ જોઈએ તો ગંગાનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે, પણ જેમ સમુદ્ર સુધી ગંગાનો માર્ગ લાંબો છે તેમ દેવી ગંગાનો આપણો વિષય પણ લાંબો છે. તેથી આજે અહીં જ અટકીએ અને દેવી ગંગાનાં ગુણ ગાઈએ.
प्रकृति का मनोरम परिवेश,
शांत एकांत शालीन वातावरण,
धर्म नैतिक मूल्यो की समष्टि,
भव भय मोचिनि आनंददायिनी
ये साधारण जल से परिपूरित नदी नहीं,
पुण्यसलिला देवी का ये स्वरूप है,
तरल तरंगिणी पाप विनाशीनी,
श्री हरि के चरणकमलों से निःसृत है,
शिव की जटाओं में विहार करनेवाली,
शिवानी संगिनी, मातु गंगा हमें प्राप्त है ।
– ( चन्द्रप्रभा कुमार )
Copyright ISBN-978-1500299901
© પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ
૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩
(ક્રમશ:)
પૂર્વીબહેન અગાઉ આ જ બ્લોગ ઉપર પાકીસ્તાનનાં લેખો વાંચ્યા છે, પણ આ વિષય તદ્દન અનોખો છે નવો છે. હું ગેરેંટી સાથે કહું છું કે ભારતની જ વિવિધ ભાષાઓનાં કાવ્ય મિલન સાથે, તેમાં અર્થો સાથે, કથા પ્રસંગો સાથેની આવી ક્ષેણીનો આસ્વાદ ક્યારેય આવ્યો નથી કે જોયો નથી. તમે ગંગાની સંસ્કૃતિનું ટાઈટલ ખરે જ સાર્થક કર્યું છે.
અતી સુન્દર જાણકારી આ લેખ માં છે
Totally Amazing, & Also no words. Waiting 4 more Articles.