મામા (કવિ નાથાલાલ દવે) અહીં નથી : સ્મરણલેખ ~ સરયૂ પરીખ ~ (ગીતનો ઓડિયો સાંભળવા વિશેષ વિનંતી)
ભાઈ-બહેન મા વગરના ઉછરેલા, તેથી મોટાભાઈ તરીકે, મારા મામા કવિ નાથાલાલ દવેને, તેમની નાની બહેન, મારા બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો. ભાવનગરમાં અમારાં બન્ને પરિવાર વચ્ચે ગહેરો સંબંધ રહેલો.
નાથાલાલ દવેનું ગરવું વ્યક્તિત્વ અને કાવ્યોની રસભરી રજૂઆત કરવાની શૈલીથી ઘણા લોકપ્રિય હતા. નિવૃત્ત થયા પછી પણ ઘણા પ્રવૃત્ત રહેતા. મારા ભાઈ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી.
મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી તેથી ભાવનગરમાં એકલા રહેતા મારા બાને મામાની ઘણી હૂંફ રહેતી.
એ સમયે મામાની ઉંમર ૭૮ની હતી અને ભૂલી જવાની બિમારી શરૂ થઈ. ઘણી વાર રસ્તો ભૂલી જાય વગેરે અનેક તકલીફો શરૂ થઈ હતી. બાને ઘરે, દિવસના એક કે બે વખત આવે. બા દૂધનો પ્યાલો આપે તે પીવે. ક્યારેક ફરી આવે, અને કહે કે, “ભાગુબેન દૂધ?” બા કહે “ભાઈ, તમે પી લીધું.” “ભલે,” કહીને ઘેર જતા રહે.
૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું. અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજા સગાને મળવા ગઈ હતી. મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા, પણ મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી.
મારા એ મામા જે, હું અમેરિકાથી આવું કે વહેલી સવારમાં પહેલા મળવા આવી પંહોચ્યા હોય, કે ગરમ જલેબી અને ગાંઠીયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતા…એ મામાને, મારી ઓળખ આપવી…! આંખો સહેજે ભરાઈ આવી.
અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા. અમારી બા ભાગીરથીબહેનનું બેસણું હતું. મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી. બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું. પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા. મુનિભાઈનું હ્રદય કરૂણતાથી તડપી ઊઠ્યું…“મારા મામા અહીં નથી.”
ત્યારબાદ, ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા.
~ સરયૂ પરીખ
www.saryu.wordpress.com
***
કાવ્ય: હવામાં આજ
હવામાં આજ વહે છે
ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો
ભાર હૈયાનો કીધો ખાલી
તૃણે તૃણે પાને પાને
ઝાકળબિંદુ ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા
ધરતીખોળે વરસી ચાલી
રમતાં વાદળ ગિરિશિખરે
મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો
પ્રીતમ ઊભો વાટ નિહાળી
રવિ તો રેલે ન્યારા
સોનેરી સૂરની ધારા,
વિશાળે ગગનગોખે
જાય ગૂંથાતી કિરણજાળી
મન તો જાણે જુઈની લતા
ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે
ઝૂલે એ તો ફૂલીફાલી
~ કવિ નાથાલાલ દવે
(નીચેની લિંક ક્લિક કરી આપ સ્વરાંકન સાંભળી શકશો.)
કવિ નાથાલાલ દવે
|| મુખ્ય રચનાઓ ||
- કવિતા – કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ
- વાર્તા – ઊડતો માનવી, મીઠી છે જિંદગી
કાવ્ય અંતરમાં આનંદની લહર આપે છે
મામાની યાદને પ્રકાશિત કરવા માટે આભાર. હવામાં…કાવ્ય અંતરમાં આનંદની લહર આપે છે.
સવાલના જવાબમાં, પદ્મશ્રી મુનિભાઈ, વડોદરામાં વહો વિશ્વામિત્રી અભિયાનના પ્રણેતા, Dr.M.H.Mehta.
સરયૂ પરીખ