પાંચ ગઝલ ~ ડૉ. માર્ગી દોશી (BHMS, PGDHHM) ~ અમદાવાદ

(ડૉ. માર્ગી દોશી અમદાવાદમાં ખાનગી પ્રેક્ટીસ કરે છે.  તેઓ લગભગ દોઢેક વર્ષથી ગઝલ લખે છે. અહીં એમની પાંચ ગઝલ પ્રસ્તુત છે.)

૧. નથી લખવા

અધૂરા રહી ગયા જે, આજ એ સપનાં નથી લખવા,
હવે પીડા, પળોજણ, પ્યારનાં બોજા નથી લખવા.

સતત રટતાં અધૂરાશો કલમને થાક લાગ્યો છે,
વીતેલા વર્ષનાં એકાદ-બે ગાળા નથી લખવા.

વિચારોને વ્યવસ્થા સોંપવી છે શેરિયત ખાતે,
સળગતાં શેર લખવા છે, હવે નબળા નથી લખવા.

ઇરાદા સૌ અદબમાં રહે, અમે તાલીમ આપી છે,
ગજું ભૂલીને ખોટેખોટા કંઇ દાવા નથી લખવા.

ખુમારી, ચાહ, ઈચ્છા, આંસુઓ, બહુ તો શિકાયત હોય,
ગઝલમાં ક્યાંય અમારે જાતનાં ફાળા નથી લખવા.

ઘણાં યત્નો પછી છૂટ્યું દરદ લખવાનું એ વળગણ,
ફરી ખાલીપણાંના સળ ભર્યા પાનાં નથી લખવા.

ઘણી મુદ્દત પછી ઉમ્મીદનો દેખાય વરતારો,
હવે કાગળ ઉપર ક્યારેય અંધારા નથી લખવા.

૨. ભણે છે

મન કશે ટેવાયું નહિ બસ એટલે ગઝલો ભણે છે,
ને ગઝલ લખવા નવી ફિરાકનો કક્કો ભણે છે.

ખોરવી બેસે ત્વરિત લયબદ્ધતા ભાવુક ક્ષણોમાં,
બાળ જેવું છે હૃદય, એ શું હજુ શ્વાસો ભણે છે?

જે તબીબીમાં થયો પુરવાર અવ્વલ હર તબક્કે,
એ ભલાઈનો હવે ચૂકી ગયેલ પાયો ભણે છે.

ટેવ છે સાચાંને સાચું માનવાની જે બધાની,
એ હવે નવરાશમાં એક એકનો ‘ચહેરો’ ભણે છે.

ચીસ એકલતાની પડઘાયા કરે હર ઘૂઘવાટે,
રાતનાં એકાંતે જઈ મન આજ પણ દરિયો ભણે છે.

એ મથે છે ક્યારનો અવતરવા પણ માણસ નડી જાય,
કઈ જગા સારપ બચી ! જોવા પ્રભુ નકશો ભણે છે.

નામની છે ડિગ્રીઓ ને નામનાં થોથાં રહ્યા બસ,
પુખ્ત થઇ ગ્યા બાદ માણસ એકલો પૈસો ભણે છે!

૩. બસ એક લાગમાં

તારાપણું જ માંગ્યું દુઆઓનાં ભાગમાં,
બાકી બધું કરી દીધું સામેલ ત્યાગમાં!

વાવ્યાં હતાં વિસાત પ્રમાણે હૃદયમાં પણ,
સ્વપ્નો સડ્યાં સદાય વ્યથાનાં વિભાગમાં.

કોશિશ કરી’તી, પીંજરું ઇચ્છાનું તોડવા,
થઇ ગઇ એ એક પ્રયાસની ગણના ‘અથાગ’માં.

ઇશ્વર વહેંચતાં’તા બધાંને નસીબ ત્યાં
અંધાર એકલો જ મળ્યો લાગભાગમાં.

શોધ્યાં કરે ગઝલની પ્રતિષ્ઠાનાં સૌ પ્રમાણ!
દર્દો ગજાની બહારનાં મળશે સુરાગમાં.

ગમતું જતું કર્યું છે, વસૂલી હવે થશે!
કિસ્મતને આવવા દે ને બસ એક લાગમાં.

સારાપણું સ્વભાવમાં હોવું જરૂરી, પણ
નીકળવું જોઈએ કશું તો એનાં તાગમાં!

૪. ઓળખાયા

નામથી, ચહેરાથી તો કોઈ કરમથી ઓળખાયા,
કો’ક ખમતીધર હશે, જેઓ કલમથી ઓળખાયા!

જોઈને ગમખ્વાર કિસ્સા યાદ સૌ અમને કરે છે,
આ રીતે કાયમ અમે નામે-‘જખમ’થી ઓળખાયા.

ગ્રાફ ગગડ્યો છે ભલાઈનો અહીં એ હદ સુધી કે,
ઓળખાયા જે, અસલમાં તો રકમથી ઓળખાયા!

ક્યાં હતી મોહતાજ આ ગઝલો સિફારિશની કદીયે!
શેર કસ, કોશિષ, કસબથી, ખુદનાં દમથી ઓળખાયા.

કૈંક સ્વપ્નોએ કસમ ખાધી તી કાયમ તૂટવાની,
માણસો માફક એ સપનાં પણ અહમથી ઓળખાયા!

જ્યારથી એકાંતને ઓવાર્યું શબ્દોનાં શ્રીફળથી,
આ કલમ, કાગળ, વિચારો… સૌ ‘ધરમ’થી ઓળખાયા

૫. હોઈ શકે

હર ગઝલ પાછળ છૂપો ઘા કારમો હોઈ શકે.
જે કવિની જિંદગીનો આયનો હોઈ શકે.

કાવ્ય સમજીને નવાજો ને બને એવુંય કે,
કોઈ સદગત્ સ્વપ્નનો એ ખરખરો હોઈ શકે.

બંદગીનો અર્થ કેવળ માંગવાનું હોય શું?
કૈંક ખોટાં કર્મનો ત્યાં વસવસો હોઈ શકે.

એમ અમથો નહિ બનેલો હોય ગુનેગાર એ,
દીકરો હદથી વધારે લાડકો હોઈ શકે.

જો કદી ઈમાન પોકારે હૃદય-ખૂણેથી તો,
બાપ-દાદાનો એ છાનો વારસો હોઈ શકે.

અન્ન હડસેલો એ પહેલાં એટલું વિચારવું,
કો’કનો એ જીવવાનો આશરો હોઈ શકે.

આજ વાદળ આટલાં ગરજે છે, આખર શું હશે!
સ્વર્ગમાં નામે-મરીઝ મુશાયરો હોઈ શકે.

~ ડૉ. માર્ગી દોશી

Leave a Reply to Ravindra Singh jadejaCancel reply

18 Comments

 1. વાહ ખુબ સરસ
  વીચારોને બસ હવે થોડા થોભવા છે,
  દીલથી નીકળતા શબ્દોને રોકવા છે,
  કોરા કાગળ પર કલમને ઘસાવુ હવે ગમતું નથી,
  લખ્યા પછી પણ કોઇ જવાબ દેતું નથી

 2. “સતત રટતાં અધૂરાશો કલમને થાક લાગ્યો છે,
  વીતેલા વર્ષનાં એકાદ-બે ગાળા નથી લખવા.”
  સરસ રચનાઓ…
  “હર ગઝલ પાછળ છૂપો ઘા કારમો હોઈ શકે.
  જે કવિની જિંદગીનો આયનો હોઈ શકે.”
  સરયૂ પરીખ

 3. ખુબજ સુંદર અને અપ્રતિમ શેર, શાયરીઓ છે.

  “હર ગઝલ પાછળ છૂપો ઘા કારમો હોઈ શકે.
  જે કવિની જિંદગીનો આયનો હોઈ શકે.”

  હ્રદય સ્પર્શી ને આકર્ષક પાંચેય ગઝલો અને રચનાઓમાં શબ્દોનું સૌંદર્ય વ્યક્ત કર્યું છે.

  ધન્યવાદ ડૉક્ટર સાહેબા 🙏💐

  1. મારાં શબ્દો બિરદાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. કવિ શ્રી હિતેનભાઈની ઋણી છું.